સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“ના, ના, એ બની જ ન શકે!”

“ના, ના, એ બની જ ન શકે!”

“ના, ના, એ બની જ ન શકે!”

ન્યૂ યૉર્કમાં રહેતા એક પિતા ભારે હૈયે કહે છે: “અમારો દીકરો જોનાથન તેના દોસ્તોને મળવા ગયો હતો. તેઓ અમારા ઘરેથી થોડાક કિલોમીટર દૂર રહેતા હતા. ત્યાં તેઓનું વર્કશોપ પણ હતું, જ્યાં તેઓ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બનાવતા. જોનાથનને ત્યાં જવું બહુ જ ગમતું, કેમ કે તેને ઇલેક્ટ્રોનિક શીખવાનો ઘણો શોખ હતો. પણ ત્યાં જવા તેણે હાઈ-વે પર ભરચક ટ્રાફિકમાં ડ્રાઇવ કરવું પડતું. મારી પત્ની વેલેન્ટિના હંમેશાં ડરતી કે કોઈ વાર ઍક્સિડન્ટ થશે તો? એ દિવસે મારી પત્ની પોર્ટો રિકોમાં તેના પિયર ગઈ હતી. જોનાથન પણ તેના દોસ્તોની વર્કશોપે ગયો હતો. હું ઘરે જ હતો. પણ સાંજ પડતી ગઈ તેમ, મને થયું કે ‘જોનાથન હવે તો આવવો જ જોઈએ, કેમ આટલું મોડું થયું.’ ત્યાં જ ડોરબેલ વાગ્યો. મને થયું: ‘હાશ, મારો દીકરો આવી ગયો.’ પરંતુ, બારણું ખોલ્યું તો પોલીસ અને એમ્બ્યુલન્સવાળા હતા. પોલીસે એક લાઇસન્સ બતાવીને પૂછ્યું: ‘શું તમે આને ઓળખો છો?’ તરત જ મેં કહ્યું: ‘હા, હા, એ તો મારો દીકરો છે.’ પોલીસે જરા અટકીને કહ્યું: ‘તમારા દીકરાનું ઍક્સિડન્ટ થયું છે, અને . . . અને તે માર્યો ગયો છે.’ હું ચીસ પાડી ઊઠ્યો: ‘ના, ના, એ બની જ ન શકે.’ એ વાતને આજે વર્ષો વીતી ગયાં, તોપણ અમારા દિલનો ઘા હજી રુઝાયો નથી.”

બાર્સિલોના, સ્પેઇનથી એક પિતા લખે છે: “વર્ષો પહેલાં મારું કુટુંબ આનંદ-કિલ્લોલથી ભરેલું હતું. મારા કુટુંબમાં મારી પત્ની મરિ, અને ત્રણ સુંદર મજાનાં બાળકો હતાં. તેર વર્ષનો ડેવિડ, ૧૧ વર્ષનો પાકિટો અને સૌથી નાની ઈઝેબેલ, જે ૯ વર્ષની હતી.

“માર્ચ ૧૯૬૩ની આ વાત છે. એક દિવસ પાકિટો સ્કૂલેથી આવતા જ કહેવા લાગ્યો કે તેનું માથું ખૂબ દુઃખે છે, જાણે ફાટી જશે. હજુ તો શું થયું એ અમે શોધી કાઢીએ, એટલામાં તેની હાલત વધારે બગડી. બસ, ત્રણેક કલાકમાં તો એનો જીવનદીપ બુઝાઈ ગયો. મારા ફૂલ જેવા દીકરાને મગજની નસ ફાટી જવાથી (બ્રેઈન હેમરેજથી) મોત ભરખી ગયું.

“પાકિટો ગુજરી ગયો એને આજે ત્રીસેક વર્ષો થઈ ગયા. તેમ છતાં, દિલ પર પડેલો એ જખમ તાજો જ છે! બાળક તો માબાપની આંખના તારા હોય છે. પરંતુ, તેને કંઈક થઈ જાય ત્યારે, માબાપના દિલના ટુકડે ટુકડા થઈ જાય છે. એને ભલે ગમે એટલાં વર્ષો થઈ જાય, કે પછી બીજાં ગમે એટલાં બાળકો થાય, તોપણ એ બાળકની ખોટ કદીયે પૂરાતી નથી.”

આ બે અનુભવો બતાવે છે કે બાળકના મરણથી માબાપનું કાળજું કપાઈ જાય છે. એક ડૉક્ટરે કહ્યું કે ‘કોઈ ઘડપણમાં ગુજરી જાય એના કરતાં, બાળકના મરણથી માબાપને વધારે દુઃખ લાગે છે. માબાપને સપનેય ખ્યાલ નથી આવતો કે પોતાને આ દિવસ જોવાનો આવશે. કોઈ પણ બાળક ગુજરી જાય ત્યારે, માબાપનાં સપના ભાંગીને ચૂર-ચૂર થઈ જાય છે.’ જ્યારે કસુવાવડ થાય ત્યારે પણ આવી જ હાલત થઈ શકે છે.

એક દુઃખી વિધવા કહે છે: “મારા પતિ રસેલ, બીજા વિશ્વયુદ્ધમાં પૅસિફિક ક્ષેત્રમાં ડૉક્ટરના આસિસ્ટંટ હતા. તેમણે ઘણાં યુદ્ધો જોયાં હતાં અને કેટલીયે વાર મોતના મોંમાંથી પાછા આવ્યા હતા. તે અમેરિકા પાછા આવ્યા ત્યારે જ તેમને શાંતિ મળી. સમય જતાં તે પૂરી ધગશથી પરમેશ્વરની ભક્તિ કરવા લાગ્યા. તે ૬૨ વર્ષના થયા ત્યારે, તેમને હૃદયની તકલીફો થવા માંડી. તોપણ, તે આરામ કરવાને બદલે પહેલાંની જેમ જ કામ કરતા. જુલાઈ, ૧૯૮૮માં એક દિવસે, અચાનક તેમને હાર્ટ ઍટેક આવ્યો. અને . . . અને તે મને એકલી છોડીને ચાલ્યા ગયા. અરે, હું છેલ્લી વાર તેમનું હસતું મોં પણ જોઈ ન શકી. છેલ્લા ૪૦ વર્ષની અમારી પાક્કી દોસ્તી તૂટી ગઈ. હવે મારું જીવન સાવ ખાલી-ખાલી લાગે છે.”

આ તો થોડા જ દાખલા છે. આખી દુનિયામાં જોઈએ તો દરરોજ હજારો-લાખો કુટુંબો પર આવા દુઃખના ડુંગર તૂટી પડે છે. મરણ જાણે કે એક શિકારી છે, જે તમારા બાળકને, તમારા પતિને, તમારી પત્નીને, તમારા માબાપને, કે તમારા દોસ્તોનો શિકાર કરવા માગે છે. એક બાઇબલ લેખક પાઊલે સાચું જ કહ્યું છે, કે મરણ તો “શત્રુ” છે. ખરેખર, આજે એવા શોકમાં ડૂબેલા લોકોનું પણ એમ જ કહેવું છે. આપણને કોઈ પણ સગાના કે મિત્રના મરણની ખબર પડે ત્યારે, પહેલા તો આપણે માનતા જ નથી. કદાચ આપણે પણ બોલી ઊઠીએ: “ના, ના, એ બની જ ન શકે!” ત્યાર બાદ, એક પછી એક લાગણી ઉભરાઈ આવે છે, જેના વિષે આપણે આગળ જોઈશું.—૧ કોરીંથી ૧૫:૨૫, ૨૬.

એ પહેલાં આપણે કેટલાક અગત્યના પ્રશ્નોનો જવાબ મેળવવાની જરૂર છે. જેમ કે, મરણ પછી શું થાય છે? શું આપણે આપણા ગુજરી ગયેલા સગા-વહાલાને ફરી જોઈ શકીશું?

એક ખરી આશા છે

બાઇબલ લેખક પાઊલે ‘શત્રુથી’ છુટકારો મેળવવાની આશા આપી. તેમણે લખ્યું: ‘છેલ્લો શત્રુ તે મરણ છે. આખરે તેનો પણ નાશ થશે.’ (૧ કરિંથી ૧૫:૨૬, IBSI) શા માટે પાઊલને આટલી બધી ખાતરી હતી? એનું કારણ એ કે એના વિષે તેમને શીખવનાર બીજું કોઈ નહિ, પણ મરણમાંથી સજીવન થયેલા ઈસુ ખ્રિસ્ત હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૯:૩-૧૯) તેથી, પાઊલે લખ્યું: ‘એક માણસે એટલે આદમે જે કર્યું તેને લીધે પૃથ્વીમાં મરણનો પ્રવેશ થયો, અને આ બીજા માણસે એટલે ખ્રિસ્તે જે કર્યું તેને લીધે મૂએલાં સજીવન થશે. આપણે બધા આદમના પાપી વંશમાં જન્મેલા છીએ. પાપનું પરિણામ મોત છે, તેથી દરેકને મરવાનું છે. પણ જેઓ ખ્રિસ્તની સાથેના સંબંધમાં જોડાયેલા છે, તેઓ સજીવન થશે.’—૧ કરિંથી ૧૫:૨૧, ૨૨, IBSI.

હવે નાઈન ગામમાં રહેતી એક વિધવાનો વિચાર કરો. બાઇબલ કહે છે: “[નાઈન] શહેરની ભાગળ પાસે તે [ઈસુ] આવ્યો ત્યારે, જુઓ, તેઓ એક મૂએલા માણસને બહાર લઈ જતા હતા; અને તે તેની માનો એકનોએક દીકરો હતો, તે તો વિધવા હતી; અને શહેરના ઘણા લોક તેની સાથે હતા. તેને જોઈને પ્રભુને તેના પર કરુણા આવી, અને તેણે તેને કહ્યું, કે રડ મા. તે પાસે આવીને ઠાઠડીને અડક્યો; એટલે ખાંધિયા ઊભા રહ્યા. તેણે કહ્યું, કે જુવાન, હું તને કહું છું, કે ઊઠ. ત્યારે જે મૂએલો હતો તે બેઠો થયો, અને બોલવા લાગ્યો. તેણે તેને તેની માને સોંપ્યો. એથી સઘળાને ભય લાગ્યું; અને તેઓએ દેવની સ્તુતિ કરીને કહ્યું, કે એક મોટો પ્રબોધક આપણામાં ઊભો થયો છે, અને દેવે પોતાના લોક પર રહેમનજર કરી છે.” ઈસુએ લોકોની નજર સામે જ એ જુવાનને મૂએલામાંથી જીવતો કર્યો. જરા વિચારો તો ખરા, કે મરણથી ઈસુનું દિલ કેટલું દુઃખી થયું કે તેમણે ચમત્કાર કર્યો! હવે કલ્પના કરો કે ભાવિમાં ઈસુ બીજું શું કરશે!—લુક ૭:૧૨-૧૬.

આ ચમત્કારના થોડા સમય પહેલાં જ ઈસુએ કહ્યું હતું કે “નવાં આકાશ” એટલે કે ઈશ્વરના રાજમાં, તે સર્વ મૂએલાને સજીવન કરશે. લોકો તો મોંમાં આંગળા નાખી ગયા! એટલે તેમણે કહ્યું: ‘તમે આશ્ચર્ય ન પામો; કેમકે એવી વેળા આવે છે કે જ્યારે જેઓ ગુજરી ગયા છે તેઓ સર્વ તેની વાણી સાંભળશે અને જીવંત થશે.’—પ્રકટીકરણ ૨૧:૧, ૩, ૪; યોહાન ૫:૨૮, ૨૯; ૨ પીતર ૩:૧૩.

ઈસુ મરણ પામ્યા અને સજીવન થયા. તેમને પીતર અને બીજા અમુક શિષ્યોએ પોતાની નજરે જોયા. વળી, તેઓએ ઈસુને ગાલીલના સમુદ્ર કિનારે બોલતા પણ સાંભળ્યા. બાઇબલ જણાવે છે: “ઈસુ તેઓને કહે છે, આવો નાસ્તો કરો. તે પ્રભુ છે, એ જાણીને શિષ્યોમાંના કોઈની તું કોણ છે એમ તેને પૂછવાની હિંમત ચાલી નહિ. ઈસુએ આવીને રોટલી લઈને તેઓને આપી; અને માછલી પણ આપી. મરી ગએલાંઓમાંથી પાછા ઊઠ્યા પછી ઈસુએ પોતાના શિષ્યોને આ ત્રીજી વાર દર્શન દીધું.”—યોહાન ૨૧:૧૨-૧૪.

તેથી, પીતર પૂરી ખાતરીથી લખી શક્યા: “આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા ઈશ્વરનો આભાર માનો! ઈસુ ખ્રિસ્તને મરણમાંથી સજીવન કરીને તેમણે આપણને તેમની મહાન દયાને લીધે નવું જીવન આપ્યું છે, તેનાથી આપણામાં જીવંત આશા ઉત્પન્‍ન થાય છે.”—૧ પીતર ૧:૩, પ્રેમસંદેશ.

પ્રેષિત પાઊલ પણ પૂરી શ્રદ્ધાથી પોકારી ઊઠ્યા: “જે વાતો નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોનાં પુસ્તકોમાં લખેલી છે તે સર્વ હું માનું છું. ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન [સજીવન] થશે, એવી જેમ તેઓ પોતે આશા રાખે છે, તેમ હું પણ દેવ વિષે આશા રાખું છું.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૪, ૧૫.

હા, લાખોને કરોડો લોકોને સજીવન કરવામાં આવશે. તમે પણ તમારા ગુજરી ગયેલા સગાં-વહાલાઓ અને મિત્રોને ફરીથી જોઈ શકશો. પરંતુ, ક્યાં અને ક્યારે? આ સુંદર આશા વિષે બાઇબલ જણાવે છે. આ પુસ્તિકાનો છેલ્લો ભાગ સમજાવશે કે શા માટે આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે “ગુજરી ગયા છે તેઓની આશાનો સૂરજ ઊગ્યો છે!” એ તમને ખૂબ દિલાસો આપશે.

એ પહેલા ચાલો આપણે આ પ્રશ્નોના જવાબ મેળવીએ: ‘જો મારા કુટુંબમાં કોઈ ગુજરી જાય, તો શું મારે શોક બતાવવો જોઈએ? હું મારા દુઃખને લઈને કઈ રીતે જીવી શકું? મને દુઃખ સહેવા બીજાઓ કઈ રીતે મદદ કરી શકે? જો બીજાઓ આવા દુઃખમાં હોય તો, હું કઈ રીતે દિલાસો આપી શકું? મૂએલાં વિષે બાઇબલ કઈ આશા આપે છે? ગુજરી ગયેલા મારા સગાં-વહાલાંને હું કદી ફરી જોઈ શકીશ? જો એ શક્ય હોય તો તેઓને ક્યાં જોઈ શકીશ?

આ પ્રશ્નો વિચારો

સગાં-વહાલાના મરણની શું અસર થાય છે?

ઈસુએ નાઈનની વિધવા માટે શું કર્યું?

ઈસુએ મૂએલાં વિષે કયું વચન આપ્યું?

શા માટે પીતર અને પાઊલને પાક્કી ખાતરી હતી કે મૂએલાં સજીવન થશે?

કયા પ્રશ્નોના જવાબ મેળવવા જ જોઈએ?

[પાન ૪ પર બ્લર્બ]

‘તમારા દીકરાને ઍક્સિડન્ટ થયો છે, અને . . . અને તે માર્યો ગયો છે.’