સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૨

મનુષ્ય ઈશ્વરના આશીર્વાદ ગુમાવે છે

મનુષ્ય ઈશ્વરના આશીર્વાદ ગુમાવે છે

એક ખરાબ સ્વર્ગદૂત આદમ અને હવાને ખોટા રસ્તે લઈ જાય છે. તેઓ ઈશ્વરની આજ્ઞા તોડીને પાપ કરે છે. તેઓને મોતની સજા થાય છે. ત્યારથી મનુષ્યને પાપ અને મરણનો વારસો મળે છે

માણસના સરજન પહેલાં ઈશ્વરે સ્વર્ગમાં લાખો-કરોડો દૂતો બનાવ્યા હતા. એમાંનો એક દૂત ખરાબ બન્યો. તે શેતાન નામથી ઓળખાયો. ઈશ્વરે મના કરેલા વૃક્ષનું ફળ ખાવા શેતાને હવાને લલચાવી.

શેતાને કઠપૂતળીની જેમ એક સાપનો ઉપયોગ કરીને હવાને કહ્યું, ‘ઈશ્વર તમારાથી કંઈક સારું છૂપાવે છે.’ પછી હવાને કહ્યું, ‘તમે મના કરેલું ફળ ખાશો તોય નહિ મરો.’ શેતાન જાણે કહેતો હતો કે ‘ઈશ્વર જૂઠું બોલે છે. મારું સાંભળશો તો ઈશ્વર જેવા જ્ઞાની બનશો. પછી તમે પણ મન ફાવે એમ જીવી શકશો.’ શેતાન પહેલાં કોઈ જૂઠું બોલ્યું ન હતું. તેના જૂઠાણાથી આવા સવાલ ઊભા થયા: ‘શું ઈશ્વરે બધા પર રાજ કરવું જોઈએ? બધાના ભલા માટે તે સારી રીતે રાજ કરી શકે છે?’

હવાએ શેતાનનું કહેવું માની લીધું. ઈશ્વરે મના કરેલું ફળ જોયું અને ખાવા લલચાઈ. તેણે એ ફળ ખાધું. તેના પતિને પણ ખવડાવ્યું. આમ તેઓએ જાણીજોઈને ઈશ્વરની આજ્ઞા તોડી. તેઓએ ઘોર પાપ કર્યું. પોતાના જીવનદાતાથી મોં ફેરવી લીધું. બધા આશીર્વાદો ગુમાવી બેઠા. અરે, અમર જીવનનો આશીર્વાદ પણ ગુમાવી દીધો.

સંતાન “તારૂં માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.”ઉત્પત્તિ ૩:૧૫

યહોવાએ આદમ અને હવાને મોતની સજા ફરમાવી. શેતાન વિષે શું? યહોવાએ એક સંતાન કે તારણહારનું વચન આપ્યું જે શેતાનનો નાશ કરશે. આદમ અને હવાને યહોવાએ તરત જ મારી ન નાખ્યા. પણ તેઓના આવનાર બાળકો પર દયા બતાવીને થોડો સમય જીવતા રાખ્યા. તેઓના બાળકોમાંથી મનુષ્યનો ફેલાવો થયો. પણ તેઓને આદમથી પાપ ને મરણનો વારસો મળ્યો. એમાંથી તેઓને કોણ છોડાવે? તારણહારનું ઈશ્વરે જે વચન આપ્યું હતું એનાથી માણસને પાપ અને મરણમાંથી છૂટવાની આશા મળી. એ તારણહાર કોણ છે? તે ક્યારે આવ્યા? માણસને બચાવવા તેમણે શું કર્યું? બાઇબલ લખાતું ગયું તેમ, ઈશ્વરે ધીરે ધીરે એ વિષે સમજણ આપી.

આદમ અને હવાને ઈશ્વરે સુંદર એદન બાગમાંથી કાઢી મૂક્યા. પછી તેઓએ રોજીરોટી માટે ખૂબ મહેનત કરવી પડી. તેઓ પસીનો પાડીને જમીન ખેડવા લાગ્યા. સમય જતાં, આદમ અને હવાના સૌથી પહેલા બાળક કાઈનનો જન્મ થયો. પછી બીજા દીકરા-દીકરીઓ પણ થયા. જેમ કે, હાબેલ અને શેથ. શેથના વંશમાંથી નૂહ આવ્યા.

આ માહિતી ઉત્પત્તિ ૩-૫; અધ્યાય અને પ્રકટીકરણ ૧૨:૯માંથી છે.