સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—માડાગાસ્કરમાં

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—માડાગાસ્કરમાં

સીલ્વીયાના નામનાં પાયોનિયર બહેન ૨૭ વર્ષનાં છે. તે કહે છે કે, ‘મારા અમુક મિત્રો વધુ જરૂર છે ત્યાં જઈને સેવા આપતા હતા. તેઓના અનુભવો સાંભળતી ત્યારે, મને પણ એવું કરવાનું મન થતું. પણ, મને લાગતું કે વધુ જરૂર છે ત્યાં જઈને સેવા આપવી, એ મારા ગજા બહારની વાત છે.’

શું તમે પણ સીલ્વીયાના જેવું અનુભવો છો? શું તમને પણ વધુ પ્રચારકોની જરૂર હોય એવા વિસ્તારોમાં કામ કરવાનું મન થાય છે? પણ શું તમને લાગે છે કે તમે એ ધ્યેય પૂરો કરી શકશો કે નહિ? જો એમ હોય, તો હિંમત હારશો નહિ. યહોવાની મદદથી હજારો ભાઈ-બહેનો એવા નડતરો આંબી શક્યા છે, જે તેઓને સેવાકાર્યમાં આગળ વધતા રોકે છે. અમુક ભાઈ-બહેનો માટે યહોવાએ કઈ રીતે તકનું બારણું ખોલ્યું, એ જોવા ચાલો માડાગાસ્કરની મુલાકાતે જઈએ. એ પૃથ્વી પરનો ચોથો મોટો ટાપુ છે.

છેલ્લા ૧૦ વર્ષોમાં, ૭૦ કરતાં વધુ ઉત્સાહી પ્રકાશકો અને પાયોનિયરો ૧૧ દેશોમાંથી * માડાગાસ્કરમાં સેવા આપવા આવ્યા છે. અહીં લોકોને બાઇબલ માટે આદર છે. ઉપરાંત, સ્થાનિક પ્રકાશકો પણ એ વિશાળ ટાપુ પર રાજ્યનો સંદેશો ફેલાવવા ખુશીથી બીજે રહેવા જાય છે. ચાલો એવાં અમુક ભાઈ-બહેનો વિશે વધારે જાણીએ.

ડર અને નિરાશા પર જીત મેળવવી

પેરીના અને લુઈસ

લુઈસ અને પેરીના ત્રીસેક વર્ષનાં હતાં ત્યારે, તેઓ ફ્રાંસથી માડાગાસ્કર ગયાં હતાં. પણ, એવો નિર્ણય લેવો યુગલ માટે સહેલું ન હતું. વર્ષો સુધી આ યુગલ વિચારતું હતું કે, વિદેશમાં જઈને સેવાકાર્ય કરે. પણ પેરીના બીજે જવા માટે અચકાતી હતી. તે જણાવે છે: ‘અજાણી જગ્યાએ જવાથી હું હંમેશાં ગભરાતી. મારું કુટુંબ, મંડળ, ઘર અને જાણીતી જગ્યા છોડવાનો, તેમજ રોજિંદા જીવનમાં ફેરફાર કરવાનો મને ડર લાગતો. સાચું કહું તો મારું સૌથી મોટું નડતર મારી પોતાની ચિંતાઓ હતી, જેની સામે મારે જીત મેળવવાની હતી.’ ૨૦૧૨માં પેરીનાએ હિંમત ભેગી કરી. તે અને લુઈસ માડાગાસ્કર ગયા. એ નિર્ણય વિશે તેને કેવું લાગ્યું? લુઈસ જણાવે છે કે, ‘વીતેલી કાલ પર નજર કરું તો, એટલું કહી શકું કે અમારા જીવનમાં યહોવાએ જે રીતે બાબતો હાથ ધરી છે, એનાથી અમારી શ્રદ્ધા વધુ દૃઢ થઈ છે. માડાગાસ્કરનો અમારો પહેલો સ્મરણપ્રસંગ હજી પણ યાદ છે, જેમાં દસ બાઇબલ વિદ્યાર્થીઓ આવ્યા હતા.’

લુઈસ અને પેરીનાને મુશ્કેલીઓ દરમિયાન પોતાની સોંપણીમાં લાગુ રહેવા ક્યાંથી હિંમત મળી? એ દુઃખ સહેવા માટે તેઓએ પ્રાર્થનામાં યહોવા પાસે મદદ માંગી. (ફિલિ. ૪:૧૩) લુઈસ કહે છે: ‘યહોવાએ અમારી પ્રાર્થના સાંભળી અને અમે “ઈશ્વરની શાંતિ” અનુભવી શક્યા. ઘરેથી અમારા મિત્રો પણ અમને હિંમત ન હારવા, ઉત્તેજન આપતા ઇ-મેઇલ અને પત્રો મોકલતા હતા.—ફિલિ. ૪:૬, ૭; ૨ કોરીં. ૪:૭.

તકલીફોમાં પણ ટકી રહ્યા હોવાથી, લુઈસ અને પેરીનાને યહોવાએ ભરપૂર બદલો આપ્યો. લુઈસ જણાવે છે કે, ‘ઑક્ટોબર ૨૦૧૪માં અમને યુગલો માટેની બાઇબલ શાળામાં * આમંત્રણ મળ્યું. એ શાળા ફ્રાંસમાં થવાની હતી. અમારા માટે યહોવા તરફથી એ એક અનમોલ ભેટ હતી.’ શાળા પૂરી થયા પછી અમને ફરીથી માડાગાસ્કરમાં સોંપણી મળી.

“અમને તમારા પર ગર્વ થશે”

નદિન અને ડીડીયેર

ડીડીયેર અને નદિન પચાસેક વર્ષનાં છે. તેઓ ફ્રાંસનાં છે અને ૨૦૧૦માં માડાગાસ્કર રહેવાં ગયાં. ડીડીયેર જણાવે છે, ‘યુવાનીમાં અમે પાયોનિયર હતા, પછી અમે ત્રણ બાળકોને ઉછેર્યાં. તેઓ મોટા થયા ત્યારે, અમે પરદેશમાં સેવા આપવાનું વિચાર્યું.’ નદિન કબૂલે છે કે, ‘બાળકોથી દૂર થવાના વિચારથી જ હું ગભરાતી હતી. પણ, બાળકોએ અમને કહ્યું કે, “જો તમે વધુ જરૂર છે ત્યાં સેવા આપવા જશો, તો અમને તમારા પર ગર્વ થશે.” એ શબ્દોથી અમને એટલું ઉત્તેજન મળ્યું કે અમે જવાનું નક્કી કર્યું. ભલે અમે બાળકોથી દૂર છીએ, પણ ખુશીની વાત છે કે, અમે તેઓ સાથે અવારનવાર વાતચીત તો કરી શકીએ છીએ.’

ડીડીયેર અને નદિન માટે માલાગાસી ભાષા શીખવી એક મોટો પડકાર હતો. હસતાં હસતાં નદિન કહે છે: ‘હવે અમે વીસ વર્ષનાં રહ્યાં નથી.’ તો પછી, તેઓ કઈ રીતે નવી ભાષા શીખવાનો પડકાર આંબી શક્યાં? પહેલા, તેઓ ફ્રેંચ ભાષાના મંડળમાં જોડાયાં. પછી, જ્યારે તેઓને લાગ્યું કે સ્થાનિક ભાષા શીખવા હવે તેઓ તૈયાર છે, ત્યારે તેઓ માલાગાસી ભાષાના મંડળમાં ગયાં. નદિન જણાવે છે: ‘પ્રચારમાં એવા ઘણા લોકો મળે છે, જેઓને બાઇબલમાંથી શીખવાનું ગમે છે. અમે તેઓને મળવા જઈએ ત્યારે ઘણી વાર તેઓ એનો આભાર માને છે. પહેલાં તો મને લાગ્યું કે હું સપનું જોઉં છું. મને આ વિસ્તારમાં પાયોનિયરીંગ કરવાનું ગમે છે. સવારે ઊઠીને હું પોતાને કહું છું: “કેટલું સરસ કે હું આજે પ્રચારમાં જવાની છું!”’

માલાગાસી ભાષા શીખતાં હતાં એ દિવસો યાદ કરતા ડીડીયેરના ચહેરા પર સ્મિત આવી જાય છે. તે કહે છે કે, ‘હું સભા ચલાવતો પરંતુ, ભાઈ-બહેનો દ્વારા અપાયેલો એક પણ જવાબ હું સમજી શકતો નહિ. હું ફક્ત એટલું જ કહેતો, “થેંક્યું.” એક વાર, એક બહેનને તેમના જવાબ બદલ મેં થેંક્યું કહ્યું. એટલામાં તેમની પાછળ બેઠેલા લોકો મને ઇશારામાં કહેવા લાગ્યાં કે એ જવાબ ખોટો છે. તરત જ મેં બીજા એક ભાઈને પૂછ્યું જેમણે એનો ખરો જવાબ આપ્યો. આશા રાખું છું કે તેમણે ખરો જવાબ આપ્યો હશે.’

તેણે ખુશીથી આમંત્રણ સ્વીકાર્યું

૨૦૦૫ના સંમેલનમાં, થ્યરી અને તેમની પત્ની નાદિયાએ “પર્સ્યૂ ગોલ્સ ધેટ ઓનર ગોડ” ડ્રામા જોયો. તિમોથી વિશેના એ બાઇબલ ડ્રામાની તેઓ પર એટલી અસર થઈ કે વધુ જરૂર હોય ત્યાં સેવા આપવાની તેઓના દિલમાં ઇચ્છા જાગી. થ્યરી જણાવે છે: ‘ડ્રામાના અંતે તાળીઓ પાડતી વખતે મેં પત્ની તરફ ઝૂકીને પૂછ્યું, “આપણે ક્યાં જઈ રહ્યા છીએ?” મારી પત્નીએ કહ્યું કે તે પણ એવું જ કંઈ વિચારતી હતી.’ તરત જ તેઓએ પોતાના ધ્યેય સુધી પહોંચવા પગલાં ભરવાનું શરૂ કર્યું. નાદિયા કહે છે કે, ‘ધીરે ધીરે અમે વસ્તુઓ ઓછી કરવા માંડી. છેલ્લે, અમારી પાસે ચાર સૂટકેસ ભરાય એટલો જ સામાન રહ્યો!’

ડાબેથી: નાદિયાની અને મેરી-મેડેલેન; જમણેથી: થ્યરી

તેઓ ૨૦૦૬માં માડાગાસ્કર આવ્યાં અને શરૂઆતથી જ તેઓ પ્રચારનો આનંદ માણતાં. નાદિયા કહે છે: ‘પ્રચારમાં લોકોને મળવાની અમને ઘણી ખુશી થતી.’

જોકે, ૬ વર્ષ પછી તેઓના જીવનમાં એક મોટો પડકાર આવ્યો. નાદિયાની માતા મેરી-મેડેલેન ફ્રાંસમાં રહેતાં હતાં. તે પડી ગયાં અને તેમનાં હાથમાં ફ્રૅક્ચર થયું અને માથામાં ઘણી ઇજા પહોંચી. ડોક્ટર સાથે વાત કર્યા પછી એ યુગલે માતાને પોતાની સાથે માડાગાસ્કર રહેવા આવવાનું આમંત્રણ આપ્યું. માતા ૮૦ વર્ષનાં હોવાં છતાં તેમણે ખુશીથી એ આમંત્રણ સ્વીકાર્યું. હવે પરદેશમાં રહેવું તેમને કેવું લાગે છે? માતા કહે છે: ‘અમુક વાર આ જગ્યાની રીતો અપનાવવી અઘરી લાગે છે. હું બહું થોડું કરી શકું છું છતાં લાગે છે કે હું મંડળને મદદરૂપ છું. મને વધારે ખુશી એ વાતની થાય છે કે હું અહીં રહું છું, એટલે મારાં બાળકો પોતાનું સેવાકાર્ય સારી રીતે કરી શકે છે.’

‘મેં યહોવા તરફથી મદદ અનુભવી’

રીઆના ટેનડ્રાઇ ભાષામાં પ્રવચન આપી રહ્યો છે

રીઆના ૨૨ વર્ષનો છે. તેનો ઉછેર પૂર્વ માડાગાસ્કરના ફળદ્રુપ વિસ્તાર અલાઓતરા મેનગુરુમાં થયો હતો. તે ભણવામાં ઘણો હોશિયાર હતો અને ઉચ્ચ શિક્ષણ લેવા માંગતો હતો. જોકે, બાઇબલમાંથી શીખ્યા પછી તેણે પોતાનો વિચાર બદલ્યો. તે જણાવે છે: ‘માધ્યમિક શિક્ષણ પૂરું કરવા મેં મહેનત કરી અને યહોવાને વચન આપ્યું કે “જો હું વાર્ષિક પરીક્ષામાં પાસ થઈશ, તો હું પાયોનિયરીંગ શરૂ કરીશ.”’ પાસ થયા પછી રીઆનાએ પોતાનું વચન પાળ્યું. તે એક પાયોનિયર ભાઈ સાથે રહેવા ગયો. તેને પાર્ટ-ટાઇમ નોકરી મળી અને તેણે પાયોનિયરીંગ શરૂ કર્યું. તે કહે છે: ‘મારા જીવનનો એ સૌથી સારો નિર્ણય હતો.’

રીઆનાએ દુનિયામાં કારકિર્દી બનાવવાનો ધ્યેય ન રાખ્યો. પણ, એ વાત તેના સગાંઓને સમજાઈ નહિ. તે કહે છે: ‘મારાં પપ્પા, કાકા અને પપ્પાની માસી મને ઉચ્ચ શિક્ષણ લેવાનું ઉત્તેજન આપતાં હતાં. પણ હું કોઈ પણ ભોગે પાયોનિયરીંગ છોડવા માંગતો ન હતો.’ જલદી જ, રીઆનાએ વધુ જરૂર છે ત્યાં સેવા આપવાનું નક્કી કર્યું. તેણે શા માટે એવો નિર્ણય લીધો? તે જણાવે છે: ‘એક વાર અમારા ઘરે ચોર આવ્યા અને મારી ઘણી વસ્તુઓ ચોરી ગયા. એ સમયે, મને ઈસુના શબ્દો યાદ આવ્યા કે “સ્વર્ગમાં ધનદોલત ભેગી કરો.” તેથી, મેં ભક્તિમાં ધનવાન બનવાનું નક્કી કર્યું.’ (માથ. ૬:૧૯, ૨૦) આમ, રીઆના પોતાના ઘરથી ૧૩૦૦ કિ.મી. દૂર રહેવા ગયો. દેશના દક્ષિણ છેડે આવેલા વિસ્તારમાં તે રહેવા ગયો, જ્યાં દુકાળ હતો. ત્યાં એનટાનડ્રાઇ જાતિના લોકો રહે છે. રીઆના ત્યાં શા માટે ગયો?

ચોરી થઈ એના એક મહિના પહેલાં તેણે એનટાનડ્રાઇ જાતિના બે માણસો સાથે બાઇબલનો અભ્યાસ શરૂ કર્યો હતો. તેઓની ભાષામાં તે અમુક શબ્દો શીખ્યો હતો. તેણે વિચાર કર્યો કે, એનટાનડ્રાઇ જાતિના ઘણા લોકો સુધી રાજ્યનો સંદેશો હજુ સુધી પહોંચ્યો નથી. એટલે, તે કહે છે: ‘ટાનડ્રાઇ ભાષા બોલતા લોકોના વિસ્તારમાં જઈને સેવા આપી શકું માટે મેં યહોવાને પ્રાર્થના કરી.’

રીઆના ત્યાં રહેવા ગયો કે તરત જ તેણે એક નડતરનો સામનો કરવો પડ્યો. તેને નોકરી મળતી ન હતી. એક માણસે તો કહ્યું: ‘તું શા માટે અહીં આવ્યો છે? નોકરી શોધવા? અરે, તું જ્યાંથી આવ્યો છે ત્યાં નોકરી કરવા લોકો અહીંથી જાય છે.’ બે અઠવાડિયાં પછી, રીઆના મહાસંમેલનમાં જવા નીકળ્યો ત્યારે તેની પાસે બહુ ઓછા પૈસા હતા. તે વિચારી રહ્યો હતો કે હવે શું થશે. સંમેલનનાં છેલ્લા દિવસે, એક ભાઈએ રીઆનાના કોટના ખિસ્સામાં કંઈક સરકાવ્યું. એ તો અમુક પૈસા હતા, જે રીઆના માટે એનટાનડ્રાઇ પાછા જવા માટે પૂરતા હતા. એનાથી તે દહીં વેચવાનો નાનો ધંધો પણ શરૂ કરી શક્યો. રીઆના જણાવે છે: ‘જરૂરના સમયે મેં યહોવા તરફથી મદદ અનુભવી. યહોવા વિશે જાણવાની તક મળી ન હતી એવા લોકોને મદદ કરવાનું મેં ચાલુ રાખ્યું.’ મંડળમાં પણ ઘણું કામ કરવાનું હતું. રીઆના આગળ જણાવે છે: ‘દર બીજા અઠવાડિયે મને જાહેર પ્રવચન આપવાની સોંપણી મળતી. યહોવા તેમના સંગઠન દ્વારા મને શીખવી રહ્યા હતા.’ આજે પણ, રીઆના ટાનડ્રાઇ ભાષા બોલતા એવા લોકોને રાજ્યનો સંદેશ જણાવી રહ્યો છે, જેઓને યહોવા વિશે શીખવું છે.

‘સત્યના ઈશ્વર તરફથી આશીર્વાદ મળ્યો’

યહોવા આપણને ખાતરી આપે છે કે ‘જે કોઈ સત્ય ઈશ્વરને નામે પોતાના પર આશીર્વાદ માગશે,’ ઈશ્વર તેને આશીર્વાદ આપશે. (યશા. ૬૫:૧૬) સેવાકાર્યને વધારવા આપણે મહેનત કરીએ છીએ ત્યારે, યહોવાનો આશીર્વાદ મેળવીએ છીએ. યહોવા આપણને નડતરો આંબવા પણ મદદ કરે છે. લેખની શરૂઆતમાં જેના વિશે જોઈ ગયા એ સીલ્વીયાનાનો વિચાર કરીએ. યાદ કરો, જરૂર છે ત્યાં જઈને સેવા આપવી તેને અઘરું લાગતું હતું. શા માટે? તે જણાવે છે: ‘મારો ડાબો પગ જમણા પગ કરતાં સાડાત્રણ ઇંચ નાનો છે. તેથી હું લંગડાતી હતી અને જલદી થાકી જતી હતી.’

સીલ્વીયાના (ડાબે) સીલ્વી એન (વચ્ચે) ડોરેટાઈન સાથે તેના બાપ્તિસ્માના દિવસે

તેમ છતાં, ૨૦૧૪માં સીલ્વીયાના અને તેમનાં મંડળનાં એક પાયોનિયર બહેન સીલ્વી એન સાથે મળીને નાનકડા ગામડામાં રહેવાં ગયાં. એ ગામડું તેમનાં શહેરથી ૮૫ કિ.મી. દૂર હતું. નડતરો હોવા છતાં, સીલ્વીયાનાનું સપનું સાકાર થયું અને તેમને એક સરસ આશીર્વાદ મળ્યો. તે કહે છે, ‘મારી નવી સોંપણીના એક વર્ષ પછી, સરકીટ સંમેલનમાં મારી બાઇબલ વિદ્યાર્થી ડોરેટાઇને બાપ્તિસ્મા લીધું.’

‘હું તને સહાય કરીશ’

વધુ જરૂર છે ત્યાં જઈને સેવા આપનારાં ભાઈ-બહેનોના શ્રદ્ધા વધારનારા શબ્દોથી શું શીખવા મળે છે? એ જ કે, સેવાકાર્ય વધારવા આપણે નડતરો આંબવા મહેનત કરીએ છીએ ત્યારે, યહોવાનો સાથ અનુભવીએ છીએ. આપણે અનુભવી શકીએ છીએ કે યહોવાએ પોતાના ભક્તોને આપેલું વચન સાચું પડે છે: ‘હું તને બળવાન કરીશ; હું તને સહાય કરીશ.’ (યશા. ૪૧:૧૦) પરિણામે, યહોવા સાથેનો આપણો સંબંધ મજબૂત થાય છે. પોતાના દેશમાં કે પરદેશમાં, જ્યાં જરૂર છે ત્યાં ખુશીથી સેવા આપવાથી કેટલો ફાયદો થાય છે! આપણે નવી દુનિયામાં મળનાર ભક્તિનાં કાર્યો માટે પોતાને તૈયાર કરી શકીએ છીએ. અગાઉ જેમના વિશે જોઈ ગયા એ ડીડીયેર આમ જણાવે છે: ‘વધુ જરૂર છે ત્યાં સેવા આપવાથી તમને ભાવિ માટેના જીવનની સુંદર તાલીમ મળે છે.’ આશા રાખીએ કે, એવી તાલીમ મેળવવા ખુશીથી બીજા સેવકો પણ તૈયાર થાય!

^ ફકરો. 4 અહીં સેવા આપવા ભાઈ-બહેનો કેનેડા, ચેક પ્રજાસત્તાક, ફ્રાંસ, જર્મની, ગ્વાડેલુપ, લક્સમ્બર્ગ, ન્યૂ કેલિડોનિયા, સ્વીડન, સ્વિટ્ઝરલૅન્ડ, યુનાઈટેડ કિંગ્ડમ અને યુનાઈટેડ સ્ટેટ્સમાંથી આવ્યાં છે.

^ ફકરો. 8 આ શાળાને બદલે હવે રાજ્ય પ્રચારકો માટેની શાળા શરૂ કરવામાં આવી છે. બીજા દેશમાં સેવા આપી રહેલા પૂરા સમયના સેવકો એની લાયકાતો પૂરી કરતા હોય તો, આ શાળા માટે અરજી કરી શકે. તેઓ પોતાની માતૃભાષામાં થતી શાળામાં જઈ શકે, ભલે પછી એ તેમના વતનમાં હોય કે બીજા કોઈ દેશમાં.