સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે જાણો છો?

શું તમે જાણો છો?

પ્રાચીન બાબેલોનમાંથી જે ઈંટો મળી આવી અને એને જે રીતે બનાવવામાં આવતી, એ કઈ રીતે સાબિત કરે છે કે બાઇબલની વાતો સાચી છે?

સંશોધકોને પ્રાચીન બાબેલોન શહેરમાં ખોદકામ કરતી વખતે એવી લાખો ઈંટો મળી આવી છે, જે એ શહેર બાંધવા વપરાઈ હતી. રોબર્ટ કોલડવી નામના એક સંશોધકના કહેવા પ્રમાણે આવી ઈંટોને ભઠ્ઠીમાં પકાવવામાં આવતી, જે ‘શહેરની બહાર રાખવામાં આવતી, જ્યાં માટી સારી હોય અને આગ સળગાવવા પુષ્કળ પ્રમાણમાં ઝાડી-ઝાંખરાં હોય.’

સંશોધન કરનારાઓને પુરાવા મળ્યા છે કે બાબેલોનના અધિકારીઓ એ ભઠ્ઠીઓનો ઉપયોગ એવા ભયંકર કામો માટે પણ કરતા, જે જોઈને આપણાં રુવાંટાં ઊભાં થઈ જાય. ટોરોંટો યુનિવર્સિટીના પ્રોફેસર પૉલ-ઓલા બોલયુ પ્રાચીન આશ્શૂરના ઇતિહાસ અને ભાષાના જાણકાર છે. તે કહે છે: ‘બાબેલોનીઓનાં લખાણો બતાવે છે કે રાજાએ હુકમ બહાર પાડ્યો હતો કે જે લોકો રાજાની વાત ન માને અથવા પવિત્ર વસ્તુઓનો અનાદર કરે, તેઓને ધગધગતી ભઠ્ઠીમાં ફેંકી દેવામાં આવે અને સળગાવી દેવામાં આવે.’ દાખલા તરીકે, સંશોધન કરનારાઓને રાજા નબૂખાદનેસ્સારના સમયનું એક લખાણ મળી આવ્યું. એમાં લખ્યું છે: ‘તેઓને ખતમ કરી દો, બાળી નાખો, આગમાં ભૂંજી નાખો, ભઠ્ઠીમાં ફેંકી દો, ભસ્મ કરી દો, ધગધગતી આગમાં સળગાવીને રાખ કરી દો.’

એનાથી અમુક લોકોને દાનિયેલના પુસ્તકના ત્રીજા અધ્યાયમાં નોંધેલો અહેવાલ યાદ આવી જાય. ત્યાં જણાવ્યું છે કે રાજા નબૂખાદનેસ્સારે બાબેલોન શહેરની બહાર દૂરાના મેદાનમાં સોનાની એક મોટી મૂર્તિ ઊભી કરી હતી. પણ ત્રણ હિબ્રૂ યુવાનો શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોએ ઘૂંટણિયે પડીને એની પૂજા કરવાની ના પાડી દીધી. એટલે રાજા નબૂખાદનેસ્સાર ગુસ્સામાં લાલ-પીળો થઈ ગયો. તેણે હુકમ કર્યો કે ‘ભઠ્ઠીને સાત ગણી વધારે ગરમ કરવામાં આવે’ અને એ ત્રણેય યુવાનોને “ધગધગતી ભઠ્ઠીમાં નાખી દેવામાં” આવે. પણ એક શક્તિશાળી દૂતે તેઓને મોતના મોંમાંથી બચાવી લીધા.—દાનિ. ૩:૧-૬, ૧૯-૨૮.

© The Trustees of the British Museum. Licensed under CC BY-NC-SA 4.0. Source

ભઠ્ઠીમાં પકાવેલી એક ઈંટ, જેના પર રાજા નબૂખાદનેસ્સારનું નામ લખેલું છે

બાબેલોનમાંથી જે ઈંટો મળી આવી છે, એ પણ સાબિત કરે છે કે બાઇબલમાં લખેલી વાતો સાચી છે. એમાંની ઘણી ઈંટો પર રાજાના વખાણ કરતા શબ્દો લખેલા છે. એવી જ એક ઈંટ પર લખ્યું છે: ‘હું બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર છું. આ રાજમહેલ મેં, અહીંના રાજાધિરાજે બનાવ્યો છે. મારી આવનારી પેઢીઓ એમાં હંમેશાં રાજ કરતી રહે.’ એ શબ્દો દાનિયેલ ૪:૩૦માં લખેલા શબ્દો જેવા જ છે. એમાં જણાવ્યું છે કે રાજા નબૂખાદનેસ્સારે બડાઈ હાંકતા કહ્યું હતું: “આ મહાન બાબેલોન નગરી તો જુઓ! મેં મારા સામર્થ્ય અને તાકાતથી એને બાંધી છે, જેથી એ મારો રાજમહેલ બને અને એનાથી મારું ગૌરવ અને માન-મોભો વધે.”