સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શ્રદ્ધા રાખો—સમજી-વિચારીને નિર્ણય લો!

શ્રદ્ધા રાખો—સમજી-વિચારીને નિર્ણય લો!

‘કોઈ શંકા કર્યા વગર પૂરી શ્રદ્ધાથી માંગતા રહો.’—યાકૂ. ૧:૬.

ગીતો: ૫૪, ૪૨

૧. કાઈને શા માટે ખોટો નિર્ણય લીધો અને એનું કેવું પરિણામ આવ્યું?

કાઈને એક મહત્ત્વનો નિર્ણય લેવાનો હતો. એ નિર્ણયની તેના આખા જીવન પર અસર થવાની હતી. તે પોતાની પાપી ઇચ્છાઓ પર કાબૂ રાખીને નિર્ણય લઈ શકતો હતો અથવા લાગણીવશ થઈને. દુઃખની વાત છે કે, તેણે લાગણીવશ થઈને ખોટો નિર્ણય લીધો. બાઇબલ જણાવે છે કે, તેણે પોતાના ભાઈ હાબેલનું ખૂન કર્યું. પરિણામે, સર્જનહાર યહોવા સાથેની તેની મિત્રતા તૂટી ગઈ.—ઉત. ૪:૩-૧૬.

૨. સારા નિર્ણયો લેવા શા માટે મહત્ત્વના છે?

કાઈનની જેમ આપણે પણ જીવનમાં નિર્ણયો લેવાં પડે છે, પસંદગીઓ કરવી પડે છે. અમુક નિર્ણયો ઘણા ગંભીર હોય છે. અમુક નિર્ણયોની આપણા જીવન પર ખૂબ મોટી અસર થાય છે. સારા નિર્ણયો લઈએ છીએ ત્યારે, જીવન અમુક હદે શાંત અને ખુશહાલ રહે છે. પરંતુ, એક ખરાબ નિર્ણય જીવનને મુશ્કેલીઓ અને નિરાશાથી ભરી દે છે.—નીતિ. ૧૪:૮.

૩. (ક) સારા નિર્ણયો લેવા મદદ મળે માટે આપણે શું કરવાની જરૂર છે? (ખ) આ લેખમાં આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?

સારા નિર્ણયો લેવા મદદ મળે માટે આપણે શું કરવાની જરૂર છે? યહોવા પર શ્રદ્ધા રાખવાની જરૂર છે. આપણને ભરોસો હોવો જોઈએ કે તે આપણને મદદ કરવા ચાહે છે અને સારા નિર્ણયો લેવા બુદ્ધિ આપશે. આપણે બાઇબલની સલાહો પર પણ ભરોસો કરવાની જરૂર છે. (યાકૂબ ૧:૫-૮ વાંચો.) યહોવાના ગાઢ મિત્ર બનીશું અને બાઇબલ માટે પ્રેમ કેળવીશું તેમ, જોઈ શકીશું કે તે હંમેશાં આપણું ભલું ચાહે છે. પછી, કોઈ પણ નિર્ણય લેતા પહેલાં આપણે બાઇબલનું માર્ગદર્શન શોધીશું. પરંતુ, સારા નિર્ણયો લેવાની આપણી આવડતમાં કઈ રીતે સુધારો કરી શકીએ? અને શું આપણે ક્યારેય પોતાના નિર્ણયો બદલવા જોઈએ?

આપણે દરેકે નિર્ણયો લેવા પડે છે

૪. આદમે કઈ પસંદગી કરવાની હતી? એનું કેવું પરિણામ આવ્યું?

મનુષ્યોની શરૂઆત થઈ ત્યારથી જ તેઓએ મહત્ત્વના નિર્ણયો લેવા પડ્યા છે. પ્રથમ માણસ આદમે પસંદગી કરવાની હતી કે સર્જનહાર યહોવાનું સાંભળશે, કે પછી પોતાની પત્નીનું. આદમે પત્નીનું સાંભળ્યું અને ખૂબ જ ખરાબ નિર્ણય લીધો. એના લીધે, યહોવાએ તેને એદન બાગમાંથી કાઢી મૂક્યો અને સમય જતાં તે મરણ પામ્યો. આદમના ખરાબ નિર્ણયની સજા આજે આપણે બધા ભોગવી રહ્યા છીએ.

૫. નિર્ણયો લેવાની જવાબદારી વિશે આપણને કેવું લાગવું જોઈએ?

અમુકને લાગે છે કે જો કોઈ નિર્ણય જ લેવાનો ન હોત, તો જીવન ઘણું સહેલું હોત. કદાચ તમને પણ એવું લાગતું હશે. પણ યાદ રાખો, યહોવાએ મનુષ્યોને રોબોટ જેવા બનાવ્યા નથી, જે પોતે વિચારી શકતો નથી કે નિર્ણય લઈ શકતો નથી. યહોવા તો ચાહે છે કે, આપણે સારા નિર્ણયો લઈએ અને એ માટે તેમણે આપણને બાઇબલ આપ્યું છે. જોકે, નિર્ણયો લેવા એક મહત્ત્વની જવાબદારી છે. ચાલો એ વિશે જોઈએ.

૬, ૭. ઇઝરાયેલીઓએ કયો નિર્ણય લેવાનો હતો? એ નિર્ણય લેવો તેઓ માટે કેમ અઘરો બન્યો? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

ઇઝરાયેલીઓ વચનના દેશમાં હતા ત્યારે, તેઓએ એક મહત્ત્વનો નિર્ણય લેવાનો હતો: યહોવાની ભક્તિ કરવી કે બીજા દેવોની? (યહોશુઆ ૨૪:૧૫ વાંચો.) એ નિર્ણય કદાચ આપણને નાનો-સૂનો લાગે, પણ એમાં તેઓનું જીવન સમાયેલું હતું. ન્યાયાધીશોના સમયમાં ઇઝરાયેલીઓએ અનેક વાર ખરાબ પસંદગીઓ કરી. તેઓએ યહોવાને ત્યજી દીધા અને જૂઠા દેવોની ભક્તિ કરવા લાગ્યા. (ન્યા. ૨:૩, ૧૧-૨૩) પછીથી, પ્રબોધક એલિયાના સમયમાં તેઓ સામે ફરી એક વાર સવાલ ઊભો થયો: યહોવાની ભક્તિ કરવી કે જૂઠા દેવ બઆલની? (૧ રાજા. ૧૮:૨૧) આપણને લાગે કે, એ નિર્ણય લેવો એકદમ સહેલો બન્યો હશે, કારણ કે યહોવાની ભક્તિ કરવી એ જ ઉત્તમ માર્ગ છે. એક સમજદાર વ્યક્તિ ક્યારેય નિર્જીવ દેવોની ભક્તિ નહિ કરે. દુઃખની વાત છે કે, ઇઝરાયેલીઓ માટે એ નિર્ણય લેવો ઘણો અઘરો બની ગયો હતો. બાઇબલ જણાવે છે કે, તેઓ “બે મતની વચ્ચે ઢચુપચુ” હતા. તેઓએ સાચા ઈશ્વર યહોવાની ભક્તિ કરવાની જરૂર હતી. એ પસંદગી કરવા એલિયાએ તેઓને જે ઉત્તેજન આપ્યું, એ કેટલું યોગ્ય હતું!

ઇઝરાયેલીઓ માટે એ નિર્ણય લેવો શા માટે ખૂબ અઘરો હતો? પહેલું કારણ, યહોવા પરની તેઓની શ્રદ્ધા ડગી ગઈ હતી. તેઓએ યહોવાનું સાંભળવાનું બંધ કરી દીધું હતું. યહોવા અને તેમના માર્ગો વિશે શીખવાનું છોડી દીધું હતું. જો તેઓએ એમ કર્યું હોત, તો શીખેલી વાતોને આધારે સારા નિર્ણયો લેવા મદદ મળી હોત. (ગીત. ૨૫:૧૨) બીજું કારણ, તેઓને આસપાસની પ્રજાનો રંગ લાગી ગયો હતો. એ પ્રજાઓએ તેઓના મન ભ્રષ્ટ કર્યા હતા અને તેઓ વતી નિર્ણયો લેવા લાગ્યા હતા. પરિણામે, તેઓ એ પ્રજાઓને પગલે જૂઠા દેવોની ઉપાસના કરવા લાગ્યા. વર્ષો અગાઉ યહોવાએ તેઓને એ વિશે ચેતવ્યા હતા છતાં, તેઓ એ માર્ગે ગયા.—નિર્ગ. ૨૩:૨.

શું બીજાઓએ આપણા વતી નિર્ણયો લેવા જોઈએ?

૮. ઇઝરાયેલીઓના દાખલા પરથી આપણને કયો બોધપાઠ મળે છે?

ઇઝરાયેલીઓના દાખલા પરથી આપણને મહત્ત્વનો બોધપાઠ મળે છે: સારા નિર્ણયો લેવા હોય તો યહોવાનું માર્ગદર્શન શોધવું ખૂબ જરૂરી છે. ગલાતીઓ ૬:૫ યાદ અપાવે છે કે, “દરેકે પોતાની જવાબદારીનો બોજો જાતે ઊંચકવો પડશે.” સ્પષ્ટ છે કે, આપણા નિર્ણયો લેવાની જવાબદારી બીજાઓને માથે નાંખવી ન જોઈએ. એના બદલે, દરેકે પોતે યહોવાની ઇચ્છા જાણવી જોઈએ અને એ પ્રમાણે કરવું જોઈએ.

૯. બીજાઓ આપણા વતી નિર્ણય લે એ શા માટે ખતરારૂપ છે?

આપણા નિર્ણયો લેવાની જવાબદારી કઈ રીતે બીજાઓના હાથમાં સરી શકે? બીજાઓના દબાણમાં આવી જઈને. તેઓના દબાણને વશ થઈને કદાચ ખોટો નિર્ણય લઈ બેસીએ. (નીતિ. ૧:૧૦, ૧૫) યાદ રાખો, નિર્ણય લેવાની જવાબદારી આપણી પોતાની છે. આપણે બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે કેળવાયેલા અંતઃકરણથી પોતે નિર્ણય લેવો જોઈએ. જો બીજાઓ આપણા વતી નિર્ણયો લેશે, તો આપણે તેઓના હાથની કઠપૂતળી બની જઈશું. એ ખતરનાક સાબિત થઈ શકે છે.

૧૦. ગલાતી મંડળનાં ભાઈ-બહેનોને પાઊલે કઈ ચેતવણી આપી?

૧૦ પ્રેરિત પાઊલે ગલાતી મંડળનાં ભાઈ-બહેનોને ચેતવ્યા હતા કે, બીજું કોઈ તેઓ વતી નિર્ણયો લેવા ન લાગે એનું ધ્યાન રાખે. (ગલાતીઓ ૪:૧૭ વાંચો.) ગલાતી મંડળના અમુક ભાઈઓ બીજાં ભાઈ-બહેનો માટે નિર્ણય લેવાનો પ્રયત્ન કરતા હતા. તેઓનો ઇરાદો શો હતો? એ સ્વાર્થી માણસો ચાહતા હતા કે, મંડળના લોકો પ્રેરિતોને નહિ, પણ તેઓને અનુસરે. તેઓ નમ્ર ન હતા અને નિર્ણય લેવાના બીજાના અધિકાર પર હક જમાવતા હતા.

૧૧. બીજાઓને પોતાના નિર્ણયો લેવા કઈ રીતે મદદ કરી શકીએ?

૧૧ પ્રેરિત પાઊલના સારા દાખલામાંથી આપણે બધા શીખી શકીએ છીએ. તે જાણતા હતા કે, નિર્ણય લેવાનો હક વ્યક્તિનો પોતાનો છે અને એ હકને તે માન આપતા હતા. (૨ કોરીંથીઓ ૧:૨૪ વાંચો.) આજે, વ્યક્તિગત પસંદગી વિશે કોઈને સલાહ આપવાની થાય ત્યારે, વડીલો પાઊલના દાખલાને અનુસરે છે. તેઓ ખુશી ખુશી ભાઈ-બહેનોને બાઇબલ આધારિત માહિતી પૂરી પાડે છે. પણ, તેઓ ધ્યાન રાખે છે કે વ્યક્તિ પોતે નિર્ણય લે, કારણ કે તેણે એનાં પરિણામો ભોગવવાં પડશે. આપણને એક મહત્ત્વનો બોધપાઠ શીખવા મળે છે: બીજાઓને બાઇબલ સિદ્ધાંતો સમજવા મદદ કરી શકીએ, પણ નિર્ણય લેવાનો અધિકાર અને જવાબદારી તેઓની પોતાની છે. તેઓ સમજદારીથી નિર્ણયો લે છે ત્યારે, તેઓને ફાયદો થાય છે. સ્પષ્ટ છે કે, ભાઈ-બહેનોએ શું કરવું જોઈએ એ નક્કી કરવાનો હક આપણી પાસે નથી.

પ્રેમાળ વડીલો બીજાઓને તેઓના નિર્ણયો પોતે લેવા મદદ કરે છે (ફકરો ૧૧ જુઓ)

લાગણીવશ થઈને નિર્ણય ન લો

૧૨, ૧૩. ગુસ્સે કે નિરાશ હોઈએ ત્યારે, નિર્ણય લેવો કેમ જોખમભર્યું છે?

૧૨ આજે, ઘણા લોકો દિલનું સાંભળીને નિર્ણય લે છે. પણ, એ ખતરારૂપ બની શકે છે. બાઇબલ ચેતવે છે કે, આપણે દિલ પર ભરોસો રાખીને કે લાગણીવશ થઈને નિર્ણયો ન લેવા જોઈએ. (નીતિ. ૨૮:૨૬) એવું શા માટે? કારણ કે, “હૃદય સહુથી કપટી છે, તે અતિશય ભૂંડું છે.” (યિર્મે. ૧૭:૯) હૃદય પર ભરોસો રાખવાથી ખરાબ પરિણામ આવ્યા હોય, એવા ઘણા અહેવાલો બાઇબલમાં નોંધવામાં આવ્યા છે. (યિર્મે. ૩:૧૭; ૧૩:૧૦; ૧ રાજા. ૧૧:૯, ૧૦) દિલનું સાંભળીને નિર્ણય લેવો શું ડહાપણભર્યું કહેવાશે?

૧૩ યહોવાએ આજ્ઞા આપી છે કે, આપણે પૂરા હૃદયથી તેમને પ્રેમ કરીએ અને જેવો પોતાના પર એવો પડોશી પર પ્રેમ રાખીએ. (માથ. ૨૨:૩૭-૩૯) જરા વિચારો, લાગણીશીલ દિલ વગર શું એ આજ્ઞા પાળી શકાય? ના. જોકે, આપણે સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે, લાગણીઓ આપણાં વિચારો અને કાર્યો પર હાવી થઈ શકે છે. એ જોખમભર્યું છે! ફકરા ૧૨માં ટાંકેલી કલમોમાં એવા દાખલાઓ આપવામાં આવ્યા છે. હવે, આ સવાલોનો વિચાર કરો: શું ગુસ્સે ભરાયેલી વ્યક્તિ સારો નિર્ણય લઈ શકે? (નીતિ. ૧૪:૧૭; ૨૯:૨૨) નિરાશામાં ગરક વ્યક્તિ શું સારી પસંદગી કરી શકે? (ગણ. ૩૨:૬-૧૨; નીતિ. ૨૪:૧૦) સારું રહેશે કે, લાગણીઓમાં તણાઈને નહિ, પણ ઈશ્વરના નિયમો પ્રમાણે નિર્ણયો લઈએ. (રોમ. ૭:૨૫) યાદ રાખો, મહત્ત્વના નિર્ણયો લો ત્યારે, લાગણીવશ ન થઈ જાઓ.

શું નિર્ણય બદલવો ખોટું છે?

૧૪. શા માટે કહી શકાય કે નિર્ણય બદલવો ખોટું નથી?

૧૪ આપણે સમજી-વિચારીને નિર્ણયો લેવાની જરૂર છે. એક સમજુ વ્યક્તિ જાણે છે કે, અમુક સમયે પોતાના નિર્ણય પર ફરી વિચાર કરવાની અને એ બદલવાની જરૂર પડી શકે. યહોવાએ આપણા માટે સરસ દાખલો બેસાડ્યો છે. યૂનાના સમયમાં જે બન્યું એનો વિચાર કરો. બાઇબલ જણાવે છે કે, યહોવાએ નિનવેહના લોકોનાં ‘કૃત્યો જોયાં. તેમણે જોયું કે તેઓએ દુષ્ટ રસ્તાઓ છોડી દીધાં હતાં. તેથી તેમણે તેઓ પર દયા વરસાવી. તેમણે વિચાર બદલ્યો અને સજાની યોજના પડતી મૂકી. તેમણે પોતાની યોજના પાર કરી નહિ.’ (યૂના ૩:૧૦, ઈઝી-ટુ-રીડ વર્ઝન) યહોવાએ જોયું કે, નિનવેહના લોકોએ પસ્તાવો કર્યો છે અને ખોટાં કામ કરવાનું છોડી દીધું છે. એટલે, તેમણે પોતાનો નિર્ણય બદલ્યો. એ બતાવે છે કે, તે વાજબી, નમ્ર અને દયાળુ છે. માણસો વિચાર્યા વગર નિર્ણયો લે છે, પણ યહોવા ક્યારેય એમ કરતા નથી. અરે, તે ગુસ્સામાં હોય ત્યારે પણ સમજી-વિચારીને નિર્ણય લે છે.

૧૫. આપણને શા માટે નિર્ણય બદલવાની જરૂર પડી શકે?

૧૫ સંજોગો બદલાય ત્યારે, કદાચ નિર્ણય બદલવાની જરૂર પડે. યહોવાએ પણ પોતાના નિર્ણયો બદલ્યા હતા! (૧ રાજા. ૨૧:૨૦, ૨૧, ૨૭-૨૯; ૨ રાજા. ૨૦:૧-૫) નવી માહિતી મળે ત્યારે પણ કદાચ આપણે નિર્ણય બદલવો પડે. રાજા દાઊદે એવું જ કર્યું હતું. શાઊલના પૌત્ર વિશે તેમણે ખોટી માહિતીને આધારે નિર્ણય લઈ લીધો હતો. પણ, હકીકતની જાણ થઈ ત્યારે, તેમણે પોતાનો નિર્ણય બદલ્યો. (૨ શમૂ. ૧૬:૩, ૪; ૧૯:૨૪-૨૯) અમુક વાર, આપણને પણ એમ કરવાની જરૂર પડી શકે અને એમ કરવામાં સમજદારી છે.

૧૬. (ક) નિર્ણયો લેતી વખતે કયાં સૂચનો ધ્યાનમાં લેવા જોઈએ? (ખ) શા માટે અગાઉ લીધેલા નિર્ણયો પર ફરી વિચાર કરવો પડી શકે? નિર્ણય બદલવાનો થાય ત્યારે શું કરવું જોઈએ?

૧૬ બાઇબલ જણાવે છે કે, મહત્ત્વના નિર્ણય લેતી વખતે ઉતાવળ ન કરવી જોઈએ. (નીતિ. ૨૧:૫) સારો નિર્ણય લઈ શકીએ માટે, પૂરતો સમય લઈને બધી માહિતી અને હકીકતો પર વિચાર કરવો જોઈએ. (૧ થેસ્સા. ૫:૨૧) કુટુંબના શિરે નિર્ણય લેતા પહેલાં, બાઇબલ અને આપણાં સાહિત્યમાંથી સંશોધન કરવું જોઈએ. કુટુંબના સભ્યોના વિચારો અથવા મંતવ્યો જાણવા પણ સારું રહેશે. યાદ કરો, યહોવાએ ઈબ્રાહીમને સારાહનું સાંભળવા જણાવ્યું હતું. (ઉત. ૨૧:૯-૧૨) વડીલોએ પણ સંશોધન કરવા સમય કાઢવો જોઈએ. નવી માહિતી મળે ત્યારે, અગાઉ લીધેલા નિર્ણયોને બદલવાની જરૂર પડી શકે. એમ થાય ત્યારે, નિર્ણય બદલવામાં વાર ન લગાડવી જોઈએ. એવું ન વિચારશો કે, તમે ભાઈ-બહેનોનું માન ગુમાવી દેશો. વાજબી અને નમ્ર વડીલ જરૂર પડ્યે પોતાના વિચારો અને નિર્ણયો બદલવા તૈયાર રહે છે. અને સારું થશે કે તેઓના એ ગુણને આપણે જીવનમાં ઉતારીએ. એનાથી, મંડળમાં શાંતિ અને એકતા જળવાઈ રહેશે.—પ્રે.કા. ૬:૧-૪.

નિર્ણય પ્રમાણે પગલાં ભરો

૧૭. નિર્ણયને સફળ બનાવવા ક્યાંથી મદદ મળી શકે?

૧૭ અમુક નિર્ણયો ગંભીર હોય છે. દાખલા તરીકે, લગ્ન કરવા કે નહિ અથવા કેવી વ્યક્તિ સાથે કરવા. બીજો એક ગંભીર નિર્ણય છે, પૂરા સમયની સેવા ક્યારે શરૂ કરવી. એવા મહત્ત્વના નિર્ણયો લેતી વખતે પોતાના સંજોગોને ધ્યાનથી તપાસવા જોઈએ અને મદદ માટે યહોવાને પ્રાર્થના કરવી જોઈએ. સારો નિર્ણય લેતા સમય લાગી શકે. પણ, એ માટે આપણે યહોવામાં ભરોસો રાખવો જોઈએ અને તેમના સૂચનોને કાન ધરવું જોઈએ. (નીતિ. ૧:૫) બાઇબલ દ્વારા યહોવા આપણને ઉત્તમ સલાહ આપે છે. સારું રહેશે કે, આપણે બાઇબલનું માર્ગદર્શન શોધીએ અને એને લાગુ પાડવા યહોવાની સહાય માંગીએ. આપણે ભરોસો રાખી શકીએ કે, તે આપણને જરૂરી ગુણો કેળવવા મદદ કરશે, જેથી તેમની ઇચ્છાના સુમેળમાં નિર્ણય લઈ શકીએ. મહત્ત્વના નિર્ણય લેતા પહેલાં આપણે પોતાને પૂછવું જોઈએ: “શું મારા નિર્ણયથી દેખાઈ આવશે કે હું યહોવાને પ્રેમ કરું છું? શું એ બતાવશે કે હું ધીરજવાન અને નમ્ર છું? શું એનાથી મારા કુટુંબમાં શાંતિ અને આનંદનો માહોલ જળવાઈ રહેશે?”

૧૮. યહોવા શા માટે ચાહે છે કે આપણે પોતે નિર્ણયો લઈએ?

૧૮ યહોવા ક્યારેય બળજબરી કરતા નથી કે આપણે તેમને પ્રેમ કરીએ અને તેમની સેવા કરીએ. એને બદલે, તેમણે તો આપણને પસંદગી કરવાની આઝાદી આપી છે. તેમની સેવા કરવી કે નહિ એ પસંદ કરવાના આપણા હક અને જવાબદારીને તે માન આપે છે. (યહો. ૨૪:૧૫; સભા. ૫:૪) પણ, તે ચાહે છે કે બાઇબલ આધારે લીધેલા નિર્ણયને આપણે વળગી રહીએ. ચાલો, યહોવાના માર્ગદર્શનમાં ભરોસો રાખીને અને બાઇબલના સિદ્ધાંતોને લાગુ પાડીને સારા નિર્ણયો લઈએ. અને એમ કરીને બતાવીએ કે, આપણે પોતાના માર્ગમાં સ્થિર છીએ.—યાકૂ. ૧:૫-૮; ૪:૮.