સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

બીજો શમુએલ ૨૧:૭-૯ પ્રમાણે દાઉદે કેમ ‘મફીબોશેથ પર કરુણા બતાવી’ અને પછી તેને મારી નંખાવવા સોંપી દીધો?

એ કલમોને જલદી જલદી વાંચવાથી અમુકને મનમાં એવો સવાલ થઈ શકે. પણ એ બનાવમાં મફીબોશેથ નામની બે અલગ અલગ વ્યક્તિઓનો ઉલ્લેખ થયો છે. ચાલો જોઈએ કે શું બન્યું હતું અને એમાંથી આપણે શું શીખી શકીએ.

ઇઝરાયેલના રાજા શાઉલને સાત દીકરાઓ અને બે દીકરીઓ હતી. તેમના સૌથી પહેલા દીકરાનું નામ યોનાથાન હતું. પછીથી શાઉલને ઉપપત્ની રિસ્પાહથી એક દીકરો થયો, જેનું નામ મફીબોશેથ હતું. આપણે જાણીએ છીએ તેમ, યોનાથાનના દીકરાનું નામ પણ મફીબોશેથ હતું. આમ શાઉલ રાજાને મફીબોશેથ નામનો એક દીકરો અને એક પૌત્ર પણ હતો.

શાઉલ રાજા ઇઝરાયેલીઓ વચ્ચે રહેતા ગિબયોનીઓને નફરત કરવા લાગ્યા હતા. એટલે તેમણે તેઓનો સફાયો કરી નાખવાની કોશિશ કરી. એમાં ઘણા ગિબયોનીઓએ જીવ ગુમાવ્યો. એમ કરવું સાવ ખોટું હતું. શા માટે? કેમ કે યહોશુઆના સમયમાં ઇઝરાયેલીઓના આગેવાનોએ ગિબયોનીઓ સાથે શાંતિનો કરાર કર્યો હતો.—યહો. ૯:૩-૨૭.

એ કરાર શાઉલ રાજાના સમયમાં પણ લાગુ પડતો હતો. છતાં તેમણે એ કરારની વિરુદ્ધ જઈને બધા ગિબયોનીઓને મારી નાખવાની કોશિશ કરી. એનાથી ‘શાઉલ અને તેમના ઘરનાને માથે લોહીનો દોષ’ આવ્યો. (૨ શમુ. ૨૧:૧) પછીથી દાઉદ ઇઝરાયેલના રાજા બન્યા. એ સમયે બચી ગયેલા ગિબયોનીઓએ દાઉદ રાજાને જણાવ્યું કે શાઉલે કેટલું મોટું પાપ કર્યું હતું. દાઉદે તેઓને પૂછ્યું કે એ માટે કઈ રીતે પસ્તાવો બતાવી શકાય, જેથી યહોવા ઇઝરાયેલ દેશને આશીર્વાદ આપે. શાઉલે ગિબયોનીઓનો ‘નાશ કરવા કાવતરાં ઘડ્યાં હતાં.’ એટલે તેઓએ સોના-ચાંદીને બદલે માંગ્યું કે શાઉલના સાત દીકરાઓને તેઓના હવાલે કરવામાં આવે, જેથી તેઓનો જીવ લઈ શકે. (ગણ. ૩૫:૩૦, ૩૧) દાઉદે તેઓની વાત માની લીધી.​—૨ શમુ. ૨૧:૨-૬.

જોકે ત્યાં સુધીમાં તો શાઉલ અને યોનાથાન એક યુદ્ધમાં માર્યા ગયા હતા. પણ યોનાથાનનો દીકરો મફીબોશેથ હજી જીવતો હતો. નાનપણમાં એક અકસ્માતને લીધે તે અપંગ થઈ ગયો હતો. તેના દાદાએ ગિબયોનીઓને મારી નાખવાનું જે કાવતરું ઘડ્યું એમાં તેનો કોઈ હાથ ન હતો. દાઉદે યોનાથાન સાથે દોસ્તીનો કરાર કર્યો હતો, જેમાં મફીબોશેથ અને યોનાથાનના બીજા વંશજોને ફાયદો થવાનો હતો. (૧ શમુ. ૧૮:૧; ૨૦:૪૨) બાઇબલમાં એ વિશે લખ્યું છે, “શાઉલના દીકરા યોનાથાને અને દાઉદે યહોવા આગળ કરાર કર્યો હતો. એટલે દાઉદે મફીબોશેથ પર કરુણા બતાવીને તેને જીવતો રહેવા દીધો, જે શાઉલના દીકરા યોનાથાનનો દીકરો હતો.”—૨ શમુ. ૨૧:૭.

તો પછી દાઉદે કઈ રીતે ગિબયોનીઓની વાત માની? તેમણે શાઉલના ઘરમાંથી સાત માણસોને ગિબયોનીઓના હાથમાં સોંપી દીધા. તેઓમાંથી બે શાઉલના દીકરાઓ હતા, જેમાંના એકનું નામ મફીબોશેથ હતું. બાકીના પાંચ શાઉલના પૌત્રો હતા. (૨ શમુ. ૨૧:૮, ૯) દાઉદે જે કર્યું એનાથી ઇઝરાયેલ દેશ લોહીના દોષથી મુક્ત થયો.

આ બનાવમાંથી ઘણું શીખવા મળે છે. નિયમશાસ્ત્રમાં જણાવ્યું હતું કે “પિતાઓનાં પાપને લીધે બાળકોને મારી ન નાખો.” (પુન. ૨૪:૧૬) જો શાઉલના દીકરાઓ અને તેમના પૌત્રોએ કંઈ ખોટું કર્યું ન હોત, તો યહોવાએ કોઈ ને કોઈ રીતે દાઉદને અટકાવ્યા હોત. નિયમશાસ્ત્રમાં એ પણ લખ્યું હતું કે “જે માણસ પાપ કરે, તે જ માર્યો જાય.” એવું લાગે છે કે ગિબયોનીઓને મારી નાખવાના કાવતરામાં એ સાતેય જણાએ ભાગ લીધો હતો. એટલે તેઓએ પોતાનાં ખરાબ કામોનું પરિણામ ભોગવવું પડ્યું.

આપણને શીખવા મળે છે કે જો એક વ્યક્તિ કોઈનો હુકમ માનીને કંઈક ખોટું કરે, તો તે એમ નથી કહી શકતી કે “મેં તો બસ જે કહેવામાં આવ્યું હતું એ જ કર્યું.” તેનાં કામો માટે તે પોતે જ જવાબદાર છે. બાઇબલમાં લખ્યું છે: “દરેકે પોતાની જવાબદારીનો બોજો જાતે ઊંચકવો પડશે.”​—ગલા. ૬:૫; એફે. ૫:૧૫.