સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો પૂછે છે . . .

નાતાલ વિશે શું જાણવું જોઈએ?

નાતાલ વિશે શું જાણવું જોઈએ?

ખ્રિસ્તીઓ વર્ષોથી ઈસુના જન્મદિવસને નાતાલ તરીકે ઊજવે છે. આ ઊજવણી સાથે ઘણાં બધાં રીતરિવાજો જોડાયેલાં છે. એનાથી આપણને થશે કે, એ રીતરિવાજોનો ઈસુના જન્મ સાથે શું સંબંધ છે?

સાન્તા ક્લોઝની દંતકથાનો વિચાર કરીએ. આજે જેને સાન્તા ક્લોઝ તરીકે ઓળખીએ છીએ એનો ઉપયોગ ૧૯૩૧માં એક જાહેરાતમાં થયો હતો. ઉત્તર અમેરિકાની પીણાંની (સોફ્ટડ્રિંક્સની) એક કંપનીએ નાતાલ દરમિયાન એ જાહેરાત બનાવી હતી. લાલ કપડાં, શ્વેત દાઢી અને ગુલાબી ગાલ વાળો એ હસમુખો ચહેરો ઘણો જ પ્રખ્યાત થઈ ગયો. પણ, બ્રાઝિલમાં રહેતા અમુક લોકોએ ૧૯૫૦ના દાયકામાં સાન્તા ક્લોઝને બદલે “ગ્રાન્ડપા ઈન્ડિયન” નામનું પાત્ર ઊભું કર્યું. એના વિશે એક પ્રોફેસર જણાવે છે: ‘સાન્તા ક્લોઝે ગ્રાન્ડપા ઈન્ડિયનને પાછળ પાડી દીધો. તેણે બાળ ઈસુને પણ પાછળ પાડી દીધા અને ડિસેમ્બર ૨૫એ રાખવામાં આવતી મિજબાનીનો મુખ્ય ભાગ બની ગયો.’ (કાર્લોસ ઈ. ફેન્ટીનટી) પણ, નાતાલની ઊજવણીમાં શું સાન્તા ક્લોઝ જેવી એક જ ખોટી માન્યતા છે? એ જાણવા, ચાલો આપણે શરૂઆતના ખ્રિસ્તીઓ વિશે જોઈએ.

ઍન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા જણાવે છે: ‘ખ્રિસ્તીઓની શરૂઆતનાં ૨૦૦ વર્ષ દરમિયાન સંત-મહાત્માનો જન્મદિવસ મનાવવાનો સખત વિરોધ થયો હતો. ઈસુના જન્મદિવસને પણ એ એટલું જ લાગુ પડતું હતું.’ શા માટે? કેમ કે, ખ્રિસ્તીઓ જન્મદિવસની ઊજવણીને જૂઠા ધર્મનાં રીતરિવાજ તરીકે ગણતા હતા. એમાં તેઓએ કોઈ પણ રીતે ભાગ લેતા નહિ. હકીકતમાં, ઈસુના જન્મની તારીખ બાઇબલમાં ક્યાંય આપવામાં આવી નથી.

પ્રખ્યાત રોમન ધર્મ અને શિયાળામાં આવતો સૂર્ય પૂજાનો તહેવાર કૅથલિક ચર્ચ માટે નડતરરૂપ હતાં. ચર્ચ એને દૂર કરીને પોતાનું વર્ચસ્વ જમાવવા ચાહતું હતું. એટલે, જન્મદિવસની ઊજવણી સામે ખ્રિસ્તીઓના સખત વિરોધ છતાં, કૅથલિક ચર્ચે ચોથી સદીમાં નાતાલની શરૂઆત કરી. એક લેખકે પોતાના પુસ્તક ક્રિસમસ ઈન અમેરિકામાં જણાવ્યું કે, દર વર્ષે ડિસેમ્બર ૧૭થી જાન્યુઆરી ૧ સુધી, ‘મોટા ભાગના રોમના લોકો ખાતા-પીતા, મજા માણતા, સરઘસ કાઢતા અને બીજા તહેવારો ઊજવતા. એમ કરીને તેઓ પોતાનાં દેવ-દેવીઓની ભક્તિ કરતા.’ (પેન્ની એલ. રીસ્ટેડ) રોમન લોકો ડિસેમ્બર ૨૫ના રોજ ‘અજેય સૂર્ય’નો જન્મદિવસ ઊજવતા હતા. એ જ દિવસે નાતાલની શરૂઆત કરીને ચર્ચે ઘણા રોમન લોકોને સૂર્યનો જન્મદિવસ ઊજવવાને બદલે ઈસુનો જન્મદિવસ ઊજવવા મનાવી લીધા. સાન્તા ક્લોઝ, એ બાયોગ્રાફીના લેખકે જણાવ્યું કે, રોમનો ‘શિયાળાના તહેવારો સાથે જોડાયેલી દરેક બાબતોનો હજુ પણ આનંદ માણતા હતા.’ હકીકતમાં, તેઓ ‘જૂના રિવાજોને નવા તહેવારોના રૂપમાં ઉજવવા લાગ્યા.’—જેરી બોલરે.

એ સ્પષ્ટ જોઈ શકાય કે નાતાલનો તહેવાર સ્વીકારી ન શકાય એવા મૂળમાંથી આવે છે. ધ બેટલ ફોર ક્રિસમસના લેખકે જણાવ્યું કે નાતાલ ‘બીજું કંઈ નહિ, પણ જૂઠા ધર્મોમાંથી આવેલો તહેવાર છે. અને એને ખ્રિસ્તી આવરણ ચડાવી દેવામાં આવ્યું છે.’ (સ્ટીફન નીસ્સનબામ) આમ, નાતાલનો તહેવાર ઈશ્વર અને તેમના દીકરા ઈસુ ખ્રિસ્તનું અપમાન કરે છે. શું એ નાની-સૂની વાત કહેવાય? બાઇબલ જણાવે છે: “ન્યાયીપણાને અન્યાયીપણાની સાથે સોબત કેમ હોય? અજવાળાને અંધકારની જોડે શી સંગત હોય?” (૨ કોરીંથી ૬:૧૪) જેવી રીતે ઝાડની ડાળીઓને સીધી કરી શકાતી નથી, એવી જ રીતે, નાતાલના રીતરિવાજો એટલાં ગૂંચવણભર્યાં છે કે એને ‘સીધાં કરી શકાતા નથી.’—સભાશિક્ષક ૧:૧૫. (w૧૫-E ૧૨/૦૧)