સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જ્યોતિષવિદ્યા અને ભવિષ્ય ભાખવું—ભવિષ્યમાં ડોકિયું કરવા મદદ કરી શકે?

જ્યોતિષવિદ્યા અને ભવિષ્ય ભાખવું—ભવિષ્યમાં ડોકિયું કરવા મદદ કરી શકે?

જ્યોતિષવિદ્યા

જ્યોતિષવિદ્યા એ ભવિષ્ય જાણવા વપરાતી એક રીત છે, જેમાં એમ માનવામાં આવે છે કે તારાઓ, ચંદ્ર અને બીજા ગ્રહો પૃથ્વી પર લોકોના જીવનને નોંધપાત્ર અસર કરી શકે છે.

જ્યોતિષીઓ દાવો કરે છે કે વ્યક્તિના જન્મ સમયે અંતરિક્ષના ગ્રહોની સ્થિતિ તેના વ્યક્તિત્વને અને ભવિષ્યને ઘડે છે. જ્યોતિષવિદ્યા જૂના જમાનાથી છે. એ મૂળ પ્રાચીન બાબેલોનથી શરૂ થઈ હતી અને આજે પણ લોકપ્રિય છે. એવું અનુમાન છે કે ભારતની વસ્તીના ૯૦ ટકાથી વધારે લોકો જ્યોતિષવિદ્યામાં માને છે, જેમાં વૈજ્ઞાનિકોનો પણ સમાવેશ થાય છે. પરંતુ શું ખરેખર જ્યોતિષવિદ્યા વિજ્ઞાન પર આધારિત છે? ના. ચાલો જોઈએ કે શા માટે એમ નથી.

  • હકીકતમાં, ગ્રહો અને તારાઓમાંથી એવું કોઈ બળ અથવા શક્તિ નીકળતી નથી, જે મનુષ્યોને અસર કરી શકે. જ્યોતિષીઓનો એ દાવો સાચો નથી.

  • જ્યોતિષીઓની આગાહીઓ મોટાભાગે એવી સર્વસામાન્ય હોય છે કે એ બધાને લાગુ પડી શકે.

  • જ્યોતિષીઓ જે ગણતરી કરીને ભવિષ્ય ભાખે છે, એ ભૂગોળ વિશેની પ્રાચીન માન્યતાઓને આધારે છે, જેમાં લોકો માનતા હતા કે પૃથ્વીની આસપાસ ગ્રહો ફરે છે. એ ભૂલભરેલી માન્યતા છે. હકીકતમાં, સૂર્યની આસપાસ ગ્રહો ફરે છે.

  • એક જ વ્યક્તિ માટે જુદા જુદા જ્યોતિષીઓએ કરેલું ભવિષ્યકથન એકબીજા સાથે મેળ ખાતું નથી.

  • જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે, વ્યક્તિ જે સમયે અને તારીખે જન્મી હોય એના આધારે વ્યક્તિની કુંડળી બને છે અને તેની જન્મ રાશિ નક્કી કરવામાં આવે છે. નક્ષત્રોને આધારે રાશિના નામ હોય છે, એ બાર રાશિઓમાંથી (ઝોડિયાક સાઇન) વ્યક્તિની રાશિ નક્કી કરવામાં આવે છે. જે તે નક્ષત્રમાંથી સૂર્ય પસાર થાય એ સ્થિતિ અને વ્યક્તિની રાશિ કંઈ એકબીજા સાથે મેળ ખાતા નથી. કેમ કે હકીકતમાં તો અંતરિક્ષમાં પૃથ્વીનું સ્થાન સમયના વહેણ સાથે બદલાતું રહે છે.

એવું માનવામાં આવે છે કે રાશિ વ્યક્તિના ચરિત્રને સૂચવે છે. પરંતુ, વાસ્તવિક જીવનમાં એક જ સમયે અને તારીખે જન્મેલી વ્યક્તિઓનું ચરિત્ર પણ સાવ અલગ અલગ હોય છે. કોઈની જન્મ તારીખ પરથી એ વ્યક્તિનો સ્વભાવ, બીજા ગુણો કે અન્ય બાબતોની ક્યારેય ખબર પડતી નથી. જ્યોતિષીઓ વ્યક્તિનું મન જોઈ શકતા નથી. તેઓ તો વ્યક્તિના બાહ્ય દેખાવ પરથી અનુમાન લગાવીને તેના દેખાવ અને ચરિત્ર વિશે જણાવે છે. શું એવું અનુમાન કરવું ખોટું ન કહેવાય?

ભવિષ્ય ભાખવું

ભવિષ્ય કે નસીબમાં શું લખ્યું છે એ જાણવા તાંત્રિકો, સાધ્વીઓ, બાવાઓ અથવા જંતરમંતર કરનારાઓની સલાહ લેવાનું ચલણ પ્રાચીન સમયથી ચાલતું આવ્યું છે. એવા કેટલાક બાવા એ સમયે કોઈ પ્રાણી અને મનુષ્યના આંતરડાંની રચનાનો ભેદી મતલબ અથવા કૂકડાની દાણા ચણવાની રીતનો ચોક્કસ મર્મ કાઢી નસીબ ભાખતા હતા. બીજા કેટલાક, ચાના પાંદડાં અથવા કૉફીની ભૂક્કીનો કપમાં જે રીતે આકાર પડે એના પરથી વ્યક્તિના નસીબ વિશે આગાહી કરતા. આજના જમાનામાં લોકો ટેરો કાડ્‌ર્સ, કાચનો દડો (ક્રિસ્ટલ બૉલ), જૂગટાનું પાસું (ડાઇસ), પોપટ દ્વારા કઢાતા પત્તાં પરથી અને અન્ય સાધનોનો ઉપયોગ કરી વ્યક્તિના ભાવિને “વાંચવાનો” દેખાડો કરે છે. ભાવિમાં શું રહેલું છે એ જાણવા આવા પ્રયત્નો પર શું ભરોસો કરી શકાય? ના, જરાય નહિ. ચાલો એનાં કારણો જોઈએ.

એકમત ન હોવું: કોઈ વ્યક્તિનું નસીબ જાણવા ઉપર ચર્ચા કરેલી રીતોમાંની એક કરતાં વધારે રીતો અજમાવી જોતા. એવું જોવા મળે છે કે તેઓએ કરેલા અનુમાનો એકબીજા સાથે મેળ ખાતા નથી. અરે, જો કોઈ વ્યક્તિ એક જ રીત દ્વારા નસીબ જોવા બે બાવાઓ પાસે જાય તોય બે જુદું જુદું ભવિષ્યકથન મેળવે છે. દાખલા તરીકે, કોઈ વ્યક્તિ વિશે એક પ્રશ્ન પર, એક જ કાર્ડ વાપરીને જો બે જુદા જુદા બાવાઓ જવાબ આપે, તો દેખીતું છે કે બંને જવાબ એક જેવા હોવા જોઈએ, પણ મોટાભાગે એવું હોતું નથી.

ભવિષ્ય ભાખનારાઓની રીતો તેમજ ઇરાદાઓ શંકાસ્પદ: ટીકાકારોનું કહેવું છે કે આવા કાડ્‌ર્સ કે કાચનો દડો ફક્ત બહાનું છે, ધ્યાન ફંટાવવાનું એક સાધન માત્ર છે. એમાં વ્યક્તિનું ધ્યાન પરોવીને બાવાઓ તો તેનું વર્તન વાંચી રહ્યા હોય છે. આ કામમાં ચાલાક તાંત્રિકો અમુક સામાન્ય પ્રશ્નો પૂછીને, વ્યક્તિના હાવભાવ અને તેના જવાબો પરથી તેના વિશે જાણકારી મેળવી લે છે. વાત-વાતમાં ગ્રાહકે જે હકીકતો કે સંજોગો વિશે પોતે જ કહી દીધું હોય, એ જ માહિતી આ તાંત્રિકો તેને કહી બતાવે છે અને વિશ્વાસ જીતી લે છે. આ રીતે વ્યક્તિનો વિશ્વાસ જીતી લઈને ભવિષ્યકથન કરનારાઓ તેમના ગ્રાહકો પાસેથી મોટી રકમ પડાવી લેતા હોય છે.

શાસ્ત્ર આપણને શું શીખવે છે

જ્યોતિષવિદ્યા અને નસીબમાં શું લખ્યું છે એ જાણવાની પ્રથા એમ સૂચવે છે કે આપણું ભવિષ્ય પહેલેથી નક્કી થઈ ગયું છે. પરંતુ શું ખરેખર એમ હોય છે? શાસ્ત્ર જણાવે છે કે શું માનવું અથવા શું કરવું એ પસંદ કરવાની આપણને ક્ષમતા આપવામાં આવી છે અને આપણી પસંદગીઓ આપણા ભાવિનું ઘડતર કરી શકે છે.—યહોશુઆ ૨૪:૧૫.

જોકે, ઈશ્વરના ઉપાસકો એક ખાસ કારણથી જ્યોતિષવિદ્યા અને નસીબ ભાખવા કે જાણવાથી જોડાયેલા દરેક કામને ધિક્કારે છે અને એનાથી દૂર રહે છે. શાસ્ત્રમાં આપણને સાફ સલાહ મળે છે કે, ‘તારી મધ્યે એવો કોઈ જન હોવો ન જોઈએ કે જે જોષ જોતો હોય, કે શકુન જોતો હોય, કે ધંતરમંતર કરનાર, કે જાદુગર, કે મોહિની લગાડનાર કે મૂઠ મારનાર, કે ઈલમી, કે ભૂવો હોય. કેમ કે જે કોઈ એવાં કામ કરે છે, તેનાથી યહોવા a કંટાળે છે.’—પુનર્નિયમ ૧૮:૧૦-૧૨.

a એ ‘આખી પૃથ્વીના પરાત્પર ઈશ્વરનું’ નામ છે.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.