સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુખ્ય વિષય | તમે ક્યાંથી દિલાસો મેળવી શકો?

ઈશ્વર કઈ રીતે દિલાસો આપે છે?

ઈશ્વર કઈ રીતે દિલાસો આપે છે?

પ્રેરિત પાઊલે યહોવા * વિશે કહ્યું કે, તે “દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર છે. તે આપણી બધી કસોટીઓમાં આપણને દિલાસો આપે છે.” (૨ કોરીંથીઓ ૧:૩, ૪) એટલે શાસ્ત્ર આપણને ખાતરી આપે છે કે દરેક વ્યક્તિ ઈશ્વર પાસેથી મદદ મેળવી શકે છે અને દરેક પ્રકારની મુશ્કેલીમાં આપણા પ્રેમાળ પિતા આપણને દિલાસો આપી શકે છે.

ઈશ્વર પાસેથી દિલાસો મેળવવા માટે આપણે અમુક પગલાં ભરવા પડશે. દાખલા તરીકે, જો આપણને ડૉક્ટરની મદદ જોઈતી હોય, તો આપણે તેમની પાસે જવું પડે છે. એટલે, શાસ્ત્ર આપણને અરજ કરે છે: “ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે.”—યાકૂબ ૪:૮.

ઈશ્વર આપણી પાસે આવશે એવી ખાતરી આપણે કઈ રીતે રાખી શકીએ? પહેલું કારણ, તેમણે ઘણી વાર જણાવ્યું છે કે તે આપણને મદદ કરવા તૈયાર છે. ( બૉક્સ જુઓ.) બીજું કારણ, આપણી પાસે એવા ઘણા લોકોના ઉદાહરણ છે, જેઓને ઈશ્વરે દિલાસો આપ્યો છે. એમાં હાલના અને પ્રાચીન સમયના લોકોના ઉદાહરણનો સમાવેશ થાય છે.

આજે ઘણા લોકો મુશ્કેલીઓમાં ઈશ્વર તરફ મીટ માંડે છે. રાજા દાઊદે પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. તેમણે યહોવાને આજીજી કરી: ‘હું તમને અરજ કરું છું મારા કાલાવાલા સાંભળો.’ શું ઈશ્વરે જવાબ આપ્યો? હા! દાઊદે કહ્યું: ‘મને સહાય મળી છે; માટે મારા હૃદયમાં અત્યંત આનંદ થાય છે.’—ગીતશાસ્ત્ર ૨૮:૨,.

શોક કરનારાઓને ઈસુ કઈ રીતે દિલાસો આપે છે?

ઈશ્વર ચાહે છે કે દિલાસો આપવામાં ઈસુની મહત્ત્વની ભૂમિકા હોય. ઈશ્વરે ઈસુને ઘણાં કામો સોંપ્યાં, એમાંનાં અમુક કામ હતાં: “ભગ્ન હૃદયોવાળાને સાજા કરવા” અને “શોક કરનારાઓને દિલાસો” આપવો. (યશાયા ૬૧:૧, ૨) જેમ ભવિષ્યવાણી કરવામાં આવી હતી, તેમ ઈસુએ ‘સખત મજૂરી કરનારા અને બોજથી દબાયેલા’ લોકોમાં ઘણો રસ લીધો.—માથ્થી ૧૧:૨૮-૩૦.

ઈસુએ લોકોને સારી સલાહ આપી, તેઓ સાથે પ્રેમથી વર્ત્યા અને અમુક કિસ્સામાં તેમણે તેઓને સાજા પણ કર્યાં. આમ, તે લોકોને દિલાસો આપતા હતા. એક દિવસ રક્તપિત્ત થયેલા માણસે ઈસુને વિનંતી કરી: “જો તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો.” ઈસુનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું અને તેમણે કહ્યું: “હું ચાહું છું, તું શુદ્ધ થા.” (માર્ક ૧:૪૦, ૪૧) અને એ માણસ સાજો થયો.

ઈશ્વરના દીકરા, ઈસુ આજે પૃથ્વી પર નથી કે, તે આપણને વ્યક્તિગત રીતે દિલાસો આપી શકે. પરંતુ, તેમના પિતા, યહોવા “દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર છે.” તે આપણને જરૂરી દિલાસો આપતા રહેશે. (૨ કોરીંથીઓ ૧:૩) ચાલો જોઈએ કે, લોકોને દિલાસો આપવા ઈશ્વર કઈ ચાર રીતો વાપરે છે.

  • પવિત્ર શાસ્ત્ર. “જે કંઈ અગાઉ લખવામાં આવ્યું હતું, એ આપણા શિક્ષણને માટે લખવામાં આવ્યું હતું. પવિત્ર શાસ્ત્ર આપણને ધીરજ રાખવા મદદ કરે છે અને દિલાસો આપે છે, જેથી આપણને આશા મળે.”—રોમનો ૧૫:૪.

  • ઈશ્વરની પવિત્ર શક્તિ. ઈસુના મરણના થોડા સમય પછી આખા ખ્રિસ્તી મંડળને દિલાસાની જરૂર હતી. શાસ્ત્ર જણાવે છે કે, ઈશ્વરે પોતાની પવિત્ર શક્તિ દ્વારા મંડળને દિલાસો પૂરો પાડ્યો. (પ્રેરિતોનાં કાર્યો ૯:૩૧) ઈશ્વરની પવિત્ર શક્તિ ખૂબ જ શક્તિશાળી છે. વ્યક્તિના સંજોગો ભલે ગમે તેવા હોય, ઈશ્વર પોતાની શક્તિ દ્વારા દિલાસો આપી શકે છે.

  • પ્રાર્થના. શાસ્ત્ર જણાવે છે, ‘કંઈ ચિંતા ન કરો, પણ બધી બાબતમાં પ્રાર્થના અને વિનંતી સાથે આભાર માનતા, તમારી અરજો ઈશ્વરને જણાવો; અને ઈશ્વરની શાંતિ, જે બધી સમજશક્તિ કરતાં ચઢિયાતી છે, એ તમારા હૃદયો અને મનોનું રક્ષણ કરશે.’—ફિલિપીઓ ૪:૬, ૭.

  • સાથી ઈશ્વરભક્તો. કપરા સંજોગોમાં આપણને સાથી ઈશ્વરભક્તો તરફથી દિલાસો મળી શકે છે. પ્રેરિત પાઊલે જણાવ્યું કે ‘વિપત્તિઓમાં અને સતાવણીઓમાં’ તેમના સાથીઓએ તેમને ‘ઘણો દિલાસો આપ્યો.’—કોલોસીઓ ૪:૧૧; ૧ થેસ્સાલોનિકીઓ ૩:૭.

પણ તમે કદાચ વિચારતા હશો કે આ ચાર બાબતો હકીકતમાં તમને કઈ રીતે મદદ કરી શકે. અગાઉ જે લોકો વિશે વાત કરી, તેઓના મુશ્કેલ સંજોગો પર ચાલો એક નજર નાખીએ. તેઓની જેમ, તમે પણ અનુભવી શકશો કે યહોવા પોતાનું આ વચન નિભાવે છે: ‘જેમ કોઈ બાળકને તેની મા દિલાસો આપે છે, તે પ્રમાણે હું તમને દિલાસો આપીશ.’—યશાયા ૬૬:૧૩. (wp16-E No. 5)

^ ફકરો. 3 પવિત્ર શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે.