સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દુનિયાભરમાં માનસિક બીમારીનો કહેર

દુનિયાભરમાં માનસિક બીમારીનો કહેર

“કોઈ કારણ ન હોય તોપણ, ચિંતા મારો પીછો નથી છોડતી.”

“એક પળે હું બહુ ‘ખુશ’ હોઉં છું તો બીજી જ પળે ખૂબ ‘દુઃખી’ થઈ જાઉં છું. મારી સાથે એવું ઘણી વાર બને છે. ભલે હું ખુશ હોઉં તોપણ મને ગભરામણ થાય છે.”

“હું આજની ચિંતાઓ સામે લડવાની કોશિશ કરું છું. પણ અમુક વાર ઘણા દિવસની ચિંતાઓ મને એકસાથે ઘેરી લે છે.”

એ શબ્દો એવા લોકોના છે જેઓ અલગ અલગ માનસિક બીમારીઓ સામે લડી રહ્યા છે. શું તમે પણ એવું જ અનુભવી રહ્યા છો? શું તમારા કોઈ સ્નેહીજન આવી બીમારી સામે લડી રહ્યાં છે?

જો એવું હોય તો યાદ રાખો કે તમે એકલા નથી. દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ કોઈ ને કોઈ માનસિક બીમારી સામે લડી રહ્યા છે. અથવા તેઓના મિત્રો કે સગાં-વહાલાં આ બીમારીનો શિકાર બન્યા છે.

એમાં કોઈ શંકા નથી કે આપણે ‘સંકટના સમયોમાં જીવી રહ્યા છીએ જે સહન કરવા અઘરા છે.’ (૨ તિમોથી ૩:૧) એના કારણે આપણા માનસિક સ્વાસ્થ્ય પર ઘણી રીતોએ ઊંડી અસર થઈ રહી છે. એક અભ્યાસ પ્રમાણે જાણવા મળ્યું છે કે દુનિયામાં દર ૮ વ્યક્તિમાંથી કોઈ એકને માનસિક બીમારી a છે. કોવિડ-૧૯ મહામારી પછી ૨૦૨૦માં અતિશય ચિંતા (ઍંગ્ઝાયટિ) અને ગંભીર ડિપ્રેશનની બીમારીઓમાં આશરે ૭ કરોડ ૮૦ લાખ લોકોનો વધારો થયો છે.

એ આંકડાઓ મહત્ત્વના છે કેમ કે એનાથી જાણી શકીએ છીએ કે આજે કેટલા બધા લોકો માનસિક બીમારીઓથી પીડાઈ રહ્યા છે. પણ એ જાણવું વધારે જરૂરી છે કે માનસિક બીમારીથી પીડાઈ રહેલી વ્યક્તિ અને તેના કુટુંબીજનો પર શું વીતી રહ્યું છે.

માનસિક સ્વાસ્થ્ય એટલે શું?

સારું માનસિક સ્વાસ્થ્ય હોવાનો અર્થ થાય, ખુશ રહેવું અને દરેક કામ બરાબર રીતે કરવું. માનસિક સ્વાસ્થ્ય સારું હશે તો રોજબરોજની ચિંતાઓનો સારી રીતે સામનો કરી શકીશું. પોતાનું કામ સારી રીતે પૂરું કરી શકીશું અને જીવનમાં ખુશ રહી શકીશું.

માનસિક બીમારી વિશે જાણકારી

  • જો કોઈ વ્યક્તિને માનસિક બીમારી હોય, તો એમાં એનો કોઈ વાંક નથી. એવું નથી કે તે શારીરિક રીતે નબળી છે કે તેણે કંઈક ખોટું કર્યું છે.

  • આ બીમારીમાં વ્યક્તિ ડરી જાય અને તેને વધારે પડતી ચિંતા થવા લાગે. તે બરાબર રીતે વિચારી ન શકે. પોતાની લાગણીઓ પર કાબૂ રાખી ન શકે. સારી રીતે વર્તી ન શકે.

  • આ બીમારીના લીધે વ્યક્તિને બીજાઓ સાથે હળવું-મળવું અઘરું લાગી શકે. અરે, રોજબરોજની નાની-મોટી જવાબદારીઓ ઉપાડવી પણ મુશ્કેલ થઈ શકે.

  • આ બીમારી કોઈ પણ વ્યક્તિને થઈ શકે. પછી ભલે તે કોઈ પણ ઉંમર, જાતિ, સંસ્કૃતિ, દેશ, સમાજ કે ધર્મની હોય. તે અમીર હોય કે ગરીબ, વધારે ભણેલી હોય કે ઓછું.

માનસિક બીમારીમાં મદદ મેળવો

અમુક વખતે વ્યક્તિનું વર્તન અચાનક બદલાવા લાગે છે. જેમ કે તેને વધારે ઊંઘ આવે અથવા ઊંઘ ઊડી જાય, તેને વધારે ભૂખ લાગે અથવા ભૂખ મરી જાય, તે વધારે પડતી ચિંતા કરવા લાગે અથવા ઉદાસ રહેવા લાગે. એવું થાય ત્યારે તેણે કદાચ ડૉક્ટર પાસે જવું જોઈએ. એનાથી તે જાણી શકશે કે તેને એવું કેમ થાય છે અને એનો ઇલાજ શું છે. પણ શું ડૉક્ટર પાસે જવું જરૂરી છે?

સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું: “વૈદની જરૂર તંદુરસ્ત લોકોને નથી, પણ માંદા લોકોને છે.” (માથ્થી ૯:૧૨) જેઓ માનસિક બીમારીનો ભોગ બન્યા છે, તેઓ યોગ્ય સારવાર અને દવા લે તો તેઓની બીમારીના લક્ષણ ઓછા થઈ શકે છે. એનાથી તેઓ સારું અને ખુશહાલ જીવન જીવી શકશે. પણ જો તેઓની બીમારીના લક્ષણ લાંબા સમય સુધી રહે અથવા વધતા જ જાય, તો તેઓએ જલદી જ યોગ્ય સારવાર લેવી જોઈએ. b

એ ઉપરાંત, પવિત્ર શાસ્ત્ર બાઇબલ પણ આપણને માનસિક સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓ સામે લડવા મદદ કરે છે. જોકે બાઇબલ સારવારને લગતું પુસ્તક નથી, તોપણ એમાં જે જણાવ્યું છે એનાથી આપણું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. એ વિશે હવે પછીના લેખોમાં જણાવ્યું છે. અમે તમને એ વાંચવા ઉત્તેજન આપીએ છીએ.

a આ અંકમાં અમુક માનસિક બીમારીઓનાં નામ કૌંસમાં આપ્યાં છે.

b ચોકીબુરજ મૅગેઝિન એ નથી જણાવતું કે કેવી અને ક્યાં સારવાર લેવી જોઈએ. કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં કઈ સારવાર પ્રાપ્ય છે એ વિશે વ્યક્તિએ પૂરતી માહિતી મેળવવી જોઈએ.