સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ખોરાકની એલર્જી અને ખોરાક ન સદવો—એમાં શું ફરક છે?

ખોરાકની એલર્જી અને ખોરાક ન સદવો—એમાં શું ફરક છે?

એમીલી: “મેં ચમચી હાથમાંથી નીચે મૂકી અને એકદમ બેચેની થવા લાગી. મારા મોંમાં ખંજવાળ આવવા લાગી અને મારી જીભ સુજવા લાગી. મને ચક્કર આવવા લાગ્યા અને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. હાથ અને ગરદન પર ઝીણી ફોલ્લીઓ ઊપસી આવી. મેં મન શાંત રાખવાની કોશિશ કરી, પણ હું જાણતી હતી કે મારે હવે હૉસ્પિટલ જવું પડશે અને એ પણ જલદી જ!”

ખોરાક કોને નથી ગમતો? મોટા ભાગે બધા એનો આનંદ માણે છે. પણ, એવા ઘણા લોકો છે જેઓના માટે અમુક પ્રકારનો ખોરાક “દુશ્મન” જેવો છે. જેના વિશે આપણે ઉપર વાત કરી, એ એમીલીની જેમ ઘણા લોકો ખોરાકની એલર્જીથી પીડાય છે. એમીલીને એલર્જીથી જે રિએક્શન થયું, એને એનાફિલેક્સિસ કહે છે, જે ખતરનાક નીવડી શકે છે. સારું છે કે મોટા ભાગની ખોરાકની એલર્જી આવી ગંભીર હોતી નથી.

હાલનાં વર્ષોમાં, ખોરાકની એલર્જી અને ખોરાક સદતો ન હોય એવા કિસ્સાઓમાં વધારો જોવા મળ્યો છે. તેમ છતાં, અમુક અભ્યાસ સૂચવે છે કે, ઘણાને લાગે છે કે તેઓને ખોરાકની એલર્જી છે. પણ જ્યારે તેઓ ડોક્ટર પાસે નિદાન કરાવે છે, ત્યારે એમાંથી બહુ થોડા જ લોકોને એલર્જી હોવાનું સ્પષ્ટ થાય છે.

ખોરાકની એલર્જી એટલે શું?

ધ જર્નલ ઑફ ધી અમેરિકન મેડિકલ એસોસિએશનમાં ડોક્ટર જેનિફર જે. સ્નિડર શેફનના માર્ગદર્શન હેઠળ કેટલાક વૈજ્ઞાનિકોનો એક અહેવાલ છાપવામાં આવ્યો. અહેવાલ જણાવે છે: ‘ખોરાકની એલર્જીની એવી કોઈ વ્યાખ્યા નથી જે દુનિયામાં બધે જ એક સરખી હોય.’ તોપણ, ઘણા નિષ્ણાતો માને છે રોગપ્રતિકારક શક્તિ પર અસર થવાને લીધે એલર્જીનું રિએક્શન થાય છે.

ખોરાકની અમુક એલર્જીનું કારણ એ ખોરાકમાં રહેલું પ્રોટીન છે. રોગપ્રતિકારક શક્તિ આ પ્રોટીનને ભૂલથી નુકસાનકારક ગણે છે. જ્યારે અમુક પ્રકારનાં પ્રોટીન શરીરમાં દાખલ થાય છે, ત્યારે રોગપ્રતિકારક શક્તિને લાગે છે કે શરીર પર હુમલો થયો છે. એટલે, શરીરનું રક્ષણ કરવા એ પ્રતિદ્રવ્ય (એન્ટીબોડી) ઉત્પન્ન કરે છે, જેને આઇજીઈ (Immunoglobulin E) કહે છે. જો ફરીથી એવો ખોરાક લેવામાં આવે, તો જે પ્રતિદ્રવ્યો પહેલાં બન્યા હતા તે ફરીથી કાર્યરત થઈને હિસ્ટામીન અને બીજાં રસાયણ ઉત્પન્ન કરે છે.

સામાન્ય રીતે, રોગપ્રતિકારક શક્તિમાં હિસ્ટામીન રસાયણ ખૂબ લાભકારક છે. પણ, જે લોકોનું શરીર પહેલેથી જ અમુક પ્રકારના પ્રોટીન પ્રત્યે સંવેદનશીલ હોય છે, તેઓના શરીરમાં આઇજીઈ પ્રતિદ્રવ્યોની હાજરી અને હિસ્ટામીન ઉત્પન્ન થવાને લીધે એલર્જી થાય છે. આમ થવાનું કારણ હજુ સુધી સમજાયું નથી.

આનાથી ખુલાસો થાય છે કે જ્યારે કોઈ ખોરાક પહેલી વાર ખાઈએ છીએ, ત્યારે કોઈ રિએક્શન થતું નથી, પણ એ જ ખોરાક બીજી વાર ખાઈએ છીએ ત્યારે એલર્જીનું રિએક્શન દેખાય છે.

ખોરાક ન સદવો એટલે શું?

ખોરાકની એલર્જીની જેમ, અમુક ખોરાકના રિએક્શનને ખોરાક ન સદવો કહેવાય છે. ખોરાકની એલર્જી, રોગપ્રતિકારક શક્તિથી ઉત્તેજિત થાય છે. જ્યારે કે પાચનતંત્રમાં રિએક્શન આવવાથી ખોરાક સદતો નથી. એમાં પ્રતિદ્રવ્યો કોઈ ભાગ ભજવતા નથી. કોઈ વ્યક્તિનું પાચનતંત્ર નબળું હોય શકે. એનું કારણ કદાચ એ હોય છે કે વ્યક્તિમાં પાચકરસની (એન્ઝાઇમ) ઊણપ હોય અથવા ખોરાકમાં રહેલા તત્ત્વો પચાવવા અઘરા હોય. દાખલા તરીકે, દૂધ ન પચવું કે લેક્ટોસની તકલીફ થવી. જ્યારે દૂધ કે દૂધની બનાવટોમાં રહેલી અમુક શર્કરા પચાવવા માટે જરૂરી એવો પાચકરસ આંતરડાં ઉત્પન્ન કરી શકતા નથી ત્યારે વ્યક્તિને દૂધ પચતું નથી.

આવા કિસ્સામાં, પ્રતિદ્રવ્યો ઉત્પન્ન થતા નથી. એ કારણે વ્યક્તિ જ્યારે પહેલી વાર એવો ખોરાક ખાય, ત્યારથી જ એ તેને સદતો નથી. તકલીફનો આધાર ખોરાક તમે કેટલી માત્રામાં લો છો એના પર રહેલો છે. થોડો ખોરાક લેવાથી કદાચ આડઅસર ન થાય, પણ જો વધારે લેવામાં આવે તો આડઅસર થઈ શકે. આ બાબત ખોરાકની એલર્જીથી તદ્દન અલગ છે, કેમ કે જો વ્યક્તિને કોઈ ખોરાકની તીવ્ર એલર્જી હોય, તો એ ખોરાકની થોડી માત્રા પણ જીવલેણ સાબિત થઈ શકે.

લક્ષણો

જો તમે ખોરાકની એલર્જીથી પીડાતા હો, તો તમને આવું થઈ શકે: ખંજવાળ આવવી; ઝીણી ફોલ્લીઓ ફૂટી નીકળવી; ગળામાં, આંખમાં કે જીભ પર સોજા આવવા; ઊબકા આવવા; ઊલટી થવી કે ઝાડા થવા. અને ગંભીર કિસ્સામાં બ્લડ પ્રેશર એકદમ ઘટી જાય, ચક્કર આવે, બેભાન થઈ જવાય અને હૃદયરોગનો હુમલો પણ આવી શકે. આવું ગંભીર રિએક્શન ઘણી ઝડપથી થઈ શકે અને વ્યક્તિનો જીવ પણ જઈ શકે.

આમ જોવા જઈએ તો કોઈ પણ પ્રકારના ખોરાકથી એલર્જી થઈ શકે છે. તેમ છતાં, સામાન્ય રીતે તીવ્ર એલર્જી અમુક પ્રકારના ખોરાકના લીધે થાય છે, જેમ કે, દૂધ, ઈંડાં, માછલી, દરિયાઈ જીવ, મગફળી, સોયાબીન, સૂકો મેવો અને ઘઉં. વ્યક્તિને કોઈ પણ ઉંમરે એલર્જી થઈ શકે છે. સંશોધન જણાવે છે કે, વારસાગત રીતે મળતા લક્ષણો, એલર્જીમાં બહુ મોટો ભાગ ભજવે છે. જો એક બાળકના માતા કે પિતા કે બંનેને કોઈ એલર્જી હોય, તો બાળકને એવી એલર્જી થવાની શક્યતા વધારે હોય છે. પણ, ઘણી વાર એમ જોવા મળ્યું છે કે, જેમ જેમ બાળક મોટું થાય, તેમ તેમ તેની એલર્જી મટતી જાય છે.

ખોરાક ન સદતો હોય તો એના લક્ષણો, તીવ્ર એલર્જીના લક્ષણો કરતાં ઓછા ભયજનક હોય છે. ખોરાક ન સદવાના આ લક્ષણો છે: પેટનો દુઃખાવો, પેટ ફૂલી જવું, ગેસ, સ્નાયુઓમાં તીવ્ર દુઃખાવો, માથાનો દુઃખાવો, ઝીણી ફોલ્લીઓ નીકળવી, થાક લાગવો અથવા બેચેની લાગવી. આ તકલીફ ઘણા પ્રકારના ખોરાકથી થઈ શકે, જેમ કે, દૂધની બનાવટો, ઘઉં, ધાન્યોમાં રહેલું ચીકણું તત્ત્વ (ગ્લુટન), દારૂ અને યીસ્ટ.

નિદાન અને ઉપચાર

જો તમને લાગતું હોય કે તમને કોઈ પ્રકારના ખોરાકની એલર્જી છે કે કોઈ ખોરાક સદતો નથી, તો તમે એ વિષયના નિષ્ણાત ડોક્ટરની સલાહ લો. જાતે ઇલાજ શોધવો અને અમુક ખોરાક લેવાનું બંધ કરી દેવું તમારા માટે હાનિકારક નીવડી શકે. કેમ કે એમ કરશો તો, અજાણતા તમારા શરીર માટે જરૂરી પોષક તત્ત્વો મળતા બંધ થઈ જશે.

જે ખોરાકથી તીવ્ર એલર્જી થતી હોય, એવા ખોરાકને સંપૂર્ણ રીતે ટાળવો એ જ સૌથી સારો ઉપચાર છે. * બીજી તરફ, જો તમારા કિસ્સામાં આ તકલીફ એટલી ગંભીર ન હોય, તો એવા ખોરાકની માત્રા ઘટાડવાથી અને ક્યારેક ક્યારેક જ એવો ખોરાક લેવાથી ફાયદો થઈ શકે. પણ કેટલાક કિસ્સાઓમાં, ખોરાક ન સદતો હોય એવા લોકોને એ ખોરાક હંમેશાં માટે કે થોડા સમય માટે બંધ કરવાનું કહેવામાં આવે છે.

જો તમને કોઈ ખોરાકની એલર્જી હોય કે ખોરાક સદતો ન હોય, તો તમને જાણીને રાહત મળશે કે તમારા જેવા બીજા ઘણા પોતાના સંજોગો કાબૂમાં રાખવાનું શીખ્યા છે. તેમ જ, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ખોરાકનો આનંદ માણે છે. (g16-E No. 3)

^ ફકરો. 19 જેઓને તીવ્ર એલર્જી હોય, તેઓ માટે સૂચવવામાં આવ્યું છે કે તેઓ એડ્રેનલિન (એપિનેફ્રાઇન) દવા ધરાવતું ઇન્જેક્શન (પેન જેવું) પોતાની સાથે રાખે. આમ, ગંભીર સ્થિતિમાં તેઓ પોતે જ એ વાપરી શકે. ઘણા ડોક્ટરો બાળકો માટે સૂચવે છે કે, તેઓ કોઈ નિશાની પહેરે કે કોઈ કાગળ પોતાની સાથે રાખે, જેનાથી તેઓના ટીચર કે દેખભાળ રાખનારને તેઓની એલર્જી વિશે જાણ થાય.