સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ફટાકડાની રંગીન દુનિયા

ફટાકડાની રંગીન દુનિયા

ફટાકડાની રંગીન દુનિયા

રાષ્ટ્રિય તહેવાર કે ઑલિમ્પિક રમતો હોય, ફટાકડા અને ઉજવણી એકબીજાના રંગમાં રંગાયેલા છે. યૂનાઇટેડ સ્ટેટ્‌સના સ્વાતંત્ર્ય દિને, ફ્રાન્સના બૈસ્ટીલ દિને અને નવા વર્ષની સાંજે દુનિયાના લગભગ બધા જ દેશોમાં ફટાકડા ફોડવામાં આવે છે. એનાથી આકાશ જાણે ઝગમગી ઊઠે છે.

પરંતુ, ફટાકડાની શરૂઆત ક્યાંથી થઈ? ફટાકડા બનાવવા કઈ કુશળતાનો ઉપયોગ કરવામાં આવે છે?

પૂર્વના દેશોનો રિવાજ

મોટા ભાગના ઇતિહાસકારો સહમત થાય છે કે ચીને લગભગ દસમી સદીમાં ફટાકડાની શોધ કરી હતી. પૂર્વના દેશમાં કેમિકલની શોધ-ખોળ કરનારા, કેમિસ્ટોએ શોધી કાઢ્યું કે પોટેશિયમ નાઇટ્રૅટને ગંધક અને કોલસા સાથે ભેગું કરવામાં આવે ત્યારે, ધડાકો કરતો પદાર્થ ઉત્પન્‍ન થાય છે. માર્કો પોલો જેવા પશ્ચિમના શોધ-ખોળ કરનારાઓ અથવા આરબના વેપારીઓના લીધે આ વિસ્ફોટક પદાર્થ યુરોપમાં આવ્યો હોય શકે. ચૌદમી સદી સુધીમાં તો યુરોપના લોકોને પણ ફટાકડા ગમવા માંડ્યા.

પરંતુ, એ પાવડરે મનોરંજનની સાથે સાથે યુરોપનો ઇતિહાસ પણ બદલી નાખ્યો. લશ્કરોએ એ પાવડરનો ઉપયોગ કરીને બંદૂકનો દારૂ બનાવ્યો. એના ઉપયોગથી બંદૂકની કારતૂસ બની, બૉંબ બન્યા. અરે, મોટી મોટી દીવાલો, ને રાજસત્તાનો નાશ કરવા પણ એનો ઉપયોગ થયો. એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા જણાવે છે, કે “યુરોપના મધ્યયુગમાં, પૂર્વના દેશોમાંથી આ વિસ્ફોટક પદાર્થ પશ્ચિમના દેશો તરફ ગયો. યુરોપમાં લશ્કરોને જીત અને શાંતિની ઉજવણી કરવા ફટાકડા ફોડવાનું કહેવામાં આવ્યું.”

જોકે, ચીને આ રીતે બંદૂકના દારૂથી વિનાશ સર્જવાનું વિચાર્યું પણ ન હશે. સોળમી સદીમાં ચીનમાં એક ઇટાલીયન જેસ્યુઇટ મિશનરિ, મેટીઓ રીક્સીએ લખ્યું: “ચીનાઓ બંદૂક અને તોપનો ઉપયોગ કરવાવાળા નથી, યુદ્ધમાં એનો ભાગ્યે જ ઉપયોગ કરે છે. જોકે, રમતગમત અને તહેવારોમાં રંગબેરંગી ઘણા જ ફટાકડા ફોડવામાં આવે છે. ચીનના લોકોને એમાં ઘણો આનંદ આવે છે. . . . ફટાકડા બનાવવાની તેઓની આવડત ખરેખર અદ્‍ભુત છે.”

રંગબેરંગી ફટાકડાનો ભેદ

ફટાકડા બનાવનારાઓને શરૂઆતમાં અલગ અલગ ટાઈપના ફટાકડા બનાવવા આવડત અને હિંમત બંનેની જરૂર પડી હશે. તેઓએ શોધી કાઢ્યું કે બંદૂકના દારૂના મોટા કણો ધીમે ધીમે બળે છે, જ્યારે કે બારીક કણોથી મોટો ધડાકો થાય છે. રોકેટ તૈયાર કરવા વાંસ કે કાગળની લાંબી નળીનો એક છેડો બંધ કરી દેવામાં આવતો અને બંદૂકના દારૂના મોટા કણો ભરવામાં આવતા. એને સળગાવવામાં આવે ત્યારે, ઉત્પન્‍ન થતો ગેસ ઝડપથી નળીના ખુલ્લા ભાગ તરફથી એને આકાશ તરફ ધકેલતો. (આજે પણ અવકાશમાં જનારા રોકેટો મોકલવા એ જ મુખ્ય સિદ્ધાંત વાપરવામાં આવે છે.) પછી ગોળાના સૌથી ઉપરના ભાગમાં બારીક કણો ભરવામાં આવતા, જેથી બધું બરાબર જાય તો ઊંચે ચઢીને ગોળો ફૂટે.

સદીઓથી ફટાકડા બનાવવાની પદ્ધતિમાં કંઈ ખાસ ફરક પડ્યો નથી. તેમ છતાં, એમાં અમુક સુધારા થયા છે. પૂર્વના દેશોના કારીગરો શરૂઆતમાં જાણતા હતા કે કઈ રીતે સફેદ અને સોનેરી રંગનું પ્રદર્શન બતાવી શકાય. પરંતુ, ઇટાલીના સંશોધકોએ કઈ રીતે રંગ ઉમેરી શકાય, એ શોધી કાઢ્યું. ઓગણીસમી સદીની શરૂઆતમાં, ઇટાલીમાં શોધી કાઢવામાં આવ્યું કે પોટેશિયમ ક્લોરેટને બંદૂકના દારૂમાં ઉમેરવામાં આવે તો મિશ્રણને બરાબર ગરમી મળે છે. જેથી ધાતુ ગેસમાં ફેરવાય અને રંગબેરંગી રંગો જોવા મળે. આજે લાલ રંગ મેળવવા માટે સ્ટ્રોન્ટીયમ કાર્બોનેટ ઉમેરવામાં આવે છે. ચમકતા સફેદ રંગ માટે ટીટેનીયમ, એલ્યુમિનિયમ અને મૅગ્‍નેશિયમ; ભૂરા રંગ માટે તાંબાનું મિશ્રણ; લીલા રંગ માટે બેરિયમ નાઈટ્રૅટ્‌સ; પીળા રંગ માટે સોડિયમ ઑક્સલેટનું મિશ્રણને વાપરવામાં આવે છે.

કૉમ્પ્યુટરના લીધે ફટાકડાના પ્રદર્શનમાં હજુ વધારે સુધારો થયો છે. હાથથી ફટાકડા ફોડવાને બદલે, ટૅક્નિશિયન ફટાકડા ફોડવાના સમયનું કૉમ્પ્યુટરમાં પ્રોગ્રામિંગ કરી શકે છે. જેથી, એ ધારેલા સમયે ફૂટે અને જોઈએ એવું પ્રદર્શન થઈ શકે.

ધાર્મિક સંબંધ

જેસ્યુઇટ મિશનરિ રીક્સીએ બતાવ્યું તેમ, ચીનના લોકોની ધાર્મિક ઉજવણીમાં ફટાકડાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવતો હતો. પોપ્યુલર મિકેનિક્સ નામનું (અંગ્રેજી) મૅગેઝિન બતાવે છે, કે ફટાકડાની “શોધ ચીનના લોકોએ નવા વર્ષે અને બીજી ધાર્મિક વિધિઓના પ્રસંગોએ ભૂતોને ભગાડવા માટે કરી હતી.” ડેસ્‌ ઍન્ડ કસ્ટમ ઓફ ઓલ ફેઈથ્સ નામના (અંગ્રેજી) પુસ્તકમાં હાવર્ડ વી. હારપરે લખ્યું: “શરૂઆતથી જ મૂર્તિપૂજા કરનારા લોકો મહત્ત્વના ધાર્મિક પ્રસંગોએ મીણબત્તી કે ટોર્ચ સાથે રાખતા અને આગ સળગાવતા. આજે રંગબેરંગી ફટાકડાથી ધાર્મિક તહેવારની રોનકમાં તેઓ વધારો કરે, એમાં શું નવાઈ છે!”

બહુ જલદી જ ચર્ચમાં જનારા ખ્રિસ્તીઓએ પણ ફટાકડાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. ફટાકડા બનાવનારાઓ સંતો વગેરેના નામમા ફટાકડા બનાવવા લાગ્યા. ધ કોલંબિયા એન્સાયક્લોપેડિયા બતાવે છે: “[સાધ્વી બાર્બરા] ખ્રિસ્તી હોવાને લીધે તેના પિતાએ તેને ટાવરમાં પૂરી દઈને મારી નંખાવી. પરંતુ તેના પિતા પર વીજળી પડી અને તે માર્યો ગયો. તેનો પિતા આગથી માર્યો ગયો હોવાથી, સાધ્વી બાર્બરા અગ્‍નિ હથિયાર અને ફટાકડા બનાવનારાઓ માટે સાધ્વી બની ગઈ.”

ધૂમ ખર્ચો કરવો

ધાર્મિક હોય કે બીજા કોઈ પણ કારણોસર, લોકોને વધારે મોટા અને વધારે સારા ફટાકડા ફોડવાની લાલસા હોય છે. ચીનમાં ૧૬મી સદીમાં ફટાકડાના પ્રદર્શન વિષે રીક્સીએ લખ્યું: “હું નાનજીંગમાં હતો ત્યારે, મેં વર્ષના પહેલા મહિનાની ઉજવણી જોઈ. આ પ્રસંગે મેં ગણતરી કરી કે તેઓએ એટલો બધો બંદૂક દારૂ વાપર્યો હતો, કે જેનાથી અમુક વર્ષો સુધી યુદ્ધ લડી શકાય.” એમાં કેટલા પૈસા ઉડાવ્યા એ વિષે તેણે કહ્યું: “ફટાકડા પાછળ પૈસા ખરચવાની તેઓને જરાય પડી હોતી નથી.”

ત્યાર પછીની સદીઓમાં કંઈ ખાસ ફેરફાર થયા નથી. વર્ષ ૨,૦૦૦માં જ બંદરના કિનારે દસ લાખ કે એથી વધારે ભેગા મળેલા લોકોના મનોરંજન માટે સીડની હાર્બર બ્રીજ પર ૨૦ ટન ફટાકડા ફોડવામાં આવ્યા. એ જ વર્ષે, યૂનાઇટેડ સ્ટેટ્‌સમાં ૬૨.૫ કરોડ અમેરિકન ડૉલરના ૭,૦૦,૦૦,૦૦૦ કિલોગ્રામના ફટાકડા ફોડવામાં આવ્યા. ખરેખર, ઘણા સમાજોમાં હજુ પણ પુષ્કળ ફટાકડા ફોડવામાં આવે છે. આજે ઘણા લોકો માટે એ પણ સાચું છે: “ફટાકડા પાછળ પૈસા ખરચવાની તેઓને જરાય પડી હોતી નથી.” (g04 2/8)