સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું પ્રાર્થના કરવા માળા વાપરવી જોઈએ?

શું પ્રાર્થના કરવા માળા વાપરવી જોઈએ?

બાઇબલ શું કહે છે?

શું પ્રાર્થના કરવા માળા વાપરવી જોઈએ?

બૌદ્ધ, હિંદુ, મુસ્લિમ, રોમન-કૅથલિક અને બીજા ધર્મોમાં ઈશ્વરને પ્રાર્થના કરવા તેઓ જાત-જાતની વસ્તુઓ વાપરે છે. દુનિયા ફરતે લાખો લોકો માને છે કે ઈશ્વરની કૃપા મેળવવી હોય તો આવી વસ્તુઓ વાપરીને જ પ્રાર્થના કરવી જોઈએ. પણ આ વિષે બાઇબલ શું જણાવે છે?

હજારો વર્ષોથી લોકો પ્રાર્થના કરવા માળા કે રોઝરી વાપરતા આવ્યા છે. એના પુરાવારૂપે અમુક આર્કિયૉલૉજિસ્ટને સદીઓ જૂના એક શહેરમાંથી એક મૂર્તિ મળી આવી. એ મૂર્તિ વિષે ધ કૅથલિક એન્સાઇક્લોપીડિયા જણાવે છે કે ‘એ મૂર્તિમાં પાંખોવાળી બે સ્ત્રીઓ હતી. તેઓ એક પવિત્ર ઝાડની આગળ ઊભી રહીને પ્રાર્થના કરતી હતી, તેઓના ડાબા હાથમાં રોઝરી અથવા માળા હતી.’

લોકો માળા કે રોઝરીનો ઉપયોગ કેમ કરે છે? એ જ એન્સાઇક્લોપીડિયા આગળ જણાવે છે કે ‘જ્યારે પણ લોકોને એકની એક પ્રાર્થનાનું રટણ કરવું હોય, ત્યારે તેઓ આવી વસ્તુઓ વાપરે છે.’

લોકો પ્રાર્થના કરવા પ્રાર્થનાચક્રનો પણ ઉપયોગ કરે છે. એ ચક્ર ઉપર પ્રાર્થના લખેલી હોય છે. મંત્રની જેમ પ્રાર્થના બોલવા માટે તેઓ એ ચક્રને ફરતું રાખે છે. એ માટે તેઓ એને હાથથી ફેરવે છે, અથવા પવન, પાણી કે બીજી કોઈ રીતે એને ફરતું રાખે છે. પણ શું પ્રાર્થના કરવા માટે આ બધી વસ્તુઓ વાપરવી જરૂરી છે?

એકની એક પ્રાર્થના ન રટીએ

આજે દુનિયાભરમાં લાખો લોકો ઈસુ ખ્રિસ્તના શિક્ષણને મહત્ત્વનું ગણે છે. ઈસુએ તેમના શિષ્યોને પ્રાર્થના વિષે કહ્યું કે ‘તમે પ્રાર્થના કરતાં વિદેશીઓની પેઠે અમથો લવારો ન કરો.’ (માત્થી ૬:૭) * અહીંયા ઈસુ કહેવા માગતા હતા કે આપણે એકની એક પ્રાર્થના ન રટીએ.

ગોખેલી એકની એક પ્રાર્થના ઈશ્વરને ગમતી ન હોય તો જુદી-જુદી વસ્તુઓ વાપરીને પ્રાર્થના રટ્યા કરવી એ શું તેમને ગમશે? બીજું કે એક પણ ઈશ્વરભક્તે કદીયે માળા, રોઝરી કે પ્રાર્થનાચક્ર વાપરીને ઈશ્વરને પ્રાર્થના કરી હોય એવો કોઈ અહેવાલ બાઇબલમાં મળતો નથી. શા માટે તેઓએ એવી વસ્તુઓ ના વાપરી? ચાલો જોઈએ.

કેવી પ્રાર્થના ઈશ્વરને ગમે છે?

પરમેશ્વર પ્રેમના સાગર છે. તે ચાહે છે કે આપણે તેમને પ્રેમ કરીએ. ઈસુએ કહ્યું કે હું “બાપ પર પ્રેમ રાખું છું.” (યોહાન ૧૪:૩૧) જ્યારે ઈસુ પ્રાર્થના કરતા હતા ત્યારે તેમણે ઈશ્વરને “અમારા બાપ” કહ્યું હતું. અરે એક પ્રબોધકે કહ્યું હતું કે “હે યહોવાહ, હવે તું અમારો પિતા છે.” (યશાયાહ ૬૪:૮) પણ ઘણા માને છે કે પરમેશ્વર સ્વર્ગમાં એટલે કે બહુ દૂર હોવાથી તે આપણા પિતા કેવી રીતે હોઈ શકે!

આપણે પરમેશ્વરને પિતા તરીકે ગણવા જોઈએ, કેમ કે જેમ એક પિતા બાળકને માર્ગદર્શન આપે છે તેમ પરમેશ્વર આપણને બાઇબલ દ્વારા માર્ગદર્શન આપે છે. એમાં એ પણ જણાવ્યું છે કે તેમનો સ્વભાવ કેવો છે. (૨ તીમોથી ૩:૧૬) જેમ બાળક પોતાના પિતા સાથે વાત કરે છે, એવી જ રીતે આપણે પ્રાર્થનામાં ઈશ્વર સાથે વાત કરવી જોઈએ. હંમેશાં યાદ રાખવું જોઈએ કે પૂરા દિલથી કરેલી પ્રાર્થના ઈશ્વર સાંભળે છે.

એ વધારે સમજવા માટે ચાલો એક દાખલો લઈએ. કુટુંબમાં બાળકો તેમના મમ્મી-પપ્પા સાથે કેવી રીતે વાત કરશે? શું તેઓ વારંવાર એકની એક વાત જણાવ્યા કરશે? શું વાત કરવા તેઓ કોઈ વસ્તુ હાથમાં રાખશે? તેઓ મમ્મી-પપ્પા સાથે દિલની વાત કરશે, અને માનથી કરશે.

એવી જ રીતે આપણે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ. આપણા દિલના વિચારો, ચિંતાઓ ઈશ્વરને જણાવવી જોઈએ. બાઇબલ જણાવે છે કે ‘કશાની ચિંતા ન કરો; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકારસ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. અને દેવની શાંતિ તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.’ (ફિલિપી ૪:૬, ૭) ખરું કે આપણને કોઈ ચિંતા હોય ત્યારે એ વિષે આપણે અનેક વાર પ્રાર્થનામાં જણાવીશું. પણ એનો અર્થ એવો નથી કે આપણે એકની એક પ્રાર્થના કરીએ છીએ.—માત્થી ૭:૭-૧૧.

બાઇબલમાં અનેક ઈશ્વરભક્તોની પ્રાર્થના લખવામાં આવી છે. એમાં અમુક ભક્તોએ ગીતો કે ભજનો ગાઈને પ્રાર્થના કરી હતી. * (ગીતશાસ્ત્ર ૧૭ અને ૮૬ની પ્રાર્થનાઓ; લુક ૧૦:૨૧, ૨૨; ૨૨:૪૦-૪૪) બાઇબલમાં યોહાનના સત્તરમાં અધ્યાયમાં ઈસુની એક પ્રાર્થના આપવામાં આવી છે. તમારી પાસે બાઇબલ હોય તો એ જરૂર વાંચજો. એ પ્રાર્થનામાંથી શીખવા મળશે કે ઈસુએ કેવી રીતે પૂરા દિલથી શિષ્યો માટે પ્રાર્થના કરી હતી. એ અધ્યાયમાં એક કલમમાં ઈસુએ કહ્યું હતું કે ‘પવિત્ર પિતા મારા શિષ્યોનું દુષ્ટોથી રક્ષણ કરો.’—યોહાન ૧૭:૧૧, ૧૫, કોમન લેંગ્વેજ.

ઈસુની પ્રાર્થનામાં આપણે સાફ જોઈ શકીએ છીએ કે તેમણે એકની એક પ્રાર્થના કરી ન હતી. તેમણે પૂરા દિલથી પ્રાર્થના કરી. આપણે પણ ઈશ્વરને પૂરા દિલથી પ્રાર્થના કરવી જોઈએ. જે રીત-રિવાજો અને માન્યતા ઈશ્વરને ગમતા નથી એ ન કરવા જોઈએ. તેમના નીતિ-નિયમો શીખવા જોઈએ. જો એમ કરશો તો ઈશ્વર જણાવે છે કે ‘હું તમારો પિતા થઈશ, અને તમો મારાં દીકરાદીકરીઓ થશો.’—૨ કોરીંથી ૬:૧૭, ૧૮. (g08 11)

[Footnotes]

^ ઈસુએ કહ્યું હતું કે “આ પ્રમાણે પ્રાર્થના કરો.” (માત્થી ૬:૯-૧૩) પણ એવું કહ્યું ન હતું કે ‘આ જ પ્રાર્થના કરો.’ એટલે કે શિષ્યોએ આ જ પ્રાર્થના ગોખીને રટ્યા કરવાની ન હતી, પરંતુ ઈશ્વરની ભક્તિ પર વધારે ભાર મૂકવાનો હતો.

^ ખરું કે અમુક ભક્તોએ ગીતો ગાઈને પ્રાર્થના કરી હતી. તેમ છતાં તેઓએ મંત્રની જેમ પ્રાર્થના રટ્યા કરી ન હતી. અરે, તેઓએ માળા, રોઝરી કે પ્રાર્થનાચક્ર પણ વાપર્યું ન હતું.

શું તમે કદી વિચાર્યું છે?

◼ ઈસુએ પ્રાર્થના રટ્યા કરવાનું કહ્યું ન હતું. એ સિદ્ધાંત કેવી રીતે માળા કે પ્રાર્થનાચક્રથી કરેલી પ્રાર્થનાને લાગુ પડે છે?—માત્થી ૬:૭.

◼ પ્રાર્થના કરીએ ત્યારે શા માટે ઈશ્વરને પિતા તરીકે ગણવા જોઈએ?—યશાયાહ ૬૪:૮.

◼ જે રીત-રિવાજો ઈશ્વરને ગમતા નથી એનાથી દૂર રહીશું તો ઈશ્વરને કેવું લાગશે?—૨ કોરીંથી ૬:૧૭, ૧૮.