સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરના રાજ્યમાં ખરો ન્યાય

ઈશ્વરના રાજ્યમાં ખરો ન્યાય

ઈશ્વરના રાજ્યમાં ખરો ન્યાય

બાઇબલની ભવિષ્યવાણી જણાવે છે કે ઈશ્વર બહુ જલદી આજની દુનિયાની વ્યવસ્થાઓ કાઢીને નવી વ્યવસ્થા લાવશે. એ વખતે પૃથ્વી પર ફક્ત ઈશ્વરનું રાજ્ય એટલે કે તેમની સરકાર હશે, જેના ઈસુ ખ્રિસ્ત રાજા હશે. (પ્રકટીકરણ ૧૧:૧૫) ઈશ્વરની સરકાર કઈ રીતે અન્યાયને દૂર કરશે? એમ કરવા તે બે બાબત કરશે.

૧. ઈશ્વરની સરકાર અન્યાયી અને અયોગ્ય માનવ સરકારોને કાઢી નાખશે. દાનીયેલ ૨:૪૪ જણાવે છે: ‘તે સરકારોની કારકિર્દીમાં આકાશનો ઈશ્વર એક રાજ્ય સ્થાપન કરશે, જે માણસોએ બનાવેલાં આ સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને એનો નાશ કરશે અને સર્વકાળ ટકશે.’

૨. ઈશ્વરની સરકાર દુષ્ટોનો નાશ કરશે અને ન્યાયીઓને બચાવશે. ગીતશાસ્ત્ર ૩૭:૧૦ કહે છે કે “થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે.” કલમ ૨૮ કહે છે, “યહોવા ન્યાયને ચાહે છે, તે પોતાના ભક્તોને તજી દેતો નથી; તે તેઓનું સદા રક્ષણ કરે છે.”

ઈસુએ શીખવેલી પ્રાર્થનાને ઈશ્વરના “ભક્તો” પૂરી થતા જોશે. ઈસુએ કહ્યું: ‘તમારું રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.’ (માથ્થી ૬:૧૦) પૃથ્વી માટે ઈશ્વરની ઇચ્છા શી છે?

ઈશ્વરની સરકાર પૃથ્વી પર રાજ કરશે ત્યારે:

ભ્રષ્ટાચાર અને જુલમનો અંત આવશે. ઈસુ ખ્રિસ્ત વિશે હિબ્રૂ ૧:૯ કહે છે: ‘તેણે ન્યાયીપણા પર પ્રીતિ રાખી છે, અને અન્યાયને ધિક્કાર્યો છે.’ એક ન્યાયી રાજા તરીકે ઈસુ, ‘દરિદ્રી પોકાર કરે ત્યારે તેને છોડાવશે; અને દુઃખી જેનો કોઈ મદદગાર નથી, તેનો બચાવ કરશે. જુલમ તથા હિંસામાંથી તેઓને છોડાવશે; તેની દૃષ્ટિમાં તેઓનું રક્ત મૂલ્યવાન થશે.’—ગીતશાસ્ત્ર ૭૨:૧૨-૧૪.

ભરપૂર ખોરાક હશે. “પૃથ્વીએ પોતાનું ફળ આપ્યું છે; ઈશ્વર, હા, આપણો ઈશ્વર, આપણને આશીર્વાદ આપશે.” (ગીતશાસ્ત્ર ૬૭:૬) “દેશમાં પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ ધાન્ય પાકશે.” (ગીતશાસ્ત્ર ૭૨:૧૬) એક સમયે ઈસુએ ચમત્કારિક રીતે હજારોને જમાડ્યા હતા. એ ઝલક આપે છે કે તે ઈશ્વરના રાજ્યમાં શું કરશે.—માથ્થી ૧૪:૧૫-૨૧; ૧૫:૩૨-૩૮.

સાચા ન્યાયને કોઈ મરડશે નહિ. “ઈશ્વરની આગળ કશું છૂપું નથી, તેની નજર આગળ બધું જ ખુલ્લું અને ઉઘાડું છે. અને એ ઈશ્વર આગળ આપણે હિસાબ આપવાનો છે.” (હિબ્રૂઓ ૪:૧૩, સંપૂર્ણ બાઇબલ) ઈસુ વિશે આપણને વાંચવાં મળે છે: ‘પોતાની આંખે જોયા પ્રમાણે તે ઇન્સાફ કરશે નહિ, ને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે તે નિર્ણય કરશે નહિ; પણ ન્યાયીપણાથી તે નિરાધારનો ઇન્સાફ કરશે, ને નિષ્પક્ષપાતપણે તે દેશના ગરીબોના લાભમાં યોગ્ય નિર્ણય કરશે.’—યશાયા ૧૧:૩, ૪.

ઈશ્વરનું રાજ્ય નજીક છે!

દુનિયાની બગડતી જતી હાલત પુરાવો આપે છે કે આ દુષ્ટતાનો અંત નજીક છે. ગીતશાસ્ત્ર ૯૨:૭ કહે છે, “જ્યારે દુષ્ટો ઘાસની પેઠે વધે છે, અને સર્વ અન્યાય કરનારાઓની ચઢતી થાય છે, ત્યારે તે તેમનો સર્વકાળનો નાશ થવાને માટે જ છે.” તમે કઈ રીતે ઈશ્વરને ખુશ કરીને નાશમાંથી બચી શકો? ઈસુએ કહ્યું: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.”—યોહાન ૧૭:૩.

બચી જવા શું તમે ઈશ્વરને ઓળખવા ચાહો છો? જો ‘હા’ હોય તો, હૅડી, ડૉરેથી અને ફેરૉદેનની જેમ યહોવાના સાક્ષીઓને મળો. તેઓ ખુશી ખુશી વિના મૂલ્યે તમને બાઇબલમાંથી શીખવા મદદ કરશે. (g12-E 05)

[પાન ૧૫ પર બોક્સ/ચિત્ર]

જીવન જ અન્યાયી લાગે ત્યારે

અમેરિકામાં રહેતી ઈમૅલીને સાત વર્ષની ઉંમરે લ્યુકીમિયા એટલે લોહીનો કૅન્સર થયો. તેના મિત્રોને ક્યારેક જ શરદી કે તાવ આવતો હોય, જ્યારે કે ઈમૅલીને કીમોથેરાપી જેવી પીડાદાયક સારવાર વર્ષોથી લેવી પડે છે. તે કહે છે, “લ્યુકીમિયા ખૂબ ભયંકર બીમારી છે!”

ઈમૅલીનું જીવન ખૂબ મુશ્કેલ હોવા છતાં તેણે આશા ગુમાવી નથી. અરે, તે તો ઈશ્વરના રાજ્યની રાહ જુએ છે જ્યારે “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.” (યશાયા ૩૩:૨૪) ઈમૅલી કહે છે કે ‘માર્ક ૧૨:૩૦ મને ખૂબ ગમે છે, જેમાં લખ્યું છે: “તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારી પૂરી બુદ્ધિથી, ને તારા પૂરા સામર્થ્યથી, પ્રભુ તારા ઈશ્વર પર તું પ્રીતિ કર.” યહોવાને હું પ્રાર્થના કરું છું ત્યારે, તે મને શક્તિ આપે છે. તેમણે મને કુટુંબ અને મંડળ આપ્યાં છે. તેમ જ, નવી દુનિયામાં હંમેશાં જીવવાની આશા આપી છે એ માટે હું તેમનો આભાર માનું છું. આ આશાએ મારા મુશ્કેલ જીવનમાં ખૂબ મદદ કરી છે.’

[પાન ૧૫ પર ચિત્રો]

ઈશ્વરના રાજ્યમાં બધા માટે ભરપૂર ખાવાનું હશે. ખરો ન્યાય અને ભેદભાવ વગરનું જીવન પણ હશે