સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુખ્ય વિષય

પૈસાથી ખરીદી ન શકાય એવી ત્રણ બાબતો

પૈસાથી ખરીદી ન શકાય એવી ત્રણ બાબતો

આ નવાઈની વાત છે: ભલે લોકોને પોતાની નોકરી, ઘર અને પેન્શન ગુમાવવાનો ખતરો હોય, તોપણ તેઓમાંના ઘણા એવા છે, જેઓ પૈસાથી ખરીદી શકાતું હોય એવું બધું જ લેવા ગાંડા થાય છે.

એવા લોકો જાહેરાત કરનારાઓના સહેલાઈથી શિકાર બની જાય છે, જેઓની લલચાવનારી જાહેરાતો જણાવે છે કે આપણી પાસે મોટું ઘર, વધારે સારી કાર અને જાણીતી કંપનીનાં કપડાં હોવાં જ જોઈએ. પૈસા નથી? વાંધો નહિ, ઉધાર લો! ઘણાનો ધ્યેય અમીર દેખાવાનો હોય છે, ભલેને તેઓ દેવામાં ડૂબેલા હોય.

જોકે, વહેલા કે મોડા હકીકતનો સામનો કરવો પડે છે. ધ નાર્સિસિઝમ એપિડેમિક નામનું પુસ્તક કહે છે કે, ‘અમીર દેખાવા અને અનુભવવા ભપકાદાર ચીજો ઉધાર ખરીદવી, એ પોતાનો મૂડ સુધારવા કોકેન ડ્રગ્સ લેવા જેવું છે. શરૂઆતમાં બંને ચીજો સસ્તી અને સારી લાગે, પણ એ ફક્ત થોડા સમય માટે જ હોય છે. લાંબા ગાળે એ બંને તમને દેવામાં ડુબાડીને ડિપ્રેશ બનાવી દે છે.’

બાઇબલ જેને “જીવનનો અહંકાર” કહે છે, એની મૂર્ખતાને એ ખુલ્લી પાડે છે. (૧ યોહાન ૨:૧૬) હકીકતમાં, ચીજવસ્તુઓ મેળવવાનું ગાંડપણ જીવનમાં સૌથી મહત્ત્વની બાબતોથી આપણું ધ્યાન ભટકાવી દે છે. એ એવી બાબતો છે, જે પૈસાથી ખરીદી શકાતી નથી. ચાલો, ત્રણ દાખલા જોઈએ.

૧. કુટુંબની એકતા

અમેરિકામાં રહેતી બ્રીયાની * નામની છોકરીને લાગે છે કે તેના પિતા પોતાના કામ અને એનાથી મળતા પૈસાને વધારે પડતું મહત્ત્વ આપે છે. તે કહે છે કે, ‘અમને જરૂરી બધું જ અમારી પાસે છે અને એનાથી પણ વધારે છે. પરંતુ, મારા પિતા કદી ઘરે નથી હોતા, કેમ કે તે હંમેશાં મુસાફરી કરતા હોય છે. મને ખબર છે કે તે પોતાના કામ માટે એમ કરે છે, તોય મને લાગે છે કે કુટુંબ પ્રત્યે પણ તેમની જવાબદારી છે!’

આના વિશે વિચાર કરો: બ્રીયાનીના પિતાને જીવનનાં પાછલાં વર્ષોમાં કેવો પસ્તાવો થઈ શકે? પૈસા અને ચીજવસ્તુઓને વધારે પડતું મહત્ત્વ આપવાથી, તે પોતાની દીકરી સાથેના સંબંધ પર કેવી અસર પડવા દે છે? તેમની પાસેથી કુટુંબને પૈસા કરતાં વધારે શાની જરૂર છે?

આ બાઇબલ સિદ્ધાંતો વિચારો:

  • ‘પૈસાનો લોભ સઘળા પ્રકારનાં પાપનું મૂળ છે; એનો લોભ રાખીને ઘણાં દુઃખોથી કેટલાકે પોતાને વીંધ્યા છે.’—૧ તીમોથી ૬:૧૦.

  • ‘દુશ્મન સાથે મિષ્ટાન્ન ખાવા કરતાં જેનામાં પ્રેમભાવ હોય તેની સાથે ભાજી ખાવી વધારે સારું છે.’—નીતિવચનો ૧૫:૧૭, IBSI.

ભૂલશો નહિ: પૈસાથી કુટુંબની એકતા ખરીદી શકાતી નથી. એ તો ફક્ત કુટુંબ સાથે સમય પસાર કરીને અને તેઓને પૂરતો પ્રેમ અને ધ્યાન આપવાથી મળી શકે.—કોલોસી ૩:૧૮-૨૧.

૨. સાચી સલામતી

સત્તર વર્ષની સારાહ કહે છે, “મારી મમ્મી કાયમ મને એમ કહે છે કે મારે અમીર છોકરા સાથે લગ્ન કરવા; તેમ જ, કોઈ સારું કામ શીખવું, જેથી જો જરૂર પડે તો મારી પાસે સારી નોકરી હોય અને સારી રીતે જીવી શકું. તેમના મનમાં ફક્ત એક જ વાત હોય છે કે ક્યાંથી પૈસા મળતા રહે.”

આના વિશે વિચાર કરો: ભવિષ્યનો વિચાર કરતી વખતે તમને કેવી ચિંતાઓ થાય છે જે વાજબી હોય? ક્યારે વાજબી ચિંતાઓ હદ પાર કરીને વધારે પડતી ચિંતાઓ બની જાય છે? પૈસાથી મળતી સલામતી પ્રત્યે સારાહની મમ્મી કઈ રીતે વધારે વાજબી વલણ કેળવી શકે?

આ બાઇબલ સિદ્ધાંતો વિચારો:

  • ‘પૃથ્વી પર પોતાને માટે ધન એકઠું ન કરો, જ્યાં કીડા તથા કાટ નાશ કરે છે, ને જ્યાંથી ચોર ચોરી જાય છે.’—માથ્થી ૬:૧૯.

  • “કાલે શું થશે એની તમને ખબર નથી.”—યાકૂબ ૪:૧૪.

ભૂલશો નહિ: પૈસા ભેગા કરવાથી ભાવિ સલામત થઈ જતું નથી. ખરું જોતા, પૈસા ચોરાઈ જઈ શકે અને એ બીમારી મટાડી શકતા નથી કે મોત રોકી શકતા નથી. (સભાશિક્ષક ૭:૧૨) બાઇબલ શીખવે છે કે સાચી સલામતી ઈશ્વર અને તેમના હેતુ વિશે જાણવાથી મળે છે.—યોહાન ૧૭:૩.

૩. સંતોષ રાખવો

ચોવીસ વર્ષની તાનિયા કહે છે કે “મારાં માબાપે મને સાદી રીતે જીવતા શીખવ્યું છે. ભલેને મોટા ભાગે અમારી પાસે જરૂર પૂરતું જ હતું, તોપણ મારું અને મારી જોડિયા બહેનનું બચપણ મજાનું હતું.”

આના વિશે વિચાર કરો: ફક્ત જીવન જરૂરિયાતની ચીજોથી સંતોષ મેળવવો કેમ અઘરું લાગી શકે? પૈસાની વાત આવે ત્યારે, તમારા કુટુંબ માટે તમે કેવો દાખલો બેસાડો છો?

આ બાઇબલ સિદ્ધાંતો વિચારો:

  • “આપણને જે અન્નવસ્ત્ર મળે છે તેઓથી આપણે સંતોષી રહીએ.”—૧ તીમોથી ૬:૮.

  • “જેઓ ઈશ્વરની વાત સાંભળે છે અને પાળે છે તેઓને ધન્ય છે!”—લુક ૧૧:૨૮.

ભૂલશો નહિ: પૈસા અને એનાથી ખરીદી શકાય એવી ચીજો કરતાં, જીવનમાં ઘણું વધારે રહેલું છે. ખરું જોતા, બાઇબલ કહે છે તેમ, “કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી.” (લુક ૧૨:૧૫) સાચે જ, જીવનમાં સૌથી વધારે સંતોષ આવા મહત્ત્વના સવાલોના જવાબથી મળે છે:

  • આપણા જીવનનો હેતુ શું છે?

  • ભાવિ કેવું હશે?

  • ઈશ્વરની ભક્તિની તરસ હું કઈ રીતે છીપાવી શકું?

આ મૅગેઝિનના પ્રકાશકો, યહોવાના સાક્ષીઓ તમને ખુશીથી એ સવાલોના જવાબ મેળવવા મદદ કરશે.

^ ફકરો. 8 આ લેખમાં નામ બદલવામાં આવ્યાં છે.