સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શા માટે પરમેશ્વરમાં માનવું જોઈએ?

શા માટે પરમેશ્વરમાં માનવું જોઈએ?

શા માટે પરમેશ્વરમાં માનવું જોઈએ?

શા માટે યુવાનો ચર્ચ છોડી દે છે એનાં ૩૧ કારણો નામના કોરિયાના પુસ્તકે બતાવ્યું કે ઘણા લોકોએ ચર્ચમાં જવાનું છોડી દીધું છે. કારણ કે તેઓને પોતાના પ્રશ્નોના યોગ્ય જવાબો મળતા નથી. જેમ કે, ‘શા માટે પરમેશ્વરના ભક્તોએ દુઃખ ભોગવવું પડે છે?’ ‘ચર્ચના મોટા ભાગના શિક્ષણમાં ગૂંચવાડો અને વિરોધાભાસ છે છતાં, શા માટે આપણે એના દરેક શિક્ષણને માની લેવું જોઈએ?’

પાદરી પાસેથી યોગ્ય જવાબો નહિ મળતા, ઘણા લોકો એવું માને છે કે બાઇબલમાં આ પ્રશ્નોનો કોઈ જ જવાબ નથી. પાદરી પોતાના વિચારો પ્રમાણે સમજણ આપે છે, ત્યારે લોકોમાં ગેરસમજ ઊભી થતી હોય છે. એ કારણે, કેટલાક લોકોનો તો પરમેશ્વર અને બાઇબલ પરથી ભરોસો પણ ઊઠી જાય છે.

એબલનો વિચાર કરો. તેનો ઉછેર દક્ષિણ આફ્રિકાના લ્યૂથરન પંથમાં થયો હતો. તે કહે છે: “ચર્ચમાં શીખવવામાં આવે છે કે લોકો મરી જાય છે ત્યારે, ઈશ્વર તેઓને પોતાની પાસે ‘લઈ લે’ છે. પરંતુ, મને એ સમજાતું નથી કે પ્રેમાળ ઈશ્વર શા માટે માબાપને પોતાનાં બાળકોથી અલગ કરીને ‘લઈ લે’ છે? અમારા ગામડાંમાં જ્યાં સુધી મરઘીનાં બચ્ચાં મોટા ન થઈ જાય ત્યાં સુધી એ મરઘીને કાપતા ન હતા. જો ગાય ગર્ભવતી હોય તો, બચ્ચાંનો જન્મ થાય અને એ મોટું ન થાય ત્યાં સુધી એનો વધ કરતા નહિ. તો શા માટે પ્રેમાળ ઈશ્વર પણ માણસજાત માટે આવી જ લાગણી બતાવતા નથી?”

કૅનેડામાં રહેતો અરામ પણ એવું જ વિચારતો હતો. તે કહે છે, “હું ૧૩ વર્ષનો હતો ત્યારે મારા પપ્પા મરી ગયા. દફનવિધિ વખતે પાદરીએ કહ્યું કે ઈશ્વર ઇચ્છતા હતા કે મારા પપ્પા તેમની સાથે સ્વર્ગમાં રહે. તેથી મારા પપ્પા મરણ પામ્યા. એટલું જ નહિ, તેમણે એમ પણ કહ્યું, ‘ઈશ્વર સારા લોકોને લઈ લે છે કારણ કે ઈશ્વર ન્યાયી લોકોને પ્રેમ કરે છે.’ હું એ સમજી શકતો નથી કે કઈ રીતે ઈશ્વર આટલા સ્વાર્થી બની શકે.”

એબલ અને અરામ બંને યહોવાહ સાક્ષીઓને મળ્યા પછી તેઓએ બાઇબલ અભ્યાસ કર્યો. છેવટે, તેઓને પોતાના બધા જ પ્રશ્નોના જવાબ મળ્યા. તેઓનો પરમેશ્વર પ્રત્યેનો પ્રેમ વધ્યો અને તેઓનો વિશ્વાસ દૃઢ થયો. એટલું જ નહિ, બંનેએ યહોવાહને સમર્પણ કર્યું અને તેમના વફાદાર સેવકો બન્યા.

સત્યનું જ્ઞાન મહત્ત્વનું

ઉપરના અનુભવોમાંથી શું જાણવા મળે છે? એ જ કે પરમેશ્વરમાં માનવા માટે બાઇબલનું યોગ્ય જ્ઞાન હોવું ખૂબ મહત્ત્વનું છે. પ્રેષિત પાઊલે ફિલિપી શહેરને કહ્યું: “મારી પ્રાર્થના છે કે બીજાઓને માટે તમારો પ્રેમ વધતો જાય અને તમે આત્મિક જ્ઞાન અને સમજણમાં વૃદ્ધિ પામતા જાઓ.” (ફિલિપી ૧:૯, IBSI) પાઊલે બતાવ્યું કે પરમેશ્વર અને સાથી વિશ્વાસીઓ પરનો પ્રેમ, પરમેશ્વરના જ્ઞાન અને તેમની ઇચ્છા જાણવા સાથે જોડાયેલો છે.

શા માટે એમ કહેવું યોગ્ય છે? કેમ કે કોઈના પર ભરોસો રાખવા માટે સૌ પ્રથમ તેમને જાણવું મહત્ત્વનું છે. વળી, જેમ જેમ તેમને વધારે જાણતા થઈશું તેમ તેમ, આપણો તેમના પરનો ભરોસો વધે છે. એવી જ રીતે, પરમેશ્વરમાં માનવા માટે આપણે પરમેશ્વરનું જ્ઞાન લઈએ એ બહુ જરૂરી છે. પાઊલે કહ્યું, “વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે, અને અદૃશ્ય વસ્તુઓની સાબિતી છે.” (હેબ્રી ૧૧:૧) બાઇબલના જ્ઞાન વગર પરમેશ્વરમાં માનવું એ પત્તાંનો મહેલ બનાવવા જેવું છે. કેમ કે એ થોડી પણ હવા લાગતા પડી જાય છે.

બાઇબલનો અભ્યાસ કરવાથી આપણને એવા પ્રશ્નોના જવાબ મળશે જે એબલ અને અરામને હતા. જેમ કે, ‘શા માટે લોકો મરી જાય છે?’ બાઇબલ સમજાવે છે કે “એક માણસથી જગતમાં પાપ પેઠું, ને પાપથી મરણ; અને સઘળાંએ પાપ કર્યું, તેથી સઘળાં માણસોમાં મરણનો પ્રસાર થયો.” (રૂમીઓને પત્ર ૫:૧૨) માણસો એટલા માટે વૃદ્ધ થઈને મરણ પામતા નથી કે જેથી, પરમેશ્વર તેઓને પોતાની પાસે લઈ લે. પરંતુ, માણસો આદમના પાપને કારણે મરણ પામે છે. (ઉત્પત્તિ ૨:૧૬, ૧૭; ૩:૬, ૧૭-૧૯) વધુમાં, બાઇબલમાં પરમેશ્વરે આપેલી આશા પણ જોવા મળે છે. તેમણે પોતાના દીકરા, ઈસુ ખ્રિસ્ત દ્વારા પાપી માણસજાતને ફરીથી સજીવન કરવાની આશા આપી છે.—યોહાન ૫:૨૮, ૨૯; પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫.

આ સત્યને સારી રીતે સમજવા, બાઇબલમાં ઈસુએ સજીવન કરેલા લોકોનાં ઉદાહરણો આપવામાં આવ્યાં છે. (લુક ૭:૧૧-૧૭; ૮:૪૦-૫૬; યોહાન ૧૧:૧૭-૪૫) જેમ જેમ આપણે બાઇબલ અહેવાલ વાંચીશું તેમ તેમ, આપણે સજીવન થયેલા લોકોના કુટુંબ અને મિત્રોને મળેલા આનંદ અને ખુશીનો અનુભવ કરીશું. આપણે એ પણ નોંધ કરીશું કે તેઓએ પરમેશ્વરની સ્તુતિ કરી અને ઈસુમાં ભરોસો મૂક્યો.

પરમેશ્વર અને તેમના હેતુઓ વિષેનું જ્ઞાન લેવાથી, આજે આપણે પણ આનંદ અને ખુશી અનુભવી શકીએ છીએ. પહેલાં ઘણા લોકોને પોતાના મહત્ત્વનાં પ્રશ્નોનાં જવાબ મળતા ન હતા. અમુક તો ગૂંચવાયેલા અને હતાશ થઈ ગયા હતા. પરંતુ તેઓએ બાઇબલનો અભ્યાસ કર્યો ત્યારે તેઓને પોતાના પ્રશ્નોના જવાબ મળ્યા. એ કારણે તેઓનું જીવન પૂરેપૂરું બદલાઈ ગયું હતું.

પરમેશ્વરની સેવા કરવાનું મુખ્ય કારણ શું છે?

જોકે, પરમેશ્વરમાં વિશ્વાસ કરવા માટે તેમના વિષે જ્ઞાન લેવું જરૂરી છે. પરંતુ, આપણે તેમની આજ્ઞાઓ પાળીને તેમની સેવા કરીએ એ વધારે મહત્ત્વનું છે. તોપછી, યહોવાહે આપેલી સૌથી મોટી આજ્ઞા કઈ છે? ઈસુએ જવાબ આપતા કહ્યું: “તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારી પૂરી બુદ્ધિથી, ને તારા પૂરા સામર્થ્યથી, પ્રભુ તારા દેવ પર તું પ્રીતિ કર.” (માર્ક ૧૨:૩૦) ઈસુએ કહ્યું એ રીતે, જો આપણે પરમેશ્વરને પ્રેમ કરતા હોઈએ તો, તેમની આજ્ઞા પાળીને તેમની સેવા કરવા તત્પર રહીશું. શું તમે એ કરવા તત્પર છો?

અમેરિકાની રેચલ ઘણા વર્ષોથી કોરિયામાં મિશનરિ તરીકે સેવા કરે છે. તે પોતાના વિશ્વાસ વિષે કહે છે: “યહોવાહ પ્રત્યેનો મારો પ્રેમ વધતોને વધતો જાય છે. કેમ કે તે ઉદારતાથી આપણને ભેટો આપે છે. એટલું જ નહિ, તે પોતાના લોકોને ખુલ્લા દિલથી માફ કરે છે. વળી આપણા લાભ માટે આપણે શું કરવું જોઈએ એ પણ તે જણાવે છે. આમ, તેમના પ્રત્યેના પ્રેમને લીધે હું તેમની સેવા કરું છું.”

જર્મનીમાં મારથા નામની વિધવા રહે છે. તે ૪૮ વર્ષથી યહોવાહની સેવા કરે છે. તે કહે છે: “હું યહોવાહને અથાગ પ્રેમ કરતી હોવાથી તેમની સેવા કરું છું. દરરોજ સાંજે, હું યહોવાહને પ્રાર્થનામાં જણાવું છું કે તેમણે આપેલી ભેટો અને ખાસ કરીને પોતાના એકનાએક દીકરા, ઈસુના બલિદાનની ખૂબ કદર કરું છું.”

હા, યહોવાહ માટેનો પ્રેમ આપણને તેમની પૂરા દિલથી સેવા કરવા પ્રેરે છે. પરંતુ, કઈ રીતે એક વ્યક્તિ આ પ્રકારનો પ્રેમ કેળવી શકે? એ માટે સૌથી મહત્ત્વનું છે કે યહોવાહે આપણા માટે જે પ્રેમ બતાવ્યો છે એની કદર કરીએ. બાઇબલ આપણને ઉત્તેજન આપે છે: “જે પ્રેમ કરતો નથી, તે દેવને ઓળખતો નથી; કેમકે દેવ પ્રેમ છે. દેવ પોતાના એકનાએક પુત્રને જગતમાં મોકલ્યો, કે આપણે તેનાથી જીવીએ, એ પરથી આપણા પર દેવનો પ્રેમ પ્રગટ થયો. આપણે દેવ પર પ્રેમ રાખ્યો, એમાં પ્રેમ નહિ, પણ તેણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણાં પાપનું પ્રાયશ્ચિત્ત થવા માટે મોકલ્યો, એમાં પ્રેમ છે.”—૧ યોહાન ૪:૮-૧૦.

શું તમે આ પ્રેમની ગહેરાઈ સમજી શકો છો? કલ્પના કરો કે તમે પાણીના ધોધમાં તણાઈ રહ્યા છો. એક માણસ, પોતાના જીવના જોખમે તમને બચાવે છે. શું તમે એ માણસને ભૂલી જશો? કે પછી તમે તેની કદર બતાવવા તમારાથી બનતું બધું કરશો? પરમેશ્વરે પોતાના દીકરા, ઈસુને મોકલીને ખંડણી બલિદાન આપીને પ્રેમ બતાવ્યો. શું એની બીજા કશા સાથે સરખામણી કરી શકાય? (યોહાન ૩:૧૬; રૂમીઓને પત્ર ૮:૩૮, ૩૯) આપણે યહોવાહે બતાવેલા પ્રેમની પૂરા દિલથી કદર કરીશું ત્યારે, આપણે દિલથી તેમને પ્રેમ કરીશું. એટલું જ નહિ, તેમની પૂરા તન-મન-ધનથી સેવા પણ કરીશું.

હમણાં અને ભાવિના આશીર્વાદો

પરમેશ્વર માટેના પ્રેમના લીધે આપણે તેમની ઇચ્છા પ્રમાણે કરીએ છીએ. પરંતુ, એ જાણવાથી પણ ઉત્તેજન મળે છે કે પરમેશ્વર તેમની સેવા કરનારાઓને આશીર્વાદ આપે છે. પ્રેષિત પાઊલે બતાવ્યું: “વિશ્વાસ વગર દેવને પ્રસન્‍ન કરવો એ બનતું નથી; કેમકે દેવની પાસે જે કોઈ આવે, તેણે તે છે, અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ.”—હેબ્રી ૧૧:૬.

યહોવાહને પ્રેમ કરનારા અને તેમને આધીન રહેનારાઓને તે આશીર્વાદ આપે છે. ઘણા લોકો બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે ચાલવાને કારણે સારી તંદુરસ્તીનો પણ આનંદ માણે છે. (નીતિવચનો ૨૩:૨૦, ૨૧; ૨ કોરીંથી ૭:૧) બાઇબલ પ્રમાણિક અને મહેનતુ બનવાનું ઉત્તેજન આપે છે. જેઓ આ સિદ્ધાંતને પોતાના જીવનમાં લાગુ પાડે છે, તેઓના માલિકો પણ તેમના પર ભરોસો મૂકે છે. આમ, તેઓ આર્થિક રીતે પણ લાભ થાય છે. (કોલોસી ૩:૨૩) યહોવાહમાં ભરોસો મૂકીને, તેમના લોકો મુશ્કેલીમાં પણ મનની શાંતિ મેળવે છે. (નીતિવચનો ૨૮:૨૫; ફિલિપી ૪:૬, ૭) વધુમાં, પૂરા ભરોસાથી તેઓ આવનાર નવી દુનિયામાં અનંતજીવનનો આશીર્વાદ મેળવવાની રાહ જોઈ શકશે.—ગીતશાસ્ત્ર ૩૭:૧૧, ૨૯.

યહોવાહ પાસેથી આવા આશીર્વાદો મેળવનારાઓ કેવું અનુભવે છે? કૅનેડાની જેકેવેલીન પરમેશ્વર માટે કદર વ્યક્ત કરતા કહે છે: “તે હંમેશાં આપણને અદ્‍ભુત ભેટો આપે છે. તેમ જ, તેમણે અનંતજીવનની આશા આપી છે.” લેખની શરૂઆતમાં જણાવેલો એબલ કહે છે, “પૃથ્વી પર હંમેશાં જીવવાની આશા વિષે મેં પહેલાં ક્યારેય સાંભળ્યું ન હતું. હું એની આતુરતાથી રાહ જોઉં છું. તેમ છતાં, જો એવી કોઈ આશા ન હોય તોપણ, યહોવાહ માટે પ્રેમ બતાવવાથી અને તેમની સેવા કરવાથી મને આનંદ મળે છે.”

તમે પણ ઈશ્વર પર ભરોસો રાખી શકો

બાઇબલ કહે છે, “ઓ સર્વશક્તિમાન પ્રભુ [યહોવાહ], તમે ન્યાયી છો. આ માણસોનાં હૃદયો તથા તેઓના ઇરાદાઓ તમે જુઓ.” (યર્મિયા ૧૧:૨૦, IBSI) હા, આપણાં હૃદયોમાં જે કંઈ ચાલી રહ્યું છે એને યહોવાહથી છુપાવી શકતા નથી. આથી, દરેક વ્યક્તિએ પોતે શા માટે પરમેશ્વરમાં માને છે, એ તપાસી જોવું જોઈએ. પરમેશ્વર વિષેની ખોટી અને ભૂલ ભરેલી માન્યતાઓના લીધે આપણે ખોટા કાર્યો કર્યા હશે. પરંતુ, બાઇબલના જ્ઞાનથી આપણા પરમેશ્વર યહોવાહ સાથે ગાઢ સંબંધ બાંધી શકીએ છીએ.—૧ તીમોથી ૨:૩, ૪.

યહોવાહના સાક્ષીઓ લોકોને પરમેશ્વર વિષે ખરૂં જ્ઞાન મફતમાં લેવા મદદ કરે છે. (માત્થી ૨૮:૨૦) બાઇબલ અભ્યાસ કરે છે તેઓને પરમેશ્વરના પ્રેમ વિષે જાણવા મળ્યું છે, અને તેઓએ તેમનામાં ખરો વિશ્વાસ કેળવ્યો છે. વળી, તેઓએ “સુજ્ઞાન તથા વિવેકબુદ્ધિ” મેળવી છે કે જે તેઓને આ મુશ્કેલીઓના સમયમાં “માર્ગમાં સહીસલામત” ચાલવા મદદ કરે છે. (નીતિવચનો ૩:૨૧-૨૩) સૌથી મહત્ત્વનું એ છે કે તેઓએ હમણાં એવી આશા મેળવી છે જે “સ્થિર તથા અચળ” છે. (હેબ્રી ૬:૧૯) તમે પણ સાચો વિશ્વાસ અને પરમેશ્વરના આશીર્વાદો મેળવી શકો છો.

[પાન ૬ પર બોક્સ]

મૂંઝવતા પ્રશ્નોના જવાબ મેળવવા જરૂરી છે

“હું મેડિકલ સ્ટૂડન્ટ તરીકે તાલીમ લઈ રહ્યો હતો ત્યારે, મને જોવા મળ્યું કે સારા લોકો રોગ કે આફતના લીધે પીડા ભોગવી રહ્યા છે. જો ઈશ્વર હોય તો, શા માટે આ બધી બાબતો બનવા દે છે? શું ફક્ત ધર્મથી જ મનની શાંતિ મળી શકે?”—દક્ષિણ કોરિયામાં રહેતો માણસ જે અગાઉ પ્રેસ્બીટેરીયન હતો.

“મારા પપ્પા દારૂડિયા હતા. આથી ઘણી વાર હું વિચારતી: શું તે સ્વર્ગ કે નર્કમાં ગયા હશે, કે પછી હજુ પણ તેમનો આત્મા અંધકારમાં ભટક્યા કરતો હશે? હું મરણ અને નર્કાગ્‍નિના વિચારોથી કાંપી જતી. મને સમજાતું નથી કે કઈ રીતે પ્રેમાળ પરમેશ્વર આવી રીતે કોઈને હંમેશ માટે રિબાવી શકે.”—બ્રાઝિલની એક સ્ત્રી જે અગાઉ કૅથલિક હતી.

“પૃથ્વી અને માણસજાતનું ભવિષ્ય શું છે? કઈ રીતે માણસજાત હંમેશ માટે જીવી શકે? કઈ રીતે માણસજાત સાચી શાંતિ મેળવી શકે?”—જર્મનીનો એક માણસ જે અગાઉ કૅથલિક હતો.

“પુનર્જન્મના શિક્ષણને હું સમજી શકતો ન હતો. પ્રાણીઓ કંઈ ભક્તિ કરતા નથી. તેથી, જો તમને પાપની સજા રૂપે પ્રાણીના રૂપમાં જન્મ મળે તો, તમે કઈ રીતે એમાંથી બહાર આવી શકો?”—દક્ષિણ આફ્રિકાનો એક માણસ જે પહેલા હિંદુ હતો.

“મારા કુટુંબમાં અમે કૉન્ફયુશિયસ ધર્મ પાળતા. હું અમારા પૂર્વજોને શાંતિ મળે એ માટેની વિધિમાં ભાગ લેતો હતો. હું બલિદાનના ટેબલ પર બેસીને માથું નમાવતા વિચારતો કે, ખોરાક ખાવા માટે શું અમારા પૂર્વજો આવશે? તેમ જ શું તેઓ જોઈ શકે છે કે અમે માથા નમાવ્યા છે કે નહિ?”—કોરિયાનો માણસ જે અગાઉ કૉન્ફયુશિયસ ધર્મ પાળતો હતો.

આ બધી જ વ્યક્તિઓએ પોતાના પ્રશ્નોના જવાબ યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરીને મેળવ્યા.