શું આજે ઈશ્વરની મરજી પૂરી થાય છે?
શું આજે ઈશ્વરની મરજી પૂરી થાય છે?
“જેમ સ્વર્ગમાં થાય છે તેમ અહીં પૃથ્વી પર તમારી ઇચ્છા પૂર્ણ થાઓ.”—માથ્થી ૬:૧૦, IBSI.
જુલીયો અને ક્રિસ્ટીનાએ એક બાજુ તેઓની કાર ઊભી રાખી હતી. એ કારમાં તેઓનાં પાંચ બાળકો હતાં. એવામાં એક ટ્રક ધસમસતી આવી અને તેઓની કાર સાથે જોરથી અથડાઈ. એ સાથે જ કાર ભડકો થઈને બળવા લાગી. પછીથી ખબર પડી કે ટ્રકનો ડ્રાઇવર દારૂ પીને ચલાવતો હતો. જુલીયો અને ક્રિસ્ટીનાએ પોતાની આંખો આગળ ચારેય બાળકોને બળીને મરણ પામતા જોયા. જોકે તેઓનું પાંચમું બાળક, માર્કોસને એ આગની ભઠ્ઠીના મોંમાંથી માંડ માંડ બચાવી લેવાયો. તેનું આખું શરીર દાઝીને બદસૂરત થઈ ગયું હતું, જેની નિશાની જીવનભર રહેશે જ. તે ફક્ત નવ વર્ષનો જ હતો. એ બનાવ જોયા પછી તેના પિતા જીવતી લાશ બની ગયા હતા. તેમ છતાં, તેમણે હિંમતથી બાકી રહેલા કુટુંબને કહ્યું: “આપણે એટલું જ સમજવું કે આ ઈશ્વરની મરજી હશે, પછી ભલે એનાથી સારાં કે ખરાબ પરિણામો આવે.”
જ્યારે અમુક લોકોને ખૂબ દુઃખ સહન કરવું પડે છે, ત્યારે તેઓ કહે છે કે ‘એ આપણા ભલા માટે જ હશે. જો ઈશ્વર એટલા શક્તિમાન હોય અને આપણી તેમને ચિંતા હોય તો, જે થયું એ અમુક રીતે આપણા ભલા માટે જ હશે. પછી ભલેને તેઓ માટે એ કડવો ઘૂંટડો ગળે ઉતારવો અઘરો હોય.’ શું તમે એની સાથે સહમત થશો?
ઈસુએ તેમના શિષ્યોને શીખવેલી પ્રાર્થનાના અમુક શબ્દો ઉપર જોવા મળે છે. આ પ્રાર્થના પ્રમાણે ઘણા માને છે કે સ્વર્ગમાં બધું ઈશ્વરની ઇચ્છા પ્રમાણે થઈ રહ્યું છે. જ્યારે આપણે પ્રાર્થનામાં એમ કહીએ કે ‘અહીં પૃથ્વી પર તમારી ઇચ્છા પૂર્ણ થાઓ’ ત્યારે, શું આપણે એવું કબૂલ નથી કરતા કે ઈશ્વરની ઇચ્છા પૃથ્વી પર પૂરી થઈ રહી છે, ભલે પછી એ ‘સારી હોય કે ખરાબ’? આપણે શું એવું માની લેવું જોઈએ કે પૃથ્વી પર જે થાય છે એ ઈશ્વરની મરજી પ્રમાણે થાય છે?
ઘણા લોકો માનવા તૈયાર નથી કે ઈશ્વર આપણા પર દુઃખ આવવા દે. જો ઈશ્વર આપણા પર દુઃખ લાવે તો એનો અર્થ એમ થાય કે ઈશ્વર પથ્થર-દિલના છે. તેઓ કહે છે કે ‘જો ઈશ્વર એટલા પ્રેમાળ હોય તો નિરાધાર લોકોને કેમ દુઃખી થવા દે છે?’ તેઓ પૂછે છે: ‘એમાંથી જો આપણને કંઈ શીખવાનું હોય તો, શું શીખવું જોઈએ?’ કદાચ તમને પણ એવું જ લાગતું હશે.
એના વિષે ઈસુના સાવકા ભાઈ યાકૂબે આમ લખ્યું: ‘જો કોઈનું પરીક્ષણ થયું હોય તો દેવે મારૂં પરીક્ષણ કર્યું છે, એમ તેણે ન કહેવું.’ (યાકૂબ ૧:૧૩) ઈશ્વરમાં કંઈ ભૂંડું નથી. તેથી, પૃથ્વી પર આજે જે થઈ રહ્યું છે એ બધું ઈશ્વરની ઇચ્છા પ્રમાણે નથી. બાઇબલ જુદી જુદી જગ્યાએ એમ પણ કહે છે કે, માણસની ઇચ્છા, શેતાનની ઇચ્છા, અને દેશોની ઇચ્છા. (યોહાન ૧:૧૩; ૨ તીમોથી ૨:૨૬; ૧ પીતર ૪:૩) તો પછી, શું તમે સહમત નહિ થાવ કે જુલીયો અને ક્રિસ્ટીનાના કુટુંબ સાથે જે થયું એમાં ઈશ્વરનો હાથ જરાય ન હતો?
તો સવાલ થાય છે કે, ઈસુએ તેમના શિષ્યોને શીખવેલી આ પ્રાર્થનાનો શું અર્થ થાય છે: “તમારી ઇચ્છા પૂર્ણ થાઓ?” શું તે ઈશ્વરને એવી વિનંતી કરતા હતા કે અમુક સંજોગોમાં જ મદદ કરજો? કે પછી ઈસુ આપણને કંઈક વિશેષ, સૌથી સારી બાબત માટે પ્રાર્થના કરવાનું કહેતા હતા, જેની આપણે સર્વ આશા રાખીએ છીએ? ચાલો આપણે તપાસીએ કે પવિત્ર શાસ્ત્ર એના વિષે શું કહે છે.
[પાન ૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન્સ]
કાર: Dominique Faget-STF/AFP/Getty Images; બાળક: FAO photo/B. Imevbore