સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શોભતી રીતે લગ્‍ન કરવા શું કરવું જોઈએ?

શોભતી રીતે લગ્‍ન કરવા શું કરવું જોઈએ?

શોભતી રીતે લગ્‍ન કરવા શું કરવું જોઈએ?

ગૉર્ડનભાઈએ સંસાર માંડ્યો એને સાઠેક વર્ષ થયાં. તે કહે છે કે ‘મારા લગ્‍નનો દિવસ હું કદીયે ભૂલીશ નહિ. એ સ્પેશિયલ દિવસ હતો.’ યહોવાહના ભક્તો માટે તો લગ્‍નનો દિવસ બહુ જ મહત્ત્વનો છે. શા માટે? એ દિવસે વર અને કન્યા બંને એકબીજાને અને યહોવાહ ઈશ્વરને વચન આપે છે કે તેઓના પ્રેમનું બંધન કદી તૂટશે નહિ. (માત્થી ૨૨:૩૭; એફેસી ૫:૨૨-૨૯) વર અને કન્યા બંને પોતાના લગ્‍ન પ્રસંગનો આનંદ લેવા માગે છે. સાથે સાથે તેઓ લગ્‍નની ગોઠવણ કરનાર યહોવાહનું નામ પણ રોશન કરવા ચાહે છે.—ઉત્પત્તિ ૨:૧૮-૨૪; માત્થી ૧૯:૫, ૬.

શું કરવાથી વર યહોવાહની નજરમાં શોભે એવી રીતે આ પ્રસંગની તૈયારી કરી શકે? કન્યા કઈ રીતે પોતાના ભાવિ પતિનું અને યહોવાહનું માન રાખી શકે? લગ્‍નમાં આવનારા સગાં અને મિત્રો કઈ રીતે પ્રસંગ યાદગાર બનાવી શકે? બાઇબલમાં આપેલા અમુક સિદ્ધાંતો વિચારવાથી એ પ્રશ્નોના જવાબ મળશે. એ પાળવાથી મુશ્કેલીઓ ઓછી થશે, જેથી આ પ્રસંગ સારી રીતે પાર પડે.

આ પ્રસંગની જવાબદારી કોણ ઉપાડશે?

ઘણા દેશોમાં યહોવાહના સાક્ષીઓમાંથી અમુકને સરકાર તરફથી લગ્‍ન કરાવવાનું લાઇસન્સ મળ્યું હોય છે. જ્યારે કે બીજા દેશોમાં કોર્ટ-મૅરેજ કે રજિસ્ટર-મૅરેજ કરવામાં આવે છે. પછી બાઇબલ આધારિત મૅરેજ-ટૉક આપવામાં આવે છે. ટૉકમાં વરને યાદ કરાવવામાં આવે છે કે ઈશ્વરે તેમને કુટુંબની સંભાળ રાખવાની જવાબદારી આપી છે. (૧ કોરીંથી ૧૧:૩) એ બતાવે છે કે લગ્‍ન પ્રસંગમાં જે કંઈ થાય એની જવાબદારી વરની છે. લગ્‍નવિધિ અને એ પછી જે કાંઈ ગોઠવવામાં આવ્યું હોય, એની પણ પહેલેથી ગોઠવણો કરી લેવી જોઈએ. પણ એમ કરવું કેમ સહેલું નથી?

એક કારણ એ છે કે બંને પક્ષનાં સગાંવહાલાં પોતપોતાની મરજી પ્રમાણે કરવાનું વરને દબાણ કરશે. રૉડોલ્ફો નામે એક ભાઈ યહોવાહના સાક્ષી છે. તેમણે ઘણાં લગ્‍ન કરાવ્યાં છે. તે કહે છે: “જો અમુક સગાંવહાલાં લગ્‍નનો ખર્ચ ઉપાડતા હોય, તો તેઓ વરરાજા પર ઘણું દબાણ કરે છે. તેઓ પોતાની મરજી પ્રમાણે જ લગ્‍ન કરાવવા માગે છે. તેથી વરને યહોવાહે સોંપેલી જવાબદારી ઉપાડવી અઘરી લાગી શકે.”

મૅક્સ નામના ભાઈ પણ યહોવાહના સાક્ષી છે. તે પાંત્રીસેક વર્ષથી લગ્‍ન કરાવે છે. તે કહે છે: “મને એવું જોવા મળ્યું છે કે મોટે ભાગે કન્યાઓ નક્કી કરતી હોય છે કે લગ્‍ન અને રિસેપ્શનમાં શું કરવું કે શું ન કરવું. વરને તો બોલવા જ મળતું નથી કે તેને શું કરવું છે.” ડેવિડભાઈએ પણ ઘણાં લગ્‍ન કરાવ્યાં છે. તે કહે છે: “લગ્‍ન કરનાર છોકરાઓ ભાગ્યે જ જવાબદારીઓ ઉપાડતા શીખ્યા હોય શકે. લગ્‍નની તૈયારીમાં તેઓને બહુ પૂછવામાં આવતું ન પણ હોય.” તો પછી શું કરવાથી વર પોતાના લગ્‍નની જવાબદારી સારી રીતે ઉપાડી શકે?

દિલ ખોલીને વાત કરો

વરે પોતાના લગ્‍નની બધી જવાબદારી ઉપાડવા અને એની સારી રીતે તૈયારી કરવા બીજાઓની સલાહ લેવી પડશે. બાઇબલ જણાવે છે કે “સલાહ લીધા વગરના ઇરાદા રદ જાય છે.” (નીતિવચનો ૧૫:૨૨) એવું ન થાય માટે વરે પોતે કન્યા સાથે, કુટુંબ સાથે અને અનુભવી ભાઈ-બહેનો સાથે વાતચીત કરીને સલાહ-સૂચનો મેળવવાં જોઈએ.

સગાઈ થઈ ગયા પછી બંનેએ સાથે મળીને ચર્ચા કરવી જોઈએ. જેમ કે, લગ્‍નની તૈયારી કેવી રીતે કરશે. લગ્‍નમાં શું શું કરી શકાય. આવી ચર્ચા કરવી બહુ જ મહત્ત્વની છે. શા માટે? એના જવાબ માટે આપણે ઈવાનભાઈ ને ડૅલ્વિનબહેનનો દાખલો લઈએ. તેઓના લગ્‍ન થયે ઘણાં વર્ષો થયાં છે. તેઓ જુદા જુદા સમાજમાંથી આવે છે, તોયે સુખી છે. તેઓએ લગ્‍નની ગોઠવણો કેવી રીતે કરી હતી? ઈવાન કહે છે: “હું જાણતો હતો કે અમે કેવી રીતે પરણીશું. મેં એ પણ નક્કી કર્યું હતું કે જમણમાં શું હશે. મારી વેડીંગ કેક કેવી હશે. મારી ડૅલ્વિન સફેદ ડ્રેસ પહેરશે. પણ ડૅલ્વિનને એવું કંઈ જ કરવું ન હતું. ન તો કેક મંગાવવી હતી, ન તો વેડીંગ ડ્રેસ પહેરવો હતો. તેને તો એકદમ સાદી રીતે જ લગ્‍ન કરવું હતું.”

તેઓ બંનેના વિચારો અલગ હતા, તો પછી તેઓએ શું કર્યું? ખુલ્લા દિલથી અને પ્રેમથી એકબીજા સાથે વાત કરી. (નીતિવચનો ૧૨:૧૮) ઈવાન કહે છે: “ચોકીબુરજ (અંગ્રેજી) એપ્રિલ ૧૫, ૧૯૮૪ * જેવા, લગ્‍ન વિષે માર્ગદર્શન આપતા લેખો સાથે વાંચવાથી અમે યહોવાહના વિચારો પારખી શક્યા. પછી અમે બંનેએ પોતપોતાની પસંદગીને બદલે, બંનેને પસંદ પડે એ પ્રમાણે લગ્‍ન કર્યા.”

આરૅટભાઈ અને તેમની પત્ની પૅનીનો પણ એવો જ અનુભવ છે. આરૅટે પોતાના લગ્‍નની તૈયારી કેવી રીતે કરી એ વિષે જણાવે છે: “મેં અને પૅનીએ એકબીજા સાથે વાતચીત કરી કે લગ્‍નમાં શું કરીશું, શું નહિ કરીએ. પછી એ વિષે અમે યહોવાહને પ્રાર્થના કરી. મેં મારાં મમ્મી-પપ્પા અને મંડળમાં સારો દાખલો બેસાડતાં યુગલોની સલાહ લીધી. એનાથી ઘણો જ ફાયદો થયો. અમારો લગ્‍ન-દિવસ ખરેખર યાદગાર રહ્યો!”

યહોવાહના ભક્તોને શોભે એવો શણગાર

કોને પોતાના લગ્‍નમાં સુંદર દેખાવું ન ગમે! (ગીતશાસ્ત્ર ૪૫:૮-૧૫) સુંદર દેખાવા માટે વર અને કન્યા સરસ મજાનાં કપડાં શોધશે. એમાં ઘણા પૈસા ને સમય પણ જશે. પણ લગ્‍નના દિવસે તેઓ સુંદર દેખાય અને તેઓના શણગારથી કોઈને શરમાવું ન પડે, એ માટે બાઇબલના કયા સિદ્ધાંતો મદદ કરી શકે?

લગ્‍નના દિવસે કન્યા શું પહેરશે? જુદા જુદા દેશોની રીત જુદી હોય છે. એમાંય સૌ સૌની પસંદગી. તોપણ બાઇબલની સલાહ બધાને લાગુ પડે છે: ‘સ્ત્રીઓ, મર્યાદા રાખીને શોભતાં વસ્ત્રથી પોતાને શણગારે.’ આ સલાહ યહોવાહને માર્ગે ચાલતી સ્ત્રીઓને ફક્ત લગ્‍નના દિવસે જ નહિ, પણ જીવનભર લાગુ પડે છે. એ જરૂરી નથી કે લગ્‍નનાં કપડાં “કીમતી” કે ખૂબ જ મોંઘાં હોય. (૧ તીમોથી ૨:૯; ૧ પીતર ૩:૩, ૪) બધા જ એ સલાહ પાળે તો કેવું સારું!

આપણે આગળ જોઈ ગયા એ ડેવિડભાઈ કહે છે: “મોટા ભાગે યુગલો બાઇબલની સલાહ પ્રમાણે જ લગ્‍ન કરે છે. એ માટે તેઓને શાબાશી આપવી જોઈએ. છતાંય અમુક કન્યા અને તેની સહેલીઓના ડ્રેસ શરમાવે એવા હતા. ડ્રેસનું ગળું બહુ જ મોટું હોવાથી છાતીનો ભાગ પૂરો ઢંકાતો ન હતો. અમુકના ડ્રેસનું કાપડ એટલું પાતળું હતું કે શરીર દેખાતું હતું.” એક અનુભવી વડીલ વર-કન્યાને યહોવાહના વિચારો પારખવા પહેલેથી મદદ કરે છે. કઈ રીતે? તે તેઓને પૂછે છે કે ‘તમે લગ્‍ન માટે જે કપડાં પસંદ કર્યાં છે, એ મિટિંગમાં શરમાયા વગર પહેરશો?’ ખરું છે કે લગ્‍નનાં કપડાં અને મિટિંગનાં કપડાંની સ્ટાઈલ જુદી હોય છે. તોપણ એ યહોવાહના ભક્તોને શોભે એવાં હોવાં જોઈએ. પછી ભલેને દુનિયાના લોકોને લાગે કે બાઇબલના સંસ્કારો બહુ જ કડક અને જૂના છે. આપણે દુનિયાના રંગે રંગાવું ન જોઈએ.—રૂમી ૧૨:૨; ૧ પીતર ૪:૪.

પૅનીબહેન કહે છે: “મેં અને આરૅટે અમારા લગ્‍નનાં કપડાં અને રિસેપ્શનને નહિ, પણ લગ્‍નવિધિને વધારે મહત્ત્વ આપ્યું હતું. એ યહોવાહની ગોઠવણ છે. મેં કયો ડ્રેસ પહેર્યો હતો કે શું ખાધું હતું એ નહિ, પણ મને એ યાદ છે કે મેં કોની સાથે સમય પસાર કર્યો હતો. ખાસ તો મારા દિલોજાનને પરણીને મારી ખુશીનો પાર ન હતો.” તમે પણ તમારા લગ્‍નની તૈયારી કરતી વખતે આ ભૂલશો નહિ.

કિંગ્ડમ હૉલ સૌથી સારી જગ્યા

વર અને કન્યા રહેતા હોય ત્યાં જો કિંગ્ડમ હૉલ હોય, તો તેઓ મોટા ભાગે એમાં લગ્‍ન કરવાનું પસંદ કરે છે. શા માટે? એક પતિ-પત્નીએ એના વિષે આમ કહ્યું: “યહોવાહે પ્રથમ લગ્‍નની ગોઠવણ કરી. એટલે જ જ્યાં તેમની ભક્તિ થાય છે ત્યાં અમારા લગ્‍ન કરવાનું અમે નક્કી કર્યું. એની અમારા દિલ પર ઊંડી અસર પડી. અમે શરૂઆતથી જ ઇચ્છતા હતા કે અમારા લગ્‍ન-જીવનમાં યહોવાહ હોવા જ જોઈએ. કિંગ્ડમ હૉલમાં લગ્‍ન કરવાથી બીજો એક ફાયદો પણ થયો. જે સગાં-વહાલાં યહોવાહને ભજતા નથી, તેઓ જોઈ શક્યા કે આપણી માટે તેમની ભક્તિ કેટલી મહત્ત્વની છે.”

જો મંડળના વડીલો તમને કિંગ્ડમ હૉલમાં લગ્‍ન કરવાની રજા આપે, તો તમારે તેઓને અગાઉથી જણાવવું જોઈએ કે તમે હૉલ કેવી રીતે સજાવશો. બીજું કે લગ્‍નનો સમય આપ્યો હોય, એ પહેલાં હૉલ પર આવી જાવ. આમ લગ્‍નમાં આવેલાં સગાં-વહાલાંને તમે માન આપશો. તેઓને લાગશે કે બધું શોભતી રીતે થઈ રહ્યું છે. * (૧ કોરીંથી ૧૪:૪૦) પછી તેઓ પણ દુનિયામાં ઘણાં લગ્‍નોમાં થાય છે, એવું વર્તન નહિ બતાવે.—૧ યોહાન ૨:૧૫, ૧૬.

યહોવાહે લગ્‍નની જે ગોઠવણ કરી છે, એની લગ્‍નમાં આવતા મહેમાનોએ પણ કદર બતાવવી જોઈએ. કઈ રીતે? દાખલા તરીકે, યહોવાહના સાક્ષીઓનાં બીજાં લગ્‍નો કરતાં, આ લગ્‍ન જોરદાર હોવા જોઈએ, એ આશાએ તેઓએ આવવું ન જોઈએ. લગ્‍ન કંઈ દેખાડો કરવાની હરીફાઈ નથી. જેઓ ઈસુને પગલે ચાલે છે, તેઓ જાણે છે કે કિંગ્ડમ હૉલમાં લગ્‍નની ટૉકમાં હાજર રહેવું, એ જમણ કે એના પછી હળવા-મળવા કરતાં વધારે મહત્ત્વનું છે. જો એવું બને કે અમુક સંજોગોને લીધે તમે ક્યાં તો લગ્‍નની ટૉક જઈ શકો અથવા જમણમાં જઈ શકો, તો તમે શું કરશો? એવા સંજોગમાં તમે કિંગ્ડમ હૉલમાં લગ્‍નની ટૉકમાં જાવ તો વધારે સારું. વિલિયમભાઈ પોતે મંડળમાં એક વડીલ છે. તે કહે છે: “જો મહેમાનો લગ્‍ન વખતે કિંગ્ડમ હૉલમાં ન આવે, પણ રિસેપ્શનમાં જમવા આવે, તો તેઓ લગ્‍નને માન નથી આપતા. આપણને રિસેપ્શનમાં નહિ, પણ લગ્‍ન માટે ફક્ત કિંગ્ડમ હૉલમાં જ બોલાવવામાં આવ્યા હોય તો, એમાં જવું જોઈએ. એનાથી વર-કન્યાનો પ્રસંગ શોભશે. કિંગ્ડમ હૉલમાં આવેલાં સગાં-વહાલાં જેઓ યહોવાહને ભજતા ન હોય, તેઓ પર સારી છાપ પડશે.”

લગ્‍ન દિવસની મીઠી યાદ કદી ન ભૂલો

વેપારીઓએ લગ્‍નપ્રસંગને એક મોટો વેપાર બનાવી દીધો છે. અમેરિકાના એક રિપોર્ટે જણાવ્યું કે “લગ્‍નમાં ગમે તેટલી કરકસર કરો તોય, ૨૨,૦૦૦ ડૉલર જેટલા તો થઈ જ જાય. એટલે કે વ્યક્તિ વર્ષમાં કમાય એના પચાસેક ટકા જેટલો ખર્ચો તો સહેલાઈથી થાય જ.” વેપારીઓની જાતજાતની જાહેરાતોને લીધે, ઘણા નવા નવા પરણેલા પતિ-પત્ની કે તેઓનાં કુટુંબ, એક જ દિવસનું દેવું વર્ષો સુધી ભરતા હોય છે. લગ્‍નની આવી શરૂઆત સારી કહેવાય? જેઓ બાઇબલના સિદ્ધાંતો જાણતા નથી કે એની કંઈ પડી નથી, એવા લોકો કદાચ આવા દેવામાં પડે. પણ યહોવાહના સાક્ષીઓ એવા નથી!

લગ્‍નમાં પોતાના ગજા પ્રમાણે જ મહેમાનોને બોલાવવા જોઈએ. ઘણાએ યહોવાહના માર્ગદર્શન પ્રમાણે, પોતાના લગ્‍નમાં એમ કર્યું છે. આ રીતે તેઓએ સમય, શક્તિ અને પૈસા યહોવાહની ભક્તિમાં જ વાપર્યા છે. (માત્થી ૬:૩૩) લોઈડભાઈ અને તેમની પત્ની ઍલેક્ઝાંડ્રાનો દાખલો લો. તેઓના લગ્‍નને અઢાર વર્ષ થયાં છે. તેઓએ લગ્‍ન કર્યા ત્યારથી આજ સુધી બંને યહોવાહની ભક્તિમાં ફૂલ-ટાઈમ આપે છે. લોઈડભાઈ કહે છે: “ઘણાને થયું હશે કે અમે બહુ જ સાદી રીતે લગ્‍ન કર્યા. પણ એનાથી હું અને ઍલેક્ઝાંડ્રા બહુ જ ખુશ છીએ. લગ્‍નમાં ખોટો ખર્ચો કરીને વર્ષો સુધી દેવું ભરવા કરતાં, યહોવાહે લગ્‍નની જે ગોઠવણ કરી છે, એનો અમે બંને કાયમ આનંદ માણીએ એ વધારે મહત્ત્વનું છે!”

ઍલેક્ઝાંડ્રા કહે છે: “અમે લગ્‍ન કર્યાં ત્યારે હું પાયોનિયરીંગ કરતી હતી. એ આશીર્વાદ છોડીને ધામધૂમથી લગ્‍ન કરવા માટે હું તૈયાર ન હતી. અમારો લગ્‍નદિવસ સ્પેશિયલ હતો, પણ એ તો ફક્ત શરૂઆત જ હતી. અમને એ સલાહ મળી કે ફક્ત લગ્‍નનો દિવસ જ બધું નથી, પણ લગ્‍નજીવન વિષે યહોવાહે આપેલું માર્ગદર્શન પાળવું સૌથી મહત્ત્વનું છે. એ સલાહ પ્રમાણે જીવવાથી, અમારા પર ચોક્કસ યહોવાહના આશીર્વાદો આવ્યા છે.” *

તમારા લગ્‍નનો દિવસ જીવનનો યાદગાર પ્રસંગ છે. એ દિવસની શરૂઆત તમે જે રીતે કરશો, એની અસર જીવનભર રહેશે. એ માટે હંમેશાં યહોવાહનું માર્ગદર્શન લેતા રહો. (નીતિવચનો ૩:૫, ૬) યહોવાહની નજરે લગ્‍ન કેટલું મહત્ત્વનું છે, એ ભૂલશો નહિ. તેમણે પતિ-પત્નીને જે જવાબદારી સોંપી છે એ ઉપાડવા એકબીજાને મદદ કરો. આમ યહોવાહના આશીર્વાદથી તમે સુખી લગ્‍નજીવનની શરૂઆત કરશો. આવા લગ્‍નની મીઠી યાદો ફક્ત એક દિવસ પૂરતી જ નહિ, પણ સદા રહેશે.—નીતિવચનો ૧૮:૨૨. (w 06 10/15)

[ફુટનોટ્‌સ]

^ વધુ માહિતી માટે અવેક! ફેબ્રુઆરી ૮, ૨૦૦૨ જુઓ. યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

^ જો તમે કોઈને કિંગ્ડમ હૉલમાં લગ્‍નના ફોટા પાડવાનું કે વીડિયો ઉતારવાનું કહ્યું હોય, તો તેઓને પહેલેથી જણાવો કે ક્યારે ને કેવી રીતે એમ કરવું. એનાથી પ્રસંગમાં દરેક બાબત શોભતી રીતે થશે.

^ કૌટુંબિક સુખનું રહસ્ય પુસ્તકનું પાન ૨૬ જુઓ. યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

[પાન ૨૧ પર ચિત્ર]

વર-કન્યાએ લગ્‍નની તૈયારી માટે એકબીજા સાથે ખુલ્લા મને, માન-મર્યાદા રાખીને વાત કરવી જોઈએ

[પાન ૨૩ પર ચિત્ર]

યહોવાહની નજરે લગ્‍ન દિવસનું મહત્ત્વ કદી ભૂલશો નહિ