સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું બાઇબલ ઈશ્વર પાસેથી આવે છે?

શું બાઇબલ ઈશ્વર પાસેથી આવે છે?

શું બાઇબલ ઈશ્વર પાસેથી આવે છે?

‘આખું શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે; જેથી ઈશ્વરનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારાં કામ કરવાને સારૂ તૈયાર થાય.’—૨ તીમોથી ૩:૧૬, ૧૭.

બાઇબલ કેટલું મૂલ્યવાન છે, એ ઈશ્વરભક્ત પાઊલના ઉપર જણાવેલા જોરદાર શબ્દોથી દેખાઈ આવે છે. જોકે પાઊલ પાસે આખું બાઇબલ ન હતું, પણ અહીંયા તે જે ભાગની વાત કરી રહ્યા હતા એને ઘણા લોકો “જૂનો કરાર” તરીકે ઓળખે છે. પણ પાઊલના એ શબ્દો બાઇબલના બધા જ ૬૬ પુસ્તકોને લાગુ પડે છે. એમાં ઈસુના શિષ્યોએ પહેલી સદીમાં લખેલાં પુસ્તકો પણ આવી જાય છે.

પાઊલની જેમ શું તમે પણ બાઇબલને મૂલ્યવાન ગણો છો? શું તમે માનો છો કે લેખકોએ ઈશ્વરની પ્રેરણાથી બાઇબલ લખ્યું હતું? પહેલી સદીના ખ્રિસ્તીઓ એમ માનતા હતા. ત્યારથી લઈને આજ સુધી ઈસુને પગલે ચાલતા ખ્રિસ્તીઓ એ જ માનતા આવ્યા છે. દાખલા તરીકે, ચૌદમી સદીના અંગ્રેજ પાદરી જોન વિકલીફ માનતા હતા કે ‘બાઇબલ સત્યનો માપદંડ છે, જેનાથી તમે ખરું-ખોટું પારખી શકો.’ ઉપર જણાવેલા પાઊલના શબ્દો પર ટીકા આપતા ધ ન્યૂ બાઇબલ ડિક્શનરી જણાવે છે: બાઇબલ ઈશ્વરની ‘પ્રેરણાથી લખાયું હોવાથી ખાતરી થાય છે કે એમાં જે કંઈ જણાવ્યું છે, એ સત્ય જ છે.’

બાઇબલ પ્રત્યે બદલાતું વલણ

જોકે તાજેતરમાં ઘણા લોકોનો બાઇબલ પરથી વિશ્વાસ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. દુનિયાના ધર્મો (અંગ્રેજી) નામનું પુસ્તક જણાવે છે: ‘હકીકતમાં બધા જ ખ્રિસ્તીઓ આજે બાઇબલમાં માનતા હોવા જોઈએ. તેઓનાં કાર્યો, વાણી-વર્તન અને માન્યતા બાઇબલને આધારે હોવા જોઈએ.’ પણ હકીકત સાવ અલગ જ છે. આજે ઘણા લોકોનું માનવું છે કે ‘બાઇબલમાં ઘણો વિરોધાભાસ છે. એમાં માનવજાતિના એવા રીત-રિવાજોનું વર્ણન છે જેના પર ભરોસો મૂકી ન શકાય.’ એક બાજુ તેઓ સ્વીકારે છે કે બાઇબલના લેખકોને ઈશ્વરમાં ઊંડી શ્રદ્ધા હતી. પરંતુ બીજી બાજુ એમ પણ માને છે કે ‘આપણી પાસે છે એવું જ્ઞાન અને સમજણ ન હોવાથી તેઓ સત્યનું ઊંડું જ્ઞાન સમજાવી શકતા ન હતા. તેઓ આખરે તો આપણા જેવા માણસો જ હતા.’

હકીકતમાં આજે થોડા જ લોકો બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે વિચારે છે અને એ જીવનમાં લાગુ પાડે છે. જ્યારે કે બીજી બાજુ મોટા ભાગના લોકો માટે બાઇબલ જુનવાણી છે. તમે ઘણી વાર લોકોને એમ કહેતા સાંભળ્યા હશે કે ‘બાઇબલના સિદ્ધાંતો તો જૂના જમાનાના છે. એને આપણા જમાનામાં લાગુ પાડવા અશક્ય છે.’ ઘણા લોકો બાઇબલના સિદ્ધાંતોને મામૂલી ગણે છે અથવા એ પ્રમાણે ચાલવું જરાય અઘરું લાગે તો એને બાજુ પર મૂકી દે છે. પોતાને ખ્રિસ્તી કહેવડાવતા અમુક લોકો લગ્‍ન પહેલાં વ્યભિચાર, આડા સંબંધો, અપ્રમાણિકતા અને દારૂડિયાપણું વિષેની બાઇબલની આજ્ઞાને ખુલ્લેઆમ અવગણે છે.—૧ કોરીંથી ૬:૯, ૧૦.

શા માટે તેઓ આમ કરે છે? એનું એક કારણ, પુરાતત્ત્વશાસ્ત્રી સર ચાર્લ્સ માર્સટને આપ્યું હતું. તેમણે વીસમી સદીની શરૂઆતમાં લખેલા પુસ્તક ધ બાઇબલ ઈઝ ટ્રૂમાં જણાવ્યું હતું: ‘આધુનિક લેખકો બાઇબલની વિરુદ્ધમાં જે કંઈ કહે છે એને લોકો સહેલાઈથી સ્વીકારી લે છે.’ શું આજે પણ એવું બને છે? જો કોઈ વિદ્વાન બાઇબલ વિરુદ્ધ આંગળી ચીંધે કે એમાંથી ભરોસો ઊઠી જાય એવું કંઈક કહે તો, શું આપણે તરત જ માની લેવું જોઈએ? એનો જવાબ જાણવા હવે પછીનો લેખ વાંચો. (w10-E 03/01)