સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સમજી-વિચારીને મિત્રો પસંદ કરો

સમજી-વિચારીને મિત્રો પસંદ કરો

ચોથી ચાવી

સમજી-વિચારીને મિત્રો પસંદ કરો

બાઇબલ શું શીખવે છે? “તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે.”—નીતિવચનો ૧૩:૨૦.

કેવી મુશ્કેલી આવે છે? આપણી પાસે જે કંઈ છે એમાં ખુશ રહેવા મિત્રો કાં તો ઉત્તેજન આપશે અથવા કશાકની કમી છે એવો અહેસાસ કરાવશે. તેઓના વાણી-વર્તનની આપણા જીવન પર અસર તો પડશે જ.—૧ કોરીંથી ૧૫:૩૩.

બાઇબલ જમાનામાં થયેલા એક બનાવનો વિચાર કરો. બાર ઈસ્રાએલી પુરુષો કનાન દેશમાં જાસૂસી કરીને છાવણીમાં પાછા આવ્યા. તેઓમાંના મોટા ભાગના ‘જે દેશની જાસૂસી કરી હતી, તે વિષે ઈસ્રાએલપુત્રોની પાસે માઠો સંદેશો લાવ્યા.’ તોપણ તેઓમાંના બે પુરુષો કનાન દેશ વિષે હિંમતથી આમ બોલ્યા કે ‘તે અતિ ઉત્તમ દેશ છે.’ પરંતુ દસ જાસૂસોના ખોટા સંદેશાની ઈસ્રાએલીઓ પર ઊંડી અસર પડી. અહેવાલ જણાવે છે કે ‘આખી જમાતે મોટો ઘાંટો પાડીને પોક મૂકી અને સર્વ ઈસ્રાએલપુત્રો કચકચ’ કરવા લાગ્યા.—ગણના ૧૩:૩૦–૧૪:૯.

એવી જ રીતે આજે પણ ઘણા લોકો જીવનથી અસંતોષી હોવાથી “બડબડાટ” કરે છે. (યહુદા ૧૬) એવા લોકોની સંગત રાખીશું તો આપણા માટે પણ સંતોષી રહેવું મુશ્કેલ બની જશે.

તમે શું કરી શકો? દોસ્તો સાથે તમારી જે કંઈ વાતો થતી હોય એના પર વિચાર કરો. શું તમારા દોસ્તો પોતાની પાસે જે છે એની કાયમ બડાઈ હાંકે છે? કે પોતાની પાસે જે નથી એ વિષે શું તેઓ કાયમ રોદણાં રડે છે? અને તમારા વિષે શું? શું તમે પોતાના દોસ્તોમાં ઈર્ષા જગાડો છો કે પછી તેઓ પાસે જે છે એનાથી રાજી રહેવા ઉત્તેજન આપો છો?

યોનાથાન અને દાઊદે બેસાડેલા સુંદર દાખલાનો વિચાર કરો. યોનાથાન રાજા શાઊલનો દીકરો હતો. દાઊદ શાઊલની જગ્યાએ રાજા બનવાના હતા. શાઊલ રાજાને લાગ્યું કે દાઊદ તેમનું રાજ્ય લઈ લેશે. એટલે તે દાઊદને મારી નાખવા માગતો હતો. એ અઘરા સંજોગોને લીધે દાઊદ વેરાન પ્રદેશમાં આમતેમ ભટકતા હતા. આમ જોઈએ તો યોનાથાન તેના પિતાની જગ્યાએ રાજા બનવાને હક્કદાર હતો. પરંતુ એને બદલે તે દાઊદના જિગરી દોસ્ત બન્યા. યોનાથાનને ખબર હતી કે યહોવાહ ઈશ્વરે તેમને નહિ, પણ દાઊદને નવા રાજા તરીકે પસંદ કર્યા છે. એનાથી દુઃખી થવાને બદલે તેમણે જિગરી દોસ્ત દાઊદને સાથ આપવામાં સંતોષ માન્યો.—૧ શમૂએલ ૧૯:૧, ૨; ૨૦:૩૦-૩૩; ૨૩:૧૪-૧૮.

જેઓ પોતાના જીવનથી સંતોષી હોય અને આપણું ભલું ઇચ્છતા હોય એવા મિત્રો કોને ન ગમે? તમારે એવા જ મિત્રોની જરૂર છે. (નીતિવચનો ૧૮:૨૪) એવા મિત્રો મેળવવા હોય તો પ્રથમ તો તમારે પોતે તેમના જેવા ગુણો કેળવવા પડશે.—ફિલિપી ૨:૩, ૪. (w10-E 11/01)

[પાન ૭ પર ચિત્ર]

શું તમારા મિત્રો સંતોષી રહેવા ઉત્તેજન આપે છે કે કશાકની કમી હોય એવો અહેસાસ કરાવે છે?