સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આર્માગેદન વિષેની હકીકત

આર્માગેદન વિષેની હકીકત

આર્માગેદન વિષેની હકીકત

‘દુષ્ટ દૂતો આખા જગતના રાજાઓને એકઠા કરવા માટે તેઓની પાસે બહાર જાય છે. અને હિબ્રૂ ભાષામાં જેને હાર-માગેદોન કહે છે એ જગ્યાએ તેઓએ રાજાઓને એકઠા કર્યા.’—પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬.

આર્માગેદનને અમુક વખતે ‘હાર-માગેદોન’ કહેવાય છે, આ એક જગ્યાનું નામ છે. જોકે એ જગ્યા પૃથ્વી પર ક્યાંય જોવા મળતી નથી.

તો પછી ‘આર્માગેદન’ શબ્દનો ખરો અર્થ શું થાય? શા માટે એ શબ્દને કોઈ બનાવ સાથે જોડવામાં આવે છે, જેમ કે કોઈ મોટું યુદ્ધ?

તેઓ આર્માગેદન નામની જગ્યાએ ભેગા થયા

મૂળ હિબ્રૂ ભાષામાં ‘હાર-માગેદોન’ નામનો અર્થ, “મગિદ્દોનો પર્વત” થાય છે. જોકે, એ નામનો કોઈ પર્વત નથી, પણ મગિદ્દો નામની એક જગ્યા તો છે. મગિદ્દો પ્રાચીન ઈસ્રાએલીની ઉત્તર-પશ્ચિમ દિશામાં છે, જ્યાં બે રસ્તાઓ એકબીજાને કાપે છે. એ જગ્યાએ મહત્ત્વના ઘણા યુદ્ધો લડાયા હતાં. એટલા માટે ‘મગિદ્દો’ નામ યુદ્ધ સાથે જોડાઈ ગયું છે. *

જોકે, મગિદ્દોમાં કઈ લડાઈઓ થઈ હતી એનું મહત્ત્વ નથી, પણ એ શા માટે થઈ હતી એનું મહત્ત્વ છે. યહોવા ઈશ્વરે પોતાના લોક ઈસ્રાએલીઓને એક દેશ આપવાનું વચન આપ્યું હતું. એ દેશનો ભાગ મગિદ્દો હતું. (નિર્ગમન ૩૩:૧; યહોશુઆ ૧૨:૭, ૨૧) યહોવાએ તેઓને દુશ્મનોથી રક્ષણ આપવાનું પણ વચન આપ્યું હતું અને તેમણે એમ જ કર્યું. (પુનર્નિયમ ૬:૧૮, ૧૯) દાખલા તરીકે, મગિદ્દોમાં યહોવાએ ઈસ્રાએલીઓને ચમત્કારિક રીતે જીત અપાવી હતી. કનાની રાજા યાબીન અને તેના સેનાપતિ સીસરાનો યહોવાએ નાશ કર્યો હતો.—ન્યાયાધીશો ૪:૧૪-૧૬.

એટલા માટે, ‘હાર-માગેદોન’ અથવા આર્માગેદન શબ્દનો અર્થ ઘણો મોટો છે. એ એવા સમયને બતાવે છે, જ્યારે બે શક્તિશાળી લશ્કરો ટકરાશે.

બાઇબલમાં ‘પ્રકટીકરણʼનું પુસ્તક ભવિષ્યમાં બનનારી કેટલીક બાબતો વિષે જણાવે છે. એમાં જણાવ્યું છે કે શેતાન અને તેના દુષ્ટ દૂતો આખી દુનિયાની માનવીય સરકારોને ઉશ્કેરશે. એ સરકારો પોતાનું લશ્કર ભેગું કરીને ઈશ્વરના લોકો પર હુમલો કરશે. એ હુમલાખોરોને ઈશ્વર હરાવશે ત્યારે તેઓમાંથી લાખો-કરોડો મરણ પામશે.—પ્રકટીકરણ ૧૯:૧૧-૧૮.

બાઇબલ કહે છે કે ઈશ્વર તો ‘ક્ષમા કરવા તત્પર, કૃપાળુ અને રહેમદિલ’ છે. તો પછી, કઈ રીતે ઈશ્વર ઘણા લોકોના મરણનું કારણ બની શકે? (નહેમ્યા ૯:૧૭) એ સમજતા પહેલા આ ત્રણ પ્રશ્નોનો જવાબ મેળવવાની જરૂર છે. (૧) એ યુદ્ધ કોણે શરૂ કર્યું? (૨) ઈશ્વર શા માટે એમાં ભાગ લેશે? (૩) એ લડાઈને કારણે ધરતી અને એના રહેવાસીઓ પર કેવી અસર થશે?

૧. એ યુદ્ધ કોણે શરૂ કર્યું?

ઈશ્વર પોતાનો ગુસ્સો કાઢવા માટે આર્માગેદનનું યુદ્ધ કરવાના નથી, પણ દુશ્મનોથી પોતાના લોકોનું રક્ષણ કરવા માટે તે યુદ્ધ કરશે. જેઓ આર્માગેદન યુદ્ધની શરૂઆત કરશે, તેઓ “આખા જગતના રાજાઓ” છે. પરંતુ, તેઓ હુમલો શા માટે કરશે? કેમ કે આ દુનિયાની સરકારો અને લશ્કરો શેતાનના હાથની કઠપૂતળી છે. શેતાન તેઓને યહોવાના લોકો પર આખરી હુમલો કરવા દોરવણી આપશે.—પ્રકટીકરણ ૧૬:૧૩, ૧૪; ૧૯:૧૭, ૧૮.

આજે અમુક દેશોમાં છૂટથી ધર્મ પાળવાના અને પોતાના વિચારો વ્યક્ત કરવાના હકને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. એટલે દુનિયાની સરકારો ધર્મો પર પાબંદી મૂકશે અથવા સાવ નાબૂદ કરશે એ વિચાર કદાચ અજુગતો લાગે. ૨૦મી સદીમાં ધર્મો પર હુમલાઓ થયા હતા અને કેટલાક હમણાં થઈ રહ્યાં છે. * જોકે, અગાઉ થયેલા હુમલાઓમાં અને આર્માગેદન વખતે જે થશે એમાં બે મોટા ફરક છે. એક તો એ હુમલાઓ આખી દુનિયામાં થશે. બીજું કે એ વખતે ઈશ્વર યહોવા એવા સખત પગલા ભરશે, જે તેમણે પહેલાં કદી લીધા નથી. (યિર્મેયા ૨૫:૩૨, ૩૩) એ લડાઈને બાઇબલ “સર્વશક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈ” તરીકે ઓળખાવે છે.

૨. ઈશ્વર શા માટે એમાં ભાગ લેશે?

યહોવા પોતાના ભક્તોને શાંતિ જાળવવાનું અને દુશ્મનોને પ્રેમ કરવાનું શીખવે છે. (મીખાહ ૪:૧-૩; માત્થી ૫:૪૩, ૪૪; ૨૬:૫૨) એટલે, જ્યારે દુશ્મનો ઈશ્વરના ભક્તો પર હુમલો કરશે, ત્યારે તેઓ પોતાનો બચાવ કરવા હથિયારો નહિ ઉઠાવે. જો ઈશ્વર તેઓને બચાવવા કોઈ પગલાં ન ભરે તો તેઓનો સફાયો થઈ જાય. જો એમ થાય તો યહોવાના નામ કે શાખ પર સવાલ ઊઠે. જો દુશ્મનો ઈશ્વરના લોકોનો નાશ કરી નાંખે તો એમ સાબિત થાય કે યહોવા ઈશ્વરમાં જરાય પ્રેમ નથી. તેમ જ, એવું લાગે કે તે અન્યાયી છે અને તેમનામાં શક્તિ નથી. પણ એવું તો થઈ જ ન શકે!—ગીતશાસ્ત્ર ૩૭:૨૮, ૨૯.

ઈશ્વર કોઈનો પણ નાશ કરવા ચાહતા નથી, એટલે તે કેવા પગલાં ભરવાના છે એ વિષે તેમણે પહેલેથી ચેતવણી આપી છે. (૨ પીતર ૩:૯) બાઇબલના અહેવાલો દ્વારા ઈશ્વર યાદ અપાવે છે કે દુશ્મનોના હુમલામાંથી તેમણે પોતાના ભક્તોને બચાવ્યા છે. (૨ રાજાઓ ૧૯:૩૫) બાઇબલ ચેતવે છે કે ભાવિમાં શેતાન અને તેની માનવીય કઠપૂતળીઓ ઈશ્વરના લોકો પર હુમલો કરશે. એ વખતે ઈશ્વર ફરીથી પોતાની શક્તિ દ્વારા પોતાના ભક્તોને બચાવશે. બાઇબલે ઘણાં લાંબા સમય પહેલાંથી જણાવ્યું છે કે યહોવા દુષ્ટ લોકોનો નાશ કરશે. (નીતિવચનો ૨:૨૧, ૨૨; ૨ થેસ્સાલોનીકી ૧:૬-૯) યહોવા જ્યારે તેઓ વિરુદ્ધ લડશે ત્યારે હુમલાખોરોના મનમાં કોઈ શંકા નહિ હોય કે તેઓ સર્વશક્તિમાન ઈશ્વરની સામે લડે છે.—હઝકીએલ ૩૮:૨૧-૨૩.

૩. એ લડાઈને કારણે ધરતી અને એના રહેવાસીઓ પર કેવી અસર થશે?

આર્માગેદનની લડાઈ પછી લાખો લોકોનો બચાવ થયો હશે. ત્યારે ધરતી પર ખરેખર શાંતિનો સૂરજ ઊગ્યો હશે.—પ્રકટીકરણ ૨૧:૩, ૪.

પ્રકટીકરણનું પુસ્તક જણાવે છે કે આ લડાઈમાંથી ગણી ન શકાય એટલા લોકોની “મોટી સભા” બચી જશે. (પ્રકટીકરણ ૭:૯, ૧૪) ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે તેઓ આ ધરતીને સુંદર બગીચા જેવી બનાવશે. ઈશ્વરે પહેલાં ઇચ્છ્યું હતું એવી ધરતી થઈ જશે.

શું આપણે જાણીએ છીએ કે ઈશ્વરના લોકો પર ક્યારે હુમલો થશે? (w12-E 02/01)

[ફુટનોટ્‌સ]

^ કોઈ જગ્યાના નામને યુદ્ધ સાથે જોડી દેવું એ કંઈ નવી વાત નથી. દાખલા તરીકે, જાપાનના હિરોશિમા શહેરનો વિચાર કરો. અણુ બૉમ્બથી એ શહેરનો વિનાશ કરી નાંખવામાં આવ્યો હતો. એ નામ આજે અણુયુદ્ધના જોખમનું પ્રતિક બની ગયું છે.

^ એવા હુમલાઓ હોલોકોસ્ટ (સામૂહિક નરસંહાર) તરીકે પણ ઓળખાય છે. એમાં કોઈ સરકાર કોઈ ધાર્મિક પંથ કે જાતિનો પૂરેપૂરો નાશ કરવાનો પ્રયાસ કરે છે. દાખલા તરીકે, સોવિયેટ સંઘમાં ત્યાંની સરકારે અમુક ધાર્મિક વૃંદોનો સાવ જ નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. એ વિષે વધારે જાણવા મે ૧, ૨૦૧૧ના ધ વોચટાવર મૅગેઝિનનો લેખ, “શાંતિપ્રિય લોકોએ પોતાના સારા નામનો બચાવ કર્યો” જુઓ.

[પાન ૬ પર ચિત્ર]

યહોવાએ પહેલાં પણ પોતાના લોકોને બચાવવા દુશ્મનોનો નાશ કર્યો હતો

[પાન ૭ પર ચિત્ર]

યહોવા ફરીથી આર્માગેદનમાં પોતાના લોકોને બચાવશે