સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાળકોને શિસ્ત કઈ રીતે આપવી?

બાળકોને શિસ્ત કઈ રીતે આપવી?

“હું ક્યારનો મારા દીકરા જોર્ડનની રાહ જોતો હતો. આવતી-જતી દરેક કાર જોઈને મને લાગતું કે તે જ આવ્યો છે. ઘરનો નિયમ જોર્ડને ત્રીજી વાર તોડ્યો હતો. મારા મનમાં સવાલો થયા કે, ‘જોર્ડન ક્યાં ગયો હશે? તે કોઈ મુસીબતમાં તો નહિ હોય ને? અમે તેની ચિંતા કરીએ છીએ એની શું તેને પરવા છે?’ જોર્ડન આવ્યો ત્યાં સુધીમાં તો મારા ગુસ્સાનો પારો વધી ગયો હતો.”જ્યોર્જ.

“મારી દીકરીની ચીસ સાંભળીને હું થરથર કાંપી ઊઠી. મેં જઈને જોયું, તો તે પોતાનું માથું પકડીને રડી રહી હતી. કારણ કે, તેના ચાર વર્ષના ભાઈએ તેને ખૂબ માર્યું હતું.”—નિકોલ.

“અમારી છ વર્ષની દીકરી નેટલીએ મોટી મોટી ભૂરી આંખો પટપટાવતા કહ્યું: ‘મેં વીંટી નથી ચોરી, એ મને મળી છે.’ તે નિર્દોષ છે એવું સાબિત કરવા માંગતી હતી. ચોરી નથી કરી એમ તે કહેતી જ રહી. એનાથી અમને ઘણું દુઃખ થયું અને અમે ખૂબ જ રડ્યા. અમે જાણતા હતા કે તે જૂઠું બોલતી હતી.”—સ્તેફન.

માબાપો, શું ક્યારેય તમારી સાથે પણ એવું બન્યું છે? એવા સંજોગોમાં શું તમને આવા સવાલ થયા છે: શિસ્ત આપવી કે ન આપવી, અથવા કઈ રીતે આપવી? બાળકોને શિસ્ત આપવી શું એ ખોટું છે?

શિસ્ત એટલે શું?

બાઇબલમાં “શિસ્ત” માટે વપરાયેલો શબ્દ ફક્ત શિક્ષાને દર્શાવતો નથી. શિસ્તનો અર્થ આવો થઈ શકે: સુધારવું, શિખામણ આપવી અને શિક્ષણ આપવું. શિસ્ત આપવાનો અર્થ એ નથી કે ક્રૂર બનવું કે જુલમ કરવો.—નીતિવચનો ૪:૧, ૨.

બાળકોને શિસ્ત આપવી એ માળીના કામ સાથે સરખાવી શકાય. માળી જમીન તૈયાર કરે છે, છોડને પાણી પીવડાવે છે અને ખાતર નાખે છે. તેમ જ, જીવજંતુ અને જંગલી ઘાસથી છોડનું રક્ષણ કરે છે. છોડ વધતો જાય તેમ એને સીધી દિશામાં વાળવા માળી જરૂરી કાપકૂપ કરે છે. છોડની કાળજી રાખવા માળી અલગ અલગ રીતનો ઉપયોગ કરે છે. એવી જ રીતે, બાળકોની કાળજી રાખવા માબાપ જુદી જુદી રીત અપનાવે છે. પરંતુ, જરૂર પડે ત્યારે માબાપ બાળકોને શિસ્ત પણ આપે છે. તેઓ સહેલાઈથી પારખી શકે છે કે બાળકોમાં ખોટું વલણ આવી રહ્યું છે. એ સમયે, માળીની જેમ માબાપ પણ બાળકોને ખરી દિશામાં વાળે છે. છોડને નુકસાન પહોંચાડ્યા વગર માળી છોડની કાપકૂપ કરે છે. એવી જ રીતે, માબાપે પણ બાળકોને પ્રેમથી શિસ્ત આપવી જોઈએ.

બાઇબલ જણાવે છે કે ઈશ્વરનું નામ યહોવા છે. શિસ્ત આપવામાં યહોવાએ સુંદર દાખલો બેસાડ્યો છે. ઈશ્વર પોતાના ભક્તોને એવી રીતે શિસ્ત આપે છે, જેના સારાં પરિણામ આવે છે. એટલે, તેઓ રાજીખુશીથી એ શિસ્ત કે “શિખામણ” સ્વીકારે છે. (નીતિવચનો ૧૨:૧) તેઓ એ શિખામણને ‘મજબૂત પકડી રાખે છે અને છોડતા નથી.’ (નીતિવચનો ૪:૧૩) ઈશ્વર શિસ્ત આપવા ત્રણ રીતનો ઉપયોગ કરે છે: (૧) પ્રેમથી (૨) વાજબી રીતે (૩) બાંધછોડ કર્યા વગર. તેમની જેમ, તમે પણ બાળકને શિસ્ત આપશો તો તે ખુશીથી સ્વીકારશે.

પ્રેમથી શિસ્ત આપીએ

ઈશ્વરને આપણા પર પ્રેમ હોવાથી તે આપણને શિસ્ત આપે છે. બાઇબલ કહે છે: “જેમ પિતા પોતાના માનીતા પુત્રને ઠપકો દે છે તેમ યહોવા જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો દે છે.” (નીતિવચનો ૩:૧૨) ઉપરાંત, યહોવા ‘દયાળુ, કૃપાળુ અને ગુસ્સો કરવામાં ધીમા છે.’ (નિર્ગમન ૩૪:૬) તેથી, યહોવા ક્યારેય ક્રૂર કે જુલમી રીતે વર્તતા નથી. કાયમ વાંક કાઢવો, કડવી વાણી કે કટાક્ષમાં બોલવું એ બધું “તરવારના ઘા જેવું છે.” યહોવા એવું ક્યારેય કરતા નથી.—નીતિવચનો ૧૨:૧૮.

સાંભળો

ખરું કે, યહોવાની જેમ માબાપ માટે બધી જ રીતે સંયમ રાખવો હંમેશાં સહેલું નથી. અઘરા સંજોગોમાં કોઈક વાર ધીરજ ખૂટી જઈ શકે. તેથી, યાદ રાખીએ કે ગુસ્સામાં શિક્ષા કરીશું તો હદ પાર થઈ શકે અને એના સારા પરિણામ નહિ આવે. ઉપરાંત, એવું વર્તન શિસ્ત કહેવાશે નહિ. પણ, એ બતાવે છે કે ગુસ્સા પર કાબૂ નથી.

એના બદલે, પ્રેમ અને સંયમ રાખીને શિસ્ત આપવાથી સારું પરિણામ મળશે. આગળ આપણે જ્યોર્જ અને નિકોલ વિશે ચર્ચા કરી. ચાલો જોઈએ કે, તેઓએ કઈ રીતે મુશ્કેલી થાળે પાડી.

પ્રાર્થના કરો

“જોર્ડન ઘરે આવ્યો ત્યારે અમે બંને ખૂબ ગુસ્સામાં હતા. તોપણ, અમે ગુસ્સા પર કાબૂ રાખ્યો અને જોર્ડનનું મોડા આવવાનું કારણ શાંતિથી સાંભળ્યું. બહુ મોડું થયું હોવાથી અમે સવારે ચર્ચા કરવાનું નક્કી કર્યું. અમે બધાએ સાથે મળીને પ્રાર્થના કરી અને સૂઈ ગયા. એનાથી બીજા દિવસે અમે શાંત મગજે તેની સાથે વાત કરી શક્યા. એની જોર્ડનના દિલ પર ઊંડી અસર થઈ. તેણે વચન આપ્યું કે હવે તે નક્કી કરેલા સમયે ઘરે પાછો આવી જશે. મોડા આવવા બદલ તેણે માફી પણ માંગી. અમને સમજાયું કે, ગુસ્સામાં ચર્ચા કરવાથી કોઈ ફાયદો થતો નથી. એટલે, અમે પ્રથમ તેની વાત શાંતિથી સાંભળી જેનું સારું પરિણામ આવ્યું.”—જ્યોર્જ.

વાત કરો

“મારા દીકરાએ તેની બહેનને માર્યું એ જોઈને મારો પિત્તો ગયો. તરત જ સજા કરવાને બદલે મેં તેને એના રૂમમાં મોકલી દીધો. ઉતાવળે કંઈ કર્યું નહિ, કેમ કે હું બહુ જ ગુસ્સામાં હતી. હું ઠંડી પડી પછી કડક શબ્દોમાં તેને કહ્યું કે મારામારી કરવી મને જરાય પસંદ નથી. અને એ પણ બતાવ્યું કે તેણે બહેનને કેટલું માર્યું છે. એમ કરવાથી સારું પરિણામ આવ્યું. તેણે પોતાની બહેન પાસે માફી માગી અને તેને ભેટી પડ્યો.”નિકોલ.

યોગ્ય રીતે શિસ્ત આપવામાં સજા કરવી પડે, તોપણ એ પ્રેમથી કરવી જોઈએ.

શિસ્ત આપવામાં વાજબી બનીએ

યહોવા હંમેશાં ‘ન્યાયથી શિક્ષા કરે’ છે. (યિર્મેયા ૩૦:૧૧; ૪૬:૨૮) તે બધા જ સંજોગો ધ્યાનમાં લે છે. એમાં એવા સંજોગોનો પણ સમાવેશ થાય છે જે, આપણે જાણતા પણ ન હોઈએ. યહોવાની જેમ વર્તવા માબાપ શું કરી શકે? આગળ વાત કરી એ સ્તેફન જણાવે છે: “ખરું કે અમને બહુ જ દુઃખ થયું. તેમ જ, સમજાયું નહિ કે નેટલીએ વીંટી ચોરી છે એવું તે કેમ સ્વીકારતી નથી. તોપણ, અમે તેની ઉંમર અને સમજશક્તિ ધ્યાનમાં લીધી.”

નિકોલના પતિ રોબર્ટે બધા જ સંજોગોનો વિચાર કર્યો હતો. બાળકો બરાબર વર્તે નહિ ત્યારે તે પોતાને પૂછતા: ‘શું તેણે પહેલી વાર જ આમ કર્યું કે પછી ખોટું કરવાની તેની આદત પડી ગઈ છે? શું બાળક થાકી ગયું છે કે પછી તેને સારું નથી? શું કોઈ મુશ્કેલીને લીધે તે આ રીતે વર્તે છે?’

સમજુ માબાપ જાણે છે કે બાળકો નાદાન હોય છે. તેઓમાં મોટાઓ જેટલી સમજણ હોતી નથી. ઈશ્વરભક્ત પાઊલે એ હકીકત સ્વીકારતા આમ લખ્યું: ‘હું બાળક હતો, ત્યારે બાળકની જેમ બોલતો હતો અને બાળકની જેમ વિચારતો હતો.’ (૧ કોરીંથી ૧૩:૧૧) રોબર્ટ કહે છે: ‘મુશ્કેલી ઉભી થતી ત્યારે હું યાદ કરતો કે હું નાનો હતો ત્યારે શું કરતો? એનાથી મને વાજબી બનવા અને રાઈનો પહાડ ન બનાવવા મદદ મળી.’

બાળક પાસે વધુ પડતી અપેક્ષા ન રાખવી જોઈએ. એ જ સમયે બાળકનું ખરાબ વર્તન કે વલણ ચલાવવું પણ ન જોઈએ. તેમ જ, એ પ્રત્યે આંખ આડા કાન પણ ન કરવા જોઈએ. બાળકની ક્ષમતા, મર્યાદા અને સંજોગો ધ્યાનમાં રાખીને તેને શિસ્ત આપીશું, તો એ હદ ઉપરાંત નહિ પણ વાજબી હશે.

શિસ્ત આપવામાં બાંધછોડ ન કરીએ

યહોવા બાઇબલમાં કહે છે: ‘હું બદલાયો નથી.’ (માલાખી ૩:૬, IBSI ) એ સત્ય પર ભરોસો હોવાથી તેમના ભક્તો સલામતી અનુભવે છે. બાળકો પણ એવી સલામતી અનુભવે માટે, માબાપે ઘરના નિયમ પ્રમાણે શિસ્ત આપવામાં બાંધછોડ કરવી ન જોઈએ. મનફાવે એમ શિસ્ત આપીશું, તો બાળકો ગૂંચવાઈ જાય કે પછી અકળાઈ જશે.

ઈસુએ કહ્યું: “તમારું બોલવું તે હાનું હા, ને નાનું ના હોય.” એ શબ્દો માબાપને પણ લાગુ પડે છે. (માથ્થી ૫:૩૭) જે શિસ્ત તમે આપવાના ન હો એ વિશે ખોટી ધમકીઓ ન આપશો. બાળકને ચેતવ્યા પછી પણ સુધરે નહિ, તો નક્કી કર્યા પ્રમાણે શિસ્ત આપતા અચકાશો નહિ.

શિસ્ત આપવામાં બાંધછોડ ન થાય માટે જરૂરી છે કે માબાપે એકબીજા સાથે ખુલ્લા મને વાતચીત કરવી જોઈએ. રોબર્ટ જણાવે છે: “કોઈક વાર બાળકો મારી પાસે કશાની પરવાનગી લેવા આવે અને હું તેઓને રજા આપું. પછી ખબર પડે કે મારી પત્નીએ એમ કરવાની મના કરી છે. ત્યારે હું મારી પત્નીના નિર્ણયને સાથ આપું છું અને તેઓને એમ કરવાની મના કરું છું.” કોઈ કારણથી અમુક બાબતો વિશે માબાપ એકબીજા સાથે સહમત ન હોય, તો બાળકોની આગળ ચર્ચા ન કરવી જોઈએ. પણ, એકાંતમાં ચર્ચા કરીને સંપીને નિર્ણય લેવો જોઈએ.

શિસ્ત આપવી જરૂરી છે

ઈશ્વર પ્રેમથી, વાજબી રીતે અને બાંધછોડ કર્યા વગર શિસ્ત આપે છે. તેમની જેમ તમે પણ બાળકોને શિસ્ત આપશો તો, તમારી મહેનત સફળ થશે. બાળકોને જરૂરી શિખામણ પ્રેમથી આપશો તો, તેઓ મોટા થશે તેમ સમજુ અને જવાબદાર વ્યક્તિ બનશે. બાઇબલ પણ કહે છે: “બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહિ.”—નીતિવચનો ૨૨:૬. (w14-E 07/01)