સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુખ્ય વિષય | અંત શું એ નજીક છે?

“અંત”—એનો શું અર્થ થાય?

“અંત”—એનો શું અર્થ થાય?

“દુનિયાનો અંત નજીક છે!” શું તમે એવું ક્યારેય સાંભળ્યું છે? ચોક્કસ સાંભળ્યું હશે. દુનિયાની બગડતી હાલત જોઈને ઘણા લોકો એ વિશે વાત કરે છે. વારંવાર ટીવી અથવા ન્યૂઝપેપરમાં જોવા મળે છે કે, ફલાણા દિવસે દુનિયાનો અંત આવશે. આ દુનિયાનો અંત કઈ રીતે આવશે, એ વિશે તમને શું લાગે છે? શું કોઈ કુદરતી આફત અથવા ત્રીજું વિશ્વયુદ્ધ આખી માણસજાતનો નાશ કરશે? અંતના વિચારથી જ ઘણા લોકો ચિંતામાં ડૂબી જાય છે. તો બીજા અમુક શંકા કરે છે.

બાઇબલ પણ જણાવે છે કે, “અંત” ચોક્કસ આવશે. (માથ્થી ૨૪:૧૪) એને ‘ઈશ્વરના મહાન દિવસની લડાઈ’ અને ‘આર્માગેદન’ પણ કહેવામાં આવે છે. (પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬) ઘણા ધર્મો અંત વિશે જણાવે છે. પણ, એનાથી લોકો મૂંઝાઈ અને ડરી જાય છે. જોકે, દુનિયાના અંત વિશે બાઇબલ સ્પષ્ટ જણાવે છે કે, એનો શું અર્થ થાય અને શું ન થાય. બાઇબલ એ પણ સમજવા મદદ કરે છે કે અંત કેટલો નજીક છે. સૌથી મહત્ત્વનું તો, એ બતાવે છે કે એમાંથી બચવા શું કરવું જોઈએ. સૌ પ્રથમ ચાલો, અંત વિશેની અમુક ગેરસમજ દૂર કરીએ અને ખરી સમજ મેળવીએ. પછી, બાઇબલ પ્રમાણે “અંત”નો શું અર્થ થાય એ સમજીએ.

અંતનો અર્થ શું ન થાય?

  1. અગ્નિથી પૃથ્વીનો અંત આવશે નહિ.

    બાઇબલ જણાવે છે: ‘કદી ખસે નહિ એવો પૃથ્વીનો પાયો ઈશ્વરે નાખ્યો છે.’ (ગીતશાસ્ત્ર ૧૦૪:૫) એ અને બીજાં વચનો ખાતરી આપે છે કે, ઈશ્વર ક્યારેય આ પૃથ્વીનો નાશ કરશે નહિ અથવા થવા દેશે પણ નહિ.—સભાશિક્ષક ૧:૪; યશાયા ૪૫:૧૮.

  2. અણધાર્યો અંત આવશે નહિ.

    ઈશ્વરે દુનિયાના અંતનો ચોક્કસ સમય નક્કી કર્યો છે. એ વિશે બાઇબલ જણાવે છે: ‘એ દિવસ તથા એ સમય સંબંધી પિતા વગર કોઈ જાણતું નથી, આકાશમાંના દૂતો નહિ અને દીકરો પણ નહિ. સાવધાન રહો, જાગતા રહીને પ્રાર્થના કરો; કેમ કે એ સમય ક્યારે આવશે એ તમે જાણતા નથી.’ (માર્ક ૧૩:૩૨, ૩૩) એ સ્પષ્ટ છે કે, નક્કી કરેલા ‘સમયે’ ઈશ્વર (‘પિતા’) અંત લાવશે.

  3. માણસો કે ઉલ્કાઓ અંત લાવશે નહિ.

    અંત કઈ રીતે થશે? પ્રકટીકરણ ૧૯:૧૧માં એક ઈશ્વરભક્ત કહે છે: ‘મેં આકાશ ઊઘડેલું જોયું, તો જુઓ, એક સફેદ ઘોડો, અને એના પર એક જણ બેઠેલો છે, તેનું નામ વિશ્વાસુ તથા સાચો છે.’ ૧૯મી કલમ જણાવે છે: ‘મેં શ્વાપદને, પૃથ્વીના રાજાઓને અને તેઓનાં સૈન્યને ઘોડા પર બેઠેલાની સામે તથા તેના સૈન્યની સામે લડવાને એકઠાં થયેલાં જોયાં.’ (પ્રકટીકરણ ૧૯:૧૧-૨૧) જોકે, અહીં મોટા ભાગે સાંકેતિક ભાષા વાપરવામાં આવી છે. તેમ છતાં, આપણે એટલું તો સમજી શકીએ છીએ કે, દૂતોનું સૈન્ય મોકલીને ઈશ્વર પોતાના વિરોધીઓનો નાશ કરશે.

અંત વિશે બાઇબલનો સંદેશો ચિંતા નહિ પણ, રાહત આપનારો છે. એ સાચે જ ખુશખબર છે!

અંતનો અર્થ શું થાય?

  1. નિષ્ફળ ગયેલી માનવીય સરકારોનો અંત.

    બાઇબલ જણાવે છે: ‘તે રાજાઓની કારકિર્દીમાં સ્વર્ગના ઈશ્વર એક સરકાર સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહિ, ને તેમની હકૂમત બીજી પ્રજાને સોંપાશે નહિ; પણ તે આ સઘળી સરકારોને ભાંગીને ચૂરા કરીને એનો વિનાશ કરશે, ને એ કાયમ માટે ટકશે.’ (દાનીયેલ ૨:૪૪) ત્રીજા મુદ્દામાં જોઈ ગયા તેમ, ‘પૃથ્વીના રાજાઓ તથા તેઓનાં સૈન્યનો’ નાશ કરવામાં આવશે. તેઓને ‘ઘોડા પર બેઠેલાની સામે તથા તેના સૈન્યની સામે લડવાને ભેગાં’ કરવામાં આવ્યાં હતાં.—પ્રકટીકરણ ૧૯:૧૯.

  2. લડાઈ, હિંસા અને અન્યાયનો અંત.

    બાઇબલ કહે છે: ‘ઈશ્વર પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે.’ (ગીતશાસ્ત્ર ૪૬:૯) ‘સદાચારીઓ દેશમાં વસશે, અને ઈશ્વરના માર્ગે ચાલનારાઓ તેમાં જીવતા રહેશે. પણ દુષ્ટો પૃથ્વી પરથી નાબૂદ થશે, અને કપટ કરનારાઓને તેમાંથી પૂરેપૂરા ઉખેડી નાખવામાં આવશે.’ (નીતિવચનો ૨:૨૧, ૨૨) ઈશ્વર કહે છે: “જુઓ, હું સઘળું નવું બનાવું છું.”—પ્રકટીકરણ ૨૧:૪, ૫.

  3. માણસો અને ઈશ્વરની નજરમાં નિષ્ફળ ગયેલા ધર્મોનો અંત.

    બાઇબલ જણાવે છે: ‘પ્રબોધકો જૂઠું બોલે છે, ને તેઓના કહ્યા પ્રમાણે યાજકો અધિકાર ચલાવે છે, પણ અંત આવશે ત્યારે તેઓ શું કરશે?’ (યિર્મેયા ૫:૩૧) ઈસુએ પણ કહ્યું હતું: ‘તે દિવસે ઘણા લોકો મને કહેશે કે, પ્રભુ, પ્રભુ, શું અમે તારે નામે પ્રબોધ કર્યો નથી? અને તારે નામે દુષ્ટ દૂતોને કાઢ્યાં નથી? અને તારે નામે ઘણાં પરાક્રમી કામો કર્યાં નથી? ત્યારે હું તેઓને સાફ કહીશ કે મેં તમને કદી પણ ઓળખ્યા નહિ; ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ.’—માથ્થી ૭:૨૧-૨૩.

  4. દુનિયાની હાલતને ટેકો અને પ્રોત્સાહન આપતા લોકોનો અંત.

    ઈસુએ કહ્યું હતું: “અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે, જગતમાં અજવાળું આવ્યા છતાં માણસોએ અજવાળાના કરતાં અંધારૂં ચાહ્યું; કેમ કે તેઓનાં કામ ભૂંડાં હતાં.” (યોહાન ૩:૧૯) હજારો વર્ષ પહેલાં નુહ નામના ઈશ્વરભક્ત થઈ ગયા. બાઇબલ જણાવે છે કે, તેમના સમયમાં જગતનો વિનાશ થયો હતો. ‘તે સમયનું જગત પાણીમાં ડૂબીને નાશ પામ્યું; પણ હમણાંનાં આકાશ તથા પૃથ્વી તે જ શબ્દથી ન્યાયના દિવસ તથા અધર્મી માણસોના નાશના દિવસ સુધી રાખી મૂકેલાં છતાં બાળવાને માટે તૈયાર રાખેલાં છે.’—૨ પીતર ૩:૫-૭.

ધ્યાન આપો કે, આવનાર ‘ન્યાય અને નાશના દિવસની’ સરખામણી નુહના સમયમાં થયેલા “જગત”ના વિનાશ સાથે કરવામાં આવી છે. એ સમયે કયા જગતનો વિનાશ થયો હતો? એ તો ઈશ્વરના દુશ્મનો એટલે કે ‘અધર્મી માણસોનો વિનાશ’ થયો હતો. જોકે, પૃથ્વીનો બચાવ થયો હતો. એવી જ રીતે, જાણીજોઈને ઈશ્વરનો વિરોધ કરતા લોકોનો આવનાર ‘ન્યાયના દિવસે’ નાશ થશે. પરંતુ, નુહ અને તેમના કુટુંબની જેમ ઈશ્વરના મિત્રોનો બચાવ થશે.—માથ્થી ૨૪:૩૭-૪૨.

ઈશ્વર બધી જ દુષ્ટતા કાઢી નાખશે ત્યારે, ધરતી કેવી ખીલી ઊઠશે! એ બતાવે છે કે અંત વિશે બાઇબલનો સંદેશો ચિંતા નહિ પણ, રાહત આપનારો છે. એ સાચે જ ખુશખબર છે! તેમ છતાં, તમને કદાચ થાય કે, ‘અંત ક્યારે આવશે એ વિશે બાઇબલ શું જણાવે છે? શું અંત નજીક છે? હું કઈ રીતે બચી શકું?’ (w૧૫-E ૦૫/૦૧)