સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુખ્ય વિષય | ચિંતાનો સામનો કઈ રીતે કરવો?

જીવનના જોખમની ચિંતા

જીવનના જોખમની ચિંતા

એલોન જણાવે છે કે, “સાઇરનનો અવાજ સાંભળતા જ મારા દિલના ધબકારા વધી જતા. હું સંતાવા માટે તરત ભોંયરામાં દોડી જતી. પરંતુ, મને ત્યાં પણ ચિંતા થતી. હું ઘરની બહાર હોઉં અને સંતાવાની કોઈ જગ્યા ન મળે ત્યારે, મને વધારે ચિંતા થતી. એકવાર, હું જ્યારે રસ્તે ચાલતી હતી, ત્યારે અચાનક સાઇરન વાગ્યું અને હું રડવા માંડી અને મારો શ્વાસ રૂંધાવા લાગ્યો. મને શાંત થતા કલાકો લાગ્યા અને એટલામાં જ સાઇરન પાછું વાગ્યું.”

એલોન

યુદ્ધ સિવાય બીજા ઘણાં જોખમો રહેલાં છે. દાખલા તરીકે, તમને અથવા તમારા પ્રિયજનને કોઈ જીવલેણ બીમારી થાય. એની જાણ થતા જ જાણે તમારા પગ નીચેની જમીન ખસી જાય. બીજા અમુક લોકોને ભાવિની ચિંતા કોરી ખાતી હોય શકે. તેઓ એવી ચિંતા કરે છે ‘શું અમારાં દીકરા-દીકરીઓને અને તેઓનાં બાળકોને યુદ્ધ અને ગુનાઓથી ભરેલી દુનિયામાં જીવવું પડશે? શું તેઓએ પ્રદૂષણ, વાતાવરણમાં બદલાવ અને રોગચાળા વચ્ચે જીવન ગુજારવું પડશે?’ આવી બધી ચિંતાઓનો કઈ રીતે સામનો કરી શકીએ?

ખરું કે, જીવનમાં ખરાબ બાબતો બને છે. પરંતુ, ‘સંકટ જોઈને સમજુ માણસ સંતાઈ જાય છે.’ (નીતિવચનો ૨૭:૧૨) આપણે તંદુરસ્ત રહેવા પ્રયત્નો કરીએ છીએ. એવી જ રીતે, માનસિક અને લાગણીમય રીતે તંદુરસ્ત રહેવા પગલાં ભરી શકીએ. હિંસક મનોરંજન અને ન્યૂઝ રિપોર્ટમાં ક્રૂરતાથી ભરેલાં ચિત્રો જોવાથી આપણી પોતાની અને બાળકોની ચિંતા વધશે. એ પણ ખરું છે કે, હિંસક બાબતો ન જોવાથી આપણે હકીકતને નકારી શકતા નથી. ઈશ્વરે આપણને એવું મન આપ્યું છે જેથી, ખરાબ બાબતો પર નહિ પરંતુ, સારી બાબતો પર વિચાર કરી શકીએ. એ માટે ‘જે કંઈ સત્ય, ન્યાયી, શુદ્ધ, પ્રેમપાત્ર’ છે, એનાથી પોતાના મનને ભરી દેવું જોઈએ. એમ કરીશું તો, ‘શાંતિના ઈશ્વર’ આપણને મનની શાંતિ આપશે.—ફિલિપી ૪:૮, ૯.

પ્રાર્થનાનું મહત્ત્વ

ચિંતાનો સામનો કરવા આપણને વિશ્વાસની જરૂર પડે છે. બાઇબલ આપણને અરજ કરે છે કે, “પ્રાર્થના કરવા હંમેશાં તૈયાર રહો.” (૧ પીતર ૪:૭, NW) આપણા ખરાબ સંજોગોમાં ટકી રહેવા ઈશ્વર પાસે મદદ, માર્ગદર્શન અને હિંમત માંગી શકીએ. તેમ જ, ખાતરી રાખી શકીએ કે, ‘આપણે માંગીએ એ સંબંધી ઈશ્વર આપણું સાંભળે છે.’—૧ યોહાન ૫:૧૫.

તેના પતિ અવિ સાથે

બાઇબલ જણાવે છે: ‘આ જગતનો અધિકારી’ ઈશ્વર નહિ પણ, શેતાન છે અને “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.” (યોહાન ૧૨:૩૧; ૧ યોહાન ૫:૧૯) ઈસુએ પ્રાર્થના કરતા શીખવ્યું ત્યારે, તેમણે કહ્યું: ‘દુષ્ટથી અમારો છૂટકારો કરો.’ (માથ્થી ૬:૧૩) અહીં ઈસુ કહેવા માંગતા હતા કે, શેતાન સાચે જ એક દુષ્ટ વ્યક્તિ છે. જોકે, પોતાના ભક્તોને છોડાવવાનું ઈશ્વર જાણે છે. એલોન કહે છે: સાઇરન વાગે ત્યારે, હું પોતાની લાગણીઓને કાબૂમાં રાખવા યહોવાને પ્રાર્થના કરું છું. મારા પ્રેમાળ પતિ મને ફોન કરતા અને મારી સાથે પ્રાર્થના કરતા. પ્રાર્થનાથી ખરેખર બહુ જ મદદ મળી છે. બાઇબલ જણાવે છે કે, ‘જેઓ તેમને વિનંતી કરે છે, જેઓ ખરા ભાવથી તેમને વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવા છે.’—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૮.

ભાવિની આશા

પહાડ પરના ભાષણમાં ઈસુએ પોતાના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું હતું. એમાં તેમણે ‘ઈશ્વરનું રાજ્ય આવો’ એવું જણાવવા કહ્યું હતું. (માથ્થી ૬:૧૦) ઈશ્વરનું રાજ્ય દરેક પ્રકારની ચિંતા કાયમ માટે દૂર કરી દેશે. ‘શાંતિના સરદાર’ ઈસુ દ્વારા ઈશ્વર “પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી” દેશે. (યશાયા ૯:૬; ગીતશાસ્ત્ર ૪૬:૯) ‘ઈશ્વર ઘણી પ્રજાઓની વચ્ચે ન્યાય કરશે’ અને ‘પ્રજાઓ એકબીજાની વિરુદ્ધ તરવાર ઉગામશે નહિ, ને તેઓ ફરીથી કદી પણ યુદ્ધકળા શીખશે નહિ.’ તેમ જ, ‘કોઈ તેઓને બીવડાવશે નહિ.’ (મીખાહ ૪:૩, ૪) સુખી કુટુંબો પોતાનાં “ઘરો બાંધીને તેઓમાં રહેશે, ને દ્રાક્ષાવાડીઓ રોપીને તેમનાં ફળ ખાશે.” (યશાયા ૬૫:૨૧) અને “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.”—યશાયા ૩૩:૨૪.

ઘણી સાવચેતી રાખવા છતાં, આપણે “અણધાર્યા સંજોગોને” હર વખત ટાળી શકતા નથી. બીજા શબ્દોમાં કહીએ તો, આપણે ખોટા સમયે અને ખોટી જગ્યાએ આવી જઈએ છીએ. (સભાશિક્ષક ૯:૧૧, NW) સદીઓથી યુદ્ધો, હિંસા અને બીમારીએ સારા લોકોને પોતાના શિકાર બનાવ્યા છે. શું આ નિર્દોષ લોકો પાસે કોઈ આશા છે?

ઈશ્વર જ જાણે છે કે, કેટલા લોકોને ફરી જીવતા કરવામાં આવશે. ઈશ્વર એ લાખો લોકોને ભૂલી ગયા નથી અને તેમના નક્કી કરેલા દિવસે ‘જેઓ કબરમાં છે તેઓ સર્વ નીકળી આવશે.’ (યોહાન ૫:૨૮, ૨૯) સજીવન કરવા વિશે બાઇબલ ખાતરી આપે છે કે, ‘એ આશા આપણા માટે લંગર સરખી, સ્થિર અને અચળ છે.’ (હિબ્રૂ ૬:૧૯) અને ઈશ્વરે “તેને [ઈસુને] મૂએલાંમાંથી પાછો ઉઠાડીને સર્વને ખાતરી કરી આપી છે.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૩૧.

હાલ પૂરતું, ઈશ્વરને ખુશ કરતા લોકોને પણ ચિંતાઓનો સામનો કરવો પડશે. પરંતુ, યોગ્ય પગલાં ભરવાથી, પ્રાર્થનામાં ઈશ્વરની નજીક જવાથી અને બાઇબલમાં ભાવિ વિશે આપેલી શ્રદ્ધા મજબૂત કરવાથી ચિંતાઓનો સામનો કરી શકીએ છીએ. પૉલ, જેનેટ અને એલોનને એમ કરીને ચિંતાઓનો સામનો કરવા મદદ મળી છે. તેઓના કિસ્સામાં બન્યું તેમ, ‘ઈશ્વર, કે જેના પર તમે આશા રાખો છો, તે તમને વિશ્વાસ રાખવા હર્ષ તથા શાંતિથી ભરપૂર કરશે.’—રોમનો ૧૫:૧૩. (w૧૫-E ૦૭/૦૧)