સ્કીપ ટુ કન્ટેન્ટ

આનો રચનાર કોણ?

પાયલટ વ્હેલની ચામડી કરે જોરદાર સફાઈ

પાયલટ વ્હેલની ચામડી કરે જોરદાર સફાઈ

 શંખ અને છીપ જેવાં કવચવાળા નાના દરિયાઈ જીવોને બાર્નેકલ્સ કહેવામાં આવે છે. બાર્નેકલ્સ અને બીજા નાના નાના દરિયાઈ જીવો વહાણની બહારની સપાટી પર ચોંટી જાય છે અને ત્યાં વૃદ્ધિ પામે છે. એના લીધે ઘણી સમસ્યા ઊભી થાય છે. વહાણની ઝડપ ઓછી થઈ જાય છે. ઈંધણ વધારે વપરાય છે. દર બે વર્ષે એ વહાણની સફાઈ કરવી પડે છે, એમાં સમય લાગે છે અને એ વખતે વહાણો ઉપયોગમાં લઈ શકાતા નથી. આવી સમસ્યાનો ઉકેલ લાવવા વૈજ્ઞાનિકો કુદરતી વસ્તુઓનો અભ્યાસ કરી રહ્યા છે.

 જાણવા જેવું: અભ્યાસથી જાણવા મળ્યું છે કે લાંબી પાંખોવાળી પાયલટ વ્હેલની (ગ્લોબસેફલા મિલસ) ચામડીમાં પોતાને સાફ રાખવાની એક અનોખી ક્ષમતા હોય છે. તેની ચામડીમાં ઘણી બધી નાની નાની ઉપસેલી ધાર હોય છે. એ નાની ધારને લીધે બાર્નેકલનાં બચ્ચાં એના પર બરાબર ચોંટી રહી શકતા નથી. આ ઉપસેલી ધારની વચ્ચે એક ઘટ્ટ પદાર્થ હોય છે, જે શેવાળ અને બૅક્ટેરિયા માટે હાનિકારક હોય છે. જ્યારે પાયલટ વ્હેલની ઉપરની ચામડી ઉતારે છે ત્યારે તે નવો ઘટ્ટ પદાર્થ બનાવે છે.

 પહેલાં વહાણોને સાફ રાખવા એના પર ખાસ પ્રકારનો રંગ લગાવવામાં આવતો. પણ હાલમાં જ એમાંના અમુક રંગો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેમ કે એ રંગો સમુદ્રના જીવજંતુઓ અને છોડવા માટે ઝેરી સાબિત થયા છે. એટલે વૈજ્ઞાનિકો વહાણોની સપાટીને સાફ રાખવા માટે પાયલટ વ્હેલની ચામડીની નકલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેઓએ વિચાર્યું છે કે વહાણોની સપાટી પર ઘણાં બધાં નાનાં નાનાં કાણાં પાડશે અને એના પર ધાતુની એક જાળી લગાવશે. કાણાંમાંથી એવું કેમિકલ છોડવામાં આવશે જે હાનિકારક ન હોય. આ કેમિકલ સમુદ્રના પાણીમાં ભળતાની સાથે જ ઘટ્ટ અને ચીકણું થઈ જશે. પછી એ કેમિકલ આખા વહાણની સપાટી પર પાતળું આવરણ બનાવી દેશે. આ આવરણ લગભગ ૦.૭ મિલિમીટર [૦.૦૩ ઇંચ] જેટલું જાડું હશે. થોડા સમય પછી આ આવરણ નીકળી જશે અને એની સાથે એના પર ચોંટેલાં જીવજંતુઓ પણ નીકળી જશે. ત્યાર પછી એ કાણાંમાંથી ફરી કેમિકલ છોડવામાં આવશે, જેથી વહાણની આખી સપાટી પર ફરીથી એક પાતળું આવરણ બની જાય.

બાર્નેકલ્સને લીધે વહાણની ઝડપ ઓછી થઈ જાય છે અને તેઓને વહાણની સપાટી પરથી હટાવવા અઘરું છે

 વૈજ્ઞાનિકોએ આ રીતને નાના પાયા પર અજમાવી છે. તેઓને જાણવા મળ્યું છે કે એનાથી વહાણની સપાટી ગંદી થવાની શક્યતા ૧૦૦ ગણી ઓછી થઈ જાય છે. આ રીત શિપિંગ કંપનીઓ માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કેમ કે વહાણોને કોરી જગ્યાએ લઈ જઈને સાફ કરવામાં ઘણો ખર્ચો થાય છે.

 તમને શું લાગે છે? પાયલટ વ્હેલની ચામડી શું પોતાની મેળે આવી કે પછી એનો કોઈ રચનાર છે?