સ્કીપ ટુ કન્ટેન્ટ

યહૂદીઓની કત્લેઆમ કેમ થઈ? ઈશ્વરે કેમ એ રોકી નહિ?

યહૂદીઓની કત્લેઆમ કેમ થઈ? ઈશ્વરે કેમ એ રોકી નહિ?

 જેઓએ આ કત્લેઆમ અથવા નરસંહારમાં પોતાના સ્નેહીજનને ગુમાવ્યા છે, તેઓમાંથી મોટા ભાગના લોકોને આ સવાલ થયો છે. એ સવાલો તેઓ ફક્ત જવાબ જાણવા જ નહિ, દિલાસો મેળવવા પણ પૂછે છે. બીજા કેટલાકને લાગે છે કે એ કત્લેઆમે માનવતાની બધી જ હદ વટાવી દીધી હતી. એટલે તેઓને ઈશ્વરમાં ભરોસો મૂકવો અઘરું લાગે છે.

ઈશ્વર અને યહૂદીઓની કત્લેઆમ વિશેની ખોટી માન્યતાઓ

 ખોટી માન્યતા: આપણે એવું પૂછવું ન જોઈએ કે ઈશ્વરે કેમ એ કત્લેઆમ થવા દીધી.

 હકીકત: અમુક ઈશ્વરભક્તોને ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા હતી, તોપણ તેઓએ ઈશ્વરને પૂછ્યું કે તે કેમ દુષ્ટતા ચાલવા દે છે. દાખલા તરીકે, હબાક્કૂક નામના ઈશ્વરભક્તે ઈશ્વરને પૂછ્યું હતું: “તમે કેમ અત્યાચાર ચલાવી લો છો? મારી આગળ કેમ લૂંટફાટ અને હિંસા છે?” (હબાક્કૂક ૧:૩) એ સવાલો પૂછવા માટે ઈશ્વરે હબાક્કૂકને ઠપકો આપ્યો ન હતો. પણ તેમણે તો એ સવાલો આપણા માટે બાઇબલમાં લખાવી દીધા.

 ખોટી માન્યતા: માણસોનાં દુઃખોથી ઈશ્વરને કોઈ ફરક પડતો નથી.

 હકીકત: ઈશ્વર દુષ્ટતાને ધિક્કારે છે. (નીતિવચનો ૬:૧૬-૧૯) તે નથી ચાહતા કે આપણે દુઃખ સહન કરીએ. ઈશ્વરભક્ત નૂહના સમયનો વિચાર કરો. એ સમયે જ્યારે પૃથ્વી પર દુષ્ટતા વધી ગઈ હતી, ત્યારે ઈશ્વરનું “દિલ ઉદાસ થયું” હતું. (ઉત્પત્તિ ૫:૫, ૬) એમાં કોઈ શંકા નથી કે યહૂદીઓની કત્લેઆમ જોઈને પણ ઈશ્વરને ઘણું દુઃખ થયું હતું.—માલાખી ૩:૬.

 ખોટી માન્યતા: નરસંહાર દ્વારા ઈશ્વરે યહૂદીઓને સજા કરી હતી.

 હકીકત: ખરું કે, ઈસવીસન ૭૦માં ઈશ્વરે રોમનો દ્વારા યરૂશાલેમનો નાશ થવા દીધો હતો. (માથ્થી ૨૩:૩૭–૨૪:૨) પણ ત્યાર પછી એવું ક્યાંય જોવા નથી મળતું કે ઈશ્વરે કોઈ ખાસ પ્રજાને કૃપા બતાવી હોય અથવા કોઈ ખાસ પ્રજાને સજા કરી હોય. ઈશ્વરની નજરે “યહૂદી કે બિનયહૂદી એવો કોઈ ભેદભાવ નથી.”—રોમનો ૧૦:૧૨, કોમન લેંગ્વેજ.

 ખોટી માન્યતા: જો સર્વશક્તિમાન અને પ્રેમાળ ઈશ્વર જેવું કોઈ હોત, તો તેમણે કત્લેઆમ થતાં અટકાવી હોત.

 હકીકત: ભલે ઈશ્વર દુઃખ-તકલીફો લાવતા નથી, પણ અમુક વાર તે એને થોડા સમય માટે ચાલવા દે છે.—યાકૂબ ૧:૧૩; ૫:૧૧.

ઈશ્વરે કેમ યહૂદીઓની કત્લેઆમ થવા દીધી?

 માનવ ઇતિહાસની શરૂઆતમાં શેતાને ઈશ્વરની રાજ કરવાની રીત પર સવાલો ઉઠાવ્યા હતા. એ સવાલોના જવાબ આપવા માટે ઈશ્વરે શેતાનને થોડો સમય આપ્યો, જેથી તે આ દુનિયા પર રાજ કરી શકે. એટલે આ દુનિયા પર ઈશ્વર નહિ, શેતાન રાજ કરે છે. (લૂક ૪:૧, ૨, ૬; યોહાન ૧૨:૩૧) એ કારણે જ આ દુનિયામાં આટલી બધી તકલીફો છે. એમાં યહૂદીઓની કત્લેઆમનો પણ સમાવેશ થાય છે. પણ બાઇબલમાં જણાવેલી બે હકીકતો જાણવાથી આપણે સમજી શકીશું કે ઈશ્વરે કેમ યહૂદીઓની કત્લેઆમ થવા દીધી.

  1.  ૧. ઈશ્વરે માણસોને પસંદગી કરવાની છૂટ આપી છે. ઈશ્વરે પ્રથમ સ્ત્રી-પુરુષ આદમ અને હવાને સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓએ શું કરવું અને શું નહિ. પણ ઈશ્વરે પોતાની આજ્ઞા પાળવા તેઓને બળજબરી કરી ન હતી. તેઓએ ઈશ્વરે આપેલી છૂટનો ખોટો ઉપયોગ કર્યો અને ઈશ્વરના માર્ગદર્શન વગર જીવવાનું નક્કી કર્યું. તેઓના એ નિર્ણયના લીધે આખી માણસજાતે ખરાબ પરિણામો ભોગવવાં પડ્યાં. (ઉત્પત્તિ ૨:૧૭; ૩:૬; રોમનો ૫:૧૨) ત્યારથી લઈને આજ સુધી, ઘણા લોકોએ ઈશ્વરના માર્ગદર્શન વગર જીવવાનું નક્કી કર્યું છે. એ કારણના લીધે આજે લોકોએ દુઃખ સહેવું પડે છે. એક અંગ્રેજી પુસ્તક (સ્ટેટમેન્ટ ઓફ પ્રિન્સિપલ્સ ઓફ કન્ઝર્વેટિવ જૂડેઇઝમ) જણાવે છે: “આપણે ઈશ્વરે આપેલી છૂટનો ખોટો ઉપયોગ કરીએ છીએ, એટલે આ દુનિયામાં આટલી બધી તકલીફો છે.” ઈશ્વરે માણસો પાસેથી પસંદગી કરવાની છૂટ લઈ નથી લીધી, પણ તેમણે તેઓને થોડો સમય આપ્યો છે, જેથી તેઓ જોઈ શકે કે તેઓ ઈશ્વરના માર્ગદર્શન વગર સફળ થઈ શકતા નથી.

  2.  ૨. ઈશ્વર કત્લેઆમથી થયેલા નુકસાનની ભરપાઈ કરી શકે છે અને કરશે પણ ખરા. ઈશ્વરે વચન આપ્યું છે કે તે ગુજરી ગયેલા લાખો લોકોને મરણમાંથી જીવતા કરશે. કત્લેઆમમાં માર્યા ગયા હતા એ લોકોને પણ જીવતા કરશે. જેઓ એ કત્લેઆમમાં બચી ગયા હતા, તેઓનાં મનની કડવી યાદોને પણ ઈશ્વર કાઢી નાખશે. (યશાયા ૬૫:૧૭; પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૫) ઈશ્વર માણસોને ખૂબ જ પ્રેમ કરે છે અને એ પ્રેમના લીધે જ તે પોતાનાં વચનો પૂરાં કરશે.—યોહાન ૩:૧૬.

 એ કત્લેઆમમાં બચી ગયેલા ઘણા લોકો એ સમજી શક્યા કે ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે અને તે એનો કઈ રીતે અંત લાવશે. એના લીધે તેઓ ઈશ્વરમાં શ્રદ્ધા મૂકી શક્યા અને મનની શાંતિ મેળવી શક્યા.