સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ સત્તર

“જો, હું યહોવાની દાસી છું!”

“જો, હું યહોવાની દાસી છું!”

૧, ૨. (ક) મરિયમને તેના મહેમાન શું કહે છે? (ખ) મરિયમ કઈ રીતે તેના જીવનના મહત્ત્વના વળાંક પર હતી?

મરિયમ મોટી મોટી આંખોથી ઘરના દરવાજે આવીને ઊભેલા એક મહેમાન તરફ જોઈ રહે છે. તે મરિયમનાં માતા-પિતા વિશે પૂછતા નથી. તેમને મરિયમનું કામ છે! મરિયમને ખબર છે કે તે નાઝરેથના નથી. તેના નાનકડા ગામમાં કોઈ અજાણ્યું હોય તો તરત ખબર પડી જતી. આ મહેમાન તો જુદા જ દેખાય છે! તેમણે મરિયમને જે રીતે બોલાવી, એનાથી તેને બહુ નવાઈ લાગી. મહેમાને કહ્યું: “હે ઈશ્વરની કૃપા પામેલી, સલામ! યહોવા તારી સાથે છે.”—લુક ૧:૨૬-૨૮ વાંચો.

આ રીતે બાઇબલ આપણને મરિયમની ઓળખાણ કરાવે છે, જે ગાલીલના નાઝરેથ ગામમાં રહેતા હેલીની દીકરી છે. તેના જીવનના મહત્ત્વના વળાંક પર આપણે તેને મળીએ છીએ. તેની સગાઈ યુસફ નામના સુથાર સાથે થઈ છે, જે ધનવાન તો નહિ, પણ શ્રદ્ધાવાન માણસ છે. તેથી, મરિયમની આગળ સાવ સાદું જીવન રહેલું છે. યુસફની પત્ની તરીકે તેણે સાદું જીવન જીવી યુસફને પૂરો સાથ આપવાનો છે અને તેઓનાં બાળકો ઉછેરવાનાં છે. જોકે, અચાનક આ મહેમાન તેને મળવા આવે છે. તે મરિયમને ઈશ્વર પાસેથી એક એવી જવાબદારી સોંપે છે, જેનાથી તેનું આખું જીવન બદલાઈ જશે.

૩, ૪. મરિયમને સારી રીતે ઓળખવા આપણે શાના પર ધ્યાન ન આપવું જોઈએ અને શાના પર ધ્યાન આપવું જોઈએ?

ઘણાને નવાઈ લાગે છે કે બાઇબલ આપણને મરિયમ વિશે બહુ કંઈ જણાવતું નથી. તેના કુટુંબ વિશે અમુક જ વિગતો જણાવે છે અને તેના સ્વભાવ વિશે તો એકદમ ઓછું; એમાંય તેના દેખાવ વિશે તો કંઈ જ જણાવતું નથી. તોપણ, બાઇબલ તેના વિશે જે જણાવે છે, એ ઘણું કહી જાય છે.

મરિયમને સારી રીતે ઓળખવા આપણે શું કરવું જોઈએ? અનેક ધર્મોમાં તેના વિશે ઘણી ગેરસમજ ફેલાયેલી છે. આપણે એ બધાની પાર જોવું પડશે. એટલે, ઘણાં ચિત્રો, પથ્થરો અને બાંધકામમાં બનાવેલી તેની અગણિત “પ્રતિમાઓ” તરફ ધ્યાન ન આપીએ. આપણે એવી અટપટી માન્યતા અને અંધશ્રદ્ધા તરફ પણ ધ્યાન ન આપીએ, જેમાં આ નમ્ર સ્ત્રીને “ઈશ્વરની માતા” અને “સ્વર્ગની રાણી” જેવા ખિતાબો આપવામાં આવે છે. એના બદલે, ચાલો આપણે જોઈએ કે હકીકતમાં બાઇબલ શું જણાવે છે. એ આપણને તેની શ્રદ્ધાની ઊંડી સમજ આપે છે અને બતાવે છે કે કઈ રીતે આપણે એને અનુસરી શકીએ.

એક સ્વર્ગદૂતની મુલાકાત

૫. (ક) ગાબ્રિયેલની સલામ સાંભળીને મરિયમને કેવું લાગ્યું અને એમાંથી આપણે શું શીખી શકીએ? (ખ) મરિયમ પાસેથી આપણે કઈ મહત્ત્વની વાત શીખી શકીએ?

મરિયમના મહેમાન કોઈ માણસ ન હતા. એ તો ગાબ્રિયેલ દૂત હતા. તેમણે મરિયમને “ઈશ્વરની કૃપા પામેલી” કહીને બોલાવી ત્યારે, તે “ઘણી મૂંઝાઈ ગઈ.” મરિયમ આવી સલામ પર વિચાર કરવા લાગી. (લુક ૧:૨૯) એનો શું અર્થ થાય? મરિયમે એવી કોઈ અપેક્ષા રાખી ન હતી કે પોતાને માણસો પાસેથી માન-મહિમા મળે. પણ, દૂતે તો યહોવા ઈશ્વરની કૃપા મેળવવાની વાત કરી, જે મરિયમ દિલથી ચાહતી હતી. છતાં પણ, તેણે અભિમાની બનીને ધારી લીધું નહિ કે ઈશ્વરની કૃપા તેને મળી ગઈ છે. મરિયમનો દાખલો શીખવે છે કે ઈશ્વરની કૃપા મેળવવા સતત પ્રયત્નો કરવા જોઈએ અને કદીયે અભિમાની બનીને ધારી લેવું ન જોઈએ કે એ મારી પાસે છે જ. ઈશ્વર ઘમંડી લોકો વિરુદ્ધ છે, પણ તે નમ્ર અને મામૂલી લોકોને ચાહે છે અને તેઓને સાથ આપે છે.—યાકૂ. ૪:૬.

મરિયમે અભિમાની બનીને એવું ધારી લીધું નહિ કે પોતાને ઈશ્વરની કૃપા મળી ગઈ છે

૬. દૂતે મરિયમને કેવા આશીર્વાદ વિશે જણાવ્યું?

મરિયમમાં આવી નમ્રતા જરૂરી હતી, કેમ કે તેણે કદી વિચાર્યું પણ ન હોય, એવા એક આશીર્વાદ વિશે દૂતે જણાવ્યું. તેમણે સમજાવ્યું કે મરિયમને એક એવું બાળક થશે, જે બધા મનુષ્યોમાં સૌથી મહત્ત્વનું હશે. ગાબ્રિયેલે કહ્યું: “યહોવા ઈશ્વર તેના પિતા દાઊદનું રાજ્યાસન તેને આપશે; તે રાજા તરીકે યાકૂબના કુટુંબ પર હંમેશાં રાજ કરશે અને તેના રાજ્યનો કદી અંત નહિ આવે.” (લુક ૧:૩૨, ૩૩) મરિયમ ચોક્કસ જાણતી હતી કે એક હજારથી વધારે વર્ષો પહેલાં ઈશ્વરે દાઊદને આ વચન આપ્યું હતું: દાઊદના વંશજોમાંથી એક સદાને માટે રાજ કરશે. (૨ શમૂ. ૭:૧૨, ૧૩) એટલે, મરિયમનો દીકરો તો એ મસીહ હશે, જેમની ઈશ્વરના લોકો સદીઓથી રાહ જોતા હતા!

દૂતે મરિયમને એક એવા આશીર્વાદ વિશે જણાવ્યું, જેનો તેણે કદી વિચાર પણ કર્યો નહિ હોય

૭. (ક) મરિયમે પૂછેલો સવાલ તેના વિશે શું જણાવે છે? (ખ) આજના યુવાનો મરિયમ પાસેથી શું શીખી શકે?

એટલું જ નહિ, દૂતે મરિયમને કહ્યું કે તેનો દીકરો “સર્વોચ્ચ ઈશ્વરનો દીકરો કહેવાશે.” એક સ્ત્રી કઈ રીતે ઈશ્વરના દીકરાને જન્મ આપી શકે? એમાંય મરિયમને દીકરો થવાની વાત જ ક્યાં? યુસફ સાથે તેની સગાઈ થઈ હતી, પણ હજુ લગ્ન ક્યાં થયા હતા? તો પછી, મરિયમને દીકરો કઈ રીતે થઈ શકે? મરિયમે એ સાદા શબ્દોમાં પૂછ્યું: “મને કઈ રીતે બાળક થઈ શકે? હું તો કુંવારી છું.” (લુક ૧:૩૪) નોંધ લો કે મરિયમે જરાય શરમ રાખ્યા વિના કહ્યું કે પોતે કુંવારી છે. તેને એ વાતનો ગર્વ હતો કે પોતે હજુ કુંવારી છે. આજે ઘણા છોકરા-છોકરીઓ પોતાનું કુંવારાપણું જતું કરવા ઉતાવળા હોય છે અને જેઓ એમ નથી કરતા, તેઓની મજાક ઉડાવે છે. સાચે જ, દુનિયા બદલાઈ ગઈ છે, પણ યહોવા નથી બદલાયા. (માલા. ૩:૬) મરિયમના દિવસોની જેમ, આજે પણ યહોવા પોતાનાં ધોરણોને વળગી રહેનારને અનમોલ ગણે છે.—હિબ્રૂઓ ૧૩:૪ વાંચો.

૮. મરિયમ અપૂર્ણ હોવા છતાં, કઈ રીતે સંપૂર્ણ બાળકને જન્મ આપી શકે?

ખરું કે મરિયમ ઈશ્વરભક્ત હતી, પણ તે અપૂર્ણ હતી. તે કઈ રીતે સંપૂર્ણ બાળક, ઈશ્વરના દીકરાને જન્મ આપી શકે? ગાબ્રિયેલ સમજાવે છે: “પવિત્ર શક્તિ તારા પર આવશે અને સર્વોચ્ચ ઈશ્વરની શક્તિ તારા પર છવાઈ જશે. એ કારણને લીધે, જે જન્મ પામશે તે ઈશ્વરનો દીકરો અને પવિત્ર કહેવાશે.” (લુક ૧:૩૫) પવિત્ર એટલે કે “શુદ્ધ,” “ચોખ્ખું.” સામાન્ય રીતે, મનુષ્ય પોતાની અશુદ્ધ, પાપી હાલતનો વારસો પોતાના બાળકને આપે છે. જોકે, આ કિસ્સામાં યહોવા અજોડ ચમત્કાર કરવાના હતા. તે સ્વર્ગમાંથી પોતાના દીકરાનું જીવન મરિયમના ગર્ભમાં મૂકીને, પવિત્ર શક્તિથી મરિયમનું એ રીતે રક્ષણ કરવાના હતા કે બાળકને પાપનો જરા સરખો ડાઘ પણ ન લાગે. શું મરિયમે દૂતના વચનમાં ભરોસો મૂક્યો? તેણે શું કહ્યું?

મરિયમે ગાબ્રિયેલને શું કહ્યું?

૯. (ક) મરિયમના અહેવાલમાં શંકા ઉઠાવનારા નાસ્તિકો કેમ ખોટા છે? (ખ) ગાબ્રિયેલે કઈ રીતે મરિયમની શ્રદ્ધા મક્કમ કરી?

ચર્ચોના અમુક ધર્મશાસ્ત્રીઓ સહિત, નાસ્તિકોને શંકા થાય છે કે કોઈ કુંવારી સ્ત્રી કઈ રીતે બાળકને જન્મ આપી શકે. તેઓના જેવા જ્ઞાનીઓ પણ આટલું સાદું સત્ય સમજી નથી શકતા. ગાબ્રિયેલે જણાવ્યું હતું કે, “એવી કોઈ વાત નથી જે ઈશ્વર માટે અશક્ય હોય.” (લુક ૧:૩૭) મરિયમે ગાબ્રિયેલની વાત સાચી માની, કેમ કે તેને પૂરી શ્રદ્ધા હતી. એ કંઈ અંધશ્રદ્ધા ન હતી. જોકે, કોઈ પણ સમજુ વ્યક્તિની જેમ, મરિયમને પણ શ્રદ્ધા રાખવા માટે પુરાવાની જરૂર હતી. તેના પુરાવાના ભંડારમાં હજી ઉમેરો કરવા ગાબ્રિયેલ તૈયાર હતા. તેમણે વૃદ્ધ એલિસાબેત વિશે જણાવ્યું, જે મરિયમના સગામાં હતી અને તેને બાળક થતું ન હતું. ઈશ્વરના ચમત્કારથી એલિસાબેત મા બનવાની હતી!

૧૦. શા માટે એમ માની લેવું ન જોઈએ કે મરિયમને એ જવાબદારીનો કોઈ ડર ન હતો કે કોઈ તકલીફ ન હતી?

૧૦ હવે મરિયમ શું કરશે? તેને ઈશ્વરે જવાબદારી સોંપી હતી. તેની પાસે પુરાવો પણ હતો કે ગાબ્રિયેલે જે કહ્યું હતું એ બધું જ ઈશ્વર પૂરું કરશે. જોકે, એમ માની લેવું ન જોઈએ કે આ જવાબદારીનો મરિયમને કોઈ ડર ન હતો કે એમાં કોઈ તકલીફ ન હતી. પહેલું, તેણે યુસફ સાથે થયેલી સગાઈનો વિચાર કરવાનો હતો. તે મા બનવાની છે એવું જાણ્યા પછી, શું યુસફ તેની સાથે લગ્ન કરશે? બીજું, મરિયમને એ જવાબદારી કંઈ નાનીસૂની તો નહિ જ લાગી હોય. ઈશ્વરના વહાલા દીકરાની, ઈશ્વરે કરેલા સર્જનમાં સૌથી કીમતી જીવનની જવાબદારી તેના પર હતી! તે નાનકડું બાળક હશે ત્યારે, તેની સંભાળ રાખીને આ દુષ્ટ દુનિયામાં તેનું રક્ષણ કરવાનું હતું. સાચે જ, એ એક ભારે જવાબદારી કહેવાય!

૧૧, ૧૨. (ક) શ્રદ્ધા રાખનારા શક્તિશાળી માણસોએ પણ અમુક વખતે ઈશ્વરે સોંપેલી મુશ્કેલ જવાબદારીઓ વિશે શું કર્યું? (ખ) ગાબ્રિયેલને આપેલા જવાબથી મરિયમ વિશે શું જાણવા મળે છે?

૧૧ શ્રદ્ધા રાખતા શક્તિશાળી માણસો પણ અમુક વાર ઈશ્વરે સોંપેલી મુશ્કેલ જવાબદારીઓ સ્વીકારતા અચકાયા હતા. મુસાએ વાંધો ઉઠાવ્યો કે પોતે સારી રીતે બોલી શકતા નથી, તો પછી ઈશ્વરનો સંદેશો કઈ રીતે જણાવી શકે. (નિર્ગ. ૪:૧૦) યિર્મેયાએ ફરિયાદ કરી કે ઈશ્વરે તેમને સોંપેલું કામ તે કઈ રીતે સ્વીકારી શકે, કેમ કે પોતે “હજી બાળક” છે, ઘણા નાના છે. (યિર્મે. ૧:૬) યૂના તો પોતાની જવાબદારીથી નાસી છૂટ્યા! (યૂના ૧:૩) પણ, મરિયમે શું કર્યું?

૧૨ તેના શબ્દો આજે પણ શ્રદ્ધાળુ લોકો માટે નમ્રતા અને આજ્ઞાપાલનનો પડઘો પાડે છે! મરિયમે ગાબ્રિયેલને કહ્યું: “જો, હું યહોવાની દાસી છું! તારા જણાવ્યા પ્રમાણે મને થાઓ.” (લુક ૧:૩૮) નોકર-ચાકરોમાં દાસી એકદમ નીચી ગણાતી; તેનું જીવન પૂરેપૂરું તેના માલિકના હાથમાં હતું. પોતાના માલિક, યહોવા માટે મરિયમને એવી જ લાગણી હતી. તેને ખબર હતી કે યહોવાના હાથમાં પોતે સલામત છે અને યહોવા પોતાના વફાદાર ભક્તોને વફાદારી બતાવે છે. તેને ખબર હતી કે પોતાને સોંપાયેલી આ મોટી જવાબદારી પૂરી કરવા પોતે બનતું બધું જ કરશે તો, યહોવા ચોક્કસ આશીર્વાદ આપશે.—ગીત. ૩૧:૨૩.

મરિયમને ખબર હતી કે પોતાના વફાદાર ઈશ્વર, યહોવાના હાથમાં પોતે સલામત છે

૧૩. ઈશ્વરે સોંપેલું કોઈ કામ મુશ્કેલ કે અશક્ય લાગે તો, મરિયમના દાખલામાંથી શું શીખી શકીએ?

૧૩ કોઈ વાર ઈશ્વર એવું કંઈક કરવાનું કહે, જે આપણને મુશ્કેલ, અરે અશક્ય લાગે. જોકે, મરિયમની જેમ યહોવામાં પૂરો ભરોસો મૂકવાનાં અને પોતાને તેમના હાથમાં સોંપવાનાં બાઇબલ ઘણાં કારણો આપે છે. (નીતિ. ૩:૫, ૬) શું આપણે એમ કરીશું? જો કરીશું, તો યહોવા આપણને આશીર્વાદ આપશે અને તેમનામાં હજુ શ્રદ્ધા વધારવા મદદ કરશે.

એલિસાબેતને મળવા જવું

૧૪, ૧૫. (ક) એલિસાબેત અને ઝખાર્યાને મળવા ગઈ ત્યારે મરિયમને યહોવાએ કેવા આશીર્વાદ આપ્યા? (ખ) લુક ૧:૪૬-૫૫ના શબ્દો મરિયમ વિશે શું જણાવે છે?

૧૪ ગાબ્રિયેલે એલિસાબેત વિશે જે કહ્યું, એ મરિયમ માટે મહત્ત્વનું હતું. દુનિયાની બધી સ્ત્રીઓમાં એક એલિસાબેત એવી હતી, જે મરિયમની હાલત સારી રીતે સમજી શકે. મરિયમ ઝડપથી યહુદાના પહાડી વિસ્તારમાં જવા નીકળી પડી, જ્યાં પહોંચતા ત્રણથી ચાર દિવસ લાગી શકે. તે એલિસાબેત અને ઝખાર્યા યાજકના ઘરે પહોંચી. જેવી તે અંદર ગઈ કે તરત યહોવાએ તેની શ્રદ્ધા દૃઢ કરતો નક્કર પુરાવો આપ્યો. મરિયમની સલામ એલિસાબેતે સાંભળી અને તરત જ તેના પેટમાંનું બાળક ખુશીથી કૂદ્યું. તે પવિત્ર શક્તિથી ભરપૂર થઈ અને મરિયમને “મારા પ્રભુની મા” કહીને બોલાવી. ઈશ્વરે એલિસાબેતને જણાવ્યું હતું કે મરિયમનો દીકરો તેનો પ્રભુ, મસીહ થશે. ઈશ્વરની પ્રેરણાથી તેણે મરિયમને તેની શ્રદ્ધા માટે શાબાશી આપતા કહ્યું: “જે સ્ત્રીએ આ માન્યું છે તે સુખી પણ છે.” (લુક ૧:૩૯-૪૫) હા, યહોવાએ મરિયમને જે જે વચનો આપ્યાં હતાં, એ બધાં જરૂર પૂરાં થશે!

મરિયમ અને એલિસાબેતની મિત્રતા તેઓ બંને માટે આશીર્વાદ બની

૧૫ પછી, મરિયમે બોલવાનું શરૂ કર્યું. ઈશ્વરે ધ્યાન રાખીને તેના શબ્દો બાઇબલમાં સાચવી રાખ્યા છે. (લુક ૧:૪૬-૫૫ વાંચો.) બાઇબલમાં લખાયા હોય એવા મરિયમના બોલેલા આ સૌથી વધારે શબ્દો છે. એ તેના વિશે ઘણું જણાવે છે. એ બતાવે છે કે તે કેટલી આભારી હતી; તે યહોવાના આશીર્વાદની કદર કરતી હતી કે તેમણે મસીહની મા બનવાનો તેને લહાવો આપ્યો. એ જણાવે છે કે યહોવા ઘમંડી અને જોરાવર લોકોને નીચા પાડે છે; પણ, તેમની ભક્તિ કરવા માંગતા નમ્ર અને ગરીબ લોકોને મદદ કરે છે. એ શબ્દોમાં મરિયમની ઊંડી શ્રદ્ધા જોવા મળે છે. એ તેના જ્ઞાનની ઝલક પણ આપે છે. એક અંદાજ પ્રમાણે, તેણે હિબ્રૂ શાસ્ત્રવચનોમાંથી ૨૦ કરતાં વધારે સંદર્ભો જણાવ્યા હતા! *

૧૬, ૧૭. (ક) મરિયમ અને તેના બાળકે કેવું વલણ બતાવ્યું, જેને આપણે અનુસરવું જોઈએ? (ખ) એલિસાબેતને ત્યાં મરિયમની મુલાકાત કયા આશીર્વાદની યાદ અપાવે છે?

૧૬ દેખીતું છે કે મરિયમે ઈશ્વરનાં વચનો પર ઊંડો વિચાર કર્યો હતો. તોપણ, તેણે એના પર પોતાના વિચારો જણાવવાને બદલે, નમ્ર રહીને શાસ્ત્રવચનો જે કહે છે એ જ જણાવ્યું. એ સમયે તેની કૂખમાં મોટું થઈ રહેલું બાળક પણ એક દિવસ એવી જ નમ્રતા બતાવીને કહેશે: “હું જે શિક્ષણ આપું છું એ મારું પોતાનું નથી, પણ મને મોકલનારનું છે.” (યોહા. ૭:૧૬) આપણે પણ આ સવાલોનો વિચાર કરીએ: ‘શું હું બાઇબલને એવું જ માન અને આદર આપું છું? કે પછી મને પોતાના વિચારો અને શિક્ષણ ગમે છે?’ મરિયમનું વલણ એકદમ સરસ હતું.

૧૭ એલિસાબેત સાથે મરિયમ ત્રણેક મહિના રહી. એમાં કોઈ શંકા નથી કે તેને ઘણું ઉત્તેજન મળ્યું હશે અને તેણે ઉત્તેજન આપ્યું પણ હશે. (લુક ૧:૫૬) આ બનાવ યાદ અપાવે છે કે મિત્રતા કેટલો મોટો આશીર્વાદ સાબિત થઈ શકે છે! યહોવાને દિલથી ચાહતા હોય એવા લોકોની દોસ્તી કરીશું તો, જરૂર યહોવાની ભક્તિમાં આગળ વધીશું અને તેમની સાથે આપણો સંબંધ ગાઢ બનાવીશું. (નીતિ. ૧૩:૨૦) આખરે, મરિયમનો ઘરે પાછા ફરવાનો સમય આવી ગયો. તેની હાલત વિશે યુસફને ખબર પડશે ત્યારે તે શું કહેશે?

મરિયમ અને યુસફ

૧૮. મરિયમે યુસફને શું જણાવ્યું અને તેમણે શું કર્યું?

૧૮ મરિયમ જલદી જ યુસફ સાથે વાત કરવા માંગતી હતી કે પોતે મા બનવાની છે. લોકોને ખબર પડે ત્યાં સુધી તેણે રાહ ન જોઈ. એ પહેલાં તેના મનમાં કંઈ કેટલાય વિચારો ચાલતા હશે કે પોતે જણાવશે ત્યારે, ઈશ્વરનો ડર રાખનાર આ ભલા માણસની કેવી દશા થશે! છતાં પણ, મરિયમે યુસફ સાથે વાત કરી અને બધું જ જણાવી દીધું. તમે કલ્પના કરી શકો કે યુસફના મનમાં કેવું તોફાન જાગ્યું હશે. તે પોતાની વહાલી મરિયમની વાત માનવા ચાહતા હતા, પણ એવું લાગતું હતું કે તેણે બેવફાઈ કરી છે. બાઇબલ કહેતું નથી કે યુસફના મનમાં કેવા વિચારો આવ્યા અથવા તેમણે કેવી દલીલો કરી. પરંતુ, એ જરૂર જણાવે છે કે તેમણે મરિયમને છૂટાછેડા આપવાનું નક્કી કર્યું. એ સમયે સગાઈ લગ્ન બરાબર ગણાતી હતી. પણ, જાહેરમાં તેની બદનામી કે નિંદા થાય એવું યુસફ ચાહતા ન હતા. તેથી, તેમણે મરિયમને ખાનગીમાં છૂટાછેડા આપવાનું પસંદ કર્યું. (માથ. ૧:૧૮, ૧૯) આવા મુશ્કેલ સંજોગોમાં આ ભલા માણસને મનમાં ને મનમાં ઘુંટાતા જોઈને મરિયમ ઘણી દુઃખી થઈ હશે. તોપણ, તેણે કોઈ કડવાશ ન રાખી.

૧૯. યહોવાએ કઈ રીતે યુસફને સૌથી સારો રસ્તો કાઢવા મદદ કરી?

૧૯ યુસફને સૌથી સારો રસ્તો કાઢવા યહોવાએ માયાળુ રીતે મદદ કરી. ઈશ્વરના દૂતે તેમને સપનામાં જણાવ્યું કે ચમત્કારને લીધે જ મરિયમ મા બનવાની છે. એ સાંભળીને યુસફના દિલ પરથી જાણે મોટો ભાર ઊતરી ગયો! હવે, યુસફે એ જ કર્યું જે મરિયમે શરૂઆતથી કર્યું હતું. એટલે કે તે યહોવાના કહેવા પ્રમાણે કરવા લાગ્યા. મરિયમને પોતાની પત્ની તરીકે તે ઘરે લઈ આવ્યા. તે યહોવાના દીકરાની સંભાળ લેવાની અજોડ જવાબદારી ઉપાડવા તૈયારી કરવા માંડ્યા.—માથ. ૧:૨૦-૨૪.

૨૦, ૨૧. મરિયમ અને યુસફ પાસેથી પરણેલા અને લગ્નનો વિચાર કરનારા શું શીખી શકે?

૨૦ પરણેલા અને જેઓ લગ્નનું વિચારે છે, તેઓ ૨,૦૦૦ વર્ષ પહેલાંના આ યુગલ પાસેથી ઘણું શીખી શકે. યુસફે જોયું કે પોતાની પત્ની તેને સોંપેલું કામ અને મા તરીકેની જવાબદારી અદા કરે છે. એ જોઈને તેમને કેટલી રાહત થઈ હશે કે યહોવાના દૂતે તેમને સમયસર માર્ગદર્શન આપ્યું. યુસફને શીખવા મળ્યું હશે કે મોટા નિર્ણયો લેતી વખતે યહોવા પર પૂરો ભરોસો રાખવો કેટલું મહત્ત્વનું છે. (ગીત. ૩૭:૫; નીતિ. ૧૮:૧૩) કુટુંબમાં પતિ તરીકે નિર્ણયો લેવામાં તે સમજુ અને દયાળુ બન્યા હશે.

૨૧ બીજી બાજુ, યુસફે મરિયમ પર શંકા કરી હોવા છતાં, તે યુસફ સાથે લગ્ન કરવા તૈયાર થઈ. એમાંથી આપણે શું શીખી શકીએ? યુસફને પહેલા તો મરિયમની વાત ગળે ઉતારવી અઘરી લાગી હશે. તોપણ, મરિયમે તેમની રાહ જોઈ અને તેમનામાં ભરોસો રાખ્યો, કેમ કે તે કુટુંબની આગેવાની લેવાના હતા. તે સાચે જ ધીરજ રાખવાનું મહત્ત્વ સમજતી હતી. આજે આપણી બહેનો માટે આ સરસ દાખલો છે. આ બનાવોથી યુસફ અને મરિયમ બંને શીખ્યા હશે કે દિલથી અને ખુલ્લી રીતે વાતચીત કરવી કેટલી જરૂરી છે.—નીતિવચનો ૧૫:૨૨ વાંચો.

૨૨. યુસફ અને મરિયમનું લગ્નજીવન શાના પર બંધાયેલું હતું? તેઓ આગળ કઈ જવાબદારી હતી?

૨૨ એ પતિ-પત્નીએ તેઓનું લગ્નજીવન નક્કર પાયા પર બાંધ્યું હતું. તેઓ બંને યહોવાને દિલોજાનથી ચાહતા હતા; તેઓ જવાબદાર, પ્રેમાળ માબાપ તરીકે યહોવાને ખુશ કરવા માંગતા હતા. જોકે, તેઓ માટે મોટા આશીર્વાદો અને મોટા પડકારો પણ રાહ જોઈ રહ્યા હતા. તેઓ પર ઈસુના ઉછેરની જવાબદારી હતી, જે મોટા થઈને દુનિયાના સૌથી મહાન માણસ બનવાના હતા.

^ ફકરો. 15 એ સંદર્ભોમાં મરિયમે ઈશ્વરભક્ત હાન્નાના શબ્દો જણાવ્યા છે, જેને પણ યહોવાએ બાળકનો આશીર્વાદ આપ્યો હતો.—પ્રકરણ ૬માં “બે સુંદર પ્રાર્થનાઓ” બૉક્સ જુઓ.