સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ત્રેવીસ

પોતાના ગુરુ પાસેથી તે માફી આપવાનું શીખ્યા

પોતાના ગુરુ પાસેથી તે માફી આપવાનું શીખ્યા

૧. પીતરના જીવનની સૌથી ખરાબ ઘડી કઈ હતી?

પીતર એ ઘડી કદીયે નહિ ભૂલે, જ્યારે તેમની નજર ઈસુ સાથે મળી હતી. શું તેમણે ઈસુની આંખોમાં નિરાશા કે ઠપકાની લાગણી જોઈ હતી? આપણે એ ચોક્કસ કહી શકતા નથી; બાઇબલ ફક્ત આટલું જણાવે છે: “પ્રભુએ ફરીને સીધું પીતરની સામે જોયું.” (લુક ૨૨:૬૧) પણ, એ એક નજરમાં પીતરે પોતાની સખત નિષ્ફળતા જોઈ. તેમને ભાન થયું કે પોતે એ જ કર્યું છે, જેના વિશે ઈસુએ અગાઉથી જણાવ્યું હતું; તેમણે એ જ કર્યું, જેના વિશે પોતે છાતી ઠોકીને કહ્યું હતું કે એવું કદીયે નહિ કરે. હા, તેમણે પોતાના વહાલા ગુરુનો નકાર કર્યો હતો. પીતર હવે ખૂબ નિરાશ છે અને કદાચ તેમના જીવનના એકદમ ખરાબ દિવસની આ એકદમ ખરાબ ઘડી છે.

૨. પીતરે શું શીખવાની જરૂર હતી? આપણે તેમના અહેવાલમાંથી કઈ રીતે લાભ મેળવી શકીએ?

જોકે, પીતર માટે આટલી નિરાશાઓમાં પણ આશા રહેલી છે. તેમની શ્રદ્ધા અડગ હોવાથી, ભૂલોનો પસ્તાવો કરવાની હજુ તક રહેલી છે; તેમ જ, ઈસુએ શીખવેલી મહત્ત્વની વાતોમાંથી તે એક બોધપાઠ લઈ શકે છે. એ માફી આપવા વિશે છે. આપણે દરેકે એ શીખવાની જરૂર છે. એટલે, ચાલો આપણે પણ પીતર સાથે તેમની કઠિન મુસાફરીમાં જોડાઈએ.

પીતરે ઘણું શીખવાનું હતું

૩, ૪. (ક) પીતરે ઈસુને કયો સવાલ પૂછ્યો અને પીતરના મનમાં શું હોય શકે? (ખ) ઈસુએ કઈ રીતે બતાવ્યું કે પીતર પર તેમના સમયના લોકોની અસર પડી હતી?

પીતરે પોતાના ગામ કાપરનાહુમમાં છએક મહિના પહેલાં ઈસુ પાસે જઈને પૂછ્યું હતું: “પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ કેટલી વાર પાપ કરે અને હું તેને માફ કરું? શું સાત વાર?” પીતરને લાગ્યું હશે કે પોતે ઘણા ઉદાર બની રહ્યા છે. એ સમયના ધર્મગુરુઓ શીખવતા કે કોઈની ભૂલો ફક્ત ત્રણ જ વાર માફ કરાય, વધારે નહિ! ઈસુએ જવાબ આપ્યો: “સાત વાર નહિ, પણ સિત્તોતેર વાર.”—માથ. ૧૮:૨૧, ૨૨.

શું ઈસુ એવું સૂચવતા હતા કે પીતરે વ્યક્તિની ભૂલોનો હિસાબ રાખવાનો હતો? ના. પણ, ઈસુએ સાતને બદલે સિત્તોતેર કહીને શીખવ્યું કે આપણામાં પ્રેમ હશે તો, માફી આપવા ભૂલોની કોઈ ગણતરી રાખીશું નહિ. (૧ કોરીં. ૧૩:૪, ૫) ઈસુ જણાવતા હતા કે પીતર પર એ સમયના કઠણ દિલના લોકોની અસર પડી હતી. એ લોકો જલદીથી માફ કરવા તૈયાર ન થતા અને જાણે ભૂલોનો હિસાબ રાખીને જમા-ઉધારની ગણતરી કરતા હતા. પરંતુ, ઈશ્વરની જેમ માફ કરવા આપણે છૂટથી વારંવાર માફી આપવી જોઈએ.—૧ યોહાન ૧:૭-૯ વાંચો.

૫. આપણને માફીની ક્યારે સાચી કદર થાય છે?

પીતરે ઈસુ સાથે કોઈ દલીલ ન કરી. પરંતુ, ઈસુએ જે શીખવ્યું એ શું તેમના દિલમાં ઊતર્યું હતું? અમુક વાર માફ કરવા વિશે આપણને ત્યારે જ સાચી કદર થાય છે, જ્યારે ખુદ આપણને માફીની જરૂર પડે છે. તેથી, ચાલો આપણે ઈસુના મરણ સુધી લઈ જતા બનાવો પર નજર નાખીએ. એ મુસીબતના સમયે પીતર ઘણી ભૂલો કરી બેઠા, જેના લીધે તેમને ગુરુ પાસેથી માફીની જરૂર પડી.

ઈસુએ પીતરને ઘણી વાર માફ કર્યા

૬. ઈસુ પોતાના પ્રેરિતોને નમ્રતા વિશે શીખવવા માંગતા હતા ત્યારે પીતરે શું કર્યું? પીતર સાથે ઈસુ કઈ રીતે વર્ત્યા?

એ ખૂબ મહત્ત્વની સાંજ હતી, ધરતી પર ઈસુના જીવનની છેલ્લી રાત. ઈસુએ પ્રેરિતોને હજુ ઘણું શીખવવાનું હતું, જેમ કે નમ્રતા વિશે. ઈસુએ પોતે નમ્રતાથી તેઓના પગ ધોઈને દાખલો બેસાડ્યો. એ કામ સામાન્ય રીતે ચાકરોને અપાતું સૌથી નીચું કામ હતું. પ્રથમ તો, ઈસુ જે કરતા હતા એના વિશે પીતરે સવાલ પૂછ્યો. પછી, તેમણે કહ્યું કે તે પોતાના પગ ઈસુને ધોવા નહિ દે. ત્યાર બાદ, તેમણે આગ્રહ કર્યો કે ઈસુ તેમના પગ જ નહિ, તેમના હાથ અને માથું પણ ધોઈ આપે! પણ, ઈસુએ ધીરજ રાખી અને શાંતિથી સમજાવ્યું કે પોતે જે કરતા હતા, એનું મહત્ત્વ શું છે અને એનો શું અર્થ થાય છે.—યોહા. ૧૩:૧-૧૭.

૭, ૮. (ક) પીતરે કઈ રીતે ઈસુની ધીરજની ફરીથી કસોટી કરી? (ખ) ઈસુ કઈ રીતે દયા બતાવીને માફી આપતા રહ્યા?

એના થોડા જ સમય પછી, પીતરે ઈસુની ધીરજની ફરીથી કસોટી કરી. પ્રેરિતો અંદરોઅંદર દલીલ કરવા લાગ્યા કે તેઓમાં સૌથી મોટું કોણ છે. માણસમાં રહેલા અહંકારની શરમજનક દલીલોમાં પીતરે પણ ભાગ ભજવ્યો હતો. તોપણ, ઈસુએ તેઓને પ્રેમથી સલાહ આપી; અરે, તેઓ જે સારું કરતા હતા એ માટે શાબાશી પણ આપી. તેઓ પોતાના ગુરુને વળગી રહીને તેમને વફાદાર રહ્યા હતા. જોકે, તેમણે ભવિષ્યવાણી કરી કે તેઓ બધા ઈસુને છોડી દેશે. પીતરે વાંધો ઉઠાવતા જણાવ્યું કે પોતે મરવું પડે, તોપણ ઈસુનો સાથ નહિ છોડે. પણ, ઈસુએ ભવિષ્યવાણી કરી કે એનાથી ઊંધું જ થશે; એ જ રાતે, કૂકડો બે વાર બોલે એ પહેલાં, પીતર પોતાના ગુરુનો ત્રણ વાર નકાર કરશે. ઈસુની એ વાતનો પીતરે વિરોધ કર્યો. એટલું જ નહિ, તેમણે બડાઈ હાંકી કે બીજા બધા પ્રેરિતો કરતાં, પોતે સૌથી વફાદાર સાબિત થશે!—માથ. ૨૬:૩૧-૩૫; માર્ક ૧૪:૨૭-૩૧; લુક ૨૨:૨૪-૨૮; યોહા. ૧૩:૩૬-૩૮.

શું પીતરની વાત સાંભળીને ઈસુની ધીરજ ખૂટી ગઈ? ના. હકીકતમાં, એ મુશ્કેલ સમયગાળામાં પણ ઈસુએ પોતાના પાપી પ્રેરિતોમાં જે સારું હતું, એ જ શોધ્યું. ઈસુ જાણતા હતા કે પીતર ભૂલો કરશે, છતાં તેમણે કહ્યું: “મેં તારા માટે વિનંતી કરી છે કે તારી શ્રદ્ધા ખૂટે નહિ; અને તું, હા, તું પસ્તાવો કરીને એક વાર પાછો ફરે ત્યારે, તારા ભાઈઓને દૃઢ કરજે.” (લુક ૨૨:૩૨) આમ, ઈસુએ પીતરમાં ભરોસો બતાવ્યો કે તે જરૂર પાછા ફરશે અને વફાદારીથી ઈશ્વરની ભક્તિ કરતા રહેશે. આવી દયા બતાવીને માફી આપવામાં ઈસુએ કેવો સુંદર દાખલો બેસાડ્યો!

૯, ૧૦. (ક) ગેથશેમાને બાગમાં પીતરે કયો સુધારો કરવાની જરૂર પડી? (ખ) પીતરનો કિસ્સો આપણને શું યાદ અપાવે છે?

પછીથી, ગેથશેમાને બાગમાં પીતરે ઘણી વાર સુધારો કરવાની જરૂર પડી. ઈસુએ પીતર, યાકૂબ અને યોહાનને જણાવ્યું કે પોતે પ્રાર્થના કરે ત્યાં સુધી તેઓ જાગતા રહે. ઈસુ માનસિક રીતે ઘણી વેદના સહેતા હતા અને તેમને સાથની જરૂર હતી. પણ, પીતર અને બીજાઓ વારંવાર ઊંઘી ગયા. ઈસુ જાણતા હતા કે તેઓએ કેમ એવું કર્યું. તેથી, તેમણે તેઓને માફ કરતા કહ્યું: “મન તો આતુર છે, પણ શરીર કમજોર છે.”—માર્ક ૧૪:૩૨-૪૧.

૧૦ થોડી જ વારમાં, એક મોટું ટોળું હાથમાં મશાલો, તલવારો અને લાકડીઓ લઈને ધસી આવ્યું. આ ઘડીએ સમજી-વિચારીને અને સાવધાનીથી વર્તવાની જરૂર હતી. પણ, પીતર ઉતાવળા બન્યા. તેમણે પ્રમુખ યાજકના ચાકર, માલ્ખસના માથા તરફ તલવાર વીંઝી અને તેનો એક કાન ઉડાવી દીધો. ઈસુએ શાંતિથી પીતરને સલાહ આપી અને માલ્ખસને સાજો કર્યો; તેમણે અહિંસાનો એક એવો સિદ્ધાંત આપ્યો, જે ઈસુને અનુસરનારા આજે પણ પાળે છે. (માથ. ૨૬:૪૭-૫૫; લુક ૨૨:૪૭-૫૧; યોહા. ૧૮:૧૦, ૧૧) પીતરે આવી ઘણી ભૂલો કરી હોવાથી, પોતાના ગુરુ પાસેથી તેમને વારંવાર માફીની જરૂર પડી. તેમનો કિસ્સો યાદ અપાવે છે કે આપણે બધા જ વારંવાર પાપ કરીએ છીએ. (યાકૂબ ૩:૨ વાંચો.) આપણામાંથી કોને યહોવાની માફીની રોજ જરૂર નથી પડતી? જોકે, પીતર માટે એ રાત વીતી ન હતી. એ રાતે તે હજુ મોટી ભૂલો કરવાના હતા.

પીતરની સૌથી મોટી ભૂલ

૧૧, ૧૨. (ક) ટોળાએ ઈસુને પકડી લીધા પછી, પીતરે કેવી હિંમત બતાવી? (ખ) પીતર કઈ રીતે પોતાના કહેવા પ્રમાણે કરવામાં નિષ્ફળ ગયા?

૧૧ ઈસુએ ટોળા સાથે દલીલ કરી કે જો તેઓ ઈસુને શોધતા હોય, તો તેમના પ્રેરિતોને જવા દે. તેઓ ઈસુના હાથ બાંધતા હતા ત્યારે, પીતર પાસે લાચાર બનીને જોવા સિવાય કોઈ રસ્તો ન હતો. પછી, બીજા પ્રેરિતોની જેમ પીતર પણ ભાગી ગયા.

૧૨ પીતર અને યોહાન દોડતાં દોડતાં એક ઘર આગળ અટકી ગયા. એ કદાચ અગાઉના પ્રમુખ યાજક અન્નાસનું ઘર હતું. ઈસુને પૂછપરછ માટે પ્રથમ ત્યાં લઈ જવામાં આવ્યા હતા. તેમને ત્યાંથી બીજે લઈ જવામાં આવ્યા ત્યારે, પીતર અને યોહાન “થોડું અંતર રાખીને” તેમની પાછળ પાછળ ગયા. (માથ. ૨૬:૫૮; યોહા. ૧૮:૧૨, ૧૩) પીતર કાયર ન હતા. જ્યાં ઈસુને લઈ જવાતા હતા, ત્યાં તેમની પાછળ જવા પણ ઘણી હિંમતની જરૂર હતી. ટોળા પાસે હથિયાર હતાં અને પીતર તેઓમાંના એકને ઘાયલ કરી ચૂક્યા હતા. તોપણ, આ કિસ્સામાં પીતરમાં એવો પ્રેમ જોવા નથી મળતો, જેની તેમણે બડાઈ હાંકી હતી; તેમણે કહ્યું હતું કે ઈસુને વફાદાર રહેવા માટે જરૂર પડે તો પોતાનો જીવ પણ આપી દેશે.—માર્ક ૧૪:૩૧.

૧૩. ઈસુના પગલે ચાલવાની એકમાત્ર રીત કઈ છે?

૧૩ પીતરની જેમ, આજે ઘણા લોકો કોઈને જાણ ન થાય એવી રીતે, “થોડું અંતર રાખીને” ખ્રિસ્તને અનુસરવા માંગે છે. પણ, ખુદ પીતરે પછીથી લખ્યું કે ખ્રિસ્તને પગલે ચાલવાની એકમાત્ર રીત કઈ છે. તેમણે કહ્યું કે ભલે ગમે એ થાય, શક્ય એટલું ઈસુની નજીક રહીએ અને દરેક સંજોગોમાં તેમના પગલે ચાલીએ.—૧ પીતર ૨:૨૧ વાંચો.

૧૪. ઈસુ પર મુકદ્દમો ચાલતો હતો, એ રાત પીતરે કેવી રીતે પસાર કરી?

૧૪ પીતર સાવધાનીથી ડગ માંડતાં માંડતાં યરૂશાલેમના એક મોટા મકાનના દરવાજા આગળ આવી પહોંચ્યા. એ કાયાફાસનું ઘર હતું, જે અમીર અને શક્તિશાળી પ્રમુખ યાજક હતો. એવાં ઘરો, સામાન્ય રીતે આંગણાની ફરતે બાંધવામાં આવતાં, જેના આગળના ભાગમાં દરવાજો રાખવામાં આવતો. પીતર દરવાજા પાસે આવ્યા, પણ તેમને અંદર જવા ન મળ્યું. યોહાને તેમને મદદ કરી. પ્રમુખ યાજકને ઓળખતા હોવાથી યોહાન અંદર હતા. તે બહાર આવ્યા અને દરવાજે ચોકી કરતી છોકરીને કહીને પીતરને અંદર લઈ ગયા. એવું લાગે છે કે પીતર ન તો યોહાન સાથે રહ્યા, ન તો પોતાના ગુરુના પક્ષે ઊભા રહેવા ઘરમાં જવાનો પ્રયત્ન કર્યો. તે આંગણામાં જ ઊભા રહ્યા, જ્યાં અમુક ચાકરો તાપણું સળગાવીને કાતિલ ઠંડીમાં રાત પસાર કરતા હતા. અંદર ચાલી રહેલા મુકદ્દમામાં ઈસુ વિરુદ્ધ ખોટી સાક્ષી આપવા આવ-જા કરતા લોકોને તેઓ જોતા હતા.—માર્ક ૧૪:૫૪-૫૭; યોહા. ૧૮:૧૫, ૧૬, ૧૮.

૧૫, ૧૬. પીતર ત્રણ વાર નકાર કરશે એ ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ?

૧૫ પીતરને આંગણામાં પ્રવેશવા જે છોકરીએ પરવાનગી આપી હતી, તે આગના અજવાળામાં તેમને બરાબર જોઈ શકતી હતી. તે પીતરને ઓળખી ગઈ. તેમની તરફ આંગળી ચીંધતા તેણે કહ્યું: “તું પણ ગાલીલના ઈસુની સાથે હતો!” પીતર ચોંકી ગયા અને કહ્યું કે ઈસુને તે નથી ઓળખતા. અરે, એ છોકરી શાની વાત કરે છે એની પણ તેમને કંઈ ખબર નથી. પીતર દરવાજાની ચોકી પાસે જઈને ઊભા રહ્યા, જેથી લોકોની નજરે ન ચઢે. પણ, બીજી એક છોકરીએ તેમને જોઈને એ જ વાત કહી: “આ માણસ નાઝરેથના ઈસુ સાથે હતો.” પીતરે સમ ખાઈને ના પાડી: “હું એ માણસને ઓળખતો નથી!” (માથ. ૨૬:૬૯-૭૨; માર્ક ૧૪:૬૬-૬૮) કદાચ બીજી વાર નકાર કર્યા પછી, પીતરે કૂકડાને બોલતા સાંભળ્યો હશે. પરંતુ, તે એટલા બેધ્યાન હતા કે થોડા જ સમય અગાઉ ઈસુએ કરેલી ભવિષ્યવાણી ભૂલી ગયા.

૧૬ થોડી વાર પછી, પીતરે લોકોની નજરથી બચવા હજુ પણ પ્રયત્નો કર્યા. આંગણામાં ઊભા રહેલા ટોળામાંથી અમુક લોકો તેમની પાસે આવ્યા. તેઓમાંથી એક માલ્ખસનો સગો હતો, જે માલ્ખસને પીતરે ઘાયલ કર્યો હતો. એ સગાએ પીતરને કહ્યું: “શું મેં તને બાગમાં તેની સાથે જોયો ન હતો?” પીતરને લાગ્યું કે તેઓની ભૂલ થાય છે, એવું સમજાવવું પડશે. એટલે, તે સમ ખાવા લાગ્યા કે જો પોતે જૂઠું બોલતા હોય તો પોતાના પર શાપ આવે. આમ, આ ત્રીજી વાર તેમણે નકાર કર્યો. તેમના મોંમાંથી આ શબ્દો નીકળ્યા અને તરત કૂકડો બોલ્યો. એ રાતે પીતરે કૂકડાને બીજી વાર બોલતા સાંભળ્યો.—યોહા. ૧૮:૨૬, ૨૭; માર્ક ૧૪:૭૧, ૭૨.

“પ્રભુએ ફરીને સીધું પીતરની સામે જોયું”

૧૭, ૧૮. (ક) પીતરને જ્યારે અહેસાસ થયો કે પોતે ગુરુને બેવફા બન્યા છે, ત્યારે તેમણે શું કર્યું? (ખ) પીતરે શું વિચાર્યું હશે?

૧૭ એ જ સમયે, ઈસુ બહાર ઝરૂખામાં આવ્યા, જ્યાંથી આંગણું દેખાતું હતું. પ્રકરણની શરૂઆતમાં જોઈ ગયા તેમ, એ ઘડીએ તેમની નજર પીતર સાથે મળી હતી. ત્યારે પીતરને અહેસાસ થયો કે તે પોતાના ગુરુને બેવફા બન્યા છે. દોષની લાગણીના બોજ નીચે કચડાઈ ગયેલા પીતર આંગણામાંથી બહાર જતાં રહ્યા. તેમણે શહેરની ગલીઓ તરફ દોટ મૂકી, જેના પર આથમી રહેલો પૂનમનો ચાંદ પ્રકાશી રહ્યો હતો. તેમની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. તેમની નજર આગળના રસ્તા પર જાણે પૂર આવી ગયું. તે પડી ભાંગ્યા અને ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યા.—માર્ક ૧૪:૭૨; લુક ૨૨:૬૧, ૬૨.

૧૮ આવી મોટી ભૂલનો અહેસાસ થયા પછી, કોઈને પણ એવું લાગી શકે કે હવે એની માફી નહિ જ મળે. પીતરે પણ પોતાની ભૂલ વિશે એવું જ વિચાર્યું હશે. પરંતુ, શું ખરેખર એવું હતું?

શું પીતરને માફી ન મળી શકે?

૧૯. પીતરને પોતાની ભૂલ વિશે કેવું લાગ્યું હશે? કઈ રીતે કહી શકીએ કે તે હિંમત હાર્યા ન હતા?

૧૯ બીજા દિવસે ઈસુ સાથે જે બન્યું, એ જોઈને પીતરને કેટલું દુઃખ થયું હશે, એની આપણે કલ્પના પણ નથી કરી શકતા. એ દિવસે કલાકો સુધી રિબાઈ રિબાઈને ઈસુ મરણ પામ્યા ત્યારે, પીતર દોષના ભારથી કચડાઈ ગયા હશે. પૃથ્વી પર ઈસુના જીવનનો એ છેલ્લો દિવસ હતો. એ દિવસે પોતે ઈસુના દુઃખમાં જે વધારો કર્યો, એના વિશે જ્યારે જ્યારે પીતરે વિચાર્યું હશે, ત્યારે ત્યારે તેમનું મન કેટલું કોસતું હશે! ભલે પીતર નિરાશાની ખાઈમાં ઊંડા ઊતરી ગયા હતા, છતાં તે હિંમત ન હાર્યા. આપણે એમ કઈ રીતે કહી શકીએ? આપણે વાંચીએ છીએ કે તે જલદી જ બીજા શિષ્યો સાથે ભેગા થયા. (લુક ૨૪:૩૩) એ ભયાનક રાતે પ્રેરિતો જે રીતે વર્ત્યા હતા, એ માટે તેઓને ચોક્કસ અફસોસ થયો હશે. એટલે, તેઓએ એકબીજાને દિલાસો પણ આપ્યો હશે.

૨૦. પીતરે સમજદારીથી જે નિર્ણય લીધો, એમાંથી આપણે શું શીખી શકીએ?

૨૦ અહીં આપણે જોઈ શકીએ કે પીતરે ખૂબ સમજદારીથી નિર્ણય લીધો. કોઈ પણ ઈશ્વરભક્ત જો પોતાની ભૂલ સુધારવા બનતું બધું જ કરે, તો યહોવા તેને જરૂર માફ કરે છે, પછી ભલેને તેણે ગમે એવી મોટી ભૂલ કરી હોય. (નીતિવચનો ૨૪:૧૬ વાંચો.) નિરાશામાં ડૂબેલા હોવા છતાં, પીતરે પોતાના સાથી ભાઈઓ સાથે ભેગા મળીને સાચી શ્રદ્ધા બતાવી. જો તમે નિરાશામાં ડૂબેલા હો અથવા તમારું અંતર ડંખતું હોય, તો એકલાં એકલાં રહેવાનું મન થઈ શકે. પણ એ જોખમી છે. (નીતિ. ૧૮:૧) મંડળનાં ભાઈ-બહેનોની સંગત રાખવામાં અને ઈશ્વરની ભક્તિ કરતા રહેવા ફરીથી હિંમત મેળવવામાં સમજદારી છે.—હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫.

૨૧. ઈસુના શિષ્યો સાથે હોવાને લીધે પીતરને કેવા સમાચાર મળ્યા?

૨૧ ઈસુના શિષ્યો સાથે હોવાને લીધે પીતરને ચોંકાવનારા સમાચાર મળ્યા કે ઈસુનું શરીર ગુફામાં ન હતું. પીતર અને યોહાન દોડીને એ ગુફાએ પહોંચી ગયા, જ્યાં ઈસુને દફનાવવામાં આવ્યા હતા અને પથ્થર મૂકીને ગુફા બંધ કરવામાં આવી હતી. યોહાન જે કદાચ પીતરથી નાના હતા, તે પહેલા પહોંચી ગયા. પણ, ગુફા ખુલ્લી જોઈને તે અંદર જતાં અચકાયા. જ્યારે કે પીતર હાંફી ગયા હોવા છતાં, સીધા ગુફામાં દોડી ગયા. ગુફા ખાલીખમ હતી!—યોહા. ૨૦:૩-૯.

૨૨. પીતરની બધી નિરાશા અને શંકા શાને લીધે ગાયબ થઈ ગઈ?

૨૨ શું પીતરે માન્યું કે ઈસુ જીવતા કરાયા છે? શ્રદ્ધાળુ સ્ત્રીઓએ જણાવ્યું કે દૂતો તેઓને દેખાયા હતા; દૂતોએ કહ્યું હતું કે ઈસુને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે. તેમ છતાં, પીતરે શરૂઆતમાં એ વાત ન માની. (લુક ૨૩:૫૫–૨૪:૧૧) પણ, દિવસના અંત સુધીમાં પીતરની બધી નિરાશા અને શંકા ગાયબ થઈ ગઈ. ઈસુ હવે જીવંત હતા, એ પણ શક્તિશાળી સ્વર્ગદૂત તરીકે! તે પોતાના બધા પ્રેરિતોને દેખાયા. પણ, એ પહેલાં તે પીતરને દેખાયા. પ્રેરિતોએ એ દિવસે કહ્યું: “હકીકતમાં, પ્રભુને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે અને તે સિમોનને દેખાયા છે!” (લુક ૨૪:૩૪) પ્રેરિત પાઊલે પછીથી એ યાદગાર દિવસ વિશે એવું જ લખ્યું: “તે કેફાસને અને પછી બાર પ્રેરિતોને દેખાયા.” (૧ કોરીં. ૧૫:૫) કેફાસ અને સિમોન એ પીતરનાં બીજાં નામો છે. આમ, એ દિવસે પીતર એકલા હતા ત્યારે ઈસુ તેમને દેખાયા.

પીતરે ઘણી ભૂલો કરી હોવાથી, પોતાના ગુરુ પાસેથી તેમને વારંવાર માફીની જરૂર પડી. આપણામાંથી કોને રોજ માફીની જરૂર નથી પડતી?

૨૩. જે ઈશ્વરભક્તો પાપ કરી બેસે છે, તેઓએ પીતરનો દાખલો કેમ યાદ રાખવો જોઈએ?

૨૩ ઈસુ પીતરને મળ્યા ત્યારે શું બન્યું, એ વિશે બાઇબલ કંઈ જણાવતું નથી. દિલને સ્પર્શી જતી એ માહિતી ફક્ત ઈસુ અને પીતર જ જાણે છે. આપણે માત્ર કલ્પના કરી શકીએ કે પોતાના પ્રિય પ્રભુને ફરીથી જીવતા જોઈને પીતરને કેટલી ખુશી થઈ હશે! પીતરે એ પ્રસંગને ઈસુ આગળ પોતાની નિરાશા અને પસ્તાવો બતાવવાની તક ગણી હશે. પીતરને બીજું કંઈ નહિ, ફક્ત માફી જોઈતી હતી. આપણને ખાતરી છે કે ઈસુએ ચોક્કસ તેમને પૂરા દિલથી માફ કર્યા. આજે, જે ઈશ્વરભક્તો પાપ કરી બેસે છે, તેઓએ પીતરનો દાખલો યાદ રાખવો જોઈએ. આપણે ક્યારેય એવું વિચારવું ન જોઈએ કે ઈશ્વર આપણાં પાપ માફ નહિ કરે. ઈસુ બધી રીતે યહોવા જેવા જ છે. યહોવા આપણને “સંપૂર્ણ ક્ષમા કરશે.”—યશા. ૫૫:૭.

માફી મળ્યાનો બીજો પુરાવો

૨૪, ૨૫. (ક) પીતર ગાલીલ સરોવરમાં માછલીઓ પકડવા ગયા, એ રાતનું વર્ણન કરો. (ખ) સવારે ઈસુએ કરેલો ચમત્કાર જોઈને પીતરે શું કર્યું?

૨૪ ઈસુએ પોતાના પ્રેરિતોને ગાલીલ જવા જણાવ્યું, જ્યાં તે તેઓને ફરીથી મળવાના હતા. તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે, પીતરે ગાલીલ સરોવરમાં માછલીઓ પકડવાનું નક્કી કર્યું. બીજાઓ પણ તેમની સાથે જોડાયા. પીતર ફરીથી એ સરોવર પાસે હતા, જ્યાં તેમણે જીવનનાં ઘણાં વર્ષો વિતાવ્યાં હતાં. હોડીનો અવાજ, મોજાઓ અથડાવાનો અવાજ અને હાથમાં બરછટ જાળ પકડવાનો અહેસાસ, આ બધું પીતર માટે જાણીતું અને મનને શાંતિ આપનારું હતું. એ રાતે તેમના હાથમાં એકેય માછલી ન આવી.—માથ. ૨૬:૩૨; યોહા. ૨૧:૧-૩.

પીતરે હોડીમાંથી છલાંગ લગાવી અને તરતાં તરતાં કિનારે આવ્યા

૨૫ પણ, વહેલી સવારે કિનારા પરથી કોઈ માણસે બૂમ મારીને હોડીની બીજી બાજુએ જાળ નાખવાનું કહ્યું. તેઓએ એમ કર્યું અને ઘણી બધી, ૧૫૩ માછલીઓ પકડાઈ! પીતર જાણી ગયા કે એ માણસ કોણ છે. તેમણે હોડીમાંથી છલાંગ લગાવી અને તરતાં તરતાં કિનારે આવ્યા. કિનારા પર, ઈસુએ પોતાના વફાદાર મિત્રોને કોલસા પર શેકેલી માછલી ખાવા આપી. પછી, તેમણે પીતર તરફ ખાસ ધ્યાન આપ્યું.—યોહા. ૨૧:૪-૧૪.

૨૬, ૨૭. (ક) ઈસુએ પીતરને ત્રણ વાર કઈ તક આપી? (ખ) ઈસુએ પીતરને પૂરી રીતે માફ કર્યા હતા એનો તેમણે કયો પુરાવો આપ્યો?

૨૬ માછલીઓના ઢગલા તરફ આંગળી ચીંધીને, ઈસુએ પીતરને પૂછ્યું, “શું તું મારા પર આના કરતાં વધારે પ્રેમ રાખે છે?” પીતરને કોના પર વધારે પ્રેમ હતો, માછલી પકડવાના ધંધા પર કે ઈસુ પર? પીતરે ત્રણ વાર તેમનો નકાર કર્યો હતો. એટલે, ઈસુએ પણ પીતરને શિષ્યો આગળ ઈસુ માટેનો પ્રેમ જાહેર કરવાની ત્રણ તક આપી. પીતરે એમ કર્યું ત્યારે, ઈસુએ તેમને જણાવ્યું કે એ પ્રેમ બતાવવા શું કરવું: તેમના જીવનમાં બીજા બધા કરતાં ઈશ્વરની ઇચ્છા સૌથી મહત્ત્વની હોવી જોઈએ. એ માટે તેમણે ઈસુના પગલે ચાલનારાઓને શિક્ષણ આપવાનું હતું અને તેઓની સંભાળ રાખવાની હતી.—લુક ૨૨:૩૨; યોહા. ૨૧:૧૫-૧૭.

૨૭ આમ, ઈસુએ પીતરને ખાતરી કરાવી કે તે હજી પણ પોતાના માટે અને યહોવા માટે ઉપયોગી છે. ઈસુના માર્ગદર્શન પ્રમાણે, પીતર મંડળોમાં અગત્યનો ભાગ ભજવવાના હતા. ઈસુએ તેમને પૂરી રીતે માફ કર્યા હતા, એનો કેવો જોરદાર પુરાવો! ઈસુની માફી પીતરના અંતરને સ્પર્શી ગઈ અને તે પોતાની ભૂલોમાંથી શીખ્યા.

૨૮. પીતર કઈ રીતે પોતાના નામ પ્રમાણે જીવ્યા?

૨૮ પીતરે વફાદારીથી ઘણાં વર્ષો સુધી પોતાની જવાબદારી નિભાવી. ઈસુએ પોતાના મરણ પહેલાંની રાતે જે આજ્ઞા આપી હતી, એ પ્રમાણે પીતરે સાથી ભાઈઓને દૃઢ કર્યા. તેમણે ખૂબ દયા અને ધીરજ બતાવીને ખ્રિસ્તના પગલે ચાલનારાઓની સંભાળ રાખી અને તેઓને ઈશ્વરની વાતો શીખવી. સિમોન નામથી ઓળખાતા આ માણસને ઈસુએ પીતર નામ આપ્યું હતું, જેનો અર્થ ‘પથ્થર’ અથવા ‘ખડક’ થતો હતો. સિમોન એ નામ પ્રમાણે જીવ્યા. તેમણે ખડક જેવી મજબૂત અને અડગ શ્રદ્ધા કેળવી અને મંડળનાં ભાઈ-બહેનો માટે ઉત્તમ દાખલો બેસાડ્યો. તેમણે જાતે લખેલા બે પત્રોમાં એના અઢળક પુરાવા જોવા મળે છે, જેમાં તેમનો પ્રેમ દેખાઈ આવે છે. એ પત્રો પછીથી બાઇબલનાં અનમોલ પુસ્તકો બન્યાં. તેમના પત્રોમાં એ પણ જોવા મળે છે કે ઈસુએ આપેલી માફીનો બોધપાઠ તે ક્યારેય ભૂલ્યા ન હતા.—૧ પીતર ૩:૮, ૯; ૪:૮ વાંચો.

૨૯. આપણે કઈ રીતે પીતર જેવી શ્રદ્ધા અને તેમના ગુરુ જેવી દયા બતાવી શકીએ?

૨૯ આપણે પણ એ બોધપાઠ લઈ શકીએ છીએ. શું આપણે દરરોજ ઈશ્વર પાસે પોતાની અનેક ભૂલોની માફી માંગીએ છીએ? શું આપણે તેમની માફી સ્વીકારીએ છીએ અને માનીએ છીએ કે એ માફી આપણું દિલ શુદ્ધ કરે છે? શું આપણે બીજાઓને પણ માફ કરીએ છીએ? જો એમ કરીએ, તો આપણે પીતર જેવી શ્રદ્ધા અને તેમના ગુરુ જેવી દયા બતાવીએ છીએ.