સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૨

સભામાં યહોવાની સ્તુતિ કરીએ

સભામાં યહોવાની સ્તુતિ કરીએ

‘મંડળમાં હું તમારી સ્તુતિ કરીશ.’—ગીત. ૨૨:૨૨.

ગીત ૯ યહોવાનો જયજયકાર

ઝલક *

૧. દાઊદના દિલમાં યહોવા માટે કેવી લાગણી હતી? એટલે તેમણે શું કર્યું?

રાજા દાઊદે લખ્યું હતું: ‘યહોવા મહાન અને સ્તુતિને યોગ્ય છે.’ (ગીત. ૧૪૫:૩) યહોવાને દિલથી પ્રેમ કરતા હોવાથી દાઊદે ‘મંડળમાં’ તેમની સ્તુતિ કરી. (ગીત. ૨૨:૨૨; ૪૦:૫) તમે પણ યહોવાને પ્રેમ કરો છો. દાઊદના આ શબ્દો સાથે તમે પણ ચોક્કસ સહમત થશો: ‘હે યહોવા, અમારા પિતા ઇઝરાયેલના ઈશ્વર, હંમેશ માટે તમારી સ્તુતિ થાય.’—૧ કાળ. ૨૯:૧૦-૧૩.

૨. (ક) યહોવાની સ્તુતિ કરવાની એક રીત કઈ છે? (ખ) અમુક ભાઈ-બહેનો કેવા ડરનો સામનો કરે છે? આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

યહોવાની સ્તુતિ કરવાની એક રીત છે, સભામાં જવાબ આપીએ. અમુક ભાઈ-બહેનોને સભામાં જવાબ આપવો અઘરું લાગે છે. તેઓ સભામાં જવાબ આપવા ચાહે છે પણ તેઓને ડર લાગે છે. તેઓ કઈ રીતે એ ડરનો સામનો કરી શકે? બીજાઓને ઉત્તેજન મળે એવા જવાબો આપવામાં કેટલાંક ભાઈ-બહેનોને તકલીફ પડે છે. તેઓ કઈ રીતો અજમાવી શકે? એના જવાબો જોતા પહેલાં, ચાલો મહત્ત્વના ચાર કારણોની ચર્ચા કરીએ. એ કારણોથી જાણવા મળશે કે આપણે કેમ સભામાં જવાબ આપીએ છીએ.

આપણે કેમ સભામાં જવાબ આપીએ છીએ?

૩-૫. (ક) સભામાં જવાબ આપવા વિશે હિબ્રૂઓ ૧૩:૧૫ શું જણાવે છે? (ખ) યહોવા આપણી પાસે શું ચાહે છે? સમજાવો.

યહોવાએ આપણને બધાને તેમની સ્તુતિ કરવાનો લહાવો આપ્યો છે. (ગીત. ૧૧૯:૧૦૮) સભામાં જવાબ આપીને આપણે યહોવા માટે “સ્તુતિનું અર્પણ” ચઢાવીએ છીએ. બીજી કોઈ પણ વ્યક્તિ આપણા બદલે એ અર્પણ ચઢાવી શકતી નથી. (હિબ્રૂઓ ૧૩:૧૫ વાંચો.) યહોવા એવી આશા રાખતા નથી કે આપણા બધાના જવાબો એકસરખા હોય.

યહોવા જાણે છે કે આપણાં બધાનાં સંજોગો અને આવડતો અલગ અલગ છે. અર્પણ તરીકે આપણે યહોવાને જે કંઈ આપીએ છીએ, એને તે ખૂબ કીમતી ગણે છે. ઇઝરાયેલીઓ જે અર્પણો આપતાં હતાં, એનો વિચાર કરો. અમુક ઇઝરાયેલીઓ ઘેટાં કે બકરાંનું બલિદાન ચઢાવતાં. પણ ગરીબ ઇઝરાયેલીઓ “બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં” અર્પણ તરીકે આપી શકતા. જો ગરીબ ઇઝરાયેલી બે પક્ષી પણ આપી ન શકે, તો ‘એક દશાંશ એફાહ મેંદો’ ચઢાવી શકે. યહોવાએ એવી છૂટ આપી હતી. (લેવી. ૫:૭, ૧૧) ભલે મેંદાની કિંમત ઓછી હતી તોપણ યહોવા એને અર્પણ તરીકે સ્વીકારતા હતા.

આપણા ઈશ્વર આજે પણ એવી જ દયા બતાવે છે. અપોલોસ બોલવામાં કુશળ હતા અને પાઊલ સમજાવવામાં કુશળ હતા. યહોવા એવી આશા રાખતા નથી કે જવાબ આપવામાં આપણે બધા અપોલોસ અને પાઊલ જેવા બનીએ. (પ્રે.કા. ૧૮:૨૪; ૨૬:૨૮) યહોવા આપણી નબળાઈઓ જાણે છે. તે ચાહે છે કે આપણે પોતાની આવડત પ્રમાણે જવાબો આપીએ. જરા એ વિધવાને યાદ કરો, જેણે બે નાના સિક્કા દાનપેટીમાં નાખ્યા હતા. તેણે પોતાની પાસે જે કંઈ હતું એ દાન તરીકે આપી દીધું. એ દાન યહોવાની નજરે ખૂબ કીમતી હતું.—લુક ૨૧:૧-૪.

જવાબ આપવાથી આપણને અને બીજાઓને ફાયદો થાય છે (ફકરા ૬-૭ જુઓ) *

૬. (ક) સભામાં બીજાઓના જવાબો સાંભળવાથી કેવો ફાયદો થાય છે? (ખ) ઉત્તેજન મળે એવા જવાબ આપનારની તમે કઈ રીતે કદર કરી શકો?

સભામાં જવાબ આપીને આપણે એકબીજાને ઉત્તેજન આપીએ છીએ. (હિબ્રૂઓ ૧૦:૨૪, ૨૫ વાંચો.) આપણને સભામાં અલગ અલગ પ્રકારના જવાબો સાંભળવા ગમે છે. એક નાનું બાળક સાદા અને ઓછા શબ્દોમાં જવાબ આપે છે. એ આપણને ગમે છે. સત્ય શીખ્યાને થોડો જ સમય થયો હોય, એવી વ્યક્તિના જવાબમાં ખુશી જોવા મળે છે. એવા જવાબ આપણા દિલને સ્પર્શી જાય છે. અમુક ભાઈ-બહેનો શરમાળ હોય છે તો અમુક નવી ભાષા શીખતા હોય છે. તેમ છતાં, તેઓ “હિંમતવાન બનીને” જવાબ આપે ત્યારે આપણે એની કદર કરીએ છીએ. (૧ થેસ્સા. ૨:૨) આપણે કઈ રીતે તેઓની મહેનતની કદર કરી શકીએ? સભા પછી તેઓના વખાણ કરી શકીએ. તેઓની કદર કરવાની બીજી રીત છે, આપણે પોતે જવાબ આપીએ. એમ કરવાથી આપણને તો ઉત્તેજન મળશે, સાથે સાથે બીજાઓને પણ ઉત્તેજન મળશે.—રોમ. ૧:૧૧, ૧૨.

૭. જવાબ આપવાથી કેવા ફાયદા થાય છે?

જવાબ આપવાથી ફાયદા થાય છે. (યશા. ૪૮:૧૭) કેવા ફાયદા? પહેલો ફાયદો, જવાબ આપવાનું નક્કી કર્યું હશે તો, સભાની સારી તૈયારી કરીશું. એમ કરીશું તો બાઇબલમાંથી વધારે સમજણ મેળવી શકીશું. જેમ જેમ આપણી સમજણ વધશે, તેમ તેમ એ વાતો જીવનમાં સારી રીતે લાગુ પાડી શકીશું. બીજો ફાયદો, સભામાં જવાબ આપીશું તો આપણને મજા આવશે. ત્રીજો ફાયદો, આપણે આપેલો જવાબ લાંબા સમય સુધી યાદ રહેશે. કેમ કે એ જવાબ તૈયાર કરવા આપણે મહેનત કરી હોય છે.

૮-૯. (ક) આપણા જવાબો વિશે યહોવાને કેવું લાગે છે? એ વિશે માલાખી ૩:૧૬ શું કહે છે? (ખ) અમુકને શાની બીક લાગે છે?

જવાબ આપીને શ્રદ્ધા બતાવીએ છીએ ત્યારે યહોવા ખુશ થાય છે. આપણે જવાબ આપીએ ત્યારે કેવી ખાતરી રાખી શકીએ? એ જ કે, યહોવા આપણો જવાબ સાંભળે છે અને આપણી મહેનતની કદર કરે છે. (માલાખી ૩:૧૬ વાંચો.) યહોવાને ખુશ કરવા આપણે મહેનત કરીએ છીએ ત્યારે તે આશીર્વાદ આપે છે. આમ, તે બતાવે છે કે તેમને આપણી કદર છે.—માલા. ૩:૧૦.

સભામાં જવાબ આપવાના આપણી પાસે ઘણાં કારણો છે. તેમ છતાં, જવાબ આપવા હાથ ઊંચો કરવાની પણ અમુકને બીક લાગે છે. જો તમને એવું લાગતું હોય, તો હિંમત હારશો નહિ. ચાલો અમુક બાઇબલ સિદ્ધાંતો, દાખલાઓ અને સૂચનો જોઈએ. એનાથી આપણને વધારે જવાબો આપવા મદદ મળશે.

ડર પર જીત મેળવીએ

૧૦. (ક) ઘણાને કેવો ડર લાગે છે? (ખ) એવો ડર હોવો શા માટે સારું કહેવાય?

૧૦ જવાબ આપવા હાથ ઊંચો કરવાનો થાય ત્યારે શું તમને ગભરામણ થાય છે, પસીનો છૂટી જાય છે? ગભરાશો નહિ, તમારા જેવું બીજા ઘણાને લાગે છે. તમે એવા ડર પર જીત મેળવી શકો છો. પહેલાં વિચાર કરો કે એનું કારણ શું છે. શું તમને એવું લાગે છે, જવાબ ભૂલી જશો કે ખોટો જવાબ આપી દેશો? શું તમને એવો ડર છે કે તમારો જવાબ બીજાઓ કરતાં સારો નહિ હોય? એક રીતે એવો ડર હોવો સારું કહેવાય. કેમ કે એ બતાવે છે કે તમે નમ્ર છો અને બીજાઓને તમારા કરતાં ચઢિયાતા ગણો છો. યહોવાને નમ્ર લોકો ગમે છે. (ગીત. ૧૩૮:૬; ફિલિ. ૨:૩) યહોવા ચાહે છે કે સભામાં આપણે તેમની સ્તુતિ કરીએ અને ભાઈ-બહેનોને ઉત્તેજન આપીએ. (૧ થેસ્સા. ૫:૧૧) યાદ રાખો, યહોવા તમને પ્રેમ કરે છે. જરૂર પડશે ત્યારે તે ચોક્કસ હિંમત પૂરી પાડશે.

૧૧. બાઇબલની કઈ સલાહથી આપણને મદદ મળી શકે?

૧૧ ચાલો બાઇબલની અમુક સલાહ પર વિચાર કરીએ. બાઇબલ જણાવે છે કે આપણા બધાથી બોલવામાં ભૂલો થાય છે. ઘણી વાર આપણી વાત બરાબર હોતી નથી અથવા કહેવાની રીત બરાબર હોતી નથી. (યાકૂ. ૩:૨) યહોવા જાણે છે કે માણસ માત્ર ભૂલને પાત્ર. ભાઈ-બહેનોને પણ ખબર છે કે આપણા બધાથી ભૂલો તો થવાની. (ગીત. ૧૦૩:૧૨-૧૪) આપણે બધા એક કુટુંબનો ભાગ છીએ અને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. (માર્ક ૧૦:૨૯, ૩૦; યોહા. ૧૩:૩૫) ભાઈ-બહેનો જાણે છે કે, અમુક વાર આપણે તૈયાર કર્યો હોય કે વિચાર્યો હોય એવો જવાબ આપી શકતા નથી.

૧૨-૧૩. નહેમ્યા અને યૂનાના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?

૧૨ ચાલો બાઇબલમાંથી એવા દાખલા જોઈએ, જેનાથી ડર પર જીત મેળવવા તમને મદદ મળશે. નહેમ્યાનો વિચાર કરો. આર્તાહશાસ્તા રાજાના દરબારમાં તે કામ કરતા હતા. એક દિવસે તે ઘણા દુઃખી હતા. કારણ કે તેમને જાણવા મળ્યું હતું કે યરૂશાલેમના કોટ અને દરવાજા ખંડેર થઈ ગયા છે. (નહે. ૧:૧-૪) રાજાએ તેમને પૂછ્યું કે તે કેમ ઉદાસ છે. એ વખતે નહેમ્યાને કેવી ગભરામણ થઈ હશે, એનો વિચાર કરો. નહેમ્યાએ તરત જ પ્રાર્થના કરી અને પછી રાજા સાથે વાત કરી. એટલે ઈશ્વરના લોકોને મદદ કરવા રાજાએ બનતું બધું કર્યું. (નહે. ૨:૧-૮) હવે ચાલો યૂનાનો વિચાર કરીએ. યહોવાએ યૂનાને નિનવેહના લોકોને ચેતવણી આપવાનું કામ સોંપ્યું હતું. યૂના એટલા ગભરાઈ ગયા કે તે નિનવેહની વિરુદ્ધ દિશામાં નાસી ગયા. (યૂના ૧:૧-૩) પછી યહોવાની મદદથી તે નિનવેહ ગયા અને ત્યાંના લોકોને સંદેશો જણાવી શક્યા. તેમના સંદેશાને લીધે નિનવેહના લોકોએ પસ્તાવો કર્યો અને બચી ગયા. (યૂના ૩:૫-૧૦) એમાંથી કયો બોધપાઠ મળે છે? નહેમ્યાના દાખલામાંથી આપણે શીખ્યા કે મહત્ત્વની વાત કરતા પહેલાં પ્રાર્થના કરવી જોઈએ. યૂનાના દાખલામાંથી શીખવા મળ્યું કે ભલે આપણને બહુ ડર લાગતો હોય પણ યહોવા આપણને ચોક્કસ મદદ કરશે. નિનવેહના લોકો પાસે જઈને સંદેશો જણાવવા કરતાં તો સભામાં જવાબ આપવો સહેલું છે!

૧૩ બીજાઓને ઉત્તેજન મળે એવા જવાબો આપવા તમે કઈ રીતો અજમાવી શકો? ચાલો અમુક રીતો જોઈએ.

૧૪. શા માટે સભાની તૈયારી કરવી જોઈએ? એ ક્યારે કરી શકીએ?

૧૪ બધી સભાઓની તૈયારી કરો. તૈયારી માટે તમારે સમય નક્કી કરવો જોઈએ. એમ કરશો તો તમે પૂરા ઉત્સાહથી જવાબ આપી શકશો. (એફે. ૫:૧૬) આપણે બધા અલગ અલગ સમયે સભાની તૈયારી કરીએ છીએ. એલોઇઝબહેન વિધવા છે અને તેમની ઉંમર લગભગ ૮૦ વર્ષની છે. અઠવાડિયાની શરૂઆતમાં જ તે ચોકીબુરજની તૈયારી કરી દે છે. તે કહે છે: ‘પહેલાંથી તૈયારી કરું છું ત્યારે સભામાં વધારે મજા આવે છે.’ જોયબહેનનો ઘણો સમય નોકરી પાછળ નીકળી જાય છે. તેમણે દર શનિવારે ચોકીબુરજની તૈયારી કરવાનું નક્કી કર્યું છે. તે કહે છે: ‘સભાના એક દિવસ પહેલાં તૈયારી કરવાથી એ લેખની માહિતી હું યાદ રાખી શકું છું.’ આઇકભાઈ વડીલ અને પાયોનિયર છે. તે કહે છે: ‘એક સામટો અભ્યાસ કરવાને બદલે હું અઠવાડિયા દરમિયાન થોડો થોડો અભ્યાસ કરું છું.’

૧૫. સભાની સારી તૈયારી કઈ રીતે કરી શકાય?

૧૫ સભાની સારી તૈયારી કઈ રીતે કરી શકાય? અભ્યાસ શરૂ કરતાં પહેલાં પવિત્ર શક્તિ માટે પ્રાર્થના કરો. (લુક ૧૧:૧૩; ૧ યોહા. ૫:૧૪) પછી, આખા લેખ પર એક નજર નાખો. એનો વિષય, ફકરાનાં મથાળાં, દાખલા અને બૉક્સ જોઈ જાઓ. ફકરાની સાથે સાથે શક્ય એટલી કલમો પણ વાંચો. તમે જે મુદ્દા પર જવાબ આપવા માંગો છો, એના પર મનન કરો. જેટલી સારી તૈયારી કરશો, એટલો સારો જવાબ આપી શકશો.—૨ કોરીં. ૯:૬.

૧૬. આપણી પાસે કયા સાધનો છે? એને કઈ રીતે વાપરી શકાય?

૧૬ શક્ય હોય તો ઇલેક્ટ્રોનિક સાધનો વાપરો. સભાની તૈયારી કરવા મદદ મળે માટે યહોવાએ સંગઠન દ્વારા ઘણું ઇલેક્ટ્રોનિક સાહિત્ય આપ્યું છે. JW લાઇબ્રેરી ઍપથી આપણે મોબાઇલ કે ટેબ્લેટમાં અભ્યાસનાં સાહિત્ય ડાઉનલોડ કરી શકીએ છીએ. એટલે આપણે ગમે ત્યાં અને ગમે તે સમયે એ વાંચી કે સાંભળી શકીએ છીએ. અરે, એનો અભ્યાસ પણ કરી શકીએ છીએ. અમુક લોકો નોકરી કે સ્કૂલની રિસેસમાં કે પછી મુસાફરી કરતી વખતે JW લાઇબ્રેરી ઍપ વાપરે છે. વૉચટાવર લાઇબ્રેરી અને વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી આપણને કોઈ પણ વિષય પર સહેલાઈથી સંશોધન કરવા મદદ મળે છે.

તમે ક્યારે સભાની તૈયારી કરો છો? (ફકરા ૧૪-૧૬ જુઓ) *

૧૭. (ક) એકથી વધારે જવાબ તૈયાર કરવા કેમ સારું કહેવાય? (ખ) યહોવાના દોસ્ત બનોસભામાં જવાબ આપવા તૈયારી કરો વીડિયોમાંથી તમે શું શીખ્યા?

૧૭ બની શકે તો એકથી વધારે જવાબ તૈયાર કરો. શા માટે? હાથ ઊંચો કરો ત્યારે કદાચ તમને પૂછવામાં ન આવે. બની શકે કે અભ્યાસ લેનાર ભાઈ બીજા કોઈને પૂછે. સભાને સમયસર પૂરી કરવાની હોય છે, એટલે બધાને પૂછવું શક્ય હોતું નથી. અભ્યાસની શરૂઆતમાં તમને પૂછવામાં ન આવે તો નિરાશ કે નારાજ થશો નહિ. જો તમે વધારે જવાબો તૈયાર કર્યા હશે, તો તમને ઘણી તક મળશે. તમે જવાબમાં બાઇબલની કલમ પણ વાંચી શકો. તમારા શબ્દોમાં જવાબ આપી શકો. તમે પહેલેથી એ બધાની તૈયારી કરી શકો. *

૧૮. શા માટે ટૂંકા જવાબો આપવા જોઈએ?

૧૮ ટૂંકો જવાબ આપો. મોટા ભાગે ટૂંકા અને સાદા જવાબોથી વધારે ઉત્તેજન મળે છે. ટૂંકા જવાબ આપવાનો ધ્યેય રાખો. ૩૦ સેકન્ડમાં જવાબ આપવાનો પ્રયત્ન કરો. (નીતિ. ૧૦:૧૯; ૧૫:૨૩) જો તમે ઘણાં વર્ષોથી સભામાં જવાબ આપતા હો, તો બીજાઓ માટે સારો દાખલો બેસાડો. કઈ રીતે? ટૂંકા જવાબો આપીને. જો તમે અઘરા અને લાંબા જવાબો આપશો, તો બીજાઓ નિરાશ થઈ જઈ શકે. તેઓને લાગી શકે કે તમારા જેટલા સારા જવાબો તેઓ આપી શકતા નથી. ટૂંકા જવાબો આપવાથી વધારે ભાઈ-બહેનોને જવાબ આપવાની તક મળે છે. જો તમને સૌથી પહેલા જવાબ પૂછવામાં આવે, તો ફકરામાંથી સીધેસીધો જવાબ આપો. ફકરામાં આપેલા બધા મુદ્દા જણાવી ન દો. ફકરાના મુખ્ય મુદ્દાની ચર્ચા થઈ જાય પછી તમે બીજા જવાબો આપી શકો.—“ હું કઈ રીતે જવાબ આપી શકું?” બૉક્સ જુઓ.

૧૯. અભ્યાસ લેનાર ભાઈ તમને કઈ રીતે મદદ કરી શકે? તમારે શું કરવું જોઈએ?

૧૯ જો તમને કોઈ ફકરામાં જવાબ આપવો હોય, તો અભ્યાસ લેનાર ભાઈને પહેલેથી જણાવો. એ માટે સભા શરૂ થાય એ પહેલાં અભ્યાસ લેનાર ભાઈને જણાવો. જ્યારે એ ફકરો આવે, ત્યારે તરત તમારો હાથ ઊંચો કરો. ધ્યાન રાખો કે ભાઈને તમારો હાથ બરાબર દેખાય.

૨૦. કઈ રીતે સભાને મિત્રો સાથેના ભોજન સાથે સરખાવી શકાય?

૨૦ સભાને મિત્રો સાથેના ભોજન સાથે સરખાવી શકાય. ધારો કે, મંડળનાં ભાઈ-બહેનો જમવા ભેગાં થવાનાં છે. કોઈક સાદી વાનગી બનાવી લાવવાનું તમને કહેવામાં આવ્યું છે. તમને કેવું લાગશે? તમને થોડી ચિંતા થશે, ખરું ને! તમે એ રીતે વાનગી બનાવશો જેથી બધાને ખાવાની મજા આવે. યહોવા આપણને સભામાં આવવાનું આમંત્રણ આપે છે, જ્યાં આપણને સૌથી સારી વાનગીઓ મળવાની છે. (ગીત. ૨૩:૫; માથ. ૨૪:૪૫) આપણે સાદી વાનગી લઈ જઈએ છીએ. પણ એ તૈયાર કરવા બનતો પ્રયત્ન કરીએ છીએ ત્યારે, યહોવા ઘણા ખુશ થાય છે. એટલે આપણે સભાની સૌથી સારી તૈયારી કરીએ. બની શકે એટલા વધારે જવાબો આપીએ. આમ, આપણે સારી વાનગી મેળવીશું જ નહિ, પરંતુ મંડળને આપીશું પણ ખરા.

ગીત ૧૩૮ યહોવા તારું નામ

^ ફકરો. 5 ગીતના લેખક દાઊદની જેમ આપણે પણ યહોવાને પ્રેમ કરીએ છીએ. તેમની સ્તુતિ કરવી આપણને ગમે છે. યહોવા માટે પ્રેમ બતાવવાની આપણી પાસે એક અનોખી તક છે. એ છે, સભામાં જવાબો આપવા. આપણામાંથી ઘણાને સભામાં જવાબ આપવો અઘરું લાગે છે. જો તમને પણ એવું લાગતું હોય, તો આ લેખમાંથી તમને મદદ મળશે. આ લેખથી તમને શીખવા મળશે કે, કયા કારણોને લીધે જવાબ આપતા ડર લાગે છે અને કઈ રીતે એ ડર પર જીત મેળવી શકાય.

^ ફકરો. 17 યહોવાના દોસ્ત બનોસભામાં જવાબ આપવા તૈયારી કરો વીડિયો જોવા jw.org પર શાસ્ત્રનું શિક્ષણ > બાળકો વિભાગ જુઓ.

^ ફકરો. 63 ચિત્રની સમજ: ચોકીબુરજ અભ્યાસમાં મંડળનાં ભાઈ-બહેનો ખુશીથી જવાબો આપે છે.

^ ફકરો. 65 ચિત્રની સમજ: આગળના ચિત્રમાં જોઈ ગયા એ ભાઈ-બહેનો સભાની તૈયારી કરે છે. સંજોગો અલગ અલગ હોવા છતાં તેઓ સભાની તૈયારી માટે સમય કાઢે છે.