સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સંતોષ માનીએ

સંતોષ માનીએ

આપણે યુવાન હોઈએ કે વૃદ્ધ, પરણેલા હોઈએ કે કુંવારા, આપણે બધા જીવનમાં ખુશ અને સંતોષી રહેવા ચાહીએ છીએ. આપણને બનાવનાર ઈશ્વર પણ એવું જ ચાહે છે. એટલે તો તેમણે એ માટે સારું માર્ગદર્શન આપ્યું છે.

મહેનત કરીએ

‘સખત મહેનત કરીને પોતાના હાથે સારું કામ કરીએ, જેથી જરૂર હોય એવી વ્યક્તિને આપવા પોતાની પાસે કંઈક હોય.’—એફેસીઓ ૪:૨૮.

ઈશ્વર ચાહે છે કે આપણે મહેનતુ બનીએ. તેમની સલાહ જીવનમાં લાગુ પાડીશું તો પોતાને જ ફાયદો થશે. આપણે મહેનત કરીશું તો પોતાની અને પોતાના કુટુંબની સંભાળ રાખી શકીશું. આપણે બીજાઓને પણ મદદ કરી શકીશું. એટલું જ નહિ, આપણા બોસ આપણા કામથી ખુશ રહેશે અને નોકરી ગુમાવવાનો ડર નહિ રહે. શાસ્ત્રમાં લખ્યું છે કે મહેનતનું ફળ ‘એ ઈશ્વર તરફથી ભેટ છે.’—સભાશિક્ષક ૩:૧૩.

ઈમાનદાર રહીએ

“અમને ભરોસો છે કે અમારું અંતઃકરણ શુદ્ધ છે અને અમે બધી રીતે પ્રમાણિક રહેવા ચાહીએ છીએ.” —હિબ્રૂઓ ૧૩:૧૮.

બેઈમાન વ્યક્તિને કાયમ પકડાય જવાનો ડર રહે છે. તેના જીવનમાં શાંતિ હોતી નથી. તેની ઊંઘ પણ ઊડી જાય છે. જ્યારે કે ઈમાનદાર રહેવાથી આપણું માન જળવાઈ રહેશે. મન શાંત રહેશે અને મીઠી ઊંઘ આવશે. લોકો પણ આપણા પર ભરોસો કરશે.

પૈસા માટે યોગ્ય વલણ રાખીએ

‘જીવનમાં પૈસાનો મોહ ન રાખીએ. આપણી પાસે જેટલું છે એમાં સંતોષ માનીએ.’—હિબ્રૂઓ ૧૩:૫.

આપણે જાણીએ છીએ કે જીવન જરૂરિયાતો માટે પૈસાની જરૂર છે. પણ “પૈસાનો મોહ” હશે તો પોતાને જ નુકસાન થશે. પૈસા પાછળ દોડીશું તો એની આપણાં શરીર અને લગ્‍નજીવન પર ખરાબ અસર થશે. એટલું જ નહિ, બાળકો માટે પણ સમય નહિ રહે. (૧ તિમોથી ૬:૯, ૧૦) અધૂરામાં પૂરું, પૈસાનો મોહ આપણને બેઈમાન બનાવી દેશે. એટલે એક ઈશ્વરભક્તે એ વિશે આમ લખ્યું: “વિશ્વાસુ માણસને ઘણા આશીર્વાદો મળશે, પણ જે રાતોરાત અમીર બનવા માંગે છે, તે નિર્દોષ રહેશે નહિ.”—નીતિવચનો ૨૮:૨૦.

યોગ્ય શિક્ષણ લઈએ

‘બુદ્ધિ અને સમજશક્તિ પકડી રાખીએ.’ —નીતિવચનો ૩:૨૧.

યોગ્ય શિક્ષણ લેવાથી આપણે જવાબદાર વ્યક્તિ બની શકીશું. સારા માબાપ બની શકીશું. ઉચ્ચ શિક્ષણ લેવાનો અર્થ એવો નથી કે જીવનમાં સુખ જ સુખ હશે. જો બધી રીતે સફળ થવું હોય, તો ઈશ્વર પાસેથી આપણે શિક્ષણ લેવું જોઈએ. શાસ્ત્રમાં લખ્યું છે એમ કરીશું તો આપણે ‘દરેક કામમાં સફળ થઈશું.’—ગીતશાસ્ત્ર ૧:૧-૩.