સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પૃથ્વીની ખોવાયેલી સુંદરતા

હવા

હવા

આપણને હવાની જરૂર છે, ખાસ કરીને શ્વાસ લેવા માટે. આપણી પૃથ્વીને સૂરજનાં હાનિકારક કિરણોથી (યુવી કિરણોથી) ઘણી હદે હવા રક્ષણ આપે છે. એટલું જ નહિ, એ આખી પૃથ્વીનું તાપમાન એટલું નીચે નથી જવા દેતી કે પૃથ્વી થીજી જાય.

આપણી હવા ઝેરી બની રહી છે

હવામાં વધતા જતા પ્રદૂષણને કારણે ઝાડપાન, જીવજંતુઓ અને માણસોનો નાશ થઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે દુનિયાના ફક્ત એક ટકા લોકો શુદ્ધ હવા લે છે.

હવાના પ્રદૂષણના કારણે લોકોને શ્વાસની બીમારી, ફેફસાંનું કેન્સર અને હૃદયની બીમારીઓ થઈ શકે છે. દર વર્ષે એ પ્રદૂષણને લીધે આશરે ૭૦ લાખ લોકો અકાળે મરણ પામે છે.

પૃથ્વીની અજોડ રચના

આપણી પૃથ્વીને એ રીતે બનાવવામાં આવી છે કે એમાં શુદ્ધ હવા ક્યારેય ખૂટે નહિ. પણ એ ત્યારે જ શક્ય છે જ્યારે મનુષ્યો પ્રદૂષણ ફેલાવવાનું ઓછું કરે. ચાલો અમુક દાખલા પર ધ્યાન આપીએ.

  • આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે જંગલ હવામાંથી કાર્બન ડાયૉક્સાઇડ શોષી લે છે. પણ દરિયા કિનારા પાસેની ભીની જમીન પર ચેર વૃક્ષો (મેનગ્રોવ) ઊગે છે, જે જંગલો કરતાં પણ સરસ રીતે કામ કરે છે. એ વિશે બહુ ઓછા લોકોને ખબર છે. ગરમ વિસ્તારનાં જંગલો જેટલો કાર્બન ડાયૉક્સાઇડ શોષે છે એનાથી આશરે પાંચ ગણો વધારે કાર્બન ડાયૉક્સાઇડ આ ચેર વૃક્ષો શોષે છે.

  • હાલમાં જ થયેલા અભ્યાસથી ખબર પડે છે કે અમુક પ્રકારની મોટી મોટી શેવાળ એટલે કે દરિયાઈ વનસ્પતિ હવામાંથી ફક્ત કાર્બન ડાયૉક્સાઇડ લેતી જ નથી, એને જમીનમાં દાટી પણ દે છે. એમાંની એક વનસ્પતિ છે, કેલ્પ. એ વનસ્પતિનાં પાંદડાંમાં નાની નાની થેલીઓ હોય છે જેમાં હવા ભરેલી હોય છે. એના કારણે એ ઘણી દૂર સુધી તરી શકે છે. જ્યારે એ વનસ્પતિ સમુદ્ર કિનારેથી દૂર જતી રહે છે, ત્યારે એની થેલીઓ ફાટી જાય છે. પછી એ વનસ્પતિ જેમાં કાર્બન ડાયૉક્સાઇડ ભેગો થયેલો હોય છે, એ સમુદ્રની અંદર ડૂબી જાય છે અને જમીનમાં દટાઈ જાય છે. પુરાવા બતાવે છે કે એ વનસ્પતિ સદીઓ સુધી ત્યાં જ દટાયેલી રહે છે.

  • આપણા વાતાવરણમાં દૂષિત હવાને આપોઆપ શુદ્ધ કરવાની ક્ષમતા છે. એવું જ કંઈક ૨૦૨૦માં થયું હતું. કોવિડ-૧૯ મહામારી દરમિયાન, લોકડાઉન થયું હતું ત્યારે, દુનિયાના લગભગ બધા કારખાનાઓ બંધ થઈ ગયા હતા અને લોકોએ વાહન ચલાવવાનું બંધ કરી દીધું હતું. એ કારણે થોડા જ સમયમાં હવામાં પ્રદૂષણ ઓછું થઈ ગયું હતું. ૨૦૨૦ના વર્લ્ડ એર ક્વૉલિટી રિપોર્ટમાં જણાવ્યું છે કે જે દેશો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો, એમાંના ૮૦ ટકા કરતાં વધારે દેશોમાં લોકડાઉનના થોડા જ સમયમાં હવા શુદ્ધ થઈ ગઈ.

માણસોના પ્રયાસો

સાઇકલથી અવર-જવર કરવાથી હવામાં પ્રદૂષણ ઘટે છે

સરકારો કારખાનાઓને અવાર-નવાર જણાવે છે કે તેઓ પ્રદૂષણ ઓછું ફેલાવે. વૈજ્ઞાનિકો અલગ અલગ રીતો શોધી રહ્યા છે, જેથી પ્રદૂષણની ખરાબ અસરોને ઓછી કરી શકાય. દાખલા તરીકે, બૅક્ટેરિયાનો ઉપયોગ કરીને પ્રદૂષણની ખરાબ અસરો દૂર કરવાની નવી રીત શોધવામાં આવી છે. આ બૅક્ટેરિયા ઝેરી ગેસ અને હાનિકારક કણોમાં એવા ફેરફારો કરે છે જેથી આપણને નુકસાન ન થાય. એ ઉપરાંત, નિષ્ણાતો પણ લોકોને પ્રદૂષણ ઓછું કરવાની સલાહ આપે છે. જેમ કે, કોઈ જગ્યાએ જવું હોય તો બાઇક કે કારને બદલે ચાલીને કે સાઇકલ પર જવું. ઘરમાં લાઇટ અને ગેસ જેવી વસ્તુઓ જરૂર પૂરતી જ વાપરવી.

અમુક સરકારો લોકોને આધુનિક સગડી આપે છે, જેથી હવામાં પ્રદૂષણ ઓછું થાય. પણ હજી ઘણા દેશો પાસે એવી સગડી નથી

પણ વધારે પગલાં ભરવાની જરૂર છે. એવું જ કંઈક ૨૦૨૨ના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું, જે વિશ્વ આરોગ્ય સંસ્થા અને ધ વર્લ્ડ બેન્ક જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ મળીને બનાવ્યો હતો.

એ અહેવાલમાં જણાવ્યું છે કે ૨૦૨૦માં દુનિયાની દર ત્રીજી વ્યક્તિ ખાવાનું બનાવવા એવું ઈંધણ વાપરે છે જેનાથી હવા પ્રદૂષિત થાય છે. ઘણા વિસ્તારોમાં બહુ ઓછા લોકો આધુનિક સ્ટવ ખરીદી શકે છે અથવા પ્રદૂષણ ઓછું થાય એવું ઈંધણ વાપરી શકે છે.

ઈશ્વર આપે છે આશાનું કિરણ

‘જે મહાન ઈશ્વરે આકાશ રચ્યું, જેમણે પૃથ્વી બનાવીને એની પેદાશ ઉગાડી છે, જે પૃથ્વીના લોકોને જીવન આપે છે અને જીવન ટકાવી રાખવા શ્વાસ આપે છે, એ સાચા ઈશ્વર યહોવા છે.’—યશાયા ૪૨:૫.

ઈશ્વરે હવા બનાવી છે, જે આપણે શ્વાસમાં લઈએ છીએ. હવાને શુદ્ધ રાખવા તેમણે ઘણી કુદરતી ગોઠવણો કરી છે. એટલું જ નહિ, તે માણસોને બહુ પ્રેમ કરે છે અને તેમની પાસે પુષ્કળ શક્તિ છે. એટલે આપણે ખાતરી રાખી શકીએ કે તે હવામાંથી પ્રદૂષણ કાઢી નાખશે. એ વિશે જાણવા આ લેખ વાંચો: “ઈશ્વરનું વચન, પૃથ્વી રહેશે કાયમ.”