સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુખ્ય વિષય

ઈસુ હકીકત કે કલ્પના?

ઈસુ હકીકત કે કલ્પના?

તેમની પાસે ધનદોલત કે સત્તા ન હતી. તેમની પાસે તો પોતાનું ઘર પણ ન હતું. છતાં, તેમના શિક્ષણથી લાખો લોકોને ફાયદો થયો છે. શું ઈસુ ખ્રિસ્ત ખરેખર થઈ ગયા? ચાલો જોઈએ કે હાલની અને પ્રાચીન સમયની જાણીતી વ્યક્તિઓના ઈસુ વિશે શું વિચાર છે?

  • માઈકલ ગ્રાન્ટ, ઇતિહાસકાર અને પ્રાચીન સંસ્કૃતિના નિષ્ણાતે નોંધ્યું: ‘બીજાં ઐતિહાસિક લખાણોની જેમ જો આપણે નવા કરારને લાગુ પાડીએ, તો આપણે ઈસુના અસ્તિત્વને નકારી નહિ શકીએ. કેમ કે, એ લખાણોમાં એવી ઘણી ઐતિહાસિક વ્યક્તિઓનો ઉલ્લેખ થયો છે, જેઓના અસ્તિત્વ પર કદી કોઈએ શંકા કરી નથી.’

  • રુડોલ્ફ બુલ્ટમેન, નવા કરારના અભ્યાસના પ્રોફેસરે કહ્યું: ‘ઈસુના અસ્તિત્વ પર શંકા કરવી એ પાયા વગરનું છે અને એના પર દલીલ કરવી વ્યર્થ છે. કોઈ સમજદાર વ્યક્તિ શંકા નહિ કરે કે પ્રાચીન પેલેસ્તાઈનના ખ્રિસ્તી સમાજ દ્વારા, જે ચળવળ હાથ ધરવામાં આવી હતી એના સ્થાપક ઈસુ હતા.’

  • વીલ ડ્યુરેન્ટ, ઇતિહાસકાર, લેખક અને ફિલસૂફે લખ્યું: ‘અમુક સામાન્ય માણસો એટલે કે સુવાર્તાના (ખુશખબરના) લેખકોએ એક પેઢી દરમિયાન એવી વ્યક્તિ વિશે લખ્યું, જે શક્તિશાળી અને પ્રભાવશાળી હતી, નૈતિક સિદ્ધાંતો પાળતી હતી અને ભાઈચારો રાખવા પ્રોત્સાહન આપતી હતી. જો આ વ્યક્તિ લેખકો દ્વારા કાલ્પનિક રીતે સર્જી કાઢેલી હોય, તો સુવાર્તાનાં પુસ્તકોમાં નોંધેલા બધા ચમત્કારો કરતાં એ મોટો ચમત્કાર કહેવાય.’

  • આલ્બર્ટ આઇનસ્ટાઇન, જર્મનીમાં જન્મેલા યહુદી ભૌતિકશાસ્ત્રીએ ભારપૂર્વક કહ્યું: ‘હું એક યહુદી છું, પણ નાઝારીના (ઈસુના) અદ્ભુત વ્યક્તિત્વથી હું પ્રભાવિત થયો છું.’ તેમને પૂછવામાં આવ્યું કે શું તે ઈસુને એક ઐતિહાસિક વ્યક્તિ તરીકે જુએ છે. તેમણે જણાવ્યું: ‘હા, ચોક્કસ! કોઈ વ્યક્તિ સુવાર્તાનાં પુસ્તકો વાંચે અને તેને ઈસુના અસ્તિત્વનો અહેસાસ ન થાય એવું બને જ નહિ. દરેક શબ્દમાં તેમનું વ્યક્તિત્વ જીવંત બનતું જાય છે. દંતકથા આવી કંઈ જીવંત ન હોય.’

    ‘કોઈ વ્યક્તિ સુવાર્તાનાં પુસ્તકો વાંચે અને તેને ઈસુના અસ્તિત્વનો અહેસાસ ન થાય એવું બને જ નહિ.’—આલ્બર્ટ આઇનસ્ટાઇન

ઇતિહાસ શું સાબિત કરે છે?

ઈસુના જીવન અને સેવાકાર્ય વિશે વિગતવાર માહિતી શાસ્ત્રનાં ખુશખબરનાં પુસ્તકોમાં જોવા મળે છે. એ પુસ્તકોના નામ છે, માથ્થી, માર્ક, લુક અને યોહાન. એ પુસ્તકોના નામ, એના લેખકોના નામ પરથી રાખવામાં આવ્યા છે. વધુમાં, ખ્રિસ્તી ન હતા એવા પ્રાચીન સમયના લોકોએ પણ ઈસુની નોંધ લીધી છે.

  • ટેસીટસ

    (આશરે ઈસવીસન ૫૬-૧૨૦) પ્રાચીન રોમના સૌથી મહાન ઇતિહાસકારોમાં ટેસીટસની ગણતરી થાય છે. તેમના અહેવાલોમાં ઈ.સ. ૧૪થી ઈ.સ. ૬૮ સુધીના રોમન સામ્રાજ્યનો ઇતિહાસ છે. (ઈસુ ઈ.સ. ૩૩માં મરણ પામ્યા) ટેસીટસે લખ્યું કે ઈ.સ. ૬૪માં ફાટી નીકળેલી આગમાં રોમ તબાહ થઈ ગયું અને એમ માનવામાં આવતું કે એ માટે સમ્રાટ નીરો જવાબદાર હતા. પરંતુ, ટેસીટસે લખ્યું કે, ‘એ અફવાને દાબી દેવા’ નીરોએ ખ્રિસ્તીઓ ઉપર દોષનો ટોપલો નાખી દીધો. પછી, ટેસીટસે જણાવ્યું: ‘ખ્રિસ્તી નામ ક્રિસટીસ એટલે કે ખ્રિસ્ત પરથી આવે છે. ખ્રિસ્તને તિબેરયસના રાજમાં રોમન અધિકારી પોંતિયુસ પીલાતે મરણની સજા કરી હતી.’—એનલ્સ, ૧૫, ૪૪.

  • સુટોનીઅસ

    (આશરે ઈ.સ. ૬૯–૧૨૨ પછી) આ રોમન ઇતિહાસકારે પોતાના પુસ્તક લાઇવ્સ ઓફ ધ સીઝર્સમાં પ્રથમ ૧૧ રોમન સમ્રાટોના રાજ દરમિયાન બનેલી ઘટનાઓ વિશે લખ્યું. ક્લોડિયસ વિશેની માહિતીમાં ઉલ્લેખ છે કે, ઈસુને લઈને જે તકરાર થઈ હતી, એને કારણે કદાચ રોમમાં યહુદીઓ વચ્ચે ખળભળાટ મચી ગયો હતો. (પ્રેરિતોનાં કાર્યો ૧૮:૨) સુટોનીઅસે લખ્યું: ‘ક્રિસટીસના લીધે યહુદીઓ ઉશ્કેરાઈને વારંવાર ધાંધલ-ધમાલ કરતા હોવાથી, ક્લોડિયસે તેઓને રોમમાંથી હાંકી કાઢ્યા.’ (ધ ડિફાઇડ ક્લોડિયસ, ૨૫, ૪) સુટોનીઅસે ધાંધલ-ધમાલ માટે ખોટી રીતે ઈસુને જવાબદાર ગણ્યા. પણ તેમણે ઈસુના અસ્તિત્વ વિશે શંકા ન કરી.

  • પ્લીની ધ યંગર

    (આશરે ઈ.સ. ૬૧-૧૧૩) આ રોમન લેખક અને બિથુનિયાના (હાલનું તુર્કી) શાસકે રોમન સમ્રાટ ટ્રેજનને પત્ર લખ્યો હતો. એમાં તેમણે પ્રાંતમાં રહેતા ખ્રિસ્તીઓ વિશે લખ્યું. પ્લીનીએ જણાવ્યું કે તેમણે ખ્રિસ્તીઓને પોતાની માન્યતા છોડવા બળજબરી કરી અને જેઓએ એમ કરવાનો નકાર કર્યો, તેઓને મોતને ઘાટ ઉતાર્યા. તેમણે સમજાવ્યું: ‘હું દેવોનું ભજન કરતો અને મારા પછી જેઓ એ બોલતા અને દ્રાક્ષદારૂ તથા ધૂપ સાથે મૂર્તિઓની આરાધના કરતા અને છેવટે ખ્રિસ્તને શાપ આપતા, તેઓને હું છોડી દેતો.’—પ્લીની—લેટર્સ, બુક ૧૦, ૯૬.

  • ફ્લેવીઅસ જોસેફસ

    (આશરે ઈ.સ. ૩૭-૧૦૦) આ યહુદી યાજક અને ઇતિહાસકાર જણાવે છે કે યહુદી પ્રમુખયાજક અન્નાસ, રાજકારણમાં ઘણા સક્રિય હતા. ‘તેમણે સાન્હેડ્રીનના એટલે કે, યહુદી ઉચ્ચ અદાલતના ન્યાયાધીશોને ભેગા કર્યા અને યાકૂબ નામના માણસને તેઓની આગળ રજૂ કર્યો. ઈસુ જે ખ્રિસ્ત કહેવાતા હતા, તેમનો તે ભાઈ હતો.’—જ્યુઈશ ઍન્ટિક્વિટીસ, ૨૦, ૨૦૦.

  • તાલમુડ

    આ યહુદી રાબ્બીઓનું લખાણ હતું, જે ઈસવીસન ત્રીજી સદીથી છઠ્ઠી સદીમાં ભેગું કરાયું હતું. આ લખાણ બતાવે છે કે ઈસુના દુશ્મનો પણ તેમના અસ્તિત્વમાં માનતા હતા. એક અહેવાલ કહે છે: ‘પાસ્ખાપર્વ વખતે યેશુ એટલે કે ઈસુ જે નાઝારી હતા, તેમને મારી નાખવામાં આવ્યા હતા.’ આ અહેવાલ ઇતિહાસની રીતે સાચો છે. (બાબેલોનનું તાલમુડ, સાન્હેડ્રીન ૪૩ક, મ્યુનિક કોડેક્સ; યોહાન ૧૯:૧૪-૧૬ જુઓ.) બીજો અહેવાલ જણાવે છે: ‘આપણે એવો દીકરો કે વિદ્યાર્થી પેદા ન કરીએ, જે નાઝારીની જેમ જાહેરમાં પોતાને શરમમાં મૂકે.’ નાઝારી ખિતાબ ઈસુ માટે વપરાતો હતો.—બાબેલોનનું તાલમુડ, બેરાકોથ ૧૭ખ, ફૂટનોટ, મ્યુનિક કોડેક્સ; લુક ૧૮:૩૭ જુઓ.

શાસ્ત્રમાંથી પુરાવા

સુવાર્તાનાં પુસ્તકો ઈસુના જીવન અને સેવાકાર્ય વિશે વિસ્તારથી માહિતી આપે છે. એમાં લોકો, જગ્યા અને સમય વિશે પણ માહિતી છે, જે ઇતિહાસ સાથે મેળ ખાય છે. લુક ૩:૧, ૨માં એનું એક ઉદાહરણ છે. બાપ્તિસ્મા આપનાર યોહાન ઈસુ માટે રસ્તો તૈયાર કરવા આવ્યા હતા. તેમણે પોતાનું કાર્ય કયા સમયમાં શરૂ કર્યું, એનો ચોક્કસ સમય આ કલમોથી મેળવી શકાય છે.

“આખું પવિત્ર શાસ્ત્ર ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે.”—૨ તિમોથી ૩:૧૬

લુકે લખ્યું: “સમ્રાટ તિબેરિયસના શાસનના ૧૫મા વર્ષે પોંતિયુસ પીલાત યહુદિયાનો રાજ્યપાલ હતો; હેરોદ ગાલીલનો જિલ્લા અધિકારી હતો અને તેનો ભાઈ ફિલિપ યટૂરિયા અને ત્રાખોનિતિયાનો જિલ્લા અધિકારી હતો; અને લુસાનિયાસ અબિલેનીનો જિલ્લા અધિકારી હતો; તેમ જ, અન્નાસ અને કાયાફાસ મુખ્ય યાજક હતા; એ દિવસોમાં ઝખાર્યાના દીકરા યોહાન પાસે ઈશ્વરનો સંદેશો વેરાન પ્રદેશમાં આવ્યો.” આ વિગતવાર માહિતીથી આપણે જાણી શકીએ છીએ કે “યોહાન પાસે ઈશ્વરનો સંદેશો” ઈ.સ. ૨૯માં આવ્યો હતો.

લુકે સાત જાણીતી વ્યક્તિઓ વિશે લખ્યું, જેઓને ઇતિહાસકારો સારી રીતે જાણે છે. અમુક સમય સુધી ટીકાકારો પોંતિયસ પીલાત અને લુસાનિયાસના અસ્તિત્વ પર સવાલ ઉઠાવતા હતા. પરંતુ, ટીકાકારો ખોટા સાબિત થયા. પ્રાચીન લખાણ મળી આવ્યાં છે, જેના પર એ બે અધિકારીઓના નામ છે. આમ, લુકનું લખાણ ખરું સાબિત થયું છે. *

એ જાણવું કેમ મહત્ત્વનું છે?

ઈસુએ લોકોને શીખવ્યું કે ઈશ્વરનું રાજ્ય આખી દુનિયા પર રાજ કરશે

ઈસુના અસ્તિત્વ વિશે જાણવું મહત્ત્વનું છે, કેમ કે તેમનું શિક્ષણ મહત્ત્વનું છે. દાખલા તરીકે, ઈસુએ શીખવ્યું કે જીવનમાં કઈ રીતે સુખ અને સંતોષ મેળવી શકાય. * તેમણે એ પણ વચન આપ્યું કે એવો સમય આવશે જ્યારે લોકો સાચી શાંતિ અને સલામતીમાં રહેશે. દુનિયા ફરતે એક સરકાર એટલે, ‘ઈશ્વરનું રાજ્ય’ હશે અને બધા એકતામાં રહેતા હશે.—લુક ૪:૪૩.

એને ‘ઈશ્વરનું રાજ્ય’ કહેવું યોગ્ય છે, કેમ કે આ સરકાર આખી પૃથ્વી પર ઈશ્વરની સર્વોપરિતા જાહેર કરશે. (પ્રકટીકરણ ૧૧:૧૫) ઈસુએ નમૂનાની પ્રાર્થનામાં એ વાત સ્પષ્ટ કરી: “હે સ્વર્ગમાંના અમારા પિતા, . . . તમારું રાજ્ય આવો . . . પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.” (માથ્થી ૬:૯, ૧૦) એ સરકાર મનુષ્યો માટે શું કરશે? ચાલો જોઈએ:

અમુક લોકોને આ વચનો ફક્ત મનની કલ્પના લાગતી હશે. આ વચનો પૂરા કરવા માણસો પર ભરોસો રાખવો યોગ્ય નહિ કહેવાય. આનો વિચાર કરો: ભણતર, વિજ્ઞાન અને ટૅક્નોલૉજીમાં મોટા પાયે પ્રગતિ થઈ છે. છતાં, લાખો લોકો આજે અસલામતી અને ધૂંધળા ભવિષ્યની ચિંતાથી ઘેરાયેલા છે. દરરોજ આપણે વેપાર-વાણિજ્યમાં, રાજકારણમાં અને ધર્મમાં અન્યાય જોઈએ છીએ. એટલું જ નહિ, લોભ અને ભ્રષ્ટાચાર પણ વ્યાપક રીતે ફેલાયેલા છે. હા! મનુષ્યની સરકાર સાવ નિષ્ફળ સાબિત થઈ છે!—સભાશિક્ષક ૮:૯.

એટલે જ, ઈસુના અસ્તિત્વ વિશે જાણવું આપણા માટે જરૂરી છે. * બીજો કોરીંથીઓ ૧:૧૯, ૨૦ કહે છે: “ઈશ્વરનાં વચનો ભલે ગમે તેટલાં હોય, એ ઈસુ [ખ્રિસ્ત] દ્વારા ‘હા’ થયાં છે.” (g16-E No. 5)

^ ફકરો. 23 “જિલ્લા અધિકારી,” લુસાનિયાસના નામનું લખાણ મળી આવ્યું છે. (લુક ૩:૧) લુકે જે સમયની વાત કરી, એ સમયે તે અબિલેનીનો જિલ્લા અધિકારી હતો.

^ ફકરો. 25 ઈસુના શિક્ષણનો નમૂનો માથ્થીના ૫થી ૭ અધ્યાયમાં જોવા મળે છે. એને પહાડ પરનો ઉપદેશ કહેવામાં આવે છે.

^ ફકરો. 32 ઈસુ અને તેમના શિક્ષણ વિશે વધુ જાણવા www.ps8318.com માં જાઓ અને BIBLE TEACHINGS > BIBLE QUESTIONS ANSWERED વિભાગ જુઓ.