સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અદ્ભુત પદાર્થ

અદ્ભુત પદાર્થ

નેચર્સ બિલ્ડિંગ બ્લોગ્સ પુસ્તક જણાવે છે, “જીવનમાં કાર્બન કરતાં વધારે કામમાં બીજો કોઈ પદાર્થ આવતો નથી.” કાર્બનનો એક વિશિષ્ટ ગુણધર્મ છે, એ પોતાની સાથે કે બીજા પદાર્થ સાથે જોડાઈ શકે છે. એટલે, એમાંથી લાખો પદાર્થો અસ્તિત્વમાં આવ્યા છે. એમાંથી ઘણા પદાર્થો હજુ શોધવામાં આવી રહ્યા છે કે કૃત્રિમ રીતે બનાવવામાં આવી રહ્યા છે.

કાર્બનના અણુઓ જોડાયને અલગ અલગ આકાર રચે છે, જેમ કે સાંકળ, ત્રિકોણ, વર્તુળ, પડ અને ટ્યૂબ. એનાં ઉદાહરણો નીચે આપ્યાં છે. ખરેખર, કાર્બન ઘણો અદ્ભુત પદાર્થ છે.

હીરો

કાર્બનના અણુઓ ભેગા મળીને ત્રિકોણ જેવી રચના બનાવે છે, જેને ટેટ્રાહેડ્રોન્સ કહે છે. એના લીધે હીરાનું માળખું એકદમ નક્કર બને છે. કુદરતી રીતે મળી આવતો સૌથી સખત પદાર્થ હીરો છે. એકદમ સારા હીરાની રચનામાં કાર્બનના અણુઓનું એક જ બંધારણ હોય છે.

ગ્રેફાઇટ

જાણે કાગળની થપ્પી હોય એ રીતે, કાર્બનના અણુઓના પડ હોય છે, જે એકબીજા પરથી સહેલાઈથી સરકે છે. આ ગુણધર્મને લીધે ગ્રેફાઇટ સૌથી સારું ઊંજણ (લુબ્રિકન્ટ) છે અને પેન્સિલમાં પણ વપરાય છે. *

ગ્રાફેન

આ કાર્બનના અણુઓનું એક પડ છે. આ અણુઓ ષટ્કોણ આકારના, એકબીજાથી જોડાયેલા અને જાળી જેવા આકારના હોય છે. ગ્રાફેનની તાણ સહેવાની ક્ષમતા સ્ટીલ કરતાં અનેક ગણી વધારે હોય છે. પેન્સિલના એક લિસોટામાં ગ્રાફેનના અમુક અણુઓ એક કે અનેક પડ સ્વરૂપે હોય છે.

ફુલેરિન્સ

આ બંધારણમાં કાર્બનના અણુઓ સૂક્ષ્મ બોલ અને નાની ટ્યૂબના (નેનોટ્યૂબના) બનેલા હોય છે. એને માપવા નેનોમીટર કે મીટરનો અબજમો ભાગ વપરાય છે.

સજીવ

છોડ, પ્રાણીઓ અને માણસોના કોષ કાર્બનની રચનાને આધારે હોય છે, જે કાર્બોહાઇડ્રેડ, ચરબી અને એમિનો એસિડમાં જોવા મળે છે. (g16-E No. 5)

‘ઈશ્વરના અદૃશ્ય ગુણો, બનાવવામાં આવેલી વસ્તુઓ પરથી પારખી શકાય છે.’—રોમનો ૧:૨૦.

^ ફકરો. 7તમારી પાસે પેન્સિલ છે?” જુલાઈ ૨૦૦૭નું સજાગ બનો! જુઓ.