સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સીટી મારીને વાત કરવાની રીત!

સીટી મારીને વાત કરવાની રીત!

સીટી મારીને વાત કરવાની રીત!

મૅક્સિકોના સજાગ બનો!ના લેખક તરફથી

◼ મૅક્સિકોના વહાકાના પહાડી વિસ્તારમાં માઝાટેક લોકો રહે છે. તેઓ પાસે ટેલિફોન કે મોબાઇલ જેવી કોઈ વ્યવસ્થા નથી. તોપણ તેઓ એકબીજા સાથે દૂરથી વાત કરી શકે છે. કઈ રીતે? સીટી મારીને. તેઓ કૉફીના ખેતરમાં કામ કરતા હોય ત્યારે એકબીજા સાથે સીટી મારીને વાત કરે. પછી ભલેને બે કિલોમીટરથી વધારે દૂર હોય. ઘણાં વર્ષો પહેલાં માઝાટેકના લોકો સીટી દ્વારા વાત કરતા શીખ્યા હતા. પેડ્રો કહે છે, ‘માઝાટેકની ભાષા સ્વરને આધારિત છે. અમે જાણે બોલતા હોઈએ એ રીતે હોઠથી જ સીટી મારીએ છીએ.’ *

પેડ્રોનો દોસ્ત ફિડેંશિઓ કહે છે: ‘કોઈ દૂર હોય ને તેમને કાંઈ કહેવું હોય તો સીટી મારીને વાત કરીએ. દાખલા તરીકે: એક પિતાએ દીકરાને દુકાનમાં ટૉર્ટીયા (રોટલી) લેવા મોકલ્યો હોય. પછી યાદ આવે કે ટામેટાં પણ જોઈએ છે. પિતા સીટી મારીને તેને ટામેટાં લાવવાનું કહેશે.’

આ વિસ્તારમાં યહોવાહના સાક્ષીઓ પણ અમુક વાર સીટી મારીને વાત કરે છે. પેડ્રો કહે છે, ‘અમે છૂટા છૂટા ઘરોવાળા વિસ્તારમાં પણ પ્રચાર કરીએ છીએ. મારી સાથે કામ કરવા કોઈ ભાઈની કંપની જોઈએ ત્યારે તેના ઘરે જઈને બોલાવવાને બદલે હું સીટી મારીને તેને બોલાવું છું.

‘સીટી મારવાની રીતથી દરેક પુરુષો એકબીજાને ઓળખે છે. ફક્ત માઝાટેક પુરુષો જ સીટી મારીને વાત કરે છે. સ્ત્રીઓ એ ભાષા સમજે છે અને કદાચ ઘરમાં વાપરે. પણ તે કદીએ કોઈ પુરુષ સાથે સીટી મારીને વાત નહિ કરે.’

ફક્ત માઝાટેકના લોકો જ સીટી મારીને વાત કરતા નથી. પણ કનેરી ટાપુઓ, ચીન અને પાપુઆ ન્યૂ ગિની દેશના લોકો પણ સીટી મારીને વાત કરે છે. મોટાભાગે જંગલ કે પહાડોમાં રહેતા લોકો આ રીત વાપરે છે. આજે સીટી દ્વારા વાત કરવાની લગભગ ૭૦ ભાષાઓ છે. તેઓમાંથી બારેક પર અભ્યાસ થયો છે.

માણસની આવડત જોઈને આપણે નવાઈ પામીએ છીએ. લોકો જુદી જુદી રીતો વાપરીને વાત કરવાનો પ્રયત્ન કરે છે એની કોઈ લિમિટ નથી! (g09 02)

[ફુટનોટ્‌સ]

^ એક જ્ઞાનકોશ જણાવે છે, ‘માઝાટેકના લોકો સીટી મારીને ઊંચા-નીચા સૂર કરે છે. ધીમે કે ઝડપથી જુદા જુદા અવાજ કાઢે છે. આ રીતે તેઓ અનેક જાતની વાતચીત કરે છે.’