સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મમ્મી-પપ્પા કેમ મને મજા માણવા દેતા નથી?

મમ્મી-પપ્પા કેમ મને મજા માણવા દેતા નથી?

યુવાનો પૂછે છે

મમ્મી-પપ્પા કેમ મને મજા માણવા દેતા નથી?

ઑસ્ટ્રેલિયામાં રહેતી સત્તર વર્ષની એલિસનને * દર સોમવારે સવારે સ્કૂલે જાય ત્યારે ચિંતા હોય છે.

તે જણાવે છે કે “સ્કૂલની છોકરીઓએ શનિ-રવિ શું કર્યું એની વાત કરતી હોય છે. તેઓની વાતો મઝા આવે એવી હોય છે. જેમ કે, તેઓ કેટલી પાર્ટીમાં ગયા? કેટલા છોકરાઓને કિસ કરી. અરે, પોલીસના હાથમાંથી બચવા કેવી ભાગદોડ કરી. એ બધું સાંભળીને આમ તો ગાંડપણ લાગે, પણ એમાં જ મઝા છે! તેઓ સવારે પાંચ વાગ્યે ઘરે આવતા, એની તેઓના માબાપને કંઈ પડી નથી. જ્યારે કે તેઓની રાતની પાર્ટીઓ શરૂ થાય એ પહેલાં તો મારે સૂઈ જવું પડે છે.

“તેઓની વાત પતે પછી મને પૂછે છે કે ‘તેં શનિ-રવિ શું કર્યું?’ મારો સમય સભામાં અને પ્રચારમાં ગયો હોય છે. મને લાગે છે કે તેઓની સરખામણીમાં તો હું કંઈ મઝા નથી માણતી. એટલે મોટાભાગે મારો જવાબ ‘કંઈ નહિ’ હોય છે. પછી તેઓ કહે કે ‘તું અમારી સાથે કેમ નથી આવતી?’

“એવું લાગે કે સોમવાર પતે એટલે શાંતિ. પણ ના, મંગળવારથી તેઓ આવતા શનિ-રવિની ગોઠવણ કરવા લાગે છે. હું મૂંગા મોઢે સાંભળતી હોઉં છું. હું સાવ એકલી પડી ગઈ હોય એવું લાગે.”

શું તમે પણ દર સોમવાર સવારે સ્કૂલમાં એવું જ અનુભવો છો? કદાચ તમને થશે કે ઘરના આંગણામાં મોજ-મજા છે. પણ મમ્મી-પપ્પાએ જાણે દરવાજાને તાળું મારી દીધું છે. અથવા તમે પાર્કમાં છો પણ તેઓ તમને રાઇડ્‌સમાં બેસવાની મના કરે છે. એવું નથી કે તમારા મિત્રો જે કરે છે એ બધું જ તમારે કરવું છે. તમારે કોઈ વાર જ મજા માણવી છે. દાખલા તરીકે, નીચે આપેલી પ્રવૃત્તિમાંથી આવતા શનિ-રવિ તમને શું કરવું ગમશે?

ડાન્સ ક્લબ

મ્યુઝિક કૉન્સર્ટ

ફિલ્મ જોવી

પાર્ટીમાં જવું

અથવા બીજું કંઈ

તમને મનોરંજનની જરૂર છે. (સભાશિક્ષક ૩:૧,) આપણા સર્જનહાર પણ ચાહે છે કે તમે યુવાનીનો આનંદ માણો. (સભાશિક્ષક ૧૧:૯) તમે મજા માણો એવું તમારા માબાપ પણ ચાહે છે. ભલે એ માનવું તમને કોઈ વાર અઘરું લાગે. જોકે, તમારા મમ્મી-પપ્પાને બે ચિંતા હોય શકે: (૧) તમે શું કરશો અને (૨) તમારી સાથે કોણ કોણ હશે?

માનો કે તમારા મિત્રો તમને તેઓની સાથે બહાર જવાનું આમંત્રણ આપે છે. તમારા મમ્મી-પપ્પા તેઓ સાથે જવાની રજા આપશે કે નહિ એ તમે જાણતા નથી. આવી બાબતમાં નિર્ણય લેવા તમને ક્યાંથી મદદ મળી શકે? બાઇબલ તમને ઉત્તેજન આપે છે કે તમે પોતે વિચારો કે તેઓ સાથે જવાથી કેવા પરિણામ આવશે? સારા કે ખરાબ? એ પછી જાતે નિર્ણય લો. (પુનર્નિયમ ૩૨:૨૯; નીતિવચનો ૭:૬-૨૩) તમને જે આમંત્રણ મળ્યું છે એ વિષે તમારી પાસે કઈ પસંદગી રહેલી છે, ચાલો જોઈએ.

પસંદગી ૧: પૂછ્યા વગર જાવ.

એમ કરવાનું તમે કેમ પસંદ કરશો: કદાચ મિત્રોને બતાવવા ચાહો છો કે તમને કેટલી છૂટ છે. તમને થશે કે મમ્મી-પપ્પા કરતાં તમે વધારે જાણો છો કે પોતાના માટે શું સારું છે. અથવા તમને તેઓના નિર્ણયોની કંઈ પડી નથી.—નીતિવચનો ૧૫:૫.

પરિણામ: તમારી પોલ ખુલી જશે. મિત્રોને લાગશે કે તમે માબાપને છેતરો છો તો, તેઓને પણ છેતરી શકો છો. મમ્મી-પપ્પાને ખબર પડશે કે તમે તેમને છેતરો છો ત્યારે તેઓને ખૂબ જ દુઃખ થશે. પછી, બહાર જવાની કદાચ તમને કડક મના કરશે. માબાપને છેતરીને મિત્રો સાથે બહાર જવું એ મૂર્ખામી કહેવાશે.—નીતિવચનો ૧૨:૧૫.

પસંદગી ૨: પૂછવું નહિ અને જવું પણ નહિ.

એમ કરવાનું તમે કેમ પસંદ કરશો: કદાચ તમને થશે કે મિત્રોએ જે આમંત્રણ આપ્યું છે ત્યાં જવું તમારા સિદ્ધાંતો પ્રમાણે નથી. અથવા ત્યાં આવનારાઓની સંગત સારી નથી. (૧ કોરીંથી ૧૫:૩૩; ફિલિપી ૪:૮) અથવા તમને જવાનું મન હોય, પણ માબાપને પૂછવાની હિંમત ન હોય.

પરિણામ: જો તમે જાણતા હોવ કે મિત્રો સાથે બહાર જવું કેમ સારું નથી, તો તેઓને સહેલાઈથી જવાબ આપી શકશો. પણ મમ્મી-પપ્પાને પૂછવાની હિંમત ન હોવાને લીધે ઘરે રહેશો તો, મનમાં ને મનમાં અકળાયા કરશો. અને વિચારશો કે બીજાઓની જેમ પોતે મઝા માણી શકતા નથી.

પસંદગી ૩: પૂછો અને જુઓ.

એમ કરવાનું તમે કેમ પસંદ કરશો: તમે રાજી-ખુશીથી સ્વીકારો છો કે મમ્મી-પપ્પાને તમારા માટે નિર્ણય લેવાનો હક્ક છે. (કોલોસી ૩:૨૦) તેઓ માટે ખૂબ પ્રેમ હોવાથી તેઓની પીઠ પાછળ કંઈ કરવા માગતા નથી. (નીતિવચનો ૧૦:૧) તેમ જ, બહાર કેમ જવું છે એ સમજાવવા તમને મોકો મળશે.

પરિણામ: મમ્મી-પપ્પાને અહેસાસ થશે કે તેઓ માટે તમને પ્રેમ અને માન છે. અને વાજબી લાગશે તો કદાચ જવાની રજા આપશે.

મમ્મી-પપ્પા કેમ ‘ના’ પાડતા હોય છે

તેઓ ‘ના’ પાડે ત્યારે કદાચ નિરાશ થઈ જવાય. પણ તેઓના વિચારો જાણવાથી સમજી શકશો કે તેઓ કેમ અમુક બાબતમાં ‘ના’ કહે છે. કદાચ એની પાછળ નીચે આપેલું કોઈ કારણ હશે.

તેઓની સમજ અને અનુભવ. તમે તરવા માટે એવી જગ્યા પસંદ કરશો જ્યાં લાઈફ ગાર્ડ હોય. શા માટે? કેમ કે પાણીમાં મજા માણતા હોવ ત્યારે, તમે જાણતા નથી કે ક્યાં ખતરો છે. પણ લાઈફ ગાર્ડ ઊંચી જગ્યાએ બેઠો હોવાથી તે જોઈ શકે છે કે ક્યાં ખતરો છે. એટલે એવી જગ્યાથી દૂર રહેવા તમને ચેતવશે.

એ જ રીતે માબાપને વધારે સમજ અને અનુભવ હોવાથી, તેઓ જોઈ શકે છે કે કેવી બાબતોમાં ખતરો રહેલો છે. એટલે તેઓ તમારું રક્ષણ કરવા ચાહે છે, નહિ કે મજા છીનવી લેવા. લાઈફ ગાર્ડની જેમ તેઓ ચાહે છે કે તમે ખતરાથી દૂર રહો જેથી તમને પસ્તાવું ન પડે. તેમ જ, તમે જીવનનો આનંદ પણ માણો.

તેઓ તમને ચાહે છે. તેઓ ઇચ્છતા નથી કે તમારા પર ઉંની આંચ પણ આવે. તેઓ જીવની જેમ તમને ચાહે છે. એટલે કોઈ ખતરો નહિ હોય તો ચોક્કસ ‘હા’ પાડશે, નહિતર ‘ના’ પાડશે. જ્યારે તમે કંઈ કરવાની રજા માંગો છો ત્યારે, તેઓ વિચારે છે કે ‘હા’ કહેવાના કેવા પરિણામ આવશે. તેઓને ખાતરી થાય કે તમને કોઈ ખતરો નથી ત્યારે જ રાજી-ખુશીથી રજા આપશે.

અપૂરતી માહિતી. મમ્મી-પપ્પા હંમેશા તમારું રક્ષણ કરવાનો પ્રયત્ન કરે છે. જો તેઓને સમજાય નહિ કે શાની રજા માંગો છો અથવા તેઓને લાગે કે કંઈ સંતાડો છો, તો મોટા ભાગે રજા નહિ આપે.

રજા મેળવવા શું કરી શકાય?

ચાર બાબતો મહત્ત્વની છે.

સાચું બોલવું: પહેલાં, પોતાને સાચા દિલથી પૂછો કે ‘મારે કેમ મિત્રો સાથે બહાર જવું છે? શું ખરેખર મને એ પ્રવૃત્તિ ગમે છે કે પછી મિત્રોમાં ભળી જવા માગું છું? કે પછી મને ગમતી વ્યક્તિ પણ ત્યાં હશે એટલે?’ જે કંઈ હોય માબાપને સાચું જણાવો. એક સમયે તેઓ પણ યુવાન હોવાથી જાણે છે કે યુવાનો કેવું અનુભવે છે. એટલે તેઓ પારખી શકે છે કે તમે કેમ જવા માંગો છો. તમે સાચું બોલશો એ તેઓને ગમશે. તેમ જ, તેઓના અનુભવમાંથી તમને શીખવા મળશે. (નીતિવચનો ૭:૧, ૨) પણ તમે જૂઠું બોલતા હશો તો, તેઓનો તમારા પરથી ભરોસો ઊઠી જશે અને ‘ના’ પાડશે. આમ તમે પોતાના પગ પર કુહાડો મારો છો.

યોગ્ય સમય: મમ્મી-પપ્પા કામેથી આવ્યા હોય કે કશાકમાં મશગૂલ હોય એવા સમયે પાછળ પડવું ન જોઈએ. તેઓ નિરાંતે બેઠા હોય ત્યારે પૂછી શકાય. પણ છેલ્લી ઘડીએ પૂછીને રજા આપવા માટે તેઓને દબાણ ન કરશો. ઉતાવળે નિર્ણય લેવા દબાણ કરશો તો, તેઓને જરાય ગમશે નહિ. જો પહેલાંથી પૂછશો તો તેઓને એ ગમશે.

માહિતી: ગોળ-ગોળ વાત ન કરશો. શેના માટે જવું છે એ વિષે પૂરી માહિતી આપો. માબાપ પૂછે કે ‘ત્યાં કોણ હશે? કોઈ જવાબદાર મોટી વ્યક્તિ હશે કે કેમ? અથવા કાર્યક્રમ ક્યારે પૂરો થશે?’ ત્યારે એમ ન કહો ‘ખબર નથી.’

વર્તન: માબાપને દુશ્મન ન ગણો. તેઓ તમારું ભલું ચાહે છે. ખરું કહીએ તો કુટુંબ એક ટીમ જેવું છે. એટલે બધી બાબતો ભેગા મળીને કરશો તો તમે કકળાટિયા નહિ લાગો અને તેઓ પણ તમને સાથ આપશે. ના પાડે તો પ્રેમથી એનું કારણ પૂછો. દાખલા તરીકે, મ્યુઝિક કૉન્સર્ટમાં જવાની ના પાડે તો, તેઓને શું વાંધો છે એ જાણવાની કોશિશ કરો. શું તેઓને એના કલાકારોથી, જગ્યાથી, સંગાથીઓથી કે મોંઘી ટિકિટ હોવાથી વાંધો છે? એવું કદી ના કહેશો કે, ‘તમને તો મારા પર ભરોસો જ નથી.’ ‘બધા તો જાય છે.’ ‘મારા મિત્રોના માબાપ તો જવા દે છે.’ માબાપને અહેસાસ થવો જોઈએ કે તમે તેઓના નિર્ણયને સ્વીકારો છો અને માન આપો છો. એનાથી તેઓને તમારા પર ભરોસો બેસશે અને કદાચ બીજી વખતે તેઓ હા પણ કહે. (g11-E 02)

“યુવાનો પૂછે છે” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ: www.watchtower.org/ype

[ફુટનોટ]

^ નામ બદલવામાં આવ્યા છે.

[પાન ૧૩ પર બોક્સ/ચિત્ર]

“હું મમ્મી-પપ્પાનું કહેવું માનું છું. એટલે તેઓને મારા પર ભરોસો છે. હું મારા મિત્રો વિષે તેમને બધું જ જણાવું છું. પાર્ટીમાં મને કંઈ અયોગ્ય લાગે તો એ છોડી જતાં મને કંઈ શરમ નથી લાગતી.”

[ચિત્ર]

કિમ્બર્લી

[પાન ૧૪ પર બોક્સ]

તમારા માબાપને પૂછો

શું તમારે જાણવું છે કે આ લેખના મુખ્ય મુદ્દા વિષે તમારા માબાપ શું વિચારે છે? એ જાણવાની એક રીત છે કે તેઓને પૂછો. યોગ્ય સમયે પૂછો કે તમારા આનંદ-પ્રમોદ વિષે તેઓ શું વિચારે છે? તેઓને કયા સવાલ પૂછશો એ વિચારો. નીચે આપેલી જગ્યામાં એ લખી લો.

․․․․․

[પાન ૧૪ પર ચિત્રનું મથાળું]

લાઈફ ગાર્ડની જેમ મમ્મી-પપ્પા પણ આવતી મુશ્કેલીઓ સારી રીતે જોઈ શકતા હોવાથી તમને ચેતવે છે