સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—પશ્ચિમ આફ્રિકામાં

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—પશ્ચિમ આફ્રિકામાં

આઈવરી કોસ્ટના એક ગરીબ વિસ્તારમાં પાસકલનો ઉછેર થયો હતો. તે એશઆરામવાળું જીવન જીવવા ઇચ્છતા હતા. તે બૉક્સિંગના નવા નવા ખેલાડી હતા અને વિચારતા: ‘હું એ રમતમાં મોટું નામ અને અઢળક પૈસા મેળવવાં ક્યાં જઉં, શું કરું?’ આશરે ૨૫ વર્ષની ઉંમરે તેમણે નિર્ણય લીધો કે તે યુરોપ જશે. પરંતુ, તેમની પાસે એને લગતા જરૂરી કાગળો ન હોવાથી, તેમણે ગેરકાયદેસર રીતે યુરોપમાં ઘૂસવાનું નક્કી કર્યું.

સાલ ૧૯૯૮માં ૨૭ વર્ષની ઉંમરે પાસકલે એ મુસાફરી શરૂ કરી. ઘાનાની સરહદ પાર કરીને ટોગો અને બેનિનમાં થઈને તે આખરે નાઇજરના બેરને એંકોની નામના શહેરમાં પહોંચ્યા. જોકે, વધુ જોખમી મુસાફરી તો હવે શરૂ થવાની હતી. ઉત્તર દિશામાં જવા માટે તેમણે ટ્રકમાં બેસીને સહારા રણમાંથી પસાર થવાનું હતું. ભૂમધ્ય સમુદ્ર પાસે પહોંચ્યા પછી તે હોડીમાં બેસીને યુરોપ તરફ નીકળવાના હતા. એ તેમની યોજના હતી. પરંતુ, બે બાબતોને લીધે તે નાઇજરમાં જ અટકી પડ્યા.

તેમના પૈસા ખલાસ થઈ ગયા અને તેમની મુલાકાત નોઆ નામના પાયોનિયર ભાઈ સાથે થઈ. ભાઈએ તેમની સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. પાસકલ જે શીખ્યા એનાથી તેમના વિચારો બદલાઈ ગયા. તેમનો ધ્યેય બદલાઈને ઈશ્વરની ભક્તિ તરફ વળ્યો. ડિસેમ્બર ૧૯૯૯માં તેમણે બાપ્તિસ્મા લીધું. યહોવાનો આભાર માનવા સાલ ૨૦૦૧માં પાસકલે નાઇજરમાં પાયોનિયરીંગ શરૂ કર્યું. આ એ જ જગ્યા છે, જ્યાં તેમને સત્ય મળ્યું હતું. એ સેવા વિશે તેમને કેવું લાગે છે? તે ઉત્સાહથી જણાવે છે, ‘જીવનમાં મને સૌથી સારો લહાવો મળ્યો છે, જેને હું પૂરેપૂરો માણું છું!’

વધુ સંતોષ અને ખુશી મળ્યાં

એના-રાકેલ

પાસકલની જેમ ઘણાં ભાઈ-બહેનોને ભક્તિમાં વધુ કરવાથી સંતોષ મળ્યો છે. એવા ધ્યેયો પૂરા કરવા અમુક લોકો યુરોપ છોડીને આફ્રિકાના એવા વિસ્તારમાં ગયા છે જ્યાં પ્રચારકોની વધુ જરૂર છે. યુરોપમાંથી આશરે ૬૫ સાક્ષીઓ જેઓ ૧૭થી ૭૦ વર્ષના છે, તેઓ વધુ જરૂર છે એવા વિસ્તારોમાં ગયા છે. જેમ કે, પશ્ચિમ આફ્રિકાના બેનિન, બુર્કિના ફાસો, નાઇજર અને ટોગો જેવા દેશો. * તેઓને આટલું મોટું પગલું ભરવા ક્યાંથી ઉત્તેજન મળ્યું? અને એમ કરવાથી તેઓને કેવાં ફળ મળ્યાં?

ડેનમાર્કના બહેન એના-રાકેલ જણાવે છે, ‘મારાં માબાપ સેનેગલમાં મિશનરી તરીકે સેવા આપતાં હતાં. એ જીવન વિશે તેઓ હંમેશાં ઉત્તેજન આપતી વાતો કરતા હતાં. તેથી, હું પણ એવું જીવન ઇચ્છતી હતી.’ આશરે પંદર વર્ષ પહેલાં એના-રાકેલ જ્યારે વીસેક વર્ષનાં હતાં ત્યારે તે ટોગો ગયાં. ત્યાં તે સાઇન લેંગ્વેજ મંડળમાં સેવા આપે છે. એનાથી બીજાઓને કઈ રીતે ઉત્તેજન મળ્યું? તે જણાવે છે: ‘થોડા સમય પછી ટોગોમાં સેવા કરવા મારી સાથે મારાં નાનાં ભાઈ અને બહેન પણ જોડાયાં.’

આલ્બરફાએટ અને ઔરેલ

ફ્રાંસના પરિણીત ભાઈ ઔરેલ ૭૦ વર્ષના છે. તે જણાવે છે, ‘પાંચ વર્ષ પહેલાં હું નિવૃત્ત થયો ત્યારે મારી સામે બે રસ્તા હતા. એક, ફ્રાંસમાં રહીને શાંતિથી જીવન ગુજારી નવી દુનિયાની રાહ જોઉં. બીજો, મારું સેવાકાર્ય વધારું.’ ભાઈએ બીજો રસ્તો પસંદ કર્યો. ભાઈ પોતાની પત્ની આલ્બરફાએટ સાથે ત્રણ વર્ષ પહેલાં બેનિનમાં રહેવા ગયાં હતાં. ભાઈ ખુશીથી જણાવે છે, ‘અહીં આવીને યહોવાની સેવા કરવી, એ અમારો સૌથી સારો નિર્ણય હતો. દરિયા કિનારે આવેલો અમારો સુંદર પ્રચાર વિસ્તાર, નવી દુનિયાની ઝલક આપે છે.’

ક્લોડોમેર અને તેમનાં પત્ની લીસીઆના ૧૬ વર્ષ પહેલાં ફ્રાંસથી બેનિન રહેવાં ગયાં હતાં. શરૂઆતમાં તેઓને ફ્રાંસમાંના પોતાનાં કુટુંબીજનો અને મિત્રોની ખૂબ યાદ આવતી. યુગલને લાગતું કે નવી જગ્યામાં રહેવું અઘરું પડશે. પરંતુ, તેઓનો ડર ખોટો પડ્યો. તેઓને ત્યાં ઘણો આનંદ મળ્યો. ભાઈ જણાવે છે, ‘અમને આ ૧૬ વર્ષોમાં લગભગ દર વર્ષે એક વ્યક્તિને સત્યમાં લાવવાનો લહાવો મળ્યો છે.’

જેઓને સત્ય શીખવા મદદ કરી તેઓ સાથે ભાઈ ક્લોડોમેર અને લીસીઆના

જોઆન્ના અને સેબસ્તીયન

સેબસ્તીયન અને જોઆન્ના નામનું ફ્રાંસનું એક યુગલ ૨૦૧૦માં બેનિન રહેવા ગયું. ભાઈ સેબસ્તીયન કહે છે, ‘અહીંયા મંડળમાં ઘણાં કામો હોવાથી અમને ઓછા સમયમાં ઘણું શીખવા મળે છે.’ પ્રચારમાં તેઓને કેવા અનુભવો થાય છે, એ વિશે જણાવતાં બહેન જોઆન્ના કહે છે: ‘લોકોને સત્યની ખૂબ તરસ છે. અમે પ્રચારમાં ન હોઈએ ત્યારે પણ લોકો આવીને બાઇબલને લગતા સવાલો પૂછે છે અને સાહિત્ય માંગે છે.’ બેનિન જઈને રહેવાથી તેઓના લગ્નજીવન પર કેવી અસર થઈ છે? ભાઈ જણાવે છે: ‘અમારું લગ્નજીવન હવે વધુ મજબૂત થયું છે. અમે આખો દિવસ પ્રચારમાં સાથે વિતાવવાનો આનંદ માણીએ છીએ.’

એરીક તેમની પત્ની કેટી સાથે બેનિનના ઉત્તરી ભાગમાં ઓછી વસ્તીવાળા વિસ્તારમાં પાયોનિયર તરીકે સેવા આપે છે. આશરે ૧૦ વર્ષ પહેલાં તેઓ ફ્રાંસમાં હતાં ત્યારે એવા લેખો વાંચતાં, જેમાં વધુ જરૂર હોય એવી જગ્યાએ જઈને સેવા આપવાનું ઉત્તેજન મળતું. તેઓ પૂરા સમયની સેવા કરનારાં ભાઈ-બહેનો સાથે પણ એ વિશે વાતચીત કરતા. એમ કરવાથી તેઓને બીજા દેશમાં જઈને સેવા આપવાની ઇચ્છા જાગી. અને તેઓએ ૨૦૦૫માં એ પ્રમાણે કર્યું. તેઓ એ વિસ્તારમાં ઘણી પ્રગતિ જોઈ શક્યાં છે. ભાઈ એરીક કહે છે: ‘બે વર્ષ પહેલાં તંગીટા શહેરમાં અમારા ગ્રૂપમાં ફક્ત ૯ પ્રકાશકો હતા, આજે ૩૦ પ્રકાશકો છે. રવિવારની સભામાં ૫૦થી ૮૦ લોકોની હાજરી હોય છે. આટલી મોટી પ્રગતિ જોવાનો આનંદ અનેરો છે!’

કેટી અને એરીક

પડકારો પારખીને જીત મેળવો

બેન્જામીન

વધુ જરૂર હોય ત્યાં સેવા આપવામાં અમુકે કયા પડકારોનો સામનો કર્યો છે? ચાલો, એના-રાકેલના ૩૩ વર્ષના ભાઈ બેન્જામીનનો વિચાર કરીએ. સાલ ૨૦૦૦માં ડેનમાર્કમાં તે એક મિશનરી ભાઈને મળ્યા, જે ટોગોમાં સેવા આપતા હતા. બેન્જામીન કહે છે, ‘મેં મિશનરી ભાઈને પાયોનિયર બનવાની મારી ઇચ્છા જણાવી ત્યારે, તેમણે સલાહ આપી કે મારે ટોગો જઈને પાયોનિયરીંગ કરવું જોઈએ.’ બેન્જામીને એ વિશે વિચાર કર્યો. તે કહે છે: ‘એ સમયે હું ૨૦ વર્ષનો પણ ન હતો. જોકે, મારી બે બહેનો ટોગોમાં જ પાયોનિયરીંગ કરી રહી હતી. તેથી, મને ત્યાં જઈને સેવા આપવામાં કોઈ મુશ્કેલી દેખાઈ નહિ.’ ભાઈ ત્યાં ગયા ત્યારે તેમની સામે એક પડકાર તો હતો. બેન્જામીન જણાવે છે કે ‘હું ફ્રેંચનો એક શબ્દ પણ જાણતો ન હતો. પહેલાં છ મહિના ઘણા અઘરા હતા કારણ કે હું કોઈની સાથે ખાસ કંઈ વાત કરી શક્યો નહિ.’ સમય જતાં ભાઈએ એ બાબતમાં ઘણી પ્રગતિ કરી. આજે ભાઈ બેનિન બેથેલમાં કૉમ્પ્યુટર વિભાગમાં અને સાહિત્ય પહોંચાડવાનું કામ કરે છે.

મેરી-એંજસ અને મિશેલ

આપણે ભાઈ એરીક અને બહેન કેટી વિશે અગાઉ જોઈ ગયા. તેઓ બેનિન ગયાં એ પહેલાં ફ્રાંસમાં બીજી ભાષા બોલતા વિસ્તારમાં કામ કરતા હતાં. તેઓ માટે પશ્ચિમ આફ્રિકા કઈ રીતે અલગ હતું? બહેન કેટી જણાવે છે, ‘રહેવા માટે સારી જગ્યા શોધવી ઘણું અઘરું પડ્યું. મહિનાઓ સુધી અમે એવા ઘરમાં રહ્યાં જ્યાં વીજળી અને પાણીની કોઈ વ્યવસ્થા ન હતી.’ ભાઈ એરીક કહે છે: ‘મોડી રાત સુધી પડોશીઓ મોટા અવાજે ગીતો વગાડતાં. એવા સમયે ધીરજ રાખવા અને એવી બાબતો સહેવા તૈયાર રહેવું પડે.’ તેઓ બંને જણાવે છે: ‘જે વિસ્તારમાં કોઈએ ક્યારેય પ્રચાર કર્યો નથી ત્યાં કામ કરવાનો આનંદ અજોડ છે. એની સરખામણીમાં કોઈ પણ મુશ્કેલી સહેવી કંઈ જ નથી.’

મિશેલ અને મેરી-એંજસ ફ્રાંસનું યુગલ છે. તેઓ આશરે ૫૮ વર્ષનાં છે. પાંચ વર્ષ પહેલાં બેનિન રહેવાં ગયાં એ અગાઉ તેઓને અમુક ચિંતાઓ હતી. મિશેલ કહે છે, ‘કેટલાક લોકોને લાગતું કે અમારું ત્યાં રહેવા જવું જોખમી છે. યહોવા અમને મદદ કરે છે એવો વિશ્વાસ જો ન હોત, તો અમે પણ કદાચ એવું માની લેત. જ્યારે કે, અમે તો યહોવા માટે ત્યાં ગયાં, જેમાં તેમનો પૂરો સાથ હતો.’

કઈ રીતે તૈયારી કરશો

જરૂર વધારે છે ત્યાં સેવા આપવાનો ઘણાં ભાઈ-બહેનોને અનુભવ છે. તેઓ ભાર આપતાં જણાવે છે કે એ સેવા માટે તૈયાર થવા આવાં પગલાં ભરવાં જોઈએ. જેમ કે, અગાઉથી તૈયારી કરવી, સંજોગો અનુસાર ફેરફાર કરવા, નક્કી કર્યાં હોય એ કરતાં વધારે પૈસા ન ખર્ચવા અને યહોવા પર આધાર રાખવો.—લુક ૧૪:૨૮-૩૦.

અગાઉ જેમના વિશે જોઈ ગયા તે સેબસ્તીયન કહે છે: ‘મેં અને જોઆન્નાએ જરૂર વધુ છે ત્યાં જતાં પહેલાં, બે વર્ષ સુધી બચત કરી. એના માટે અમે મનોરંજનના અને બીજા ખર્ચા ઓછા કર્યા.’ જરૂર વધુ છે ત્યાં સેવા આપતાં રહી શકે માટે યુગલ દર વર્ષે અમુક મહિના યુરોપમાં કામ કરતું, જેથી વર્ષનો બાકીનો સમય બેનિનમાં પાયોનિયરીંગ કરી શકે.

મેરી-ટેરેઝ

પશ્ચિમ આફ્રિકામાં જ્યાં જરૂર વધારે છે ત્યાં આશરે ૨૦ કુંવારી બહેનો પરદેશથી આવીને સેવા આપે છે. બહેન મેરી-ટેરેઝ એમાંના એક છે. તે ફ્રાંસમાં બસ ડ્રાઇવર છે. ૨૦૦૬માં તે એક વર્ષની રજા લઈને પાયોનિયરીંગ કરવાં નાઇજર ગયાં. થોડા જ સમયમાં તેમને લાગ્યું કે તે એવું જ જીવન જીવવા માંગે છે. બહેન મેરી-ટેરેઝ કહે છે: ‘ફ્રાંસ પાછા આવ્યા પછી મેં મારા માલિકને મારા કામના સમયમાં ફેરફાર કરવાની ઇચ્છા જણાવી. તે એ ફેરફાર કરી આપવા રાજી હતા. હવે હું ફ્રાંસમાં મે મહિનાથી ઑગસ્ટ સુધી બસ ચલાવવાનું કામ કરું છું અને સપ્ટેમ્બરથી એપ્રિલ, નાઇજરમાં પાયોનિયરીંગ કરું છું.’

સફીરા

જેઓ ‘પહેલાં તેમના રાજ્યને શોધે’ છે, તેઓ ભરોસો રાખી શકે કે યહોવા ‘એ બધાં વાના’ એટલે કે, બધી જરૂરી બાબતો પણ તેઓને આપશે. (માથ. ૬:૩૩) દાખલા તરીકે, ફ્રાંસના કુંવારા બહેન સફીરાનો વિચાર કરો. તે આશરે ૨૮ વર્ષનાં છે અને બેનિનમાં પાયોનિયરીંગ કરે છે. સાલ ૨૦૧૧માં તે ફ્રાંસમાં પાછાં નોકરી કરવાં આવ્યાં, જેથી એ વર્ષે (તેમનાં છઠ્ઠા વર્ષે) આફ્રિકામાં સહેલાઈથી તે પાયોનિયરીંગ કરી શકે. બહેન સફીરા જણાવે છે: ‘એ દિવસ શુક્રવારનો હતો અને મારી નોકરીનો છેલ્લો દિવસ હતો. પરંતુ, મને બીજા દસ દિવસના પગારની જરૂર હતી, જેથી હું વર્ષના બાકીના મહિના સહેલાઈથી પાયોનિયરીંગ કરી શકું. મારે હજુ ફ્રાંસમાં બે અઠવાડિયા રહેવાનું હતું. તેથી મેં યહોવાને પ્રાર્થના કરીને મારી પરિસ્થિતિ જણાવી. થોડા જ સમયમાં, મને રોજગાર સંસ્થા તરફથી ફોન આવ્યો કે, શું હું ફક્ત બે અઠવાડિયા માટે કોઈકની જગ્યાએ કામ કરી શકું.’ સોમવારે બહેન સફીરા નોકરીના સ્થળે ગયાં. ત્યાં જે બહેનના બદલામાં તે કામ કરવાનાં હતાં તેમની પાસે તાલીમ લેવા ગયાં. સફીરા જણાવે છે: ‘મને જાણીને એટલી નવાઈ લાગી કે, એ બહેન પણ યહોવાના સાક્ષી હતાં અને તેમને પાયોનિયર સ્કૂલમાં જવા માટે દસ દિવસની રજા જોઈતી હતી. પરંતુ, જ્યાં સુધી તેમનાં બદલે કોઈ બીજું કામે ન આવે ત્યાં સુધી તેમને રજા આપવાની માલીકે ના પાડી હતી. બહેને પણ મારી જેમ યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગી હતી.’

સાચો સંતોષ આપતું કામ

અમુક ભાઈ-બહેનો સેવા આપી શકે માટે પશ્ચિમ આફ્રિકા આવ્યાં અને ત્યાં જ વસી ગયાં છે. બીજા અમુકે થોડાંક વર્ષો ત્યાં રહીને સેવા આપી અને પછી પોતાના દેશમાં પાછાં જતાં રહ્યાં છે. જ્યાં જરૂર વધારે છે, ત્યાં વર્ષો સુધી સેવા આપવાથી આજે પણ તેઓને એનો ફાયદો થાય છે. તેઓ શીખી શક્યા કે યહોવાની સેવા કરવાથી જ જીવનમાં સાચો સંતોષ મળે છે.

^ ફકરો. 6 બેનિનમાંની શાખા ફ્રેંચ બોલતા ચારેય દેશોની દેખરેખ રાખે છે.