સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બહિષ્કૃત કરવું—એક પ્રેમાળ ગોઠવણ

બહિષ્કૃત કરવું—એક પ્રેમાળ ગોઠવણ

‘મારા દીકરાને બહિષ્કૃત કરવામાં આવ્યો છે, એ જાહેરાત સાંભળતાની સાથે જ મારી દુનિયા હચમચી ગઈ.’ એ શબ્દો આપણા ભાઈ જુલિયનના છે. ભાઈ આગળ જણાવે છે કે, ‘તે મારો મોટો દીકરો હતો અને મને ખૂબ વહાલો હતો. અમે એકબીજાની ખૂબ નજીક હતા અને ઘણાં કામ સાથે કરતા. તેણે મારાં બીજાં બાળકો માટે સારું ઉદાહરણ બેસાડ્યું હતું. પણ અચાનક તે ખરાબ રીતે વર્તવા લાગ્યો, જે ચલાવી લેવાય એવું ન હતું. તે બહિષ્કૃત કરાયો એના લીધે મારી પત્ની દુઃખમાં ડૂબી ગઈ. તેને દિલાસો આપવા શું કહું એની મને ખબર જ પડતી ન હતી. અમને વારંવાર થતું કે માબાપ તરીકે શું અમે નિષ્ફળ ગયાં છીએ!’

જો બહિષ્કૃત કરવાથી એટલું બધું દુઃખ થતું હોય, તો પછી શાના આધારે કહી શકાય કે એ એક પ્રેમાળ ગોઠવણ છે? બહિષ્કૃત કરવાનાં બાઇબલ આધારિત કારણો કયાં છે? વ્યક્તિને શા માટે બહિષ્કૃત કરવામાં આવે છે?

બહિષ્કૃત કરવા તરફ લઈ જતાં બે કારણો

બે કારણો સાથે બને ત્યારે બાપ્તિસ્મા પામેલી વ્યક્તિને બહિષ્કૃત કરવામાં આવે છે. એક તો, એ વ્યક્તિ જ્યારે કોઈ ગંભીર પાપ કરે. અને બીજું, તે એ પાપ માટે પસ્તાવો ન કરે.

યહોવા પોતાના ભક્તો પાસેથી ચાહે છે કે તેઓ પવિત્ર રહે. પરંતુ, તે એ પણ જાણે છે કે આપણે અપૂર્ણ છીએ. યહોવા આગ્રહપૂર્વક જણાવે છે કે, આપણે આવાં ગંભીર પાપથી દૂર રહીએ. જેમ કે, જાતીય અનૈતિકતા, મૂર્તિપૂજા, ચોરી, જુલમથી પૈસા પડાવવા, ખૂન અને જાદુમંતર.—૧ કોરીં. ૬:૯, ૧૦; પ્રકટી. ૨૧:૮.

શું તમને નથી લાગતું કે યહોવાનાં શુદ્ધ અને ઉચ્ચ ધોરણો વાજબી છે અને તેમના ભક્તોનું રક્ષણ કરે છે? શાંતિપ્રિય, સારું આચરણ કરનાર અને ભરોસાપાત્ર લોકો મધ્યે રહેવાનું કોને ન ગમે? એવો માહોલ આપણને મંડળનાં ભાઈ-બહેનો વચ્ચે જોવા મળે છે. કેટલું સારું છે કે આપણે ઈશ્વરને સમર્પણ કરતીા વખતે બાઇબલનાં ધોરણો પ્રમાણે જીવવાનું વચન આપ્યું છે!

પરંતુ, બાપ્તિસ્મા પામેલા કોઈ પ્રકાશક ગંભીર પાપ કરી બેસે ત્યારે શું? પ્રાચીન સમયમાં યહોવાના અમુક ભક્તોએ પણ કેટલાક ગંભીર પાપ કર્યાં હતાં, તોપણ ઈશ્વરે તેઓને સાવ તરછોડી દીધા નહિ. એનું એક જાણીતું ઉદાહરણ દાઊદનું છે. દાઊદે વ્યભિચાર અને ખૂન જેવાં ગંભીર પાપ કર્યાં હતાં. છતાં, પ્રબોધક નાથાન તેમને જણાવે છે, ‘યહોવાએ તારું પાપ માફ કર્યું છે.’—૨ શમૂ. ૧૨:૧૩.

દાઊદે દિલથી કરેલા પસ્તાવાને લીધે ઈશ્વરે તેમને માફ કર્યા. (ગીત. ૩૨:૧-૫) એવી જ રીતે, આજના સમયમાં પણ યહોવા માફી આપે છે. પરંતુ, જો વ્યક્તિ ખરો પસ્તાવો ન બતાવે અથવા ખોટાં કામ કરતી રહે, તો તેને બહિષ્કૃત કરવામાં આવે છે. (પ્રે.કૃ. ૩:૧૯; ૨૬:૨૦) એ વ્યક્તિ ન્યાય સમિતિના વડીલો સામે ખરો પસ્તાવો વ્યક્ત ન કરે ત્યારે, તેઓએ તેને બહિષ્કૃત કરવી પડે છે.

ખોટું કરનાર વ્યક્તિને બહિષ્કૃત કરવામાં આવે ત્યારે, કદાચ આપણને એ નિર્ણય વધુ પડતો કડક અથવા આઘાતજનક લાગે. એવું ખાસ ત્યારે થાય જ્યારે એ વ્યક્તિ સાથે આપણો નજીકનો સંબંધ હોય. પરંતુ, બાઇબલમાં આપણને એવાં કારણો જોવાં મળે છે, જે બતાવે છે કે એ તો પ્રેમાળ નિર્ણય છે.

બહિષ્કૃત કરવું કઈ રીતે બધાના ભલામાં છે

ઈસુએ ધ્યાન દોર્યું કે ‘જ્ઞાન પોતાનાં કાર્યોથી ન્યાયી ઠરે છે.’ (માથ. ૧૧:૧૯) પસ્તાવો ન કરનારને બહિષ્કૃત કરવાના નિર્ણયમાં સમજદારી છે. કેમ કે એનાથી સારાં પરિણામો મળે છે. ચાલો, એમાંનાં ત્રણ પરિણામોનો વિચાર કરીએ:

ખોટું કરનારને બહિષ્કૃત કરવાથી યહોવાના નામને મહિમા મળે છે. આપણે યહોવાના નામ સાથે જોડાયેલા હોવાથી, આપણાં વાણી-વર્તનને લીધે તેમના નામ પર સારી કે ખરાબ અસર થઈ શકે. (યશા. ૪૩:૧૦) દાખલા તરીકે, એક દીકરાનું વર્તન તેનાં માબાપને માન અપાવી શકે અથવા તેઓ પર નામોશી લાવી શકે. એ જ પ્રમાણે, લોકો મધ્યે યહોવાના ભક્તો જેવો દાખલો બેસાડશે એવી અસર યહોવાના નામ પર થશે. યહોવાના લોકો જ્યારે તેમનાં ધોરણો જીવનમાં લાગુ પાડે છે, ત્યારે તેમના નામને મહિમા મળે છે. એવી જ પરિસ્થિતિ હઝકીએલના સમયમાં પણ હતી. એ સમયે બીજી જાતિના લોકો યહોવાનું નામ યહુદીઓ સાથે જોડતા હતા.—હઝકી. ૩૬:૧૯-૨૩.

આપણે અનૈતિક કામો કરતા રહીશું તો યહોવાનું નામ બદનામ થશે. પ્રેરિત પીતરે ખ્રિસ્તીઓને સલાહ આપી: ‘આજ્ઞાંકિત છોકરાં જેવા થાઓ અને તમારી પહેલાંની અજ્ઞાન અવસ્થામાં રાખેલી દુર્વાસના પ્રમાણે ન વર્તો. પણ જેમણે તમને તેડ્યા છે, તે જેવા પવિત્ર છે તેવા તમે પણ સર્વ પ્રકારનાં આચરણમાં પવિત્ર થાઓ. કેમ કે લખેલું છે કે હું પવિત્ર છું, માટે તમે પવિત્ર થાઓ.’ (૧ પીત. ૧:૧૪-૧૬) શુદ્ધ અને પવિત્ર આચરણથી યહોવાને મહિમા મળે છે.

યહોવાનો કોઈ ભક્ત જો ખોટાં કામ કરતો હશે તો સ્વાભાવિક છે કે તેનાં મિત્રો અને ઓળખીતાઓને એની જાણ થશે. બહિષ્કૃત કરવાનું પગલું ભરવાથી દેખાઈ આવે છે કે યહોવાના લોકો શુદ્ધ છે. તેઓ શુદ્ધતા જાળવી રાખવા બાઇબલનાં નીતિ-નિયમોને વળગી રહે છે. સ્વિટ્ઝરલૅન્ડના એક રાજ્યગૃહમાં એક અજાણ્યો માણસ આવ્યો. તેણે કહ્યું કે તે પણ મંડળનો સભ્ય બનવા માંગે છે. તેની બહેનને ખોટાં કામ કરવાને લીધે બહિષ્કૃત કરવામાં આવી હતી. એ માણસે જણાવ્યું કે તે પણ એવા સંગઠનમાં જોડાવવા માંગે છે જે ‘ખોટું આચરણ ચલાવી લેતું નથી.’

બહિષ્કૃત કરવાથી યહોવાના મંડળની શુદ્ધતાનું રક્ષણ થાય છે. પ્રેરિત પાઊલે કોરીંથનાં ભાઈ-બહેનોને એવા લોકોથી દૂર રહેવા ચેતવ્યાં, જેઓ જાણીજોઈને પાપ કરતા હોય. કેમ કે, તેઓની સંગત જોખમી હતી. તેમણે ખરાબ લોકોની સંગતને ખમીર સાથે સરખાવી, જે લોટના આખા લોંદાને અસર કરે છે. તેમણે કહ્યું, “થોડું ખમીર આખા લોંદાને ફુલાવે છે.” પછી તેમણે સલાહ આપી કે, ‘તમે તમારામાંથી એ દુષ્ટ વ્યક્તિને દૂર કરો.’—૧ કોરીં. ૫:૬, ૧૧-૧૩.

પાઊલે જણાવેલી ‘એ દુષ્ટ વ્યક્તિ’ જાણીજોઈને ઘોર પાપ કરતી હતી. તેઓના મંડળના અમુક સભ્યોએ એ વ્યક્તિનું એવું વલણ ચલાવી લેવાનો પ્રયત્ન પણ કર્યો. (૧ કોરીં. ૫:૧, ૨) જો એવું ઘોર પાપ ચલાવી લેવામાં આવત, તો ખ્રિસ્તીઓ પર એની ખરાબ અસર પડી હોત. તેઓ જે ભ્રષ્ટ શહેરમાં હતા એના પાપી રિવાજો તરફ તેઓ ઢળ્યા હોત. જાણીજોઈને કરેલાં પાપ તરફ આંખ આડા કાન કરવાથી, ઈશ્વરનાં ધોરણો પ્રત્યે બેદરકારીનું વલણ આવી શકે. (સભા. ૮:૧૧) વધુમાં, પસ્તાવો ન કરનાર પાપીઓ “પાણીમાં સંતાયેલા જોખમી ખડકો જેવાં” છે, જે ભાઈ-બહેનોની શ્રદ્ધાના વહાણને ભાંગી શકે.—યહુ. ૪, ૧૨, NW.

બહિષ્કૃત કરવાથી વ્યક્તિને પોતાના ખોટા વલણનું ભાન થઈ શકે છે. ઈસુએ એક વાર એક યુવાન વિશે જણાવ્યું, જે પોતાના પિતાનું ઘર છોડીને જતો રહે છે અને પોતાના ભાગની સંપત્તિ ખરાબ કામોમાં ઉડાવી દે છે. પોતાના પિતાના ઘરથી દૂર થયા પછી, ઘણાં દુઃખો સહ્યા બાદ એ ઉડાઉ દીકરાને ખ્યાલ આવે છે કે જગતનું જીવન સાવ ખોખલું અને નિર્દયી છે. છેવટે, દીકરાને ભાન થાય છે, તે પસ્તાવો કરે છે અને પોતાના કુટુંબમાં પાછો આવવા પહેલ કરે છે. (લુક ૧૫:૧૧-૨૪) એ દીકરાનું હૃદય પરિવર્તન જોઈને તેના પિતાની ખુશીનો પાર રહેતો નથી. ઈસુએ જણાવેલ એ પિતાની લાગણી આપણને યહોવા પિતાની લાગણી સમજવા મદદ કરે છે. યહોવા આપણને આ ખાતરી આપે છે: “મારા જીવના સમ કે દુષ્ટ માણસના મોતથી મને કંઈ આનંદ થતો નથી, પણ દુષ્ટ પોતાનાં દુરાચરણથી ફરે અને જીવતો રહે એમાં મને આનંદ થાય છે.”—હઝકી. ૩૩:૧૧.

એવી જ રીતે, બહિષ્કૃત કરાયેલી વ્યક્તિ, હવે કુટુંબ જેવા મંડળની ભાગ રહેતી નથી. એના લીધે તેને ભાન થાય છે કે તેણે શું ગુમાવ્યું છે. તે પોતાનાં ખોટાં કામોનાં ખરાબ પરિણામો ભોગવે છે. એનાથી એ વ્યક્તિને એ ખુશહાલ દિવસો યાદ આવે છે, જ્યારે તે યહોવા અને તેમના લોકો સાથેના સારા સંબંધનો આનંદ માણતી હતી. પરિણામે, તેને ભાન થાય છે કે પોતે જે કર્યું એ ખોટું હતું.

એવી વ્યક્તિને સારા માર્ગે પાછી વાળવા પ્રેમ બતાવવાની સાથે સાથે કડક પગલાં લેવાની જરૂર પડી શકે. રાજા દાઊદે લખ્યું: ‘ન્યાયી માણસ મને ફટકા મારે તો એ હું કૃપા સમજીશ. તે મને ઠપકો દે, તો એ મારા માથા પર ચોળેલા તેલ જેવો થશે.’ (ગીત. ૧૪૧:૫) એ સમજવા એક દાખલો લઈએ: જમતાં જમતાં એક વ્યક્તિના ગળામાં ખાવાનું ફસાઈ જાય છે અને તેનો શ્વાસ રૂંધાવા લાગે છે. તે બોલી પણ શકતી નથી. જો તેને તરત કોઈ મદદ નહિ કરે તો તેનો જીવ જોખમમાં આવી શકે. તેથી, તેનો એક મિત્ર મદદે આવતા એ વ્યક્તિની પીઠ પર જોરથી થાપટો મારે છે. એ થાપટો વ્યક્તિને થોડી-ઘણી વાગશે, પણ એનાથી તેનો જીવ બચી શકે છે. દાઊદે પણ પારખ્યું કે, તેમના ભલા માટે ન્યાયી વ્યક્તિ જો શિસ્ત આપે તો એ જરૂરી છે. પછી ભલે, એ થોડી કડક કેમ ન હોય!

બહિષ્કૃત કરવાથી ઘણા કિસ્સામાં જોવા મળ્યું છે કે, ભૂલ કરનાર વ્યક્તિને જરૂરી શિસ્ત મળી છે. આપણે શરૂઆતમાં જુલિયન ભાઈના દીકરા વિશે વાત કરી ગયા. આશરે દસ વર્ષ પછી તેણે પોતાનું જીવન શુદ્ધ કર્યું અને મંડળમાં પાછો ફર્યો. હવે, તે વડીલ તરીકે સેવા આપે છે. તે જણાવે છે, ‘બહિષ્કૃત કરવામાં આવ્યો એ પછી હું મારી જીવનઢબનાં ખરાબ પરિણામો જોઈ શક્યો. ખરેખર, મને એવી શિસ્તની જરૂર હતી!’—હિબ્રૂ ૧૨:૭-૧૧.

બહિષ્કૃત વ્યક્તિ સાથે વર્તવાની પ્રેમાળ રીત

ખરું કે, વ્યક્તિ બહિષ્કૃત થાય ત્યારે એ વ્યક્તિ અને મંડળ બંને માટે દુઃખની વાત છે. પરંતુ, એ એટલી મોટી સમસ્યા નથી, જેને નિવારી ન શકાય. બહિષ્કૃત કરવા પાછળ રહેલો હેતુ પૂરો થાય માટે આપણે દરેકે પોતાનો ભાગ ભજવવાનો છે.

પસ્તાવો બતાવનારને યહોવા તરફ પાછી વાળવા પ્રયત્નો કરવામાં આવે છે

વડીલોની જવાબદારી છે કે તેઓ બહિષ્કૃત કરવાના દુઃખદ નિર્ણય વિશે વ્યક્તિને જણાવે. એવા સમયે તેઓ વાણી-વર્તનથી યહોવાનો પ્રેમ બતાવવાનો પૂરો પ્રયત્ન કરે છે. એ નિર્ણય જણાવતી વખતે, વડીલોએ તેને નમ્રભાવે અને સ્પષ્ટ રીતે જણાવવું જોઈએ કે મંડળમાં પાછા આવવા માટે તેણે કયાં પગલાં લેવાં પડશે. બહિષ્કૃત થયેલી વ્યક્તિઓની વડીલો સમયે સમયે મુલાકાત લેતા હોય છે. જો એ વ્યક્તિ બદલાણના અણસાર બતાવે તો વડીલો તેને યાદ અપાવે છે કે યહોવા તરફ પાછી ફરવા તેણે શું કરવું જોઈએ. *

કુટુંબના સભ્યો પણ એ નિર્ણયને વળગી રહીને મંડળ અને બહિષ્કૃત વ્યક્તિ માટે પ્રેમ બતાવે છે. ભાઈ જુલિયન જણાવે છે, ‘તે હજીયે મારો દીકરો હતો, પણ તેની જીવનઢબે અમારી વચ્ચે દીવાલ ઊભી કરી દીધી હતી.’

મંડળમાં બધાં જ ભાઈ-બહેનો એ બહિષ્કૃત વ્યક્તિ સાથે કોઈ પણ જાતનો વાતચીત-વ્યવહાર ન રાખીને પ્રેમ બતાવશે. (૧ કોરીં. ૫:૧૧; ૨ યોહા. ૧૦, ૧૧) આમ, વડીલો દ્વારા યહોવાએ આપેલી શિસ્તને તેઓ વધુ અસરકારક બનાવશે. જોકે, તેઓ એ વ્યક્તિના કુટુંબને વધુ પ્રેમ અને સહકાર આપવાનું ચૂકશે નહિ. કારણે કે તેઓને એ બનાવનું દુઃખ હશે. તેઓને એવો અહેસાસ ન થાય કે તેઓ પણ મંડળની સંગતથી દૂર કરાયા છે, માટે ભાઈ-બહેનો તેઓનું ખાસ ધ્યાન રાખશે.—રોમ. ૧૨:૧૩, ૧૫.

ભાઈ જુલિયન જણાવે છે, ‘બહિષ્કૃત કરવાની ગોઠવણની આપણને જરૂર છે. કેમ કે, એ આપણને યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવા મદદ કરે છે. ભલે દુઃખ થાય, પણ સમય જતાં એના સારાં પરિણામો આવે છે. જો મેં મારા દીકરાનું ખરાબ વર્તન ચલાવી લીધું હોત, તો તે ક્યારેય એને સુધારી શક્યો ન હોત.’

^ ફકરો. 24 ફેબ્રુઆરી ૧, ૧૯૯૨ના ચોકીબુરજમાં પાન ૧૭-૧૯ જુઓ.