સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વડીલો—તમને ભાઈઓને તાલીમ આપવા વિશે કેવું લાગે છે?

વડીલો—તમને ભાઈઓને તાલીમ આપવા વિશે કેવું લાગે છે?

“દરેક પ્રયોજનને માટે વખત હોય છે.”—સભા. ૩:૧.

૧, ૨. સરકીટ નિરીક્ષકોને ઘણાં મંડળોમાં શું જોવા મળ્યું છે?

એક સરકીટ નિરીક્ષક, વડીલો જોડે પોતાની સભા પૂરી કરવાની તૈયારીમાં છે. તે ભાઈઓ સામે જુએ છે અને તેમના દિલમાં એ મહેનતું ભાઈઓ માટે ઊંડી કદર જાગે છે. કેમ કે, તેઓમાં અમુક તો તેમના પિતાની ઉંમરના છે. તોપણ એક મહત્ત્વનો મુદ્દો છે, જેની હજી તેમને ચિંતા થઈ રહી છે. તે ભાઈઓને પૂછે છે: “મંડળમાં વધુ જવાબદારી ઉપાડી શકે માટે બીજા ભાઈઓને તાલીમ આપવા તમે શું કર્યું છે?” વડીલોને યાદ છે કે છેલ્લી મુલાકાત દરમિયાન નિરીક્ષકે તેઓને એ બાબતે ઉત્તેજન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે બીજા ભાઈઓને તાલીમ આપવામાં તેઓ વધુ સમય આપે. તેથી, એક વડીલ સ્વીકારતા કહે છે: “એ વિશે અમે ખાસ કંઈ કર્યું નથી.” બધા જ વડીલો તેમની સાથે સહમત થાય છે.

તમે પણ એક વડીલ હો તો કદાચ તમારો જવાબ પણ એવો હશે. સરકીટ નિરીક્ષકોને જોવા મળ્યું છે કે મંડળમાં યુવાન અથવા મોટી ઉંમરના ભાઈઓને તાલીમ આપવામાં ઘણા વડીલોએ વધુ સમય આપવાની જરૂર છે. જોકે, એમ કરવું કદાચ સહેલું ન હોય. શા માટે?

૩. (ક) બાઇબલ કઈ રીતે બતાવે છે કે બીજાઓને તાલીમ આપવી બહુ જરૂરી છે? શા માટે એ તાલીમમાં આપણે બધાએ રસ લેવો જોઈએ? (ફૂટનોટ જુઓ.) (ખ) અમુક વડીલો માટે બીજાઓને તાલીમ આપવી શા માટે સહેલી નથી હોતી?

વડીલ તરીકે તમે જાણો છો કે ભાઈઓને તાલીમ આપવા સમય કાઢવો ઘણું મહત્ત્વનું છે. * વડીલો, તમે એ પણ જાણો છો કે મંડળને મજબૂત બનાવવા અને ભાવિમાં નવું મંડળ સ્થાપવા ઘણા ભાઈઓની જરૂર પડશે. (યશાયા ૬૦:૨૨ વાંચો.) બાઇબલ જણાવે છે કે તમારે ‘બીજાઓને શીખવવું જોઈએ.’ (૨ તીમોથી ૨:૨ વાંચો.) જોકે, તાલીમ આપવા સમય કાઢવો કદાચ સહેલું નથી. તમારે પોતાના કુટુંબની અને કામ-ધંધાની સંભાળ લેવાની છે. તેમજ, મંડળની દેખરેખ રાખવાની છે અને એની અગત્યની બાબતો હાથ ધરવાની છે. આમ, ઘણું કામ હોવા છતાં, ચાલો જોઈએ કે બીજા ભાઈઓને તાલીમ આપવા સમય કાઢવો શા માટે જરૂરી છે.

તાલીમનું કામ તરત કરવું જરૂરી

૪. અમુક વાર શા માટે વડીલો બીજા ભાઈઓની તાલીમને પાછી ઠેલ્યા કરે છે?

મંડળમાં ભાઈઓને તાલીમ આપવા સમય કાઢવો કેમ અઘરું લાગી શકે? અમુકને કદાચ થાય કે, “મંડળની બીજી બાબતો વધુ અગત્યની છે અને એના પર તરત ધ્યાન આપવું જ જોઈએ. જો બીજાઓને તરત તાલીમ નહિ આપીએ તો મંડળને ખાસ કંઈ નુકસાન નહિ થાય.” પરંતુ, શું એમ વિચારવું યોગ્ય છે? ખરું કે, અમુક બાબતો પર તમારે તરત ધ્યાન આપવું પડશે. જોકે, તમે ભાઈઓની તાલીમને પાછી ઠેલ્યા કરશો, તો એક રીતે કદાચ તમે મંડળને નુકસાન પહોંચાડી રહ્યા છો.

૫, ૬. ગાડી અને એની સંભાળ રાખવાના દાખલામાંથી શું શીખી શકાય? એ દાખલાને આપણે મંડળમાં અપાતી તાલીમ સાથે કઈ રીતે સરખાવી શકીએ?

એક દાખલા પર વિચાર કરો. વ્યક્તિએ ગાડીની સંભાળ રાખવા માટે એનું ઓઇલ સમયે સમયે બદલવું પડે છે. તોપણ, તેને કદાચ લાગી શકે કે ગાડીમાં પેટ્રોલ ભરાવવું વધારે અગત્યનું છે, નહિતર ગાડી ચાલશે જ નહિ. વ્યક્તિ કદાચ એમ પણ વિચારે કે હાલમાં તે ખૂબ વ્યસ્ત છે. તેથી, પછીથી ઓઇલ બદલશે તો ચાલી જશે. કારણ કે, એનાથી ગાડી સાવ બંધ નહિ થઈ જાય. પરંતુ, એમ કરવાથી નુકસાન થઈ શકે. જો વ્યક્તિ સમયસર ઓઇલ બદલશે નહિ, તો વહેલાં કે મોડા ગાડીને નુકસાન થશે. છેવટે, તેણે ગાડી રિપેર કરાવવામાં વધુ સમય અને પૈસા ખર્ચવા પડશે. એમાંથી શું શીખવા મળે છે?

વડીલોએ અગત્યની બાબતો તરત હાથ ધરવી જોઈએ. જો તેઓ એમ નહિ કરે તો એનું પરિણામ મંડળને ભોગવવું પડશે. જેમ ગાડીમાં પેટ્રોલ ભરાવવું જરૂરી છે, તેમ વડીલોએ “જે શ્રેષ્ઠ [“મહત્ત્વનું,” NW] છે” એ પારખી લેવું જરૂરી છે. (ફિલિ. ૧:૧૦) પરંતુ, અમુક વડીલો મહત્ત્વની બાબતોમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે, તેઓ પાસે બીજા ભાઈઓને તાલીમ આપવા સમય રહેતો જ નથી. એ તો જાણે ગાડીનું ઓઇલ બદલવામાં ઢીલ કરવા જેવું છે. ભાઈઓની તાલીમને જો વડીલો પાછી ઠેલ્યા કરશે, તો મંડળને વહેલાં કે મોડા નુકસાન થશે. અરે, વખત જતાં મંડળની સંભાળ લેવા માટે તાલીમ પામેલા પૂરતા ભાઈઓ નહિ હોય.

૭. તાલીમમાં સમય આપતા વડીલો મંડળની નજરે કેવા છે?

તેથી, તાલીમ આપવાને કદીયે ઓછી આંકશો નહિ. મંડળના ભાવિની ચિંતા કરનાર વડીલો બીજા ભાઈઓને તાલીમ આપવા સમય કાઢશે. એમ કરશે ત્યારે તેઓ મંડળની નજરે સમજદાર અને મૂલ્યવાન સેવકો સાબિત થશે. (૧ પીતર ૪:૧૦ વાંચો.) એનાથી, મંડળને કઈ રીતે ફાયદો થાય છે?

સમયનો સારો ઉપયોગ

૮. (ક) કયાં કારણોને લીધે વડીલોએ બીજા ભાઈઓને તાલીમ આપવી જોઈએ? (ખ) જરૂર વધુ હોય ત્યાં સેવા આપતા વડીલે કઈ જવાબદારી તાત્કાલિક હાથ ધરવી જોઈએ? (“ તરત તાલીમ આપવી” બૉક્સ જુઓ.)

સૌથી અનુભવી ગણાતા વડીલોએ પણ નમ્ર બનીને સ્વીકારવું જોઈએ કે તેઓની ઉંમર થઈ રહી છે. તેઓ હાલમાં જેટલું કરી શકે છે એટલું આગળ જતાં નહિ કરી શકે. (મીખા. ૬:૮) ઉપરાંત, વડીલોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે “સમય અને સંજોગો”ની અસર તેઓને થઈ શકે. અને અચાનક તેઓ માટે જવાબદારીઓ ઉપાડવી મુશ્કેલ બની શકે. (સભા. ૯:૧૧, ૧૨, કોમન લેંગ્વેજ; યાકૂ. ૪:૧૩, ૧૪) તેઓ યહોવાના લોકોને પ્રેમ કરે છે અને તેઓની સંભાળ રાખે છે. તેથી, વડીલો પોતાનાં વર્ષોના અનુભવમાંથી યુવાન ભાઈઓને શીખવવા બનતું બધું કરશે.—ગીતશાસ્ત્ર ૭૧:૧૭, ૧૮ વાંચો.

૯. ભાવિનો કયો બનાવ તાલીમ આપવાને અગત્યની સાબિત કરે છે?

બીજા ભાઈઓને તાલીમ આપતા વડીલો મૂલ્યવાન છે, કેમ કે તેઓના એ પ્રયત્નો મંડળને મજબૂત કરે છે. એ તાલીમથી બીજા ઘણા ભાઈઓ મંડળમાં સંપ જાળવી રાખવામાં અને યહોવાને વફાદાર રહેવામાં મદદ આપી શકે છે. આ છેલ્લા દિવસોમાં એમ કરવું બહુ મહત્ત્વનું છે. અને આવનારી મોટી વિપત્તિમાં તો એ ઘણું અગત્યનું સાબિત થશે. (હઝકી. ૩૮:૧૦-૧૨; મીખા. ૫:૫, ૬) તેથી, વહાલા વડીલો, તમે બીજા ભાઈઓને તાલીમ આપવા માટે નિયમિત સમય કાઢો. એની શરૂઆત આજથી જ કરો!

૧૦. બીજા ભાઈઓને તાલીમ આપવા વડીલો સમય કઈ રીતે કાઢી શકશે?

૧૦ અમે સમજીએ છીએ કે મંડળની મહત્ત્વની જવાબદારીઓ નિભાવવામાં તમે પહેલેથી જ ઘણા વ્યસ્ત છો. તોપણ, તમે એમાંથી થોડો સમય કાઢીને તાલીમ આપવામાં વાપરી શકો. (સભા. ૩:૧) એમ કરવાથી તમે તમારા સમયનો ઘણો સારો ઉપયોગ કરી શકશો અને એનાથી ભાવિમાં મંડળને મદદ મળશે.

યોગ્ય માહોલ ઊભો કરો

૧૧. (ક) જુદા જુદા દેશોના વડીલોનાં સૂચનોમાં શી ખાસિયત જોવા મળી? (ખ) નીતિવચનો ૧૫:૨૨ પ્રમાણે, શા માટે બીજા વડીલોનાં સૂચનો પર વિચાર કરવો જોઈએ?

૧૧ અમુક વડીલો મંડળમાં ભાઈઓને તાલીમ આપવામાં સફળ થયા છે. * સફળ રીતે તાલીમ આપવા વિશે તેઓ પાસેથી સૂચનો લેવામાં આવ્યાં. જુદા જુદા સંજોગોમાં હોવા છતાં, એ બધા વડીલોની સલાહ લગભગ સરખી હતી. એનાથી શું સાબિત થાય છે? એ જ કે બાઇબલ આધારિત હોવાથી એ તાલીમ ‘બધે અને દરેક મંડળ’માં ભાઈઓને ઉપયોગી બની છે. (૧ કોરીં. ૪:૧૭) એ વડીલોએ આપેલાં સૂચનોની આપણે આ અને આવતા લેખમાં ચર્ચા કરીશું. (નીતિ. ૧૫:૨૨) આ લેખમાં આપણે, તાલીમ આપતા ભાઈઓને “શિક્ષક” અને તાલીમ લેનારને “શીખનાર” કહીશું.

૧૨. વડીલે શું તૈયાર કરવાની જરૂર છે અને શા માટે?

૧૨ પહેલું સૂચન હતું કે, વડીલે તાલીમ આપતા પહેલાં યોગ્ય માહોલ ઊભો કરવો જોઈએ. એ શા માટે જરૂરી છે? જરા વિચારો કે, માળીએ બીજ રોપતા પહેલાં જમીનને તૈયાર કરવી જરૂરી છે. એ જ રીતે, એક શિક્ષકે નવી આવડતો શીખવતા પહેલાં શીખનારનું દિલ તૈયાર કરવું જરૂરી છે. શિક્ષક તાલીમ માટે યોગ્ય માહોલ કઈ રીતે ઊભો કરી શકે? તે પ્રાચીન સમયના શમૂએલ પ્રબોધકને અનુસરી શકે, જે એક કુશળ શિક્ષક હતા.

૧૩-૧૫. (ક) યહોવાએ શમૂએલને શું કરવાનું કહ્યું? (ખ) નવી જવાબદારી માટે શાઊલને શમૂએલે કઈ રીતે તૈયાર કર્યા? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ગ) શા માટે બાઇબલમાં નોંધાયેલો શમૂએલનો અહેવાલ આજે વડીલો માટે કીમતી છે?

૧૩ લગભગ ત્રણ હજાર વર્ષો પહેલાંની વાત છે. એક દિવસે મોટી ઉંમરના પ્રબોધક શમૂએલને યહોવા કહે છે: “કાલે, આશરે આ વેળાએ, બિન્યામીનના દેશમાંથી એક માણસને હું તારી પાસે મોકલીશ, મારા ઈસ્રાએલ લોક પર સરદાર તરીકે તું તેનો અભિષેક કરજે.” (૧ શમૂ. ૯:૧૫, ૧૬) શમૂએલ સમજી જાય છે કે ઈસ્રાએલ રાષ્ટ્રને દોરવાનું કામ હવેથી તેમણે કરવાનું નથી. યહોવા ચાહે છે કે શમૂએલ એ કામ માટે એક નવા આગેવાનને અભિષિક્ત કરે. શમૂએલને થયું હશે કે એ વ્યક્તિને નવી જવાબદારી માટે તૈયાર કરવા શું કરવું જોઈએ. તેમને એક વિચાર આવે છે અને એ પ્રમાણે તે યોજના બનાવે છે.

૧૪ બીજા દિવસે શમૂએલ શાઊલને મળે છે. ત્યારે શમૂએલને યહોવા કહે છે: ‘જે માણસ વિશે મેં તને કહ્યું હતું તે આ છે.’ શમૂએલ નક્કી કર્યા પ્રમાણે તરત કરે છે. તે શાઊલને અને તેના ચાકરને એક જગ્યાએ જમવા બોલાવે છે. તે તેઓને સૌથી સારી જગ્યા અને માંસના સૌથી સારા ટૂકડા આપે છે. શમૂએલ કહે છે: ‘ખા, કેમ કે મેં આ અવસર માટે તારા માટે એ રાખી મૂકેલું છે.’ શમૂએલ જમ્યા પછી શાઊલને પોતાના ઘરે બોલાવે છે. રસ્તામાં એ બંને જણ સારી વાતચીતનો આનંદ માણે છે. તેઓ શમૂએલના ઘરે પહોંચે છે ત્યારે ધાબા પર જાય છે. તેઓ ઊંઘી ગયા ત્યાં સુધી શમૂએલે “તેની સાથે વાતચીત” ચાલુ રાખી. (૧ શમૂ. ૯:૨૫, IBSI) બીજા દિવસે શમૂએલ શાઊલને અભિષિક્ત કરે છે, ચુંબન કરે છે અને સૂચનો આપે છે. એ પછી શાઊલ પોતાના ઘરે જાય છે. અને આવનાર સમય માટે તૈયાર થાય છે.—૧ શમૂ. ૯:૧૭-૨૭; ૧૦:૧.

૧૫ શમૂએલ પ્રબોધકે શાઊલને રાષ્ટ્રના આગેવાન તરીકે અભિષિક્ત કર્યા. જોકે, એમાં અને મંડળમાં કોઈ ભાઈને વડીલ તરીકે અથવા સેવકાઈ ચાકર તરીકે તૈયાર કરવામાં ઘણો ફરક છે. છતાં, જે રીતે શમૂએલે શાઊલનું દિલ તૈયાર કર્યું એમાંથી વડીલો ઘણા મહત્ત્વના બોધપાઠ લઈ શકે. ચાલો, એમાંના બે વિશે ચર્ચા કરીએ.

શીખવવાની ઇચ્છા બતાવો અને સારા મિત્રો બનો

૧૬. (ક) ઈસ્રાએલીઓએ રાજાની માંગણી કરી ત્યારે શમૂએલને કેવું લાગ્યું? (ખ) યહોવાએ શાઊલને અભિષિક્ત કરવા કહ્યું ત્યારે શમૂએલે કેવું વલણ બતાવ્યું?

૧૬ અચકાશો નહિ, શીખવવાની ઇચ્છા બતાવો. જ્યારે શમૂએલે સાંભળ્યું કે ઈસ્રાએલીઓ માનવીય રાજાની માંગણી કરી રહ્યા છે, ત્યારે તેમને ઘણું દુઃખ થયું. તે નિરાશ થયા અને તેમને લાગ્યું કે લોકોએ તેમને નકાર્યા છે. (૧ શમૂ. ૮:૪-૮) શમૂએલ તેઓને માનવીય રાજા આપવા ચાહતા ન હતા. એટલે, યહોવાએ ત્રણ વખત તેમને લોકોની વાત માનવા જણાવ્યું. (૧ શમૂ. ૮:૭, ૯, ૨૨) ભલે, શમૂએલને એવી લાગણી થઈ. પરંતુ, તેમને એ વ્યક્તિ પર ઈર્ષા કે ગુસ્સો આવ્યો નહિ, જે તેમની જગ્યાએ આગેવાની લેવાની હતી. યહોવાએ જ્યારે શાઊલનો અભિષેક કરવા કહ્યું, ત્યારે શમૂએલ એમ કરવાથી અચકાયા નહિ. તેમણે યહોવાનું કહ્યું કરવાની દિલથી ઇચ્છા બતાવી. ફક્ત આજ્ઞા માનવા ખાતર નહિ, પણ યહોવાને ચાહતા હોવાથી તેમણે એમ કર્યું.

૧૭. આજે, વડીલો કઈ રીતે શમૂએલને અનુસરે છે? એનાથી તેઓને કયો આનંદ મળે છે?

૧૭ આપણી મધ્યે એવા ઘણા વડીલો છે, જેઓએ શમૂએલનું અનુકરણ કર્યું છે અને બીજા ભાઈઓને પ્રેમથી તાલીમ આપી છે. (૧ પીત. ૫:૨) આ નમ્ર વડીલો બીજાઓને શીખવવાની દિલથી ઇચ્છા બતાવે છે. તેઓ પોતાને મળેલા અમુક લહાવા છીનવાઈ જશે એવો ડર રાખ્યા વગર ભાઈઓને શીખવે છે. તેઓ એવા ભાઈઓને મૂલ્યવાન “સહાયકારીઓ” ગણે છે, જેઓ મંડળની સંભાળ લેવામાં મદદ કરી રહ્યા છે. (૨ કોરીં. ૧:૨૪; હિબ્રૂ ૧૩:૧૬) શીખનાર ભાઈ યહોવાના લોકોની સંભાળ લેવામાં પોતાની આવડતો વાપરે છે, એ જોઈને નિઃસ્વાર્થ વડીલો ખુશ થાય છે.—પ્રે.કૃ. ૨૦:૩૫.

૧૮, ૧૯. એક વડીલ શીખનાર ભાઈનું દિલ કઈ રીતે તાલીમ માટે તૈયાર કરી શકે? એમ કરવું શા માટે મહત્ત્વનું છે?

૧૮ મિત્ર બનો, ફક્ત શિક્ષક નહિ. શમૂએલ શાઊલને મળ્યા ત્યારે તેમણે તેલની કુપ્પી લીધી હોત અને શાઊલના માથા પર તેલ રેડીને તરત અભિષેક કરી શક્યા હોત. એ રીતે કદાચ નવા રાજા અભિષિક્ત થઈ ગયા હોત. પરંતુ, એ રાજા ઈશ્વરના લોકોની આગેવાની લેવા કદાચ પૂરી રીતે તૈયાર ન હોત. તેથી, શમૂએલે નવી જવાબદારી માટે શાઊલનું દિલ તૈયાર કરવામાં સમય આપ્યો. શાઊલને અભિષેક કરતા પહેલાં તેઓ બંને ચાલવા ગયા અને લાંબા સમય સુધી એકબીજા જોડે વાતો કરી. તેમજ, પૂરતો આરામ પણ લીધો. શમૂએલે નવા રાજાનો અભિષેક કરવા માટે યોગ્ય સમયની રાહ જોઈ.

તાલીમ આપવાની શરૂઆત મિત્ર બનવાથી થાય છે (ફકરા ૧૮, ૧૯ જુઓ)

૧૯ એવી જ રીતે, તાલીમ આપતા પહેલાં વડીલે શીખનાર ભાઈ સાથે મિત્રતા કરવી જોઈએ. શીખનાર ભાઈને હળવાશનો અનુભવ કરાવવા એક વડીલ જે રીત અજમાવે છે, એ સંજોગો અને સંસ્કૃતિ પ્રમાણે જુદી જુદી હોય શકે. વડીલ ગમે ત્યાં રહેતા હોય, તેમણે પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢવો જોઈએ, જેથી શીખનાર ભાઈ સાથે સમય વિતાવી શકે. જો વડીલ એમ કરશે તો શીખનાર ભાઈ જોઈ શકશે કે વડીલના મને તે મહત્ત્વના છે. (રોમનો ૧૨:૧૦ વાંચો.) ખરેખર, તેમણે બતાવેલાં પ્રેમ અને કાળજી માટે શીખનાર ભાઈના મનમાં ઊંડી કદર જાગશે.

૨૦, ૨૧. (ક) તમે સફળ શિક્ષક કોને કહેશો? (ખ) આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૨૦ એક સફળ શિક્ષક બીજાઓને તાલીમ આપવા જરૂર ચાહશે. જોકે, તે શીખનારને ચાહે એ વધારે જરૂરી છે. (વધુ માહિતી: યોહાન ૫:૨૦) એમ કરવું શા માટે જરૂરી છે? કેમ કે, જો શીખનાર વ્યક્તિને લાગશે કે તેની ખરેખર કાળજી લેવામાં આવી રહી છે, તો જ તે શીખવાની ઇચ્છા બતાવશે. તેથી, વડીલો, તમે ફક્ત શિક્ષક બનવાનો નહિ, એક સારા મિત્ર બનવાનો પ્રયત્ન કરો!—નીતિ. ૧૭:૧૭; યોહા. ૧૫:૧૫.

૨૧ શીખનારનું દિલ તૈયાર કર્યા પછી, વડીલ તેને તાલીમ આપવાનું શરૂ કરી શકે. એ માટે વડીલ કઈ રીતો અપનાવી શકે? એ વિશે આપણે આવતા લેખમાં ચર્ચા કરીશું.

^ ફકરો. 3 આ અને આવતો લેખ ખાસ કરીને વડીલો માટે લખવામાં આવ્યો છે. પરંતુ, એ માહિતીમાં દરેકને રસ હોવો જોઈએ. શા માટે? એ માહિતી બધા જ ભાઈઓને સમજવા મદદ કરશે કે મંડળમાં વધુ કરવા માટે તેઓને તાલીમની જરૂર છે. મંડળમાં વધારે ભાઈઓ તાલીમ પામેલા હશે તો બધાને ફાયદો થશે.

^ ફકરો. 11 એ વડીલો ઑસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, બેલ્જિયમ, બ્રાઝિલ, ફ્રાંસ, ફ્રેંચ ગુએના, જાપાન, કોરિયા, મૅક્સિકો, નામિબિયા, નાઇજીરિયા, રિયુનિયન, રશિયા, દક્ષિણ આફ્રિકા અને અમેરિકામાં રહે છે.