સ્કીપ ટુ કન્ટેન્ટ

ઈસુને કેમ ઈશ્વરના દીકરા કહેવામાં આવે છે?

ઈસુને કેમ ઈશ્વરના દીકરા કહેવામાં આવે છે?

શાસ્ત્રમાંથી જવાબ

 બાઇબલમાં ઘણી વાર ઈસુને “ઈશ્વરના દીકરા” કહ્યા છે. (યોહાન ૧:૪૯) “ઈશ્વરના દીકરા,” આ શબ્દોથી સાફ જોવા મળે છે કે ઈશ્વરે બધી વસ્તુઓનું સર્જન કર્યું. અરે, તેમણે ઈસુને પણ બનાવ્યા. (ગીતશાસ્ત્ર ૩૬:૯; પ્રકટીકરણ ૪:૧૧) બાઇબલ એવું નથી જણાવતું કે, જેમ માણસ પોતાના બાળકને જન્મ આપે છે, તેમ ઈશ્વરે પોતાના દીકરાને જન્મ આપ્યો.

 બાઇબલમાં સ્વર્ગદૂતોને પણ “સાચા ઈશ્વરના દીકરાઓ” કહ્યા છે. (અયૂબ ૧:૬) એટલું જ નહિ, બાઇબલમાં જણાવ્યું છે કે પહેલો માણસ આદમ પણ “ઈશ્વરનો દીકરો” હતો. (લૂક ૩:૩૮) પણ બાઇબલમાં જણાવ્યું છે કે ઈસુ જ ઈશ્વરના ખાસ દીકરા છે. શા માટે? કારણ કે ઈશ્વરે સૌથી પહેલા ઈસુનું સર્જન કર્યું. તેમણે પોતે ઈસુને બનાવ્યા હતા.

 ઈસુએ પૃથ્વી પર જન્મ લીધો એ પહેલાં શું તે સ્વર્ગમાં હતા?

 હા. ઈસુએ પૃથ્વી પર જન્મ લીધો એ પહેલાં તે સ્વર્ગમાં રહેતા હતા અને તેમનું શરીર માણસો જેવું ન હતું. ઈસુએ પોતે કહ્યું: ‘હું સ્વર્ગમાંથી નીચે આવ્યો છું.’—યોહાન ૬:૩૮; ૮:૨૩.

 ઈશ્વરે સૃષ્ટિમાં સૌથી પહેલાં ઈસુને બનાવ્યા હતા. ઈસુ વિશે બાઇબલમાં લખ્યું છે:

 એક ભવિષ્યવાણી પ્રમાણે ઈસુની “શરૂઆત પ્રાચીન સમયથી, હા, યુગોથી છે.”—મીખાહ ૫:૨; માથ્થી ૨:૪-૬.

 ઈસુ પૃથ્વી પર આવ્યા એ પહેલાં શું કરતા હતા?

 સ્વર્ગમાં તેમની પાસે ઊંચી પદવી હતી. એકવાર ઈસુએ પ્રાર્થનામાં કહ્યું હતું કે, સ્વર્ગમાં તેમની પાસે ઊંચી પદવી હતી. તેમણે કહ્યું: ‘પિતા, મને એવો મહિમા આપો, જેવો મહિમા દુનિયાની શરૂઆત પહેલાં મને તમારી સાથે રહીને મળ્યો હતો.’—યોહાન ૧૭:૫.

 તેમણે સૃષ્ટિની બીજી બધી વસ્તુઓ બનાવવામાં પિતાની મદદ કરી. ઈસુએ “કુશળ કારીગર તરીકે” પોતાના પિતા સાથે કામ કર્યું હતું. (નીતિવચનો ૮:૩૦) બાઇબલમાં લખ્યું છે કે, “તેમના દ્વારા સ્વર્ગમાં અને પૃથ્વી પર બધું બનાવવામાં આવ્યું છે.”—કોલોસીઓ ૧:૧૬.

 ઈશ્વરે ઈસુ દ્વારા સ્વર્ગદૂતોને બનાવ્યા. સાથે સાથે તેમણે સૃષ્ટિની બીજી વસ્તુઓ બનાવી. જેમ કે, ઝાડપાન, પ્રાણીઓ અને માણસો. (પ્રકટીકરણ ૫:૧૧) ઈશ્વરે ઈસુ સાથે મળીને આખા વિશ્વનું સર્જન કર્યું. ચાલો એ સમજવા એક દાખલો લઈએ. એક ઘરના માલિક પોતાના ઘરની મરામત કરાવવા કારીગરને બોલાવે છે. ભલે કામ કારીગર કરે, પણ શું કામ કરવું, કેટલું કરવું એ બધા નિર્ણયો માલિક લે છે. એવી જ રીતે, ઈશ્વર માલિક જેવા છે અને ઈસુ કારીગર જેવા છે.

 ઈસુને શબ્દ કહેવામાં આવ્યા છે. બાઇબલમાં લખ્યું છે કે ઈસુ પૃથ્વી પર આવ્યા એ પહેલાં તે “શબ્દ” તરીકે ઓળખાતા હતા. (યોહાન ૧:૧) એનો અર્થ થાય કે ઈશ્વર પોતાના દીકરા દ્વારા બીજા સ્વર્ગદૂતોને જાણકારી અને માર્ગદર્શન આપતા હતા.

 ઈશ્વરે માણસો સાથે વાત કરવા પણ ઈસુનો ઉપયોગ કર્યો હતો. એદન બાગમાં આદમ અને હવાને માર્ગદર્શન આપવા ઈશ્વરે કદાચ તેમનો જ ઉપયોગ કર્યો હતો. (ઉત્પત્તિ ૨:૧૬, ૧૭) એ ઉપરાંત, ઇઝરાયેલીઓને વેરાન પ્રદેશમાં રસ્તો બતાવવા ઈશ્વરે એક સ્વર્ગદૂતને જવાબદારી સોંપી હતી. ઈશ્વરે એ પણ કહ્યું હતું કે, તેઓએ એ દૂતની આજ્ઞાઓ પાડવાની હતી. એ સ્વર્ગદૂત કદાચ ઈસુ જ હતા.—નિર્ગમન ૨૩:૨૦-૨૩. a

a ઈશ્વરે ફક્ત ઈસુ દ્વારા વાત કરી ન હતી. દાખલા તરીકે, તેમણે બીજા સ્વર્ગદૂતો દ્વારા ઇઝરાયેલીઓને નિયમશાસ્ત્ર આપ્યો હતો.—પ્રેરિતોનાં કાર્યો ૭:૫૩; ગલાતીઓ ૩:૧૯; હિબ્રૂઓ ૨:૨, ૩.